પ્રામાણિકતાનાં પ્લેટફોર્મ પર પહોંચતા હજુ કેટલાં વર્ષો લાગશે?
હોરાઈઝન - ભવેન કચ્છી
જાપાનમાં એક ભારતીયની રેલ્વે મુસાફરીમાં બેગ ગુમ થઇ અને...
રેલ્વે કોચમાંથી 12,83,415 નેપકીન, 4,71,077 ચાદર, 3,14,952 ઓશીકાના કવર, હજારો નળ, અરીસા, ડબલાની એક જ વર્ષમાં ચોરી
પેટ્રોલ પંપ પર પ્રામાણિકતા માપવાનું મીટર બંધ કરવા જેવું છે
જાપાનનો એક પ્રસંગ છે. ભારતનો એક પ્રવાસી ત્યાની રેલ્વેમાં મુસાફરી કરી રહ્યો હતો. એક સ્ટેશન આવતા કેટલાક પ્રવાસીઓ કોચમાંથી તેમના સામાન સાથે ઉતર્યા. હજુ ટ્રેઈન સ્ટેશન પર જ ઉભી હતી, ત્યાં જ ભારતનો પ્રવાસી કોચમાં બુમ પાડવા લાગ્યો કે 'અરે ટ્રેન ઉપાડવા ન દેતા... મારી બેગ ચોરાઈ ગઈ છે.
કોઈ ગઠીયો મારી બેગ લઈને સ્ટેશનમાંથી બહાર નાસી જાય તે પહેલા તેને પકડો. ક્યાં છે પોલીસ, કઈ રીતે બોલાવાય છે અહીં રેલ્વે પોલીસ ..કોઈ ઝડપથી મદદ કરો ..મારી બાજુમાં બેસેલ જાપાનીઝ પેસેન્જર ચોર હતો તે હવે સમજાયું ધ અંગ્રેજી ભાષામાં સતત આવી બુમાબુમ સાથે તેણે કોચ અને નીચે ઉતરી સ્ટેશનને ગજવી મુક્યું.
કોચમાં બેઠેલા જાપાનીઝ મુસાફરો પૈકી એક જણાએ આ ભારતીય ભાઈને અંગ્રેજીમાં કહ્યું કે 'તમારી બેગ તમને પરત મળી જશે. તમે અમારા દેશના નાગરીકને ચોર ના કહી શકો. આવું અમે હરગીઝ ચલાવી નહીં લઈએ. અમને તો અમારી કોઈ ચીજવસ્તુ હાથ ન લાગે તો તે અમારા દેશના નાગરિકે ચોરી લીધી તેવો વિચાર જ ના આવે. અમારા નાગરિક વિષે તમે આવું અનુમાન અને આરોપ તે પણ અન્ય વિદેશી પ્રવાસીઓની હાજરીમાં લગાવો તે એક જાપાન જેવા પ્રામાણિક દેશ અને તેના નાગરિક તરીકે હું સાંભળી નથી શકતો.'
ભારતના પ્રવાસીની હજુ 'ચોર ચોર ..પકડા ે..પકડોની કાગારોળ ચાલુ જ હતી. ' ત્યાં જ તેની નજર સામે પોલીસ દેખાયા જે સીધા તેના કોચ તરફ આવ્યા. શોરબકોર કરતા ભારતીય પ્રવાસીની નજીક આવી પોલીસકર્મીએ સસ્મિત બેગ આપતા કહ્યું કે તમારી જોડેનું સહપ્રવાસી દંપતી ભૂલથી તમારી બેગ પણ તેમના સામાન સાથે લઇ ગયું હતું જે તેઓએ સ્ટેશન બહાર જતા પહેલા અમને કોચ નંબર જણાવી ભારતીય મુસાફરને આપી દેવા જણાવ્યું છે.' ભારતીય પ્રવાસી તો કાપો તો લોહી ન નીકળે તેમ છોભીલો પડી ગયો. 'સોરી સોરી.. થેંક યુ થેંક યુ' કહી તેણે તેની બેઠક ગ્રહણ કરી. ટ્રેઈન ઉપડવાની વ્હીસલ વાગી ત્યારે પોલીસે જતા અગાઉ કહ્યું કે 'તમારી બેગ તમને પરત મળે અને તમને પહોંચાડવા અમે ટ્રેઈન પાંચ મિનીટ મોડી કરાવી હતી.'
ટ્રેઈને થોડી રફ્તાર પકડી તે સાથે જાપાની સહપ્રવાસીએ ભારતીય પ્રવાસીને વિનંતીના સૂરમાં કહ્યું કે 'મહેરબાની કરીને તમારા દેશમાં જઈને આ પ્રસંગ જણાવો તો એવું નાં કહેતા કે જાપાનમાં તમારી બેગ સ્ટેશન પર ચોરાઈ ગઈ હતી અને તે પરત મળી .. ખાસ એ વાત પર ભાર મુકજો કે એક જાપાની દંપતી ભૂલથી બેગ લઇ ગયું હતું અને ખબર પડતા જ તેઓએ પોલીસને પરત કરી હતી. કોઈ પરદેશી અમારા દેશમાં તેનો સામાન કે પર્સ ખોઈ નાખે અને તે ચોરીની ફરિયાદ કરે તો પણ અમે શરમથી ઝુકી જઈએ છીએ.' ભારતના નાગરિકે મનોમન જાપાન દેશ અને તેના નાગરિકોને સલામ કરી.
બરાબર આ જ અરસામાં ભારતના રેલ્વે મંત્રાલયે પ્રત્યેક ભારતીયનું માથું શરમથી ઝુકી જાય તેવા અને વિશ્વનો કોઈ દેશ બહાર ન પાડતો હોય તેવા આંકડા લોકસભામાં રજુ કર્યા હતા. વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન ભારતીય રેલવેના કોચમાંથી કુલ ૨૧,૭૨,૨૪૬ આઈટમો ગુમ થઇ છે. જેમાં ૧૨,૮૩,૪૧૫ નેપકીન-ટુવાલ, ૪,૭૧,૦૭૭ ચાદર, ૩,૧૪,૯૫૨ ઓશીકાના કવર, ૫૬,૨૮૭ ઓશીકા, ૧,૩૦,૦૦૦થી વધુ ઓઢવાના ધાબળાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રેલ્વે કોચના સંડાસમાંથી સાંકળ બાંધી હોય તો પણ ડબલા, નળ, ફ્લશ પાઈપ અને અરીસા પણ હજારોની સંખ્યામાં ચોરાય છે. અદ્યતન સુવિધા પૂરી પાડતી ટ્રેઇનોની બારીના પડદા , બ્રાન્ડેડ મોંઘા નળથી માંડી સીસીટીવી કેમેરાના પાર્ટસ પણ ગઠીયાઓ ઉઠાવી જાય છે.
હજુ ગત ૪ ઓક્ટોબરથી લખનૌં-દિલ્હી વચ્ચે શરુ થયેલી તેજસ એક્સપ્રેસની પહેલી જ જતા -આવતાની સફર પૂરી થઇ ત્યાં જ પડદા, નળ, ટમલર અને અન્ય સુવિધાની ચોરી કે નુકસાન થયાના રીપોર્ટ મળ્યા છે. કોચમાં રાખવામાં આવેલા ટીવીને પણ ઉઠાવી જવાનો પ્રયત્ન થયો હોય તેવા હાલ જોવા મળ્યા.
રેલ્વે પોલીસ સ્વીકારે છે કે આવી ચોરી કરનારી ટોળકીઓ પણ કાર્યરત છે પણ જે લાખોની માત્રામાં કોચમાંથી આઈટમો ગુમ થાય છે તેમાં ચોરીનો મહત્તમ હિસ્સો મુસાફરો દ્વારા જ થયેલો છે. ચાદરથી માંડી નેપકીન અને ઓશીકા અને તેના કવર તેઓ તેમની બેગમાં મૂકી દે છે. ઘણા તો આ માટે બેગમાં ખાસ જગ્યા રાખી મુસાફરી કરે છે. આપણા સૌ માટે શરમની વાત છે કે આ હદે કોચમાંથી ચોરી થતી હોઈ રેલ્વે વિભાગે મોટાભાગની એક્સપ્રેસના સ્ટાફને સુચના આપી છે કે આખરી સ્ટેશન આવવાનું હોય તેના અડધો કલાક પહેલાથી મુસાફરને પૂરી પડાતી સુવિધા પરત લઇ લેવી.
એક્સપ્રેસ કે એ.સી. કોચમાં મુસાફરી કરનારા ગરીબ તો ન જ હોય જેને મજબુરીથી ઠંડીથી બચવા ચાદર કે ધાબળા કે ચાદરની ચોરી કરવી પડે. ખરેખર તો ભારતના ગરીબો વધુ સંસ્કારી અને સ્વમાની છે. ભગવાન બધું જુએ છે તેમ માનનારા છે. ચોરી કરવી, જરૂર ન હોય તો પણ મફતનું લઇ લેવું, અપ્રામાણિકતા, બગાડ કરવો, ગંદકી-કચરો ફેંકવો, થૂંકવું તે આપણી ગળથૂથીમાં છે. શ્રીમંત, મધ્યમ કે ગરીબ તમામ વર્ગના આવી માનસિકતા હેઠળ આવી જાય છે.
જાહેર સંપત્તિ જાળવવાની સૌની જવાબદારી છે તેવી ભારતના મહત્તમ નાગરિકોમાં ભાવના કે સંસ્કાર જ નથી. જાહેર સંપત્તિને બેઠા બેઠા મચડી નાંખવાની કે તેના પાર્ટસ તોડતા કે ચોરતા રહેવાના તે આપણી આદત છે. બગીચાના બાંકડા એવી કઈ રીતે તુટતા હશે કે તેમાંના સિમેન્ટ, કોન્ક્રીટ દેખાય?કેટલાયે બાંકડા તો સાવ ગબડાવી સુવડાવી દીધા હોય. વિશ્વના ઘણા દેશોમાં ફરવાની તક મળી છે ત્યારે એવો વિચાર આવે કે આપણા દેશના નાગરિકોને મોમાંથી થુંક બહાર રસ્તા પર ફેંકવું જ પડે તેવી કોઈ દૈહિક આંતરિક ખામી હશે? ભારતમાં સવારે મોનગ કરવા નીકળીએ તો જાહેર માર્ગ પર ડગલે અને પગલે થુંક અને ગળફા જોવા મળે.
આવું વિશ્વના કોઈ વિકસિત દેશમાં કેમ નથી? ગુટખા ખાવાની ભારતીયોને જ કેમ તલબ? પશ્ચિમના દેશોમાં તો પાન મસાલા જ નથી. ત્યાની બસ, ટ્રેઈન, વિમાનો, બગીચા, જાહેર સેવા, ફૂટપાથ ચકાચક મેઈન્ટેઈન થયા હોય. ભારતમાં રૂપિયા ૩૦-૪૦ લાખની કાર લઈને નીકળેલ શ્રીમંત માલિક પણ ચાલુ કારે દરવાજો ખોલીને થૂંકતો જોઈ શકાય છે. જેઓ જાહેર મિલકતની ચોરી નથી કરતા તેઓ બેફામ રીતે વર્તન કરી ગામ કે શહેરને ઉકરડામાં ફેરવે છે.
આપણે જ સૌથી પહેલા તો આપણા દેશ અને તેની જાહેર મિલકતો પ્રત્યે આદર કેળવતા શીખવું પડશે. પશ્ચિમના દેશોની નાગરિકમાં સ્વયં શિસ્ત છે. સરકારની જવાબદારી છોડો. એવું ઘણું થઇ શકે જે આપણા હાથમાં છે. માનવનું સન્માન કે આત્મ ગૌરવ આપણે ત્યાં પ્રવર્તે છે ખરુ? પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતો કર્મચારી વાહનના માલિકને મીટર શરુ કરતા પહેલા 'ભાઈ,મીટર પરનો આંકડો જોઈ લે જો' તેમ કહે તે આ પેટ્રોલ ભરનાર કર્મચારી પોતે જ તેને ખબર ન હોય તેમ તેનું આત્મ સન્માન હણે છે તેનાથી વિશેષ ભારત દેશની કરુણતા કઈ હોઈ શકે? આપણે પેટ્રોલ ભરનાર બધા જ કર્મચારીને અપ્રામાણિક માનીએ છીએ? પેટ્રોલ ભરનારે સામેથી કહેવું પડે કે 'જોઈ લે જો મેં ચોરી નથી કરી, મીટર બરાબર સેટ કર્યું છે.' અને આપણે પણ હા ,જોયું બરાબર છે. હું છેતરાતો નથી તેમ ભાવાંકનો આપતા છેક સુધી ફરતા મીટરને તાંકતા રહીશું. પ્રત્યેક પેટ્રોલ પંપના માલિકોએ તેમના પેટ્રોલ ભરતા કર્મચારીઓને સુચના આપવી જોઈએ કે તમારે તમારી પ્રામાણિકતા પુરવાર કરવાની જરૂર નથી.
ગ્રાહકને તેની જાતે મીટરના આંક જોવા હોય તો ભલે જુએ તે તેનો અધિકાર છે .' પણ સાહેબ જોઈ લો બરાબર મીટર સેટ કર્યું છે ને ?' તેમ તમારે નહિ કહેવાનું. તમે કે તમારા સંતાનો પેટ્રોલ પંપ પર આ રીતે નોકરી કરતા હોય તો તમારા આત્મ સન્માન કેવી ઠેંસ પહોંચે તે વિચારો.
ભારતમાં સીસી ટીવી કેમેરા કે કોઈ જ જોતું ન હોય ત્યારે માત્ર સંસ્કારવશ સહજ આપણા પોતીકા માટેની, માહ્યલામાંથી નીપજતી નૈતિકતા અવિરત પ્રગટ થવી જોઈએ તે દિશામાં આગળ વધવાની આવશ્યકતા છે. જાહેર સંપત્તિ અને સુવિધાની જાળવણી તેમજ રાષ્ટ્ર ગૌરવ પરસ્પર જોડાયેલું હોય છે.
રેલ્વે સ્ટેશને પબ્લિક એડ્રેસ સીસ્ટમ પર કર્ણપ્રિય અવાજમાં ઉદઘોષણા થતી રહે છે કે 'રેલ્વે આપકી સંપત્તિ હૈ' તેનો અર્થ એવો નહીં કે તેને ઘેર લઇ જવાની.