સાવધાન બનો, સફળ થાવ ત્યારે !
પારિજાતનોપરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
હજી ગયા ઑગસ્ટ મહિનામાં બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારતને અદ્વિતીય ગૌરવ અપાવ્યું, એ પી.વી. સિંધુ છેલ્લા ત્રણ મહિનામાં ચીન, હોંગકોંગ, ડેન્માર્ક અને ફ્રાન્સમાં યોજાયેલી બેડમિન્ટન સ્પર્ધામાં પ્રારંભે જ પરાજય પામી એનું કારણ શું ? જેમ પરાજય મળશે એવો ભય ખેલાડીને પજવતો હોય છે, એ જ રીતે કોઈ પણ ભોગે વિજય મેળવવો પડશે એવો ભાવ પણ એને મુંઝવતો હોય છે. એક વાર વિજય મેળવ્યા પછી એને સતત જાળવી રાખવા માટે મહેનત કરવી પડે છે.
ભારતમાં વિજય- હારનાં લેખાં-જોખાં સતત થયાં હોય છે. ખેલાડી કે ટીમ વિજય મેળવે, તો તેને આસમાને બેસાડી દેવાય છે અને પરાજય સામે તો એને ભોંયભેગો કરી દેવામાં આવે છે. અજિત વાડેકરની આગેવાની હેઠળ ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની ધરતી પર વિજય મેળવીને ૧૯૭૧માં ભારત પાછી ફરી, ત્યારે એ ક્રિકેટરોના હસ્તાક્ષર ધરાવતા મોટા બેટની આરસમાં બનેલી પ્રતિકૃતિ ચોકમાં મૂકવામાં આવી, તે જ અજિત વાડેકર ૧૯૭૪માં પરાજય પામ્યો ત્યારે એના ઘર પર પથ્થરમારો થયો હતો અને વિજયના સ્મારક એવા બેટને તોડી નાખવામાં આવ્યું હતું.
આમ જ્યારે ટીમ વિજય મેળવતી હોય ત્યારે એની આસપાસ એક એવું વાતાવરણ રચાતું હોય છેકે આ ટીમ 'અપરાજેય' છે અને ટીમને કોઈ હરાવી શકે તેમ નથી એમ માનવામાં આવે છે. હકીકતમાં આવું વાતાવરણ ખેલાડીઓને ભયભીત કરતું હોય છે. ટીમ જીતે ત્યારે ખેલાડી, કોચ કે સુકાની પર પ્રશંસાના પુષ્પો વેરવામાં આવતા હોય છે. કોચને 'જિનિયસ' કહેવામાં આવે છે. કેપ્ટનને અજિત કહેવામાં આવે છે અથવા તો એને શ્રેષ્ઠ સુકાની તરીકે બિરદાવવામાં આવે છે અને વિજેતા ટીમના ખેલાડીઓની તાકાતને ઘણી ઉંચી આંકવામાં આવે છે.
પરંતુ આવી ટીમ નિષ્ફળ જાય તો કોચ અને સુકાનીને હકાલપટ્ટી કરવામાં આવે છે અને ખેલાડીઓની નબળાઈની વાતો ચગાવવામાં આવે છે. સફળતા મળે એટલે વિજ્ઞાપનો માટે લાઇન લાગતી હોય છે અને નિષ્ફળતા મળે એટલે વિજ્ઞાાપન કરનારી કંપનીઓ અદ્રશ્ય થઈ જાય છે અને ક્રિકેટરને બદલે કોઈ અભિનેતાને પોતાના ટીવી વિજ્ઞાપનોમાં ચમકાવવા લાગે છે.
ટીમ વિજય પામતી હોય ત્યારે એની ભીતરમાં ચાલતા દાવપેચના સમાચાર ઓછા ચમકતા હોય છે, પણ જેવો ટીમનો પરાજય થાય કે તરત જ ખેલાડીઓની અંદરોઅંદરની હોંસાતુંસી, સમર્થ ખેલાડીઓ વચ્ચેનો ટકરાવ જેવી બાબતો ચમકવા લાગે છે. આમ સફળતા હોય ત્યારે ટીમના ખેલાડીઓમાં વધુ સહકાર જોવા મળે છે અને નિષ્ફળતા હોય ત્યારે એમની વચ્ચે ટકરાવ જોવા મળે છે.
ખેલાડી કે ટીમને પૂર્વે મળેલી સફળતા એના માથા પર ભૂતની માફક હાવી થઈ જાય છે. આ વાત કદાચ વિચિત્ર લાગશે, પરંતુ આપણી ટીમને ઓવલ કે ઇડન ગાર્ડનમાં સફળતા મળી હોય, તો એ સફળતા મેળવનાર ખેલાડીઓના મન પર એનો ભૂતકાળ છવાયેલો હોય છે. એ સમયે ટીમે એમની કામયાબી માટે એને વિશિષ્ટ બહુમાન આપ્યું હોય, તો એ એના મનમાં સતત ઘૂમતું હોય છે. આમ જૂની સફળતાનો બોજ લઈને એ મેદાન પર ઉતરતો હોય છે.
લંડન ઑલિમ્પિક પૂર્વે ભારતીય નિશાનબાજ અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એ પછીની એ લંડનની ઑલિમ્પિકમાં ભાગ લેવા ગયો, ત્યારે એના મનમાં ભૂતકાળનું પેલું દ્રશ્ય સતત ઝળુંબતુ હતું કે પોતે અગાઉની ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક પામ્યો હતો અને કેવા ભવ્ય દબદબા સાથે એણે આ સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો.
એ વાતાવરણ, એ પરિસ્થિતિ અને સુવર્ણચંદ્રક અભિનવ બિંદ્રાના મનમાં એવા જડાઈ ગયા કે લંડન ઑલિમ્પિકમાં ભાગ લેતી વખતે એને રોજેરોજ ભૂતકાળની ઘટના યાદ આવતી. એ સુવર્ણચંદ્રક મેળવ્યાના દબદબાનું સ્મરણ થયું. આ ભૂતકાળને ભૂલવા માટે અભિનવ બિંદ્રાને ભારે મહેનત કરવી પડી. મનમાં ઘણું મથ્યા પછી એ પુરાણી ઘટનાઓ ભૂલી શક્યો અને વર્તમાન પરિસ્થિતિ અને સ્પર્ધા પર ચિત્તને એકાગ્ર કરી શક્યો.
વિજયનો ભાર જો સમયસર ઉતારી દેવામાં ન આવે તો ખેલાડીને મોટી પરેશાની થાય છે. આથી ૧૯મા વર્ષે ૧૯૯૦માં ટેનિસની યુ.એસ. ઑપન સ્પર્ધા જીત્યા પછી વીસમા વર્ષે એ સ્પર્ધા ખેલવા ગયેલો પીટ સાંપ્રાત પરાજિત થયા, ત્યારે એણે કહ્યું કે મારી પીઠ પર વળગેલા વાંદરાથી હું થોડો મુક્ત થયો. આમ વિજય એ ટીમને માટે કે ખેલાડીને માટે પીઠ પર ચોંટી ગયેલો વાંદરો બની જાય છે.
વિજયનો સૌથી મોટો ભય એ છે કે ટીમ પોતાની શક્તિમર્યાદાનું પૃથક્કરણ કરવાનું ચૂકી જાય છે. વિજય કોઈ એક ખેલાડીને આધારે મળે ત્યારે એવી ઘણી નબળી બાજુઓ હોય છે, પરંતુ એનો કશો વિચાર કરવામાં આવતો નથી. કોઈ હસતાં હસતાં એમ પણ કહે કે જીવતા માનવીનું પોસ્ટમોર્ટમ ન હોય ! પોસ્ટમોર્ટમ તો પરાજિતનું કરવાનું હોય. આપણે ત્યાં વિજયના ઉત્સવોમાં ભાગ્યે જ આવાં વિશ્લેષણો થતા હોય છે એને પરિણામે ખેલાડીની રમતમાં કે ટીમમાં જે કોઈ નાની- મોટી ત્રૂટી હોય, તે એમને એમ જ બરબકાર રહે છે.
વળી જે રમત જે તે દેશમાં વિશાળ લોકચાહના ધરાવતી હોય એ રમતના ખેલાડીઓને માથે સતત બોજ રહેતો હોય છે. ફૂટબોલમાં મેસ્સી હોય કે રોનાલ્ડો, ટેનિસમાં રફાલ હોય કે નદાલ હોય અથવા તો ક્રિકેટમાં કોહલી હોય, તો એને વિજયનો ઘણો મોટો બોજ ઉપાડવો પડે છે. એમના પર સહુની નજર ટકેલી હોવાથી એમને માટે સારું પ્રદર્શન કરવું આવશ્યક અને ક્યારેક અનિવાર્ય હોય છે. આનું કારણ એ છે કે એકવાર તમે વિજય અપાવનારા પુરવાર થાઓ, પછી તમારી પાસે એ અપેક્ષા રહે છે.
તાજેતરમાં વર્ષોમાં મહેન્દ્રસિંહ ધોનીની બાબતમાં આવું બન્યું. વિશ્વના શ્રેષ્ઠ 'ફિનીશર' તરીકે ઓળખાતો મહેન્દ્રસિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી પોતાના ધાર્યા પ્રમાણે ઝડપી રમત ખેલી શકતો નથી અને તેથી મેચની આખરી ઓવરોમાં આવીને જોશીલી બેટિંગ કરીને ધોની જીત અપાવશે એવી ચાહકોની આશા પર વારંવાર પાણી ફરી વળ્યું છે.
વળી મીડિયા પણ વિજેતા તરફ પક્ષપાત દાખવતું હોય છે. એમાં વિજેતાના વખાણ આવતા હોય છે. હવે આ વખાણ જો ખેલાડીના મન પર સવાર થઈ જાય તો એની કારકિર્દીમાં ઘણો અવરોધ આવે છે. એનો 'ઇગો' વકરી જાય છે અને એ પછી એ નિષ્ફળ જાય ત્યારે વિષાદના દરિયામાં ડૂબી જઈને વધુ ને વધુ નિષ્ફળતા પામતો જાય છે.
સચિન તેંડૂલકરે જે સ્વસ્થ રીતે પોતાની સિદ્ધિને પચાવી અને એનો જ સહાધ્યાયી વિનોદ કાંબલી એ સિદ્ધિઓને પચાવી શક્યો નહીં, તે આ હકીકતનું જ્વલંત ઉદાહરણ છે. સફળતા એ ઘણીવાર અહંકાર લાવે છે અને એથી તો બિલ ગેટ્સ જેવાએ પણ કહ્યું છે કે એ સફળતા એ એક એવો ગોબરો શિક્ષક છે કે જેને પરિણામે કેટલાક લોકો ભૂલથી એમ માનવા લાગે છે કે તેઓ કદી હારવાના નથી.
આ રીતે સફળતા સામે સાવધાની એ આજના રમતજગતનું સૂત્ર છે અને સિંધુએ એની સફળતા પછી વ્યસ્ત રહીને મેચો ખેલવાને બદલે સાવધાની રાખી હોય તો એની આવી સ્થિતિ થઈ ન હોત !
મનઝરૂખો
બ્રિટનના મહાન અદાકાર અને કુશળ ફિલ્મ- અભિનેતા સર એલેક ગિનેસે ૧૯૪૬માં ફિલ્મ- કારકિર્દીનો પ્રારંભ કર્યો. એક ફિલ્મમાં એણે આઠ જુદી જુદી ભૂમિકાઓ ભજવી હતી. બ્રિટીશ કૉમેડીમાં એણે હાસ્ય- અદાકાર તરીકે નામના મેળવી અને વિખ્યાત ફિલ્મ 'ધ બ્રિજ ઑન ધ રિવર કવાઈ' (૧૯૫૭)માં યુદ્ધ કેદીઓની છાવણીમાં રહેલા બ્રિટીશ ઑફિસરની ભૂમિકા માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો. ટેલિવિઝન પર એણે ઉત્કૃષ્ટ અદાકારી દાખવી અને ૧૯૮૦માં ફિલ્મના ક્ષેત્રના એના પ્રદાનને માટે માનદ એકેડેમી એવોર્ડ મેળવ્યો હતો. આવા સર એલેક ગિનેસ પ્રસિદ્ધિની પરાકાષ્ઠાએ હતા ત્યારે એમને મળવા માટે એક અમેરિકન અબજોપતિ આવ્યા. એમણે આ વિખ્યાત અભિનેતાને કહ્યું, 'આપને મળીને હું ખૂબ ખુશ થયો છું.'
સર એલેક ગિનેસે શિષ્ટતાપૂર્ણ પ્રત્યુત્તર વાળતા કહ્યું, 'આપના જેવી ધનાઢ્ય વ્યક્તિને મળતાં હું પણ આનંદ અનુભવું છું.'
અમેરિકન ધનપતિએ મૂળ વાત પર આવતા કહ્યું, 'હું એક દરખાસ્ત લઈને આવ્યો છું. આપ એના પર વિચાર કરશો અને સ્વીકૃતિ આપશો એવી આશા રાખું છું.'
સર એલેક ગિનેસે કહ્યું, 'કહો, શી છે આપની દરખાસ્ત ?'
અમેરિકન ધનપતિએ વાતમાં મોણ નાખતા કહ્યું, 'સાહેબ, આપ મારી આ દરખાસ્ત સ્વીકારશો તો આપ પણ મારી માફક વિશ્વની અત્યંત ધનાઢ્ય વ્યક્તિ બની જશો. આપને કલ્પનાતીત ધન મળશે.'
સર એલેક ગિનેસે કહ્યું,'કહો, કેટલું ધન મળશે ?'
અમેરિકન ધનપતિએ ઉત્સાહભેર કહ્યું, 'પૂરા સત્તર મિલિયન ડોલર !'
અદાકાર એલેક ગિનેસે કહ્યું, 'સાચે જ ઘણી મોટી રકમ છે. પણ એ માટે મારે શું કરવાનું છે ?' ધનપતિએ કહ્યું, 'ખાસ કોઈ મોટું કામ કરવાનું નથી. નાના કામના અઢળક દામ છે. મારી દારૂની વિખ્યાત કંપનીના વિજ્ઞાાપન માટે તમારે મોડેલિંગ કરવાનું છે. મારે મારી કંપનીને દુનિયાની પહેલા નંબરની કંપની બનાવવી છે. એને માટે દારૂની વિજ્ઞાાપનમાં તમારા જેવી વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિને 'મોડેલ' તરીકે લેવા માંગુ છું.'
સર એલેક ગિનેસે કહ્યું, 'બરાબર, કહો શું કરવાનું છે ?'
ધનપતિએ કહ્યું, 'તમારે તમારા હાથમાં દારૂથી છલોછલ ગ્લાસ લેવાનો ને એના ઘૂંટડા પીવાના. થોડી જ વારમાં તમે એક નવી વ્યક્તિ તરીકે દેખાઓ. યુવાન, છટાદાર અને આકર્ષક ! મારી દરખાસ્ત મંજૂર છે ને ?'
સર એલેક ગિનેસે કહ્યું, 'માફ કરજો, સાહેબ ! મારાથી આ નહીં થધય. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, તો પછી હું લોકોને આવું ઝેર પીવાની સલાહ અને ભલામણ કઈ રીતે કરી શકું ? મને માફ કરજો.'
ક્ષણનો સાક્ષાત્કાર
તમે જાણો છો કે તમારું સાચું સરનામું ખોવાઈ ગયું છે ! કોઈ બહુરૂપી જુદા જુદા વેશ લઈને તખ્તા પર જાત-ભાતના ખેલ ભજવે, એમ તમે જાતજાતના વેશ ધારણ કરીને સ્વયંને સતત છૂપાવી રહ્યા છો. કોઈ એના હોઠ પર બનાવટી સ્મિત ચિપકાવી રાખે છે, તો કોઈ આંખો દ્વારા ઉછીની નજાકત કે સંવેદના ટપકાવે છે.
મન ક્યાંય દૂર દોડતું હોય, છતાં સ્થિતપ્રજ્ઞાનો ચહેરો ધારણ કરે છે આમ ચહેરા પર વખતોવખત જુદાં જુદાં મહોરાં પહેરીને એ જીવન જીવે છે. પોતે જે નથી, તે દેખાવાનો- દેખાડવાનો પ્રયત્ન કરે છે. જેમાં એને લેશમાત્ર વિશ્વાસ નથી, એમાં પૂર્ણ શ્રદ્ધા સ્થાપી હોય તેવો ડોળ કરે છે. સહુને પારખવાની કોશિષ કરે છે, પણ પોતાની જાતને જાણવાની કોશિશ કરતો નથી. પરિણામે આખી જિંદગી જીવે છે, તેમ છતાં એને એનું પોતાનું સાચું સરનામું હાથ લાગતું નથી.
વિચિત્ર કહો તો વિચિત્ર અને વિસ્મયભરી કહો તો વિસ્મયભરી વાત એ છે કે જીવનનું સાચું સરનામું એને છેક એના અંતિમ કાળ સમયે હાથ લાગે છે. પલંગમાં પડખે મૃત્યુ બેઠું હોય ત્યારે માનવી એનું સાચું સરનામું મેળવી શકે છે. આ એવો સમય હોય છે કે જ્યારે માનવી પારદર્શક અને નિરાવરણ હોય છે. એના સઘળાં મહોરાં ઉતારીને અસલી ચહેરા સાથે હોય છે. એ ક્ષણે ન કોઈ ગર્વિષ્ઠ આડંબર ધારણ કરે છે અથવા તો જિંદગીનો કોઈ દાવપેચ ખેલતો નથી. બસ, મૃત્યુને પાસે જુએ એટલે એને એમાં જીવનનું સાચું સરનામું મળી જાય છે.
દીર્ઘજીવનનો હિસાબ એને આખરી થોડીક ક્ષણોમાં પ્રાપ્ત થાય છે. જીવન સાફલ્યનો આનંદ કે જિંદગી વેડફી નાખ્યાની વિફળતાનો વસવસો મૃત્યુની ક્ષણોમાં પ્રગટ થાય છે. જિંદગી ગુમાવ્યાના આંસુ કે જીવન જીવવાની પ્રસન્નતા એની આંખોમાં ડોકિયાં કરશે. અન્ય સાથેના કે પોતાની જાત સાથેના પ્રપંચથી વેગળો બનીને એ માત્ર અસલી માનવી બની રહેશે અને પોતાનું સાચું સરનામું પામશે.