ગઠબંધનની સરકાર ક્યારેય લોકશાહીની પર્યાય બની શકે નહિ !
ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી
ઉધ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા બહુ હરખઘેલા થવાની જરૃર નથી. જે કાંઈ થઈ રહ્યું છે ને જે કાંઈ થવાનું છે એમાં સૌથી વધુ નુકશાન શિવસેનાને જ થશે અને સૌથી વધુ ઉધ્ધવ ઠાકરેને વેઠવાનું આવશે
વિચારશીલતા, એ કુદરત તરફથી માણસને મળેલી અમૂલ્ય જણશ છે. વિચારશીલતા માણસ હોવાનો પુરાવો છે. કારણ કે એ જણસ માણસ સિવાય અન્ય કોઇ પ્રાણીને પ્રાપ્ત થઇ નથી ! આવતીકાલે શું થશે, એ અંગે માણસ સિવાય અન્ય પ્રાણીને ચિંતા પજવતી નથી. જાનવરને ભૂતપ્રેતનો ડર નથી. માણસને ભૂતપ્રેતનો ડર લાગે છે ! કેટલાક વિચારશીલ બૌધ્ધિક લોકોને પણ ભૂતપ્રેત જેવા કાલ્પનિક પાત્રો પજવતા હોય છે. બૌધ્ધિક લોકોને ભૂતપ્રેતનો ડર નથી ! પણ ભૂતપ્રેત જેવું કશું જ હોતુ નથી એવું સાબિત કરવાના એમની પાસે પુરાવા નથી, એટલે લોકોને એ સમજાવી શકતા નથી, જ્યારે ભૂતપ્રેત હોવાની કાલ્પનિક વાતો કરનાર એક શોધો ને દસ મળી આવશે.
એમની પાસે પણ ભૂતપ્રેત હોવાનો કોઇ પુરાવો ન હોવા છતાં - 'મેં ફલાણી જગ્યાએ ભૂતનો કે ચૂડેલને જોઇ છે એવું છાતી ઠોકીને કહેવાની હિંમત એનામા ક્યાંથી આવી જાય છે એ જ સમજાતું નથી ! એની સામે ભૂતપ્રેતનું ક્યાંય કોઇ અસ્તિત્વ નથી એવું છાતી ઠોકીને બૌધ્ધિકો કહી શકતા નથી ને કહી શકતા હોય ત્યાં એ લોકોને સમજાવી શકતા નથી ! ભૂતપ્રેતના અસ્તિત્વને સ્વીકાર પાસે અનેક કાલ્પનિક વાર્તાઓ છે.
એનો અસ્વીકાર પાસે એવી કલ્પના નથી. ભૂતપ્રેતના અસ્તિત્વ વિશે ગામના ચોરે ચૌટે મિત્રોની મંડળી પૂરતી સિમિત નથી ! ભૂતપ્રેતના પુસ્તકો લખાયા છે. હોરર ફિલ્મો બની છે. ટી.વી. સિરિયલોમાં તો ભૂતપ્રેતની એકાદ સિરિયલ તો ધામા નાખીને પડી હોવાનું બારેમાસ જોવા મળે છે !
વિચારશીલતા માણસ હોવાનો પુરાવો છે પણ એ પુરાવો જ એને વધુ દુ;ખી કરે છે ! પશુપક્ષીને વિદેશથી કાળુ નાણુ પાછા આવવાની રાહ જોવી નથી પડતી. વિચારશીલ માણસને કાળાનાણાની પ્રતીક્ષા પજવે છે ! ખાસ તો એનો વિશ્વાસ એને પજવે છે. એણે જ્યાં જ્યાં વિશ્વાસ હતો ત્યાં ત્યાંથી વિશ્વાસ ઘટવા માંડયો છે ! કાળુનાણુ પાછું આવશે,એવો એને વિશ્વાસ હતો, એ વિશ્વાસ તૂટી ગયો છે.
ગરીબી અને બેકારી દૂર થવાની એની આશા પર પાણી ફરી વળ્યું છે ! મિડિયાની નિસપક્ષતાનાં વિશ્વાસના ભુક્કા બોલી ગયા છે અને મિડિયા વેચાઇ ગયો હોવાનું ખુલ્લમખુલ્લુ સમજાવા લાગ્યું છે ત્યારથી એને એક પ્રશ્ન પજવે છે કે, મિડિયા સમાચાર આપે છે કે દલાલી કરે છે ? દેશની વડી અદાલતના બે ત્રણ જજ વિશે ભ્રષ્ટાચારના કેસો દાખલ થયા ત્યારથી એ ન્યાયતંત્ર પર ભરોસો રાખવો કે નહિ એની અવઢવમાં પડી ગયો છે ! જ્યાં રીઝર્વ બેન્કની સુરક્ષિત થાપણ પર દાનત બગડતી હોય ત્યાં અન્ય રાષ્ટ્રીયકૃત બેન્કોની પાયમાલી પર આંસુ સારવા એ સમય બગાડવાથી વિશેષ કૃત્ય નથી ! દસ હજાર કરોડ અને ચૌદ હજાર કરોડ જેવા અબજો રૃપિયા કોઇ એક પાર્ટીને ધીરી દેવામાં જે ઉમળકો દાખવવામાં આવે છે એવો ઉમળકો વસુલાતમાં જોવા ન મળે અને બેન્કનો કરજદાર આસાનીથી વિદેશ ચાલ્યો જતો હોય તો અગ્રણી નેતાઓ અને બેન્કના ઉચ્ચ અધિકારીઓની સહાય વિના એ શક્ય બને ખરૃં ? નેતાઓમાં વિશ્વાસ ઘટતો જતો હોય, ઉચ્ચ અધિકારીઓ પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જતો હોય તો દેશને કોના વિશ્વાસ પર છોડવો, એ પ્રશ્ન વિચારશીલ સિવાય બીજા કોને પજવી શકે ?
આવા બધા પ્રશ્નો અને આવી બધી ઘટનાઓ મૂળ વગર ટોચ પર પહોંચે ખરો ? મૂળમાં જ ખામી છે ! અને એ મૂળનું નામ છે લોકશાહી ! આઝાદી પ્રાપ્ત કરવા પાછળ લોકશાહી, એ આપણી મૂળભૂત વિચારધારાનું લક્ષ હતું. આજે એ લક્ષ જ દિશાહિન થઇ ગયું છે ! લોકશાહીની વિચારધારા મુજબ ચૂંટણીઓ થાય છે. સરકારો રચાય છે. પણ ક્યાંય લોકશાહીનાં દર્શન થતા નથી ! યુ.પી.એ. સરકાર કે એન.ડી.એ સરકાર જેવી ગઠબંધનની કોઇપણ સરકાર સત્તા પર બિરાજમાન થઇ શકે છે પણ એ બધી સરકારો ગઠબંધનને આધિન છે, લોકશાહીને આધિન નથી ! કોઇપણ એક પક્ષની પૂરતી બહુમતિ હોય તો એ લોકશાહીની સરકાર કહેવાય ! ગઠબંધનમાં કોઇને પૂરેપૂરી બહુમતિ મળી નથી હોતી. એ સૌને અધૂરા મત મળ્યા હોય છે. આવા અધૂરા લોકમતવાળા પક્ષો ભેગા મળીને સરકાર રચે એ રાજકીય ચાલાકી તો છે પણ એ સાથે એ મતદારોનો પણ દ્રોહ કરે છે.
ગઠબંધનના બધા જ પક્ષોને મતદારોએ પૂરેપૂરી બહુમતી નથી આપી. છતાં જે પક્ષને મતદારે મત નથી આપ્યો એ પક્ષનો માણસ સરકારમાં મંત્રીપદ પ્રાપ્ત કરે એ મતદારોની મજાક પણ છે અને દ્રોહ પણ છે ! લોકશાહીનું મૂળભૂત લક્ષ પ્રજામત છે અને સરકાર માટે પૂર્ણ બહુમતિ આવશ્યક છે. એ રીતે વિચારાય તો ગઠબંધનની સરકાર લોકશાહીનો પર્યાય બની શકે નહિ. બધા જ પ્રકારના યોગ્ય - અયોગ્ય બીલ સંસદમાંથી પસાર કરવામાં આવે છે. તો લોકશાહીની વિચારધારા મુજબ ગઠબંધનની સરકાર અમાન્ય સરકાર હોવાનું બીલ પાસ થવું જોઇએ, એવું નથી લાગતું ? પણ એવું થશે નહિ. કોઇ પણ સરકાર ગઠબંધનને અમાન્ય ઠેરવતું બીલ સંસદમાં રજુ કરશે નહિ, અને કરશે તો એ પાસ થશે નહિ.
કોઇપણ પક્ષ એ બીલને ટેકો આપશે નહિ ! કારણ કે બધા જ પક્ષોએ પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે. એટલે કોઇ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળવાની નથી. એમને ગઠબંધનના પનારે પડવું જ પડશે અને ગઠબંધન એ લોકશાહી નથી, લોકશાહી સાથેનો વ્યભિચાર છે ! આમાં વચગાળાનો કોઇ માર્ગ ખરો ? શું એવું થઇ શકે કે સંપૂર્ણ બહુમતી મળી ન હોવા છતાં સૌથી વધુ જેને મત મળ્યા હોય એ પક્ષ એકલા હાથે સરકાર રચી શકે એવો એક કાયદો ઘડાય ખરો ? તો પછી હોર્સ ટ્રેડીંગની કુટેવને શી રીતે નિવારી શકાય ? કોઇ પણ પક્ષના બે તૃત્યાંશ સભ્યો પાટલી બદલી શકે તો માન્ય ગણાય એમાં કેટલાક પક્ષો પાસે તો બે કે ત્રણ જ સભ્યો હોય છે, એમને બેતૃત્યાંશ સાબિત કરવામાં વાર કેટલી ? પાસવાન જેવા તો પોતાની એક સીટના આધારે જ મંત્રીપદ ભોગવી શકતા હોય એવું તો આ દેશમાં જ બની શકે !
મૂલ્યો સાથે વ્યભિચાર કરનાર મૂલ્યની ઇજ્જતના રખેવાળ બને છે, ત્યારે વધુ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થાય છે. મૂલ્યનો મહિમા તો દૂર ની વાત છે, મૂલ્યનો અર્થ પણ જાણતા નથી એવા લોકોનાં મોઢે ઉચ્ચારાતો મૂલ્ય શબ્દ ગંદી ગાળ સમાન લાગે છે. કોઈપણ બાબતનું મૂલ્ય આંકતા પહેલાં મૂલ્યાંકનની જરૃર પડે છે. એ મૂલ્યાંકન માટેની સાચી પધ્ધતિ આપણી પાસે છે ખરી? મૂલ્ય આંકવા માટે ક્યું બેરોમીટર છે આપણી પાસે? સ્હેજ પણ કાપકૂપ કર્યા વગર કોઈપણ લીટીનું કદ નાનુ કરવા માટે એનીસામે લાંબી લીટી તાણી દેવાનું આપણને શીખવાડવામાં આવ્યું છે.
પણ એમાં સીધી આંગળીએ ઘી કાઢવા જેટલું કષ્ટ વેઠવું પડતું હોવાથી લાંબી લીટી તાણવાનું પડતું મૂકીને સામેની લીટીને છૂંદી છૂંદીને ટૂંકી કરી નાંખવાની અણછાજતી વૃત્તિ આપણને ફાવી ગઈ છે ! કોઈપણ બે વ્યક્તિની તુલના કરવા માટે બંને વ્યક્તિને ત્રાજવે ચઢાવવી પડે ! બંનેને સામસામે બે પલડામાં બંનેને બેસાડી દેવામાં આવે તો બંનેમાં કોનું વજન કેટલું છે એ યોગ્ય રીતે નક્કી કરી શકાય. પણ એક પલડામાં એકને અને બીજા પલડામાં ત્રણને બેસાડીને સામે વાળાનું વજન ઓછું આંકી શકાય ખરૂ ? પહેલાં એમ કહેવાતું હતું કે 'મહોબ્બત મેં ઓર જંગ મેં સબ કુછ જાઈ જ હૈ !' હવે રાજકારણમાં સબ કુછ જાઈ જ હૈ ! યહાં ના જાઈજ ભીજાઈજ હૈ ! મહારાષ્ટ્રમાં અત્યારે નાજાઈજને જાઈજ ઠેરવવાની ગેરબંધારણીય અને નિર્લજજ રમત ચાલી રહી છે. ત્યાં એક ત્રાજવાના એક પલડામાં ભાજપ છે અને બીજા પલડામાં શિવસેના, એન.સી.પી. અને કોંગ્રેસ, એમ ત્રણ ત્રણ ચડી બેઠા છે ! એ ત્રણના વજન સામે ભાજપનું વજન ઘટે એ સ્વાભવિક છે ! તો પછી મતદાનના ત્રાજવાનું મૂલ્ય શું રહે છે ?લોકશાહી મતદાન પર નિર્ભર છે.
ચૂંટણીમાં જેને બહુમતી મળે એ સત્તા પર બેસે ! મહારાષ્ટ્ર રાજય વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી ! તેમ છતાં શિવસેવા, એન.સી.પી. અને કોંગ્રેસ કરતાં ભાજપને વધુ સીટો પ્રાપ્ત થઈ છે. તો ભાજપ સત્તા પ્રાપ્ત કેમ ન કરી શકે ? ભાજપ સામે જુદા જુદા ત્રણ પક્ષોનાં સરવાળો કઈ રીતે મૂકી શકાય ? પણ વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાનો નિયમ આડે આવે છે. કારણ કે વિધાનસભામાં અન્ય પક્ષો નાના નાના હોવા છતાં સરવાળો લાંબો થઈ જતો હોવાથી ભાજપને બહુમતી ગુમાવવી પડે છે.
પણ એ સામે ભાજપે જે ખેલ ખેલ્યો એ પણ યોગ્ય તો નથી ! રાતો રાત રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાતું હોય, અને સવાર સુધીમાં સરકાર રચાઈ જતી હોય ને શપથવિધિ પણ થઈ શકતી હોય તો રાતોરાત બહુમતી પણ પુરવાર કરવી પડે. એ માટે પાંચ દિવસનો ગાળો શા માટે રાખવો જોઈએ? એ પાંચ દિવસ સભ્યોના ખરીદ વેચાણ માટે પૂરતો છે અને એ ખરીદ વેચાણ લોકશાહી માટે તો લાંછનરૃપ તો છે પણ મતદારો સાથેનો વિશ્વાસઘાત છે. છતાં એ માટે પાંચ દિવસની સગવડ કરી આપવી રાજપાલ જેવી હસ્તીને છાજતું નથી ! આમ તો એન.ડી.એ. (ભાજપ) અને યુ.પી.એ. (કોંગ્રેસ) જેવું ગઠબંધન પણ મતદારો માટે તો વિશ્વાસઘાત જ છે !
નિષ્ઠા, પ્રમાણિકતા અને વફાદારી જેવા શબ્દો હવે સાવ નમાલા લાગે છે ! કોંગ્રેસ અને એન.સી.પી. સાથેનું જોડાણ મહદંશે એટલા માટે વાજબી ગણાય કે શરદ પવાર ગમે તેમ પણ કોંગ્રેસનો પિતરાઈ હોવાથી નજીકનો સગો ગણાય. પરંતુ શિવસેના સાથે કોંગ્રેસનું બેસવું કોંગ્રેસની નાદારી કે દરિદ્રતા પુરવાર થાય છે. કોંગ્રેસ અને શિવસેના સાવ અંતિમ છેડાની વિચારધારાના પક્ષો છે. કોંગ્રેસની વિચારધારા સાથે શિવસેનાની વિચારધારાનો ક્યાંય અને કોઈપણ રીતે મેળ બેસતો નથી. છતાં કોંગ્રેસ ઉધ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદે સહન કરી લેવા તૈયાર હોવાથી કોંગ્રેસ પોતે જ પોતાની વિચારધારાનું ખંડન કરે છે ત્યારે એવું કહી શકાય કે જે પક્ષ પોતાની વિચારધારાને વફાદાર નથી એ મતદારો પ્રત્યે કઈ રીતે વફાદાર રહી શકે ? ભાજપને સત્તાથી દૂર રાખવો કોંગ્રેસ માટે મહત્વનું છે, પણ નૈતિકતાના ભોગે એમ કરવું વાજબી નથી.
જો કે ભાજપની ડિક્ષનરીમાં તો નૈતિકતા જેવો શબ્દ નથી એ ભાજપે કર્ણાટકમાં બબ્બેવાર પુરવાર કરી બતાવ્યું છે ! પણ જે પક્ષની નૈતિક્તા મહાત્મા ગાંધીએ સ્થાપિત કરી હોય એવા કોંગ્રેસ માટે તો નૈતિકતા તો એનું મૂળભૂત કર્તવ્ય છે ! ભાજપને સત્તાથી દૂર રાખવા શિવસેનાની પંગતમાં કોંગ્રેસ બેસે અને પોતાની નૈતિકતા અને પોતાની વિચારધારાનું ખંડન કરે એ કોંગ્રેસને શોભતું નથી. ભાજપમાં હિન્દુત્વનો મહિમા છે ને એને કારણે કટ્ટરતા પણ હોવી સ્વાભાવિક છે.
પણ શિવસેનાની કટ્ટરતા ભાજપ કરતાં વધુ તિવ્ર અને ઉગ્ર પણ છે. એ કટ્ટરતાને નજર અંદાજ કરીને ટેકો આપવાનો હોય તો કોંગ્રેસે શિવસેનાને બદલે ભાજપ જોડે બેસવું વ્યાજબી લેખાય ! પણ કોંગ્રેસની નીતિ ભાજપને સત્તાથી દુર રાખવાની જ હોય તો પણ કોંગ્રેસનું શિવસેનામાં જોડાવું વ્યાજબી નથી ! કોંગ્રેસે શિવસેના સાથે ભાગીદારી કરવાને બદલે કોંગ્રેસ બહારથી ટેકેદારની ભૂમિકામાં પડખે ઊભા રહેવું જોઈએ અને સ્પષ્ટ શબ્દોમાં કહેવાયું હોત કે જ્યાં અમને યોગ્ય લાગશે ત્યાં અમે તમને ટેકો આપીશું !
ગત સરકારમાં ભાજપ સાથે શિવસેનાનું પાકું જોડાણ હોવા છતાં ઉધ્ધવ ઠાકરે સળંગ પાંચ વર્ષ સતત ભાજપની વિરૃધ્ધ બોલતા આવ્યા છે, એ વાતથી એન.સી.પી. અથવા કોંગ્રેસ અજાણ નથી ! કોંગ્રેસ અને એન.સી.પી. સાથેનો શિવસેનાનો તાલમેલ લાંબો ચાલવાનો નથી. એન.સી.પી. અને કોંગ્રેસ એક જ વેલાના તૂંબડા છે. એ બંને એક થઈ જશેને ઉધ્ધવ ઠાકરે એકલા પડી જશે. ત્યારે ભાજપની ચોખટ પર માથું ટેકવા ઉધ્ધવને જવું પડશે. એમ નહિ થાય તો વચગાળાની ચૂંટણી માટે બધા પક્ષોએ તૈયાર રહેવું પડશે ! એન.સી.પી. અને કોંગ્રેસ અંદરખાને એવું જ કંઈ ઈચ્છે છે !
વારસાગત એમની મજબૂરીથી મજબૂર છે,
ખાનદાની બેવફાઈ એમની મશહૂર છે !