રાજાશાક રીંગણા આંતરરાષ્ટ્રીય ભોજનથાળના ઘરેણાં !
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
ઈન્ટરનેશનલ ક્વિઝીનમાં શિયાળાના આપણા ઓળાથી 'એગપ્લાન્ટ પાર્મેસન' સુધી રીંગણાની વાનગીઓની રેન્જ જોઈ દલા તરવાડી જરૂર બે-ચાર ને બદલે વાડી પાસેથી પાંચસો-હજાર રીંગણા માંગે !
શિયાળાના વૈભવમાં જીમ કે અડદિયા સાથે જ એક ઉમેરો હોય છે, શાકબજારમાં લટારનો. એમાં કૂણા છતાં કડક એવા ઓળાના રીંગણા લીધા હોય, કાં તો ફૂટ એક લાંબા ને કાં તો ભરાવદાર ગોળમટોળ. એમાં ય આખા ઘેરા જાંબુડિયા આવે, લીલી ઝાંયમાં શ્યામગુલાબી ચટાપટાવાળા આવે. આછેરા દુધિયા લીલા જેવા રૂડા ય આવે. એને ચૂલે નહિ તો ગેસના બર્નર પર શેકવા મૂકો ને પાણીની તડતડાટી સાથે એના ધીમી આંચે ભૂંજાવાની સોડમ ફેલાતી જાય આખા ઓરડામાં ધૂપની જેમ.
પછી કાળજીથી હળવે તે હાથે ટેરવાંથી એની કાળી પડેલી ફોતરીને ઉતારવાનો કસબ જોઈએ. રીંગણા ઓળો બનાવવા માટે ઉતાવળે ન શેકાય ને એનું ફોતરીવિસર્જન પણ ઉતાવળે ન કરાય. સંસ્કૃત સાહિત્યની સુહાગરાતે દુલ્હન એક પછી એક વસ્ત્રાભૂષણ મનમાં પિયામિલનના ગીત ગણગણતી કાળજીથી ઉતારે, એમ નજાકતથી રીંગણા ભર્તા ઉર્ફે ઓળા માટે સ્ટ્રીપટીઝ કરો, ત્યારે એ રસઝરતા લલચાવે ટપકતી કાઠિયાવાડી ખાણાની લાળને !
પછી એમાં આદૂલસણડુંગળીમરચાં અને તેલનો થાય મસ્સાલેદાર વઘાર. છમકારા જાણે ખંજરના ચમકારા બનીને છેક જઠરની દીવાલોમાં બાકોરા કરી આવે ઉત્તેજિત થતી ક્ષુધાના ! ઉપર ઝીણા સમારેલા લાલ ટમેટાં ને લીલી કોથમીરનો શણગાર એટલે જાણે કાંચળીની જેમ જૂના થયેલા કાળા વસ્ત્રોે ઉતારીને પાનેતર પહેરાવ્યું મંગળ શણગારનું! નમક, ધાણાજીરું, મરી, ફાવે તો ગોળની અમથી કાંકરી ને શુદ્ધ સોનેરી તેલ. પછી પટલાણીના બાવડાંના ટપાકા લેતા ફૂલીને દડો થતા માટીની તાવડી પર ઘંટીએ દળેલા લીલા બાજરાના કડક્ડતી નવી બોણીની નોટ જેવા રોટલા ને ઉપર ગીર ગાયનું તાજું થીણું ઘી કે સીધો માખણનો પિંડો !
જોડે કાંસાની થાળીમાં ગોંડલના રાતાચોળ મરચાંના ભૂકા સાથે પીસેલી આખી શ્વેત કળીના લસણની મજબૂત હાથે તાજી ખાંડેલી ચટણી. મૂળાના પાંદડાનું ચણાના લોટમાં શેકીને કરેલું ખારિયું, લસોટેલી રાઈ સાથે ગાજરની ચીરીઓ, લીલીજાંબલી મોગરી ને લીંબુ ચડાવેલી આંબાહળદર-હળદર પાસે પડેલી કમનીય લીલી ડુંગળી ને ફુદીના ને પીસેલું શેકેલ જીરું નાખેલી ચીલ્ડ ફ્રેશ છાશનો ભરેલો લોટો. પેટમાં જગ્યા રહેવાની હોય તો આખા લાલ મરચાં સાથે વઘારેલી ઘાટી અડદની દાળ ને ઘઉંના ખીચાનો તાંબાવરણો શેકેલો પાપડ ને જોડે શેકી નાખેલા બે લીલાં મરચાં લીલી સાડી પર સફેદ બુટ્ટાની જેમ જરા મીઠું છાંટેલા !
બસ, શિયાળો આવવાનું એક ગુજરાતી કારણ હવામાનની સાથે આ કાઠિયાવાડી રસથાળ પણ છે ઓળા ને રોટલાનું ! આ ખાધા પછી જે ઓહિયાંનો ઓડકાર આવે એને જ શાસ્ત્રોેમાં મોક્ષનું ટ્રેલર કહ્યું છે, હીહીહી. જો રીંગણા નથી, તો આ ઓળો નથી, ને જો ઓળો નથી તો આખો શિયાળો કેલેન્ડરમાં બેઠો નથી ! બૈંગન કા ભર્તા હી હે શીત મૌસમ કા કર્તા !
બેઝિકલી, આ રીંગણા ભારતની ભેટ છે ! ભારતે જગતને ઘણું આપ્યું, એમાં શૂન્ય ને છંદ, ધાતુ ને મલમલની સાથે આ રીંગણા પણ છે. જેમ ભારતની આથક રાજધાની મુંબઈ છે, એમ શાકની આપણે ત્યાં આથક શહેનશાહત બટેટાંની છે. પણ જુનું રજવાડું દિલ્હીની જેમ રીંગણાનું ! માથે ઉંધા ગ્રીક તાજ જેવું પોપટી ડીટિંયું અને નીચે રોયલ પર્પલ કલરનો મખમલી રોબ ! એટલે રાજા જેવા જ લાગે. સંસ્કૃત સાહિત્યમાં એને વત્યાંક પણ કહ્યા છે.
( દયારામની કૃષ્ણને છેડતી પ્રસિદ્ધ રચના 'શ્યામ રંગ સમીપે ન જાવું'માં 'જાંબુ વંત્યાક ન ખાવું' એવી કડી આવે છે !) આયુર્વેદમાં રીંગણાનો ઉલ્લેખ છે. વાત એટલે વાયુ વાળા રીંગણા. આમ જો કે , ગુણકારી ખરા. એમાં કોલેસ્ટ્રોલ કે ચરબી હોય નહિ. ફાઈબર ભરપૂર ને આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમનો રિચ સોર્સ. લોઢાની કાળી કડાઈમાં રીંગણાની લાંબી ચીરીઓ કાળી થાય એવું સાંતળીને કરેલું શાક લુખ્ખું ખાઈ જાવ એટલે લોહતત્વના આયર્નપર્સન બનવાનો પરવાનો !
દક્ષિણ ભારતમાં હજુ સંસ્કૃત શબ્દ વાતગમ રીંગણા માટે વપરાય છે. એ રીંગણા આરબ વેપારીઓ મારફતે ગલ્ફ, અરબ ને ઈરાન ગયા અને ત્યાં અપભ્રંશ થતાં અલ બર્દીજાન કહેવાયા. એમાંથી સ્પેનમાં અલ્બર્જેના કહેવાયા ને એમાંથી આવ્યો અંગ્રેજી શબ્દ એબરજીન ને બીટી બિયારણની ડિબેટ વખતે મશહૂર બ્રિંજલ. ડિંટીંયાને વૃંત કહેવાય સંસ્કૃતમાં એમાંથી હિન્દીમાં ભર્તા કે ભટ્ટા શબ્દ આવ્યો ઓળા માટેનો. આજે ભૂલાઈ ગયેલી કહેવત છે રીંગણાને માથે હિમ. યાને ગરીબ પર દુઃખ પડવું. પણ હજુ અમુક વિસ્તારમાં બહેનોમાં રીંગણી યાને શ્યામગુલાબી ડાર્ક વાયોલેટ પર્પલ કલર બોલાય છે ખરો !
પણ આપણે ભાષાવિજ્ઞાાનનું ભણતર નથી કરતા અત્યારે. કૃષિ દર્શનનો કાર્યક્રમ કરતા હોત તો એનો છોડ કેવો ને ક્યારે થાય ને કેટલી ક્યાં ખેતી થાય એની માહિતીસભર વાતો કરતા હોત. તો જરાક રીંગણા ખાધા પછી એસિડીટી થાય એવું ચચરી જાત કે આજે ભારતની શોધ જેવા 'વેંગણ'ના ઉત્પાદનમાં નંબર વન ચીન છે. અલબત્ત, ચણાનો શેકેલો લોટ, તલ, ધાણાજીરું કે શિંગનો ભૂકો અને તલથી ભરેલા રીંગણાનું શાક આપણા જેવું હજુ કોઈએ સ્વાદિષ્ટ બનાવ્યું નથી ુ.એમાં ય ડુંગળી, મરચાં, બટાકાને સાથે ભરીને બસ ગરમાગરમ ફળફળતી કડક બિસ્કિટ જેવી બંસી જેવા મીઠડા ઘઉંની રૂપાળી ભાખરી સાથે એ ખાવ પછી રીંગણા જોખવા લાગો, આગળ વાંચવાને બદલે. યાને ઝોલાં આવે !
પણ શું રીંગણાની અઝીઝ લઝીઝ વાનગીઓ પર ખાલી આપણો જ ઈજારો છે ?
ગ્રીસમાં જગમશહૂર એવો એક ટાપુ છે - ક્રીટ. ક્રીટમાં મસ્તમજાનું મધ મળે. એ તો ખરું જ પણ ક્રીટમાં છ-સાત હજાર વર્ષ પુરાણી માનવસભ્યતાના અવશેષો ઝીલતું- મ્યુઝિયમ છે. અને મિનેટોરવાળી ભૂલભૂલામણીનો કિલ્લો પણ ! અર્ધ આખલો- અર્ધ માનવ એવો એક અસુર ત્યાં હતો, ફરતે ભૂલભૂલામણી, બહારથી આવેલો કોઈ પણ કોળિયો થઈ જાય.એથેન્સનો રાજકુમાર થિસિયસ અંતે ત્યાં જઈને એ મિનેટોરને કેવી રીતે ખતમ કરે છે, એની રસપ્રદ કથા છે.
ક્રીટનો એ આકર્ષણના કેન્દ્ર જેવો કિલ્લો ત્રણ-ચાર કલાક રઝળપાટ કરીને બહાર નીકળ્યો, ત્યારે કકડીને ભૂખ લાગેલી. બહાર જ એક રેસ્ટોરાંમાં ભીડ હતી. ત્યાં સવસ માટે દોડાદોડી કરતાં વેઈટરને પૂછયુંઃ કશુંક વેજીટેરિયન મળશે? એણે ન સમજાય એવું નામ કહ્યું. ઘરના નાસ્તા જોડે વજન ઉંચકી ફેરવવાનો સવાલ જ નહોતો.અને રીંગણાને પોલા કરી ચણાના શેકેલા લોટનો આપણે મસાલો ભરીએ, એમ ભાત ભરેલી એક વાનગી આવી. ગ્રીક વનસ્પતિઓ અને એવો તો ચટાકેદાર સ્વાદ કે આ લખતી વખતે ફરી ત્યાં જઈ એ ઝાપટવાનું મન થાય છે! એ ખાઈને ચડેલી સ્ફૂર્તિથી ત્યાંના વિશાળ મ્યુઝિયમમાં બીજા ચાર કલાક ખેંચી કાઢેલા!
પરદેશ ફરતા ફરતા મોટા ભાગના ગુજેશકુમાર-કુમારીઓને અચાનક જ કઢીખીચડી અને દાળભાત યાદ આવવાના એટેક ઉપડે છે. ગુજરાતમાં પાછા બધા રેંકડી પર પણ ઉપર છીણેલું ચીઝ ભભરાવેલા પિત્ઝા ને મંચુરિયન ઝાપટતા હોય છે! અને ઈટાલી જઈને રોટલી-શાક શોધવા લાગે છે? આ અજીબ કોયડો છે. પરદેશી યજમાનો ય આવા આગ્રહો કરવા લાગે ત્યારે ઘણી વાર બંદાએ આકરો સાદ કરી બોલવું પડે કે ''રોટલા-ખીચડી જગતના બેસ્ટ તો જ્યાં રહું છું, એ સૌરાષ્ટ્રમાં જ પેટ ભરીને ઘરના બેસ્ટ ખાવા મળે. તમે એ છોડો અને અહીંનું શ્રેષ્ઠખાવાની દિશા ચીંધી આપો!''
બસ એમાં જ જડી ગઈ એક નવતર અને રસભર શાકાહારી વાનગી. એગપ્લાન્ટ પાર્મેસન. રીંગણાનું અંગ્રેજી 'બ્રિંજલ'- આપણને સ્કૂલમાં ગોખવાય છે. પણ દુનિયા મોટે ભાગે એને - 'એગપ્લાન્ટ' નામથી ઓળખે છે. ભડકવાની જરૂર નથી. એને એગ યાને ઇંડા સાથે કશું લાગતું વળગતું નથી. એ જ આપણા જાંબુડી રંગના રીંગણા એટલે એગપ્લાન્ટ.
કોઈ એંગલથી રંગે કે આકારે સફેદ લંબગોળ-નાનકડાં ઇંડા જેવા નથી લાગતા, તો આ નામ કેમ પડયું હશે? પણ અંગ્રેજીમાં આવા લોજીક ચાલતા હોત તો નાઈફ આગળનો 'કે' વર્ષો પહેલા નીકળી ગયો હોત ! જો કે, રિઝન એવું છે કેઆર્યલેન્ડ કે ગ્રેસના સેન્ટોરિની તાઔ જેવી જગ્યાએ એકદમ સફેદ રીંગણની જાતિ થતી. જે બતકના ઈંડા જેવા લગતા એમાં આ નામ પશ્ચિમની, ખાસ તો અમેરિકાની જીભે ચડી ગયું.
ખાવાની વાતમાં આમ પણ નામ કરતાં સ્વાદનું મહત્વ છે. સાદી ભાષામાં કહેવું હોય તો એગપ્લાન્ટ પાર્મેસન એટલે ચીઝ ટામેટાંવાળા રીંગણા. પણ એની પધ્ધતિ અને સ્વાદ વઘારેલા રીંગણા કરતાં જુદા પડે. મૂળ તો મોટી સાઈઝના રીંગણા લઈ એની સાવ પાતળી નહિ અને બહુ જાડી નહિ એની સ્લાઈસ કરવાની. બોલે તો, પતીકાં. પા-અડધા-પોણા સેન્ટીમીટરની જેવી જાડાઈની.
પછી એ પચપચી ન જાય અને વયોવૃદ્ધ સન્નારીના ગાલની જેમ કરચલીથી લબડી ન જાય, એ માટે એક ઘરગથ્થુ નુસખો. એના પર મીઠું ભભરાવી એને મૂકી દેવાના. અંદરનો ભેજ મીઠું શોષી લેશે. સફેદ સ્લાઈસ પર પાણીના ટીપાં બાઝયા હોય એવું લાગશે, એ એને વધારાનું ચોંટેલું નમક કાળજીથી સાફ કરી લઈએ તો રીંગણાની સ્લાઈસ પણ બટાકાનુમા કઠિનતા ધારણ કરશે.
પછી એને સહેજ સાંતળવાના. અંગ્રેજીમાં પેન ફ્રાઈડ કહે તે. જરા અમથા તેલમાં. હવે હેલ્ધી ફુડના ઓબ્સેશનવાળા શેકે પણ છે. સ્વાદ જોકે સાંતળેલાને સરસ આવે. ઓલિવ ઓઈલમાં જ. અને પછી પામેર્સન અને મોઝેરેલા ચીઝ મિક્સ (કે ફક્ત મોઝેરેલા) નો થર કરવાનો, ટોમેટો સોસ, બેસિલ એટલે આપણા તુલસી જેવા પાંદડા, ઇટાલીયન હર્બ્સ ને ફરી ઓવન બેક્ડ કરી કે મોજ આવે તો ભજીયાંની જેમ તળી (એ માટે બ્રેડક્રમ્બનો ભૂકો ય ઘણા ઉમેરે) ગરમાગરમ ખાવાના. છરીકાંટાથી કાપી પણ શકાય એ! મસ્તમસ્ત લાગે દાઢે વળગે સ્વાદ.
એ મીટ સાથે ખવાય પણ એની રેસિપિમાં માંસ નથી. અમુક જગ્યાએ એમાં ઇંડાની પેસ્ટ હોય. રેસ્ટોરાંમાં ચોખવટ કરી દો તો કોઈ પણ સારા ઈટાલિયન રેસ્ટોરાંમાં શુદ્ધ શાકાહારી એગપ્લાન્ટ પાર્મેસન મળી જાય.
ઓલિવ ગાર્ડન જેવી ગ્લોબલ ચેઈનમાં તો એ સિગ્નેચર ડિશ ગણાય સ્ટાર્ટરમાં કે પાસ્તા સાથે સાઈડ ડિશમાં.
આ વાનગી જગતઆખામાં પિત્ઝાની માફક પહોંચી અમેરિકાના કારણે, પણ એનું જન્મસ્થાન ઇટાલી છે. સ્પેશ્યલી, પિત્ઝાની જ્યાંથી શરૂઆત થઈ એ જ નેપલ્સ એરિયા. રૂપસુંદરી એલેઝાન્ડ્રા ડેડારિયોની આંખ જેવા બ્લ્યુ સમુદ્રકાંઠાથી સોફિયા લોરેન જેવી અપ્સરાનું જન્મસ્થાન નેપલ્સ જગવિખ્યાત છે.
એ ટાપુઓ માઉન્ટ વિસુવિઅસ જ્વાળામુખીની ગોદમાં છે, એટલે ત્યાં લાવારસથી સમૃદ્ધ જમીનમાં ઉગતા શાકભાજીનો સ્વાદ જ કંઈક ઓર આવે! ટમેટાં અને લીંબુ એકવાર કોરા ખાવ તો ય ભૂલી ન શકો જીવનભર ! પિત્ઝાના લોટનું ય એવું. બાય ધ વે, પ્યાસા ગુજરાતી આત્માઓ માટે જાણકારી કે ત્યાં સકકરટેટીનો મસ્ત કરન્ટ લાગી જાય એવો વાઈન મળે! સ્પેશ્યાલિટી.
આ વિસ્તારમાં આ વાનગી શોધાઈ હોવાનું મનાય છે. યાને દક્ષિણ ઇટાલી. માફિયાઓને લીધે કુખ્યાત થયેલા સિસિલીમાં ય પરંપરાગત રીતે એ ખવાય. એનું નામ પડયું પાર્મેસન ચીઝ પરથી. એ ય અમેરિકન અપભ્રંશ છે, મૂળ અધિકૃત ઇટાલીયન નામ છે 'પાર્મીજીયાનો રેજીયાનો' વન ઓફ ધ બેસ્ટ ચીઝ. ગાયના દૂધમાંથી બને.
આ નામ પેટન્ટેડ છે, માટે યુરોપિયન યુનિયનમાં ફક્ત ઈટાલીના ચોક્કસ વિસ્તારમાં બનતા ચીઝ માટે જ વાપરી શકાય. હા, એની બહાર એ જ પધ્ધતિથી બનેલા ચીઝને પાર્મેસન કહી શકાય. અને હા, આ ચીઝનું કનેકશન વિશ્વવિખ્યાત વુમનાઈઝર એન્ડ પ્લેબોય ચાર્મર કાસાનોવા ઉર્ફે કેસેનોવા સાથે ય છે! એણે માત્ર સેંકડો સુંદરીઓ સાથે અફેર જ નહોતા કર્યા પણ અંતે અધૂરી રહી ગયેલી ચીઝની ગ્લોબલ ડિક્શનેરી પણ બનાવી હતી!
કાસાનોવાની જેમ જ હસીનાઓના દિલ જીતવા જેવી જ મિસ્ટ્રી આ નામની છે! પાર્મેસન ચીઝ ઉત્તર ઈટાલીના પાર્મા નગરમાં બને. અને એગપ્લાન્ટ પાર્મેસન વળી દક્ષિણે નેપલ્સમાં શરૂ થયા ! ઈટાલીમાં રખડતાભટકતા જે એક વાત જાણવા મળી તે એ કે મૂળ આ વાનગીને પાર્મેસન ચીઝ સાથે નહિ, પણ સિસિલીના 'પાબ્મીજીયાના' સાથે સંબંધ હોઈ શકે. એ શબ્દ જૂના જમાનામાં લાકડાની છાલના છાપરાં માટે વપરાતો, જેનો દેખાવ આ સ્લાઈસ જેવો લાગતો! કાળક્રમે 'એલ'ની જગ્યાએ 'આર' આવતા 'પારમિજીયાનૈ' બોલાવા લાગ્યું! ૧૮૩૭માં એગપ્લાન્ટ પાર્મેસનનો બાકાયદા ઉલ્લેખ કૂકબૂકમાં થયો.
ઠીક છે, કકડીને ભૂખ લાગી હોય ત્યારે આ બધી પંચાત સૂઝે નહિ. માત્ર સ્વાદિષ્ટ એવા એગપ્લાન્ટ પાર્મેસન પર તૂટી પડવાનું જ મન થાય ! આપણે ત્યાં રીંગણાના ભજીયાં મળે છે, અમુક જગ્યાએ પણ એટલા લોકપ્રિય નથી. આ વાનગી તો ચીઝ અને ટમેટાંના સોસ સાથે બને એટલે તળેલા રીંગણાનો જબરો સ્વાદ આવે ! એવા જ તળેલા રીંગણાના ભજીયાં ગાજરના ભજીયાં સાથે કમ્બોડિયામાં પણ પેટમાં પધરાવ્યા હતા ! ફિલિપાઈનસમાં વળી લોટમાં 'ડોવા'ને બદલે મોટી તળેલી રીંગણાની એના ડિંટડા સહિતની મોટી સ્લાઈસ મળે જેને તોર્તાંગ તાલોંગ કહેવાય ! તો કોરિયામાં ડુરેપ ગેજી જ્યોં વાનગી મળે, જેમાં રીંગણાની ગોળ પતીકા કાપીને તળેલી સ્લાઈસ હોય ને એમાં એન્જેલિકા નામના છોડના મૂળ સ્ટફિંગના 'પૂરણ' તરીકે વચ્ચે હોય ! યુરોપમાં વિનેગારમાં મુકેલી રીંગણાની ચીરીઓની વાનગી 'કેપોટાના' ય ફેમસ છે. ઈટાલીમાં પિત્ઝા પર રીંગણાના ટોપિંગ્સ સહજ છે. સંસ્કૃત પછી ઈ.સ. ૫૦૦ આસપાસ જેનો કૂકબૂકમાં ઉલ્લેખ થયો હોય એવા ચીનમાં રીંગણાની અનેક વાનગીઓ ખવાય છે. અલબત્ત, બધી શાકાહારી ન હોય.
એ માટે અરેબિયા-ઈરાન-તુર્કી-ગલ્ફના મેડીટેરીનિયન ફૂડ તરફ જવું પડે. ઘણી જગ્યાએ ત્યાં મૌસાકા મળે, એમાં મીટ ન હોય. ટમેટાં અને બટેટા સાથે વઘારેલું રીંગણાનું શાક એટલે મૌસાકા ! હુમુસ ધીરે ધીરે આપણે ત્યાં ફેમસ થાય છે ચણાના લોટનું ડીપ એટલે સોસ/ ચટણી. પણ બાબાગનુષ એટલે કાચો ઓળો જ. શેકેલા રીંગણાને છુંદી એમાં લસણ, મરચું, મરી, લવિંગ, તલની પેસ્ટ, કોથમીર ( ક્યાંક બેસિલ / તુલસીકુળનું પાન ) ભભરાવી ને ઓલિવ ઓઈલ કાચું મિક્સ કરવાનું. ઓળાનો આ પાડોશી કઝીન એકદમ આંગળા ચાટીને ખાઈ જાવ એ ગેરેંટી. એવું જ 'ઈમામ બાયલીડી' તરીકે ઓળખાતી સ્વાદના દેવાતાઈ કેફમાં ડુબાડી દે એવું નામ ધરાવતી રીંગણની તુર્કીશ વાનગીનું ! ચીનમાં 'પૃથ્વીના ત્રણ ખજાના' તરીકે ઓળખાતો ઓળાનો સહોદર 'દી સાન ઝિયાન' મળે ને 'યુઝિયાંગ ક્વિઝી' પણ મળે !
વિક્ટોરિયન જમાનામાં વલ્ગર લાગતા શેપને લીધે અમુક ચીકણાઓમાં વખોડાયેલા ને ઝાઝા ખાવ તો ગાંડા થઇ જાવ એવી ખોટી માન્યતાથી 'મેડ એપલ' કહેવાયેલા રીંગણા ભારતમાંથી બહાર નીકળી ક્યારનાય હવે ગ્લોબલ સિટીઝન / વિશ્વનાગરિક બની ગયા છે. ડુ યુ નો ? શાકબજારને કલરફૂલ શેડ્સ આપતા રીંગણા વળી સાયન્સની નજરે શાક નથી ફળ છે. ને એય બેરી યાને બિયાં ધરાવતા બોરના કૂળનું ! પણ કોઈ પ્રેમથી કંગનના ખનકારે ને ઝાંઝરના ઝમકારે ઓળો-રોટલો બનાવી દે તો ત્યાં આ ડહાપણ ન ડહોળવું. રોમાન્સનું ભડથું થઇ જશે વરાળિયા ઘૂંટાની જેમ !
પોઈન્ટ ઈઝ, જ્યારે ભારતની બહાર જઈએ ત્યારે ઘરનું 'ભાતું' બહુ ફેરવવાની જરૂર નથી. દરેક દેશ પાસે, દરેક સંસ્કૃતિ પાસે એના પોતીકા અવનવા સ્વાદ હોય છે. શાકાહારી ઓછા હોય એ ખરું, પણ જરા મહેનત કરો તો મળે. નવો સ્વાદ, નવા તરીકા. જેમ ખેતરને ખેડવાનું હોય, એમ જીભને પણ 'કલ્ટીવેટ' કરવી પડે.
તરત જ વર્ષોની આદતને લીધે એ ન ભાવે કે ફાવે, પણ ધીમેધીમે એ માટે 'ટેસ્ટ' કેળવાતો જાય. ક્યારેક 'છીંડુ શોધતાં લીધી પોળ'ની માફક એમાંથી મસ્ત એવી કોઈ નવી જ વાનગીનો પરિચય થાય, પછી ફરી ત્યાં જઈને એ ખાવાનો સળવળાટ પણ થાય! અને ફૂડની મિસ્ટ્રીના બહાને કોઈ ગુડ હિસ્ટ્રીના બંધ પાનાઓ ફરફતા ખુલે-ખીલે. આપણે ઓછી વાનગીઓ અપનાવી છે દુનિયા પાસેથી કંઈ આમ પણ ? જય રીંગણા-બટાકા-ટમેટાં કી !
ફાસ્ટ ફોરવર્ડ
''એ માણસો સરસ વિચારી નથી શકતા, ઊંઘી નથી શકતા, પ્રેમ નથી કરી શકતા... જે લહેરથી સરસ સ્વાદભર્યું ભોજન જમી નથી શકતા !'' ( વર્જીનિયા વુલ્ફ )