મહાત્મા કોણ, ગાંધીજી કે ગોડસે ? ફિરોઝ ગાંધી શું ફિરોઝખાન હતા ?
ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી
પગે લાગવાની રાજકીયક્ષેત્રે જે લૂચ્ચી રસમ છે એવી રસમ ક્યાંય નથી! એમાં આદર જેવી કોઇ ભાવના નથી હોતી. માત્ર સ્વાર્થ હોય છે. નેતાને સારૂ લગાડવા આમ કરતા હોય છે
એક તરફ સરકાર લોકોને રોજગાર આપવાના વચનો આપે છે ને બીજી બાજુ રોજગાર પર લાગેલા લાખો કર્મચારીઓની છટણી કરવામાં આવી છે
બ હારથી આપણા સંબંધી કે કોઇ આપણો ઓળખીતો આવે છે તો એને ઉમળકાભેર આવકાર આપીએ છીએ, હાથ મિલાવીએ છીએ અને કોઇને છાતીએ વળગાડી લઇએ છીએ, આ આપણો અંગત ઉમળકો છે. આપણા સંતાનને એની સાથે કંઇ લાગે વળગે નહિ છતાં સંતાનને આજ્ઞાા કરીએ છીએ ! દીકરા ! અંકલને પગે લાગો ! અને દીકરો તરત જ એને પગે લાગે છે.
આવનાર પ્રત્યે તમારા મનમાં જે ભાવના હોય એ તમારા દીકરાના મનમાં ન હોય, અથવા કોઇપણ પ્રકારની ભાવના ન હોય ! છતાં તમારા કહેવાથી એ પગે લાગ્યો તો ખરો, પણ એ પગે લાગવાની ભાવના સાથે પગે લાગ્યો ? ના ! એના મનમાં એવી કોઇ ભાવના નહોતી. તમારા કહેવાથી પગે લાગ્યો, એ પગેલાગવું યંત્રવત્ ગણાય ! યંત્રને તમે ઇચ્છા મુજબ ચાલુ પણ કરી શકો છો અને બંધ પણ કરી શકો છો ! તમારી ઇચ્છાથી યંત્ર ચાલુ થાય છે એમ તમારા કહેવાથી દીકરો પગે લાગે તો એ યંત્રવત્ જ કહેવાયને ? જો કે આ પ્રક્રિયા ખોટી નથી.
બાળકોને એ રીતે સંસ્કારી બનાવતા હોવાનો માબાપને સંતોષ છે. પગે લાગીને મોટા માણસનું આદરમાન કરવાનું શીખવાડવું એ કંઇ ખોટુ નથી. બાળકો સંસ્કારી બને એવું તો દરેક માબાપ ઇચ્છતા હોય છે. બદમાશ માણસો પણ સંતાનોને સંસ્કારી બનાવવા ઇચ્છે છે. બે નંબરની કમાણીના પૈસા ખર્ચીને પોતાના સંતાનને ઇંગ્લીશ મિડિયમની સ્કુલમાં એડમીટ કરાવે છે ! ભણીગણીને મઝાનું ઇંગ્લીશ બોલતો થઇ ગયો હોય છતાં એને પગે લાગવાનો અર્થ સમજાયો નહિ હોય.
એને બાળપણથી જ પગે લાગવાનું શીખવાડવામાં આવ્યું હોવાથી એ પગે લાગવા ટેવાઇ જતો હોય છે ને જ્યાંત્યાં પગે લાગતો ફરે છે. એવું એટલા માટે થાય છે કે માબાપે એને પગે લાગવાની ટેવ પાડી દીધી પરંતુ પગે લાગવા પાછળનો અર્થ સમજાવ્યો નથી. ટેવ પ્રમાણે પગે લાગવું અને અંતરાત્માને પગે લાગવાની ભાવના પ્રગટે ને પગે લાગવું, એ બંને અલગ સ્થિતિ છે ! પગે લાગવાની ભાવના કેળવાય તો કોને પગે લાગવું ને ક્યારે પગે લાગવાની સમજ પણ આપમેળે કેળવાઇ જતી હોય છે!
પગે લાગવાની રાજકીયક્ષેત્રે જે લૂચ્ચી રસમ છે એવી રસમ ક્યાંય નથી! એમાં આદર જેવી કોઇ ભાવના નથી હોતી. માત્ર સ્વાર્થ હોય છે. નેતાને સારૂ લગાડવા આમ કરતા હોય છે. નેતા દ્વારા કોઇ કામ કઢાવી લેવા આમ કરતા હોય છે ! એવા માણસો પણ જોયા છે કે ગઇકાલે ફુટપાથ પરની ચાની રેંકડી પર બંને જણ જોડાજોડ ઊભા રહીને ચા પીતાં પીતાં વાતો કરતા હોય, ત્યારે કોઇ કોઇને પગે લાગતું નથી ! પણ એ બેમાંથી કોઇ એક સંજોગવશ ચૂંટાઇને નેતા બની ગયો હોય તો પેલો ફુટપાથ પર જોડે ઊભો રહીને ચાપીનાર માણસ એના પગે લાગવામાં સંકોચ કેમ અનુભવતો નથી જેની સાથે ગઇકાલે તૂં તાં થી વાત કરતા હતા એને પગે લાગવાનું કંઇ રીતે ફાવતુ હશે ?
સામેવાળાને સારૂ લગાડવાની આ લૂચ્ચી રસમ સમાજના દરેક ક્ષેત્રે પ્રવેશી ગઇ છે. સંબંધોમાં આ રસમ ખૂબ વપરાય છે. પરિવારમાં પણ ક્યારેક ક્યારેક આવું ઔપચારિક અટકચાળું થઇ જતું હોય છે ! આમાં દંભ અને ભ્રામકતા વધુ વકરે છે. રાજકારણમાં સૌથી વધુ એવા નાટકો જોવા મળે છે ! રાજકારણમાં તો ખુશામતખોરી અને ચાપલૂસીએ ભક્તિનો દરજ્જો પ્રાપ્ત કરી લીધો છે.
રાષ્ટ્રપ્રેમમાં રાષ્ટ્રવાદ જળવાતો હોય છે. હવે દેશપ્રેમને પાછળ ધકેલી દઇને વ્યક્તિપૂજા કરનારને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે ! પરિણામ એ આવ્યું કે વ્યક્તિ સામે આંગળી ચીંધાય છે તો દેશ સામે આંગળી ચીંધી હોવાની તોહમત લગાડીને હોબાળો મચાવી દેવામાં આવે છે અને રાષ્ટ્રભક્તોને રાષ્ટ્રદ્રોહી કહેવામાં આવે છે. દેશની આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ થઇ છે કે દેશ પર એટલું બધુ દેવુ વધી ગયું છે કે વ્યાજ ભરવાના પણ પૈસા સરકાર પાસે નથી.
આ સ્થિતિમાં દેશને કંગાલ કહેવાને બદલે મેરા દેશ મહાન કહેવા માટે પ્રજા મજબૂર થઇ ગઇ છે. આ સત્ય વ્યક્ત કરીએ છીએ ત્યારે દેશદ્રોહી કહેવાઇએ છીએ. દેશને માથે કેટલું દેવુ છે એ અંગે સામાન્ય મતદારને કશી ગતાગમ નથી. દેશના માથે જે દેવું છે તેનું વ્યાજ ભરવું પણ શક્ય નથી. આ સ્થિતિમા દેશ નાદારી જાહેર કરીને દેવાળું ફુંકે એ સ્થિતિમાં આવી ગયું હોવા તરફ ધ્યાન દોરનારને દેશદ્રોહી કહીને ચુપ કરી દેવામાં આવે છે.
આ વાતમાં કોઇ તથ્ય છે કે નહિ, એ જોવા જાણવાની કોઇને પડી નથી. દેશની આર્થિક સ્થિતિનું સત્ય જાણવું હોય તો ૨૦૨૦-૨૧ના બજેટ પર ઇમાનદારી પૂર્વક નજર નાખશો તો દેખાઇ આવશે. દરેક બજેટમાં દરેક ક્ષેત્રના વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવે છે અને કયા ક્ષેત્રે કેટલા નાણા ખર્ચવા પડશે, એ અંગે પૂરી વિગત આપવામાં આવે છે. એ વિગતમા વ્યાજને સર્વોપરિતા આપવામાં આવી છે.
આ બજેટમાં સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્ર માટે ૩,૨૩૦૫૩ (ત્રણ લાખ ત્રેવીસ હજાર ને ત્રેપન કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. પણ વ્યાજ ભરવા માટે એનાથી બમણું ૭,૦૮,૨૦૩ (સાત લાખ આઠ હજાર બસો ત્રણ કરોડ ફાળવવામાં આવશે.
હવે જુઓ ક્યાં સંરક્ષણક્ષેત્ર માટે ત્રણ લાખ કરોડ રૂપિયા અને ક્યાં વ્યાજ માટે સાત લાખ કરોડ રૂપિયા ? જે દેશને કર્જના વ્યાજપેટે સાત લાખ કરોડ રૂપિયા ફાળવવા પડે તો એ વ્યાજની રકમ પરથી અંદાજો મેળવો કે વ્યાજ સાત લાખ કરોડ હોય તો મૂળ દેવું કેટલું હશે ? એ પછીના જુદા જુદા વિકાસ ક્ષેત્રે બે લાખ કરોડથી ઓછી રકમ ફાળવવામાં આવી છે. એટલે કે વિકાસ કાર્યો કરતાં વ્યાજનું ભંડોળ સૌથી મોટું છે. આવું કેમ થયું એ પૂછાય નહિ, અને પૂછો તો દેશદ્રોહી !
પ્રજા પર જાત જાતના ટેક્ષ નાંખીને પૈસા વસુલ કરવામાં આવે છે. છતાં સરકારને દેવું શા માટે કરવું પડે છે ? આ પ્રશ્ન આજકાલનો નથી. આ સ્થિતિ અગાઉથી ચાલી આવી છે. કોંગ્રેસ શાસનમાં પણ દેશ કરજદાર હતો. દેશનું એ દેવું કોંગ્રેસ પાસેથી ભાજપને વારસામાં મળે છે. ભાજપએ કર્જમાં થોડો ઉમેરો કરીને કોંગ્રેસને સોંપે છે.
અને વળી કોંગ્રેસએ વારસો ભાજપને હવાલે કરે છે. જેનો સામનો વર્તમાન સરકાર કરી રહી છે ! પણ બધો જ દોષ કોંગ્રેસના માથે ઢોળી દઈને છટકી જવા જેવું નથી ! કોંગ્રેસ તરફથી મળેલું દેવું હળવું કરવાને બદલે ભાજપે એમાં ઉમેરો કર્યો ? દેવું ઘટે, ફાલતું ખર્ચા ઘટે એ માટે શરૂઆતથી પગલાં લેવા જોઈએ પણ એવી શરૂઆત ચૂકી જવાને કારણે સરકાર હસ્તગત એર ઈન્ડિયા નફો કરવાને બદલે એંસી હજાર કરોડ રૂપિયાનું દેવાદાર બને છે ને છેલ્લે એને વેચી મારવાની નોબત આવે છે ! એર ઈન્ડિયાએ પ્રથમ વર્ષે ખોટ ખાધી તો એજ વર્ષે એ ક્ષેત્રને વ્યવસ્થિત કરી શકાયું હોત તો આજે એર ઈન્ડિયાના માટે એંસી હજાર કરોડ રૂપિયા જેવું માતબર દેવું ખડકાયું ન હોત. આ પરિસ્થિતિ અહી અટકી જતી નથી એટલે વધુ ચિંતાજનક બને છે. હવે એસ.બી.આઈ. કરતાં વધુ કમાણી કરતી એલ.આઈ.સી. (લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન) વેચવા કાઢી છે શા માટે ? એલ.આઈ.સી. તો નફો કરતી સંસ્થા છે.
દેશ આજે ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જેને મંદીની અસર થઈ નથી. બજારમાં ઘરાકી ઘટી ગઈ છે. અને આ વાત બધા જાણે છે. છતાં બજેટ પ્રવચનમાં નાણાંમંત્રી કહે છે કે હવે લોકોની ખરીદ ક્ષમતા વધશે ! પણ કઈ રીતે વધશે એ જણાવ્યું નથી. એમણે એમ પણ કહ્યું કે ઊંચા વિકાસ દર દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે ! પણ ક્યાં ક્ષેત્રે અને કઈ રીતે રોજગારી મળશે, એનો ખુલાસો કર્યો નથી.
પરિણામે નાણાંમંત્રીનું બજેટ પ્રવચન પણ ચૂંટણી પ્રચારમાં અપાતા વચન અને વાયદા જેવું જ છે ! એક તરફ સરકાર લોકોને રોજગાર આપવાના વચનો આપે છે ને બીજી બાજુ રોજગાર પર લાગેલા લાખો કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. રોજગાર આપવાની વાતનો ક્યારે અમલ થશે એ કોઈ જાણતું નથી. પરંતુ નોકરી પર ચાલુ હોય એવા લોકોની છટણી કરવાનો અમલ તો જોરશોરથી જારી છે.
તાજેતરમાં જ સરકારી ટેલીકોમ કંપની બી.એસ.એન.એલ.ના એક સામટા છોત્તેર હજાર કર્મચારીઓની છટણી કરીને ઘરભેગા કરી દેવામાં આવ્યા અને તે પણ ખાલી હાથે, એમને આપવા પાત્ર રકમ આગામી માર્ચમાં આપીશું કહીને કાઢી મુકવામાં આવ્યા છે. એ સ્થિતિ બેકારી નિવારણના બદલે બેકારીમાં ઉમેરો કરી રહી છે. આ વાત ગયા વર્ષથી ચાલતી હતી ત્યારે બાવન હજાર કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે બાવન હજારને બદલે છોત્તેર હજાર કર્મચારીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે.
આવી બધી વાતો મતદારો સુધી પહોંચે એ પહેલા એની આડે વિવાદોની દીવાલો ઊભી કરી દેવામાં આવે છે. પરિણામે સરકાર સામે આંગળી ચીંધનાર લોકો મૂળ પ્રશ્નને છોડીને વિવાદમાં અટવાઈ જાય છે ! વિવાદમાં પડનાર લોકોને દેશદ્રોહી કહેવામાં આવે છે. વ્યક્તિ પૂજા અને નગુણાપણા જેવી બદીને ખતમ કરી નાંખવાને બદલે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પરિણામે તમે કોઈ સર્વોચ્ચ નેતાની વિરૂધ્ધ બોલો તો તમે રાષ્ટ્ર વિરોધી બનો છો ! આમાં પણ મક્કમતાને બદલે બેવડી નીતિ અપનાવવામાં આવે છે. વડાપ્રધાનનો વિરોધી દેશ વિરોધી અને મહાત્મા ગાંધી વિરોધ બોલનાર અને ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસેને મહાત્મા કહેનારને રાષ્ટ્રવાદી કહેવામાં આવે છે! ગોડસેને મહાત્મા કહેનાર ભાજપના જ સાંસદ હોવા છતાં આ એમની અંગત લાગણી છે, એની સાથે ભાજપને કંઈ લેવા દેવા નથી કહીને સરકાર હાથ ઊંચા કરી લે છે ! પોતાને જે કહેવું હોય તે કોઈ એક વ્યક્તિ દ્વારા કહેવડાવી દેવાય છે અને અમારે કોઈ લેવા દેવા નથી કહીને ભાજપ કોરે હટી જાય છે ! વડાપ્રધાનનું અપમાન કરનાર દેશદ્રોહી અને ગાંધીજીનું અપમાન અધિકૃત કરી દેવામાં આવ્યું છે. ગાંધીજીને મહાત્મા કેમ કહેવાયા એ વાતે ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેને નવાઈ લાગે છે.
એ કહે છે કે આઝાદી ગાંધીએ નથી અપાવી. અંગ્રેજોએ સામે ચાલીને આપણને આઝાદી આપી છે. ભાજપના અન્ય સાંસદ પરવેશ વર્માએ તુક્કો છોડયો કે રાહુલ મુસ્લિમ છે. રાજીવ ફિરોઝખાન ગાંધીનો પુત્ર છે. ફિરોઝ પારસી છે. એમના નામ આગળ ખાન લગાડીને પારસીને મુસ્લિમ બનાવી દીધાં ! આવા અણગઢ લોકો આપણા નેતા હોય તો આપણી તો જે દશા થવાની હશે તે થશે પણ દેશની દશા શું થશે ? ગાંધીજીનું અપમાન થાય એ દેશ નગુણો ગણાય ! સાઉથની એક શાળામાં બાળકોનાં એક કાર્યક્રમમાં બોલાયેલા શબ્દોનું એક અર્થગઠન થયું કે તે નાગરિકતાના નવા કાયદા વિરોધી હોવાનું કહેને આખી શાળા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યું. અને ગાંધી વિરોધ બોલનારને માફી માંગવાનું પણ કહેવામાં આવતું નથી !