ફાસ્ટેગ: ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન..!
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
હાઈવે પરના ટોલ પ્લાઝામાંથી સડસડાટ પસાર થવું હોય તો તમારે નવા યુગની સિસ્ટમ અપનાવવી પડશે. આ સિસ્ટમમાં 'ફાસ્ટેગ' તરીકે ઓળખાય છે. આ સિસ્ટમ સંપર્ક વિનાની કેશલેસ સિસ્ટમ છે જેમાં પેમેન્ટ રેડિઓ ફ્રીક્વન્સી આઈડેન્ટીફિકેશન ટેકનોલોજીના ઉપયોગથી થાય છે.
ફાસ્ટેગ ફરી ફરી વાપરી શકાય એવો ટેગ હોય છે જે તમારી કારના વિન્ડશીલ્ડ પર તમારે લગાડવાનો હોય છે. આ ટેગને ટોલ પ્લાઝાનો કેમેરો ઓળખી લે છે અને પૈસા તમારા એકાઉન્ટમાંથી કાપી લે છે. તમને તમારો ફાસ્ટેગ બેંકોમાંથી મળે છે અથવા ઓનલાઈન અરજી કરી તમે તમારી ઘરે પણ ડિલીવરી મેળવી શકો છો. ફાસ્ટેગનું સંચાલન ૪ રાષ્ટ્રિય સંસ્થાઓ કરે છે.
ફાસ્ટેગથી તમારું બળતણ બચે છે અને સમય પણ બચે છે. તમે જેટલી વાર ટોલપ્લાઝા પર પૈસા ભરો છો એટલી વાર તમને મેસેજ મળી જાય છે. એને માટે તમારે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવો પડે છે. આ પધ્ધતિથી તમે તમારા ખર્ચાને ધ્યાનમાં રાખી શકો છો.
એકવાર તમારો ફાસ્ટેગ સક્રીય થઈ જાય પછી તેને બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરી શકો છો. તમે તેને ઓનલાઈન રિચાર્જ કરી શકો છો. નેશનલ હાઈવે પર ફાસ્ટેગ ફરજીઆત હોવાથી તમારે તે લેવાનો જ રહેશે. થોડો સમય માટે એક અલગ લેન રાખવામાં આવશે જ્યાં તમે કેશ ભરી શકશો.
તમારી પાસે ફાસ્ટેગ ના હોય અને તમે ફાસ્ટેગવાળી લાઈનમાં ગોઠવાઈ ગયા તો પૈસા ડબલ આપવાના રહેશે. ફાસ્ટેગ તમારે આગળના પેસેન્જર સીટની સામે આવેલા વિન્ડશીલ પર ચોક્કસ સ્થળે લગાડવાનો રહેશે જેથી ટોલપ્લાઝાનું સ્કેનર તેને વાંચી શકે.
ફાસ્ટેગ કેવી રીતે મેળવશો?
(૧) ટોલપ્લાઝા પર કેવાયસી ડોક્યુમેન્ટ અને રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ સાથે જઈ સીધો ફાસ્ટેગ મેળવી લ્યો.
(૨) ઈ-કોમર્સ પોર્ટલ પર ઓનલાઈન થઈ ફાસ્ટેગ ખરીદો.
(૩) સૌથી સરળ રસ્તો એ છે કે તમે બેંકમાં (ઓથોરાઈઝડ) જઈ ફાસ્ટેગ મેળવો. આધાર કાર્ડ, આરસી કાર્ડ, ફોટા સાથે લઈ જવા.
ફાસ્ટેગના ફાયદાઓ:
(૧) લાંબી લાઈનમાં ઉભા રહેવું નથી પડતું. સમય બચે છે.
(૨) તમારો ખર્ચો તમે ટ્રેક કરી શકો છો.
(૩) તમે અટક્યા વિના 'ટોલ પ્લાઝા' પરથી પસાર થઈ જાવ છો એટલે બળતણ બચે છે.
(૪) મુસાફરી દરમ્યાન વિશેષ પૈસા રાખવાની જરૂર પડતી નથી.
(૫) ઈન્ટરનેટ વડે તમે રિચાર્જ કરી શકો છો.
(૬) ૨૦૧૯-૨૦૨૦ના નાણાંકીય વર્ષ પુરતું તમે ફાસ્ટેગ પર અઢી ટકા કેશબેક મેળવી શકશો. (માર્ચ ૨૦૨૦ સુધી)
ફાસ્ટેગની વેલિડિટી ૫ વર્ષની હોય છે. એકવાર ખરીદ્યા પછી તેમાં બેલેન્સ જાળવવું પડે છે. તમે પેટીએમ વોલેટ અથવા બેંક સાથે જોડી શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટીએ ૫૪૦ ટોલપ્લાઝા ભારતમાં અપડેટ કર્યા છે અને ૬૬ લાખ ફાસ્ટેગ વેચ્યા છે.
નવી કાર લો ત્યારે કંપની જ તમને ફાસ્ટેગ આપશે. ગવર્મેન્ટના પેટ્રોલ પંપ પરથી પણ ફાસ્ટેગ મળશે. ફાસ્ટેગ સ્ટીકર તમારે વિન્ડ શીલ્ડ પર ચોક્કસ જગાએ ચોંટાડવાનું છે. એ ધ્યાન રાખજો વિન્ડશીલ્ડની કાળી લાઈન નીચે, ૫૫ મીમી અને ઈનસાઈડ રીઅર વ્યુ મિરરથી ૨૫ થી ૪૦ મીમી દૂર (મોડેલ પ્રમાણે) તેમજ આગળના પેસેન્જરની સામી બાજુએ ફાસ્ટેગ ચોંટાડવાનો રહેશે. અહીં ભૂલ કરી તો તકલીફમાં મુકાશો..!!