ધન્યતા મેડમ, મારે તમારી ફોઇનો આભાર માનવો જોઇએ' - નમિતા
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
પ્રેમનો અતિરેક માણસમાં શ્રધ્ધા જન્માવે છે અને શંકા પણ. મારી દ્રષ્ટિએ પ્રેમ અંધ જ હોવો જોઇએ, જેથી એનામાં ગુણદ્રષ્ટિ હોય, દોષ દ્રષ્ટિ નહીં - ધન્યતાએ કહ્યું હતું
દસવર્ષની પ્રતીક્ષા પછી નમિતા પુત્રની માતા બની તેનો આનંદ હતો. જલ્દી-જલ્દી નામકરણ વિધિ પણ ગોઠવી દીધો, છતાં નવજાત શિશુ આંખ ખોલવાનું નામ નહોતો લેતો, પણ એનું સ્મિત એટલું બધું મોહક હતું કે એને જોનાર એના સ્મિતથી આગળ વધી શક્તું નહોતું.
અનુભવી આયાએ કહ્યું; 'નમિતા મેડમ, ભગવાને તમારા પુત્ર સંસ્કારનેરૂપ આપવામાં કચાશ નથી રાખી, પણ...' આયા આગળ બોલતાં અટકી ગઈ.
'કેમ પણ કહીને અટકી ગઈ, તારા મનમાં કશી શંકા છે ? તમે લોકોને શંકા સિવાય બીજું કશું આવડે છે ?' નમિતાએ સહેજ ગુસ્સા સાથે કહ્યું.
'વહેમનાં કોઈ ઓસડ ના હોય. બાબાભાઈ આંખ ખોલતા નથી એટલે આંખના કોઈ મોટા ડૉક્ટરની સલાહ લો તો સારું. બાકી મારા તો સંસ્કારભાઈને હૃદયથી આશીર્વાદ છે. ભણેલાં-ગણેલાં લોકોને મોટા માણસના જ આશીર્વાદ કેમ ખપે છે ? નાના લોકોના આશીર્વાદમાં હૃદય બોલતું હોય છે, મોટા લોકોના આશીર્વાદમાં માત્ર જીભ બોલતી હોય છે. ચાલો, આવજો' - કહી આયાબેને નમિતાની રજા લીધી.
આયાના શબ્દો સાંભળી નમિતાની ચિંતા વધી ગઈ. તેનો પતિ સુયોગ હજી નોકરીએથી આવ્યો નહોતો. એણે ફોન કરીને 'અડધી રજા મૂકી જલ્દી ઘેર આવી જાઓ. બાબાની તબિયત સારી નથી !'
'અરે ! પણ એકાએક તેને શું થઇ ગયું સવારે તો તે હસતો - રમતો હતો. તે ફેમિલી ડોક્ટરને બતાવી જોયું ?' - સુયોગે પૂછ્યું.
હવે બધી ચોખવટ ફોન પર જ કરવી છે ? પુરુષોની આ જ તકલીફ છે. જ્યાં લાગણીથી કામ લેવાનું હોય ત્યાં તર્ક શરૂ કરી દે છે ! નમિતાએ છણકા સાથે કહ્યું ;'હું આંખના ડોક્ટર શશાંક રાઠોડની સાંજે પાંચ વાગ્યાની એપોઇન્ટમેન્ટ નક્કી કરી લઉં છું. તમે નહીં આવો તો હું એકલી જઈશ.'
'અરે પણ આજે સાડા ત્રણ વાગ્યે અમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સની મીટિંગ છે. જો રજા નહીં મળે તો ડૉ. શશાંક રાઠોડના કન્સલ્ટિંગરૂમ્સ પર હું સીધો જ આવીશ. નોકરી પણ સાચવવી જ પડે ! નમિતા, તારા સ્વભાવની આ જ મર્યાદા છે તને રિઝતાં પણ વાર નહીં અને ખિજાતાં પણ વાર નહીં !' કહી સુયોગે ફોન મૂકી દીધો.
નમિતા પોણા પાંચ વાગ્યે 'આઈ કેર સેન્ટર' પર પહોંચી ત્યારે ત્યાં સુયોગને હાજર જોઇને તેના આનંદનો પાર ન રહ્યો. એણે કહ્યું ;'સુયોગ, તું મીંઢો છે, ચાલક છે. તને કળી શકવાનું મુશ્કેલ છે. તું કહ્યાગરો કંથ નથી, પણ મનસ્વી પતિ પણ નથી ! થેંક્યુ સુયોગ !'
ડોક્ટર સાહેબે ખાસ્સી અડધો કલાક આંખની તપાસ કરી. તેમનો ચહેરો ગંભીર જોઈ નમિતાએ સામેથી જ પૂછ્યું ;'તમારા પુત્ર સંસ્કારને કુદરતે માતા-પિતાની આંખે જોવાનો અધિકાર આપ્યો છે. એ દિવ્યાંગ છે પણ તમારો પ્રેમ એ લાગણી તેની તાકાત બનશે ;તેને સુખી બનાવવામાં કચાશ ના રાખશો.' - ડોક્ટર રાઠોડે લાગણીભીના શબ્દોમાં કહ્યું.
અને નિમિતાએ આઈ કેર સેન્ટરમાંથી બહાર આવીને રડોરોડ કરવાનું શરૂ કરી દીધું. એનો રોષ ભગવાન પ્રત્યે હતો. રડતાં રડતાં એ બોલતી હતી ;'ભગવાન તારી પાસે તો હજાર આંખો છે. મારા પુત્રની બે આંખો છીનવી લઇ તારા હાથમાં શું આવ્યું ? એક સ્ત્રીને અભાગણી બનાવતાં તને દયા ન આવી ?' - આસપાસનાં લોકો દોડી આવ્યાં... સામેના રેસ્ટોરન્ટનો વેઇટર પાણીનો ગ્લાસ લઇ આવ્યો અને સુયોગે મહામહેનતે નમિતાને શાન્ત પાડી.
નમિતાએ પુત્ર સંસ્કાર તરફ નજર કરી. એ મરક-મરક હસતો હતો. એનો મલકાટ જોઇ નમિતાની માનસિક પીડા અડધી થઈ ગઈ ! રીક્ષા દ્વારા પતિ-પત્ની ઘેર પહોંચ્યાં.
નમિતાએ સંસ્કારને પારણામાં પોઢાડયો અને તેના ગાલ પર ચૂમીઓનો વરસાદ વરસાવતાં પતિ સુયોગને કહ્યું ;'સાંભળો, આજથી મારી જિંદગીનું લક્ષ્ય જ સંસ્કાર પ્રત્યેનું વાત્સલ્ય. એની કાળજીમાં મદદરૂપ થવા માટે હું સુશિક્ષિત આયાને રાખીશ. ખર્ચ કરવામાં પાછું વાળીને જોઇશ નહીં. તમારે પાર્ટટાઈમ નોકરી કરવી હોય તો તમને છૂટ. સંસ્કારને માતાની શીળી છાયાની જરૂર છે.' અને એણે હાલરડું ગાવાનું શરૂ કરી દીધું.
નમિતાએ પુત્રપ્રાપ્તિ માટે બાધા બંધણી રાખી હતી. એ નિયમિત રીતે દેવપૂજા પણ કરતી. પણ આજથી એણે દેવસેવા પર પૂર્ણ વિરામ મૂકતાં દેવોની મૂર્તિઓ સમક્ષ ક્ષમાયાચના કરતાં કહ્યું ;'પ્રભુ ! મારા પુત્રરૂપે આપ મારા ઘરમાં પધાર્યા છો. હું એની સેવામાં જ આપનાં દર્શન કરીશ. હું આજથી જ્યાં જ્યાં દિવ્યાંગો માટે સંસ્થાઓ હશે ત્યાં પહોંચી દિવ્યાંગ બાળકોને વહાલ કરીશ.
મારા દિવ્યાંગ પુત્ર સંસ્કારનો જન્મદિવસ પણ ધામધૂમપૂર્વક દિવ્યાંગ-આશ્રમમાં જ ઉજવીશ. દિવ્યાંગ બાળકો તો ભાગ્યશાળી ગણાય, એમને આ જગતની દુષ્ટતા જોવાના અભિશાપથી ભગવાને મુક્ત રાખ્યાં છે.' - બોલતાં બોલતાં નમિતા ધૂ્રસકે ધૂ્રસકે રડી પડી હતી. થોડી જ વારમાં તે બેહોશ થઇ ગઇ હતી.
સુયોગ ગભરાઈ ગયો હતો. એણે ફોન કરી ફેમિલી ડોક્ટરને બોલાવ્યા હતાં. ડોક્ટર નમિતાને તપાસ્યા બાદ કહ્યું હતું ;'એમના મન પર તનાવ છે. તનાવ ઘટતાં થોડીવારમાં તેઓ આઘાતમાંથી બહાર આવશે. ચિંતાનું કોઈ કારણ નથી.'
અને સુયોગને કળ વળી હતી. દસેક મિનિટ પછી નમિતા હોશમાં આવી હતી. એ દોડીને સંસ્કારના પારણા પાસે પહોંચી ગઇ હતી. પારણામાં સંસ્કારને ન જોતાં એણે રાડ પાડી હતી ;'સુયોગ, દોડો આપણા પુત્રને કોઈ ઉઠાવી ગયું છે.'
એટલામાં બાથરૂમમાંથી આયાબેન દોડી આવ્યાં હતાં. એમણે કહ્યું ;'બાબા ભાઈને હું નવડાવી રહી છું. આમ બેબાકળાં થશો તો કામ કેમ ચાલશે ?'
'પણ મને પૂછવું તો જોઇએ ને ! બાબાને શરદી થશે તો જવાબદારી કોની ? આખરે તો તમારે મન, મારો બાબો સંસ્કાર પારકો જ પુત્રને !' - નમિતાએ છણકા સાથે કહ્યું હતું... સુયોગે આયાબહેનને ઇશારો કરી બેહાથ જોડી માફી માગતાં ચૂપ રહેવા સૂચવ્યું હતું.
પુત્ર સંસ્કાર નમિતાના જીવનનું અનિવાર્ય અંગ બની ગયો હતો. આખો દિવસ એને પોતાનાથી અળગો કરતી નહોતી. રાત્રે પણ કલાકે કલાકે જાગીને સંસ્કારને હૂંફ આપતી.
સમય વહેતો ગયો. સંસ્કાર ચાર વર્ષનો થયો. સુયોગની ઇચ્છા હતી કે તેને દિવ્યાંગ બાળકો માટેના બાલમંદિરમાં દાખલ કરાવવામાં આવે. પણ નમિતાએ કહ્યું ;'મારા બાળકને હું કોઇના હવાલે કરવા માગતી નથી. એને ભણાવવા માટે તમે ઘેર જ શિક્ષકની વ્યવસ્થા ગોઠવી દો. આપણા લગ્ન સમયે મારા પપ્પાએ મને ૩૦૦ ગ્રામ સોનાના દાગીના અને પાંચ લાખરૂપીઆ આપ્યા હતા. હું સંસ્કાર માટે એ બધું જ ખર્ચી નાખવા તૈયાર છું... લો, આ તિજોરીની ચાવી.'
સુયોગ નમિતાનો પુત્રપ્રેમ જોઈ ગદ્ગદ્ થઇ ગયો. એણે પાર્ટટાઈમ નોકરી શોધી જ કાઢી હતી. પૂરક આવક માટે એણે કામ શરૂ કરવાનું નક્કી કરી દીધું.
દિવ્યાંગ બાળકોની શાળાઓના સંપર્ક કરી તેણે સંસ્કાર માટે એક લેડી ટયૂટર ધન્યતાની સેવાનો લાભ લેવાની ગોઠવણ કરી દીધી !
ટયૂટર ધન્યતા રવિવારે નમિતાને મળવા માટે આવી ત્યારે તેણે કહ્યું; 'ધન્યતા મેડમ, તમે એક શિક્ષિકા છો. શિક્ષકો વિદ્યાર્થીની ગેરશિસ્ત સહન કરતા નથી. તમને મારી ખાસ ચેતવણી કે મારા પુત્ર સંસ્કારને આંગળી પણ અડકાડશો તો હું આક્રમક બનીશ. તમારે સંસ્કાર માટે બીજી માતા બનવાનું છે. એ શરત કબૂલ હોય તો મારા ઘરના દરવાજા તમારે માટે ખુલ્લા છે. અને હા, તમારે કેટલાં બાળકો છે ?'
ધન્યતા હસી પડી. એણે કહ્યું; 'મારે એક જ બાળક છે તેનું નામ છે સંસ્કાર, મિ. સુયોગ અને શ્રીમતી નમિતાનો પુત્ર. હું કુંવારી છું. મારાં દિવ્યાંગ માતા પિતાની સેવા માટે મેં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. રાત-દિવસ મેં ભગવાનની જેમ સેવા કરી હતી, પણ મારી ગેરહાજરીમાં એ બન્ને રીક્ષામાં બેસી દેવદર્શને જ્યાં નીકળ્યાં અને રીક્ષા પલટી ખાતાં એ બન્ને ભોંય પટકાયાં. શું થયું તેનો ખ્યાલ આવે તે પહેલાં જ પાછળ આવતી ટ્રકે તેમનો ભોગ લીધો. હું અનાથ બની ગઈ.
મારાં માતા-પિતાના આત્માની શાન્તિ માટે મેં દિવ્યાંગ બાળકોની શાળામાં નોકરી સ્વીકારી. મને પ્રત્યેક બાળકમાં મારાં સ્વર્ગસ્થ માતા-પિતાનાં દર્શન થાય છે. આજથી તમારા દીકરાની સેવાને હું ભગવાને મને આપેલી અણમોલ તક સમજી સાચા દિલથી એની તન-મનથી કાળજી લઈશ. નમિતાબેન, તમારા વાત્સલ્યમાં મને ભાગીદાર બનાવશો ને ?'
- ધન્યતાના શબ્દે શબ્દમાં આત્મીયતાનો રણકાર હતો. નમિતા એની કોટે વળગી પડી.એણે કહ્યું; 'મેં દેવી-દેવતાની પૂજા કરી હતી. ભગવાને જ વરદાનરૂપે તમને મારા ઘેર મોકલ્યાં છે. બાકી તો આ ઘોર કળિયુગમાં પ્રેમ, સેવા લાગણી, પરોપકાર એ બધા શબ્દોને સાંસારિક જીવનમાંથી જાકારો મળ્યો છે. ધન્યતા મેડમ, તમારી ફોઇનો મારે આભાર માનવો જોઇએ, એમણે, તમારા ગુણ પ્રમાણે તમારું નામ પાડયું છે ! શો પગાર લેશો ?'
ધન્યતાએ કહ્યું; મારી પાસે મારું પોતાનું વિશાળ મકાન છે. તેનો અડધો ભાગ ભાડે આપેલો છે. દિવ્યાંગ શાળામાં પણ ટોકન પગાર જ લઉં છું. એટલે આપના પુત્ર સંસ્કારના ઉછેરમાં મને ભાગીદાર બનાવવાનો મારે તમને કેટલો પગાર આપવાનો તે તમે નક્કી કરજો. દિવ્યાંગ શાળામાં મારી નોકરીનો સમય સવારે ૮થી બપોરે ત્રણનો છે. સ્કૂલની કેન્ટિનમાં જ હું ભોજન કરી લઉં છું. સાંજે ચાર વાગ્યે સંસ્કારબાબાની સેવામાં હાજર ! લાવો, સંસ્કારને મારા ખોળામાં સુવાડો.'
'હું વહેમીલી છું. અત્યાર સુધી મેં આયા સિવાય કોઇના ખોળામાં તેને સુવાડયો નથી. તમને વાંધો ન હોય તો સંસ્કારના ગાલે કાજળનું ટપકું કરી લઉં ? મારો દીકરોરૂપરૂપનો અંબાર છે. કોઇની પણ નજર લાગી જાય તેવો' - નમિતાએ કહ્યું. નમિતાની વાત સાંભળી સુયોગને ચિંતા થઇ કે ધન્યતા મેડમને તેની વાતથી માઠું લાગ્યું હશે. પણ સુયોગના ચહેરાના મનોભાવ પારખી ધન્યતાએ સામેથી જ કહ્યું; 'સુયોગભાઈ, નમિતાબેનની વાતથી મે ખોટું લાગ્યું નથી.
એમની વાણીમાં કોઇ સાધારણ સ્ત્રી નહીં પણ એક વત્સલ માતાનો સુર છે. પ્રેમનો અતિરેક માણસમાં શ્રધ્ધા પણ જન્માવે અને શંકા પણ. મારી દ્રષ્ટિએ પ્રેમ અંધ જ હોવો જોઇએ, જેથી એનામાં માત્ર ગુણદ્રષ્ટિ હોય, દોષદ્રષ્ટિ નહીં, નમિતાબેન, લાવો સંસ્કારના ગાલે હું જ કાજળનું ટપકું કરું બાકી મારી લાગણીભીની નજર તો આજથી એના પર ચોંટી જ ગઈ છે !'
'નારે ના ! હું પુત્રના મોહમાં ગાંધારી બની ગઈ છું એટલે આડુ-અવળું બોલાઈ જાય તો મને માફ કરશો. તમે માતા બન્યાં નથી, એટલે માતૃત્વની વેદના કદાચ તમને ન પણ સમજાય !' નમિતાએ કહ્યું.
'કોણ કહે છે હું માતા નથી ? અમારી દિવ્યાંગ શાળામાં સો બાળકો છે, એમાં આજે આવતા પુત્ર સંસ્કારરૂપે એક બાળકનો ઉમેરા થાય છે. એટલે હું ૧૦૧ પાંડવ બાળકોની માતા છું. માતૃત્વનું સરનામું લગ્ન નહીં પણ લાગણી છે. અને લાગણીના વર્તુળમાં પારકાપણાના શબ્દને સ્થાન નથી. જેને બાળકમાં તીર્થનું દર્શન થાય, તે માતા. નમિતા બેન, મને શુભેચ્છા પાઠવો કે હું મારા લાગણીયજ્ઞામાં સફળ થાઉં' કહી ધન્યતાએ નમિતાને ભેટીને વિદાય લીધી.
સંસ્કારમાં દર્શનશક્તિની ઉણપ હતી. પણ શ્રવણશક્તિ અને સમજણ શક્તિ કુદરતે તેને ખુલ્લા મને આપી હતી. એ સ્પર્શની લિપિ ઉકેલી શક્તો હતો. ધન્યતા તેને માટે ટયૂટર નહોતાં, પણ બીજી માતા હતાં, એવા વાત્સલ્યની તેને અનુભૂતિ થતી હતી.
ધન્યતા તેને અંકશિક્ષણ, ભાષાશિક્ષણ, વગેરે એટલી સહજતા અને સરળતાથી આપતી કે સંસ્કાર હોંશે-હોંશે એ બધું ગ્રહણ કરી લેતો. દરરોજ તેને અવનવી પ્રેરક દ્રષ્ટાંતકથાઓ પણ ધન્યતા સંભળાવતી. સાંજના ચાર વાગતાં સંસ્કાર ધન્યતાનાં પગલાંનો અવાજ સાંભળવા ઉત્સુક રહેતો.
એ વાતને એક વર્ષ વીત્યું હશે, ધન્યતા ટાઈફોઇડના તાવમાં સપડાઈ. ડોક્ટરે તેને પંદર દિવસના આરામની સલાહ આપી. તાવ જલ્દી નોર્મલ થતો નહોતો. ભયાનક તાવમાં ધન્યતા લવરી કરતી હતી; 'સંસ્કાર, સૉરી બેટા, હું તારી સંભાળ રાખી શક્તી નથી. તારું મોં જોવા હું તડપું છું.'
ધન્યતાની સારવાર કરતી નર્સને ડોક્ટરે પૂછ્યું; 'ધન્યતા મેડમનો બાબો બીજે ક્યાંય રહે છે ? એનું નામ સંસ્કાર છે ?'
નર્સ જવાબ આપે તે પહેલાં જ સુયોગે ધન્યતાના બંગલામાં પ્રવેશતાં ડોક્ટરને કહ્યું હતું; 'મારો પુત્ર સંસ્કાર જ ધન્યતાને મન સગો પુત્ર છે. એના ટયૂટર તરીકે ધન્યતા સેવાઓ આપે છે પણ સંસ્કાર અને ધન્યતા વચ્ચે લાગણીનો એવો સેતુ રચાયો છે કે એ બન્ને એક બીજાને જોયા સિવાય રહી શક્તાં નથી !'
'તો પછી આપનો પુત્ર સંસ્કાર એ જ ધન્યતા મેડમની દવા છે. ઘરની સારવાર છતાં તાવ નોર્મલ થતો નથી, એટલે તેમને હોસ્પિટલમાં ખસેડવાનું સલાહભર્યું છે. એમનાં સગાં-વહાલાંને જણાવી દેજો કહી ડોક્ટરે વિદાય લીધી.'
ડૉક્ટરની સલાહ મુજબ સુયોગે તાત્કાલિક એમ્બ્યૂલન્સ બોલાવી ધન્યતાને હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરી. હોસ્પિટલ પહોંચવા દરમ્યાન તે લવરીમાં એક જ શબ્દ બોલી રહી હતી; 'તું હજીયે ન આવ્યો. સંસ્કાર બેટા, તું ક્યાં છે ? તને આવતાં આટલી બધી વાર ? તારી મમ્મી નમિતાને કહેજે કે તે જલ્દી તને મારી પાસે લઇ આવે.''
અને સંસ્કારનું મોં જોવાની ધન્યતાની તીવ્ર ઇચ્છા જોઈ સુયોગ નમિતા અને સંસ્કારને તેડી લાવવા ઘેર પહોંચ્યો હતો. પણ નમિતા અને સંસ્કાર ઘેર નહોતાં. આયાબેને કહ્યું કે સંસ્કારને તાવ આવ્યો છે, એટલે નમિતાબેન તેને લઇને ડૉક્ટરના ક્લીનિક પર ગયાં છે.
સુયોગ ડૉક્ટરના ક્લીનિક પર પહોંચ્યો, ત્યારે નમિતા સંસ્કારને લઇને ઘેર જવા નીકળી ગઇ હતી. સુયોગ ભારે હૈયે વળી પાછો નમિતા અને સંસ્કારને હોસ્પિટલ લઇ જવા માટે ઘેર પહોંચ્યો હતો.
ધન્યતાની બીમારીની વાત સાંભળી નમિતા ભાંગી પડી હતી. તેણે જલ્દી સંસ્કારને તૈયાર કરી હોસ્પિટલ માટે જરૂરી સામાનની બેગ તૈયાર કરી હતી. ધન્યતાનું સગું-ગણો કેવહાલું નમિતાનું કુટુંબ જ હતું.
સુયોગ એ બન્નેને લઇને હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટર ધન્યતાના હાર્ટને મસાજ કરી રહ્યા હતાં. સામેની બાજુએ એડ્વોકેટ યતીન સોની બેઠેલા હતા.
ધન્યતા અંતિમ શ્વાસ લઇ રહી હતી. ત્રૂટક-ત્રૂટક શબ્દોમાં તે એક જ શબ્દ ઉચ્ચારતી હતી; 'સંસ્કાર, મારો સંસ્કાર'
નમિતાને ડોક્ટરે કહ્યું; 'સંસ્કારને જોવા માટે ધન્યતા મેડમના શ્વાસ અટકી રહ્યા છે. સંસ્કાર હાજર થાય તો સારું.'
અને નમિતાએ સંસ્કારને ધન્યતાની ગોદમાં સુવાડી તેનો હાથ સંસ્કારના માથા પર ફેરવાવ્યો હતો. અને એક જ ડચકા સાથે ધન્યતાએ પાર્થિવ જીવનનો ત્યાગ કર્યો હતો. નમિતા અને સુયોગે કરુણ આક્રંદ કર્યું; એડ્વોકેટે ધન્યતાની ગોદમાંથી સંસ્કારને તેડી લીધો અને ડોક્ટરે ધન્યતાના મૃત દેહને સફેદ ચાદર ઓઢાડી નમન કર્યું હતું.
એડ્વોકેટે સુયોગ અને નમિતાને આશ્વાસન આપી શાન્ત કર્યાં હતાં અને કહ્યું હતું; ધન્યતા મેડમે બે વીલ કર્યાં છે. એક સંસ્કારના નામનું અને બીજું દિવ્યાંગ આશ્રમના નામનું. તેમના બંગલાનો અડધો ભાગ અને ૨૫ લાખરૂપીઆ સંસ્કારને નામે કર્યાં છે. લો, આ વીલના કાગળો ! - કહી ડોક્યુમેન્ટ સુયોગના હાથમાં મૂક્યા હતા. ધન્યતાની સઘળી ઉત્તરક્રિયા સુયોગે પતાવી હતી. એ પછી એક વર્ષે ધન્યતાની પુણ્યતિથિએ દિવ્યાંગ આશ્રમની મદદ અને સમ્મતિથી ધન્યતાને બંગલે જ 'દિવ્યાંગ આશ્રમ' શરૂ થયો હતો. જેનું નામ હતું સંસ્કાર માતૃતીર્થ ધન્યતા દિવ્યાંગાશ્રમ.'