કેટલીકવાર પ્રેતાત્માના આવાગમનનો હેતુ એમના વિશે પ્રવર્તતી ગલતફેમી દૂર કરવાનો પણ હોય છે !
અગોચર-વિશ્વ - દેવેશ મહેતા
'મને જીવતો સળગાવી દીધા પછી જ્યારે રાખ ઠંડી પડી જશે ત્યારે દૂર આકાશમાંથી એક હંસ અને એક કાગડો અહીં આવીને ચક્કર મારીને ચાલ્યા જશે...
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક: ।
ન ચૈનં ક્લેદયન્તયાપો ન શોષયતિ મારુત: ।।
અચ્છેદ્યો।યમદાહ્યો।મ ક્લેદ્યો।શોષ્ય એવ ચ ।
નિત્ય: સર્વગત: સ્થાણુચ્યલો।યં સનાતન: ।
- આ આત્માને શસ્ત્રો છેદતાં નથી, આને અગ્નિ બાળતો નથી, આને પાણી ભીંજવતું નથી અને પવન સૂકવતો નથી. આ આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય અને સૂકવવો અશક્ય જ છે અને આ આત્મા નિત્ય, બધે વ્યાપ્ત, સ્થિર, અચળ અને સનાતન છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨ શ્લોક- ૨૩, ૨૪
અમેરિકાના વિખ્યાત લાઇફ (Life) મેગેઝિનના સંપાદક જ્યોર્જ લેથમે એમના સ્વાનુભવના આધારે મરણોત્તર જીવન વિશે એમાં ઘણાં લેખો પ્રકાશિત કર્યા હતા. એમનો પુત્ર જ્હોન ફેલડર્સના યુદ્ધ મોરચે મરણ પામ્યો ત્યારે તે ભારે દુ:ખમાં ગરકાવ થઈ ગયા હતા. તોપના ગોળાથી જ્હોનના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા. દેહ હણાયો પણ આત્મા ક્યાં હણાય છે ? એનું અસ્તિત્વ તો સદાય બની જ રહે છે. જ્હોનના આત્માએ એના શરીરના મરણ બાદ પણ એના પિતા સાથે સંબંધ બનાવી રાખ્યો હતો.
એટલે લેથમે એમના લેખમાં લખ્યું હતું - 'મારા પુત્ર જ્હોનને મરણ પામેલો માનવામાં આવે છે, પણ મારા માટે તે પણ તે પ્રકારે જ જીવતો છે જેવો પહેલા હતો ! બીજા કોઈ શહેરમાં રહીને ત્યાંથી પત્રવ્યવહાર કે ફોન વગેરે માધ્યમથી સંદેશાનું આદાનપ્રદાન કરતો હોય એમ મારી સાથે તે પરલોકથી પણ વાતચીત કરતો રહે છે. લેથમ જાણતા હતા કે એમની વાતને રેશનાલિસ્ટ ભાવાવેશ, વિભ્રમ કે ઉન્માદ સમજી લેશે તેથી તેમણે એમના પુત્ર જ્હોન સાથે થતા સંપર્કના તમામ પુરાવાઓ અને પ્રત્યક્ષ સાક્ષી બનેલા લોકોના પ્રમાણો પણ આપ્યા છે.'
૧૯૪૮માં રેમન્ડ પામર અને કર્ટિસ ફુલર દ્વારા સંસ્થાપિત થયેલા પેરાનોર્મલ સત્ય ઘટનાઓનું બયાન કરતા અમેરિકન મેગેઝિન 'ફેટ' (Fate) માં પણ પ્રેતાત્માના પરચાઓની ઘટનાઓ પ્રકાશિત થાય છે. એમાં મિસિસ શેના સરજેસ્કીએ પોતાને થયેલ પ્રેતાત્માના સાક્ષાત્કારનું નિરૂપણ કરતો 'ઉંહકારા' ભરતા ભૂતનો સંદેશ' એ શીર્ષક હેઠળ લેખ લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું 'હું જે મકાનમાં રહેતી હતી એમાં ક્યારેક ક્યારેક દાદર પર કે ઓરડાઓમાં કોઈના ફરવાના પગલાનો અવાજ સંભળાયા કરતો હતો.
એક દિવસ મેં એની સ્પષ્ટ દેખાતી છાયા પણ જોઈ. એના બે દિવસ બાદ જીવતી જાગતી વ્યક્તિની જેમ એની પ્રગટ દેહાકૃતિ પણ જોવા મળી. મેં ડર્યા વિના સાહસ કરીને એને પૂછ્યું - તમે કોણ છો ? હું ઘણીવાર તમારા પગલાનો અવાજ સાંભળું છું. તમારી છાયા પણ જોઉં છું.' એ પ્રેતાત્માએ જવાબ આપ્યો - 'મારું નામ ટેડ એલિસન છે.' આ નામ સાંભળતા જ મારી સ્મૃતિ તાજી થઈ ગઈ હું અહીં રહેવા આવી ત્યારે મને કોઈકે કહ્યું હતું કે અહીં પહેલા ટેડ એલિસન નામનો માણસ એના કુટુંબ સાથે રહેતે હતો. તેણે આત્મહત્યા કરી નાખી હતી એટલે એના કુટુંબના સભ્યો આ ઘર છોડી બીજે રહેવા જતા રહ્યા હતા.
મેં એ પ્રેતાત્મા સાથે વાતચીતનો દોર ચાલુ રાખ્યો - 'તમે અહીં કેમ ફર્યા કરો છો ? તમારે કોઈનું કશું કામ છે ? તેણે માથુ હલાવી હા પાડી. પણ વધારે કંઈ વાત ન કરી અને અદ્રશ્ય થઈ ગયો. થોડા દિવસ પછી ફરી ઓરડામાં એના ચાલવાના પગલા સંભળાયા. હું એક ખુરશી પર બેસીને પુસ્તક વાંચી રહી હતી. ટેડ એલિસનની આકૃતિ ફરી મારી આગળ પ્રગટ થઈ.
એ મારી ખુરશીની બાજુમાં પડેલી બીજી ખાલી ખુરશી પર બેસી ગયો. એ ઉંહકારા ભરવા લાગ્યો મેં એને ઉંહકારા કેમ ભરે છે એનું કારણ પૂછ્યું મેં કહ્યું 'તમારે જ કહેવું હોય તે કહી શકો છો. હું તમારા પર વિશ્વાસ રાખુ છું હું તમને મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ.''
આ સાંભળીને એના મુખમાંથી વાચા ફૂટી 'બધા એમ માને છે કે મેં આત્મહત્યા કરી હતી, પણ એ વાત સાચી નથી. મારું મરણ એક દુર્ઘટનાથી થયું હતું. મને ડાયાબિટીસનો રોગ હતો અને તેને કાબૂમાં લેવા હું જુદી જુદી ઔષધિઓનું સેવન કરતો હતો. એક દિવસ એક ઝેરી ઔષધિ ભૂલથી ખાઈ લેવાથી મારું મરણ થયું હતું. મેં કોઈ ઝેર જાણીબૂઝીને ખાધું નહોતું. તમે આ વાત મારી પત્ની અને દીકરીઓને કરજો. હું એમને ખૂબ જ ચાહું છું. એ ડરી જાય એમ વિચારીને હું એમની આગળ આ પ્રેતાત્મારૂપે પ્રગટ નથી થતો.
મારી પત્ની અને પુત્રીઓને ગમે નહીં એવું કાયરતાપૂર્વક જીવનનો અંત લાવવાનું કામ હું કરું જ નહીં એટલું તો તમે એમને કહેશો.તો હું તમારો આભારી થઈશ. આ ઘર અને ઓરડામાં હું ઘણું રહ્યો એટલે હું અહીં આવતો રહું છું.' પ્રેતાત્માઓ એમને જે ઘર, જગ્યા, સગા- સંબંધી ગમતા હોય ત્યાં અવારનવાર આવતા રહે છે.
મરણ વખતે અધૂરી રહી ગયેલી કોઈ ઇચ્છા પૂરી કરવા અથવા સગા- સંબંધી ઓળખીતા અને કોઈકવાર તો અજાણી વ્યક્તિનું પણ કોઈ અધૂરું રહી ગયેલું કામ કરવા, એમને મદદરૂપ થવા પ્રેતાત્માઓ આવતા હોય છે. કેટલીકવાર એમના વિશે પ્રવર્તતી ગલતફેમી દૂર કરવાનો પણ એમનો હેતુ હોય છે.
બીજે દિવસે મેં મકાન માલિક પાસેથી ટેડ એલિસનના કુટુંબીઓ બીજે જ્યાં રહેવા ગયા હતા તે મકાનનું સરનામું પ્રાપ્ત કરી લીધું. મિસિસ ટેડ એલિસનને મળવાનો સમય નક્કી કરી હું એમને મળવા પહોંચી ગઈ. એ પછી એ ઘરમાં થતી પ્રેતાત્માની અવરજવરની વાત કરી. એક દિવસ એમના પતિને જોયાનો અને પછી વાતચીત થયાનો તમામ અહેવાલ આપ્યો. આ સાંભળી મિસિસ ટેડ એલિસનના વિસ્મયનો પાર ના રહ્યો.
પછી એલિસને જણાયું - 'સરજેસ્કી તમારી વાત બિલકુલ સાચી છે. મારા પતિને ભારે ડાયાબિટીસ હતો એને કાબૂમાં રાખવા એ જુદી જુદી ઔષધિઓ ખાતા હતા એમનું મરણ થયું એના એક દિવસ પહેલાં એ જંગલમાંથી કોઈ ઔષધિ લઈ આવ્યા હોવાની વાત કરતા હતા. એ જડીબુટ્ટી ઝેરી હશે એનાથી મરણ થયું હશે એવી મને કલ્પના જ ન આવી. બાકી, ટેડ મજબૂત મનોબળના હતા અને રોગથી કંટાળીને કે બીજા કોઈ કારણસર એ આત્મહત્યા કરી લે એવા બિલકુલ નહોતા. તે જિંદગીને ચાહનારા અને ઝિંદાદિલ સ્વભાવના હતા.
તે મરણ બાદ પણ મને અને અમારી દીકરીઓને ચાહે છે એ સાંભળીને મને ભારે ખુશી ઉપજી છે. એમણે આત્મહત્યા નહોતી કરી એ જાણીને મારો રોષ અને આક્રોશ દૂર થઈ ગયા છે. તમે આ સંદેશો આપવા આવ્યા એ બદલ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે.' અદ્રશ્યરૂપે ત્યાં હાજર ટેડ એલિસને એની પત્નીની વાત સાંભળી લીધી. એની ઇચ્છાની પૂર્તિ થઈ ગઈ. પ્રેત યોનિમાંથી એનો છૂટકારો થઈ ગયો એ દિવસ પછી સરજેસ્કીના ઘરના દાદરા અને ઓરડામાં સંભળાતો પગલાનો અવાજ, પ્રેતાત્માના ઉંહકારાનો અવાજ અને એની છાયાકૃતિ દેખાવાની ઘટનાઓ સદંતર બંધ થઈ ગઈ !