Get The App

તેરી પત્ની કી ગોદ ભર જાયેગી ! સંતાન હો જાયેગા, વો ભી લડકા! - સાધુ કાલકા

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

Updated: Feb 1st, 2020

GS TEAM

Google News
Google News
તેરી પત્ની કી ગોદ ભર જાયેગી ! સંતાન હો જાયેગા, વો ભી લડકા! - સાધુ કાલકા 1 - image


પાંચ બહેનાના એકમાત્ર ભાઇ એવા મુન્નાનો એ રાત્રે ગળે નાડાછડી વીંટાળીને બલિ ચઢાવાયો, પાખંડી સાધુ કાલકાના હાથે !!

'બાવજી, કાંક તો કરવું પડશે..'

'પણ વાત શી છે ?'

'બાવજી, શી વાત કરું ! લગ્નને બાર વરસ થઇ ગયાં.. પણ-'

'સંતાન નથી એમને ?' દાઢીધારી, ભગવાન વેશથી ઢંકાયેલા શરીરવાળો ને કપાળમાં કાળા રંગના ત્રિશૂલના નિશાનવાળો એક પચાસેક વરસનો સાધુ બેઠો છે.. ગુફા જેવી જગ્યા છે, ને સામે જ મહાકાળી માતાની મૂર્તિ સમક્ષ દીવો જલી રહ્યો છે ! સાધુની કદાવર કાયા છે. આંખોમાં ઘેન આંજીને બેઠો છે સાધુ !  ઘડીકમાં આંખો બંધ કરી દે છે, તો ઘડીકમાં ખોલે છે. આંખો ખોલે છે ને બોલે છે : 'કાલી  માતાકી જય હો !'

પ્રચંડ કદાવર કાયા જોતાં જ સૌને થાય છે : 'વાહ ! મહાકાલી માતાનો મહાન ઉપાસક છે આ તો ! એણે કાલીમાની ભક્તિ દ્વારા સિધ્ધિ મેળવી છે. તે ઈચ્છે તે કરી શકે છે, બોલે છે તે થાય છે ! વાહ રે વાહ ! આવો સાધક સંત તો પહેલી વાર જોયો !'

બસ, નાનકડા એ નગરમાં એક જ ચર્ચા છે : આ સાધુની ! બે જણા મળે છે ને વાતો ચાલે છે, તેમ આ સાધુની ! ગલીએ ગલીએ, મહોલ્લે મહોલ્લે જે વાતનાં વડાં વઘારાય છે. તે આ સાધુના નામનાં ! બસ, ગમે ત્યાં જાવ, સ્ટેશન રોડ પર જાવ કે નાની મોટી ભાગોળે ફરો કે પછી શાક બજારે થઇને ખોડિયાર કૂવે આવો - તમને જે વાતો સાંભળવા મળશે, તે હશે આ સાધુની ! કેટલાક તો એવું ય કહે છે:  'સાધુ જગજ્જનેતા મહાકાલી સાથે હરુભરું વાતો કરે છે !' ને ક્યાંકથી આવેલા આ સાધુનું નામ છે:  કાલકાપ્રસાદ ! એક દિવસે અચાનક જ આ નાનકા નગરમાં આવી ગયો, એણે બસ સ્ટેન્ડ પાસેના ભોંયરામાં મહાકાલી માતાનું મંદિર જોયું, ને એણે પછી તો કરી નાખ્યા અઠે દ્વારકા ! મંદિરમાં પુજારી નહોતો, કોઇ ક્યારેક આવે ને પૂજા કરી જાય એટલું જ ! ને ખાલી જગ્યાએ સ્થિરતા કરી દીધી આ સાધુએ ! સાધુ, સિધ્ધ મહાત્મા કાલકાપ્રસાદે ! આ મહાકાલી માતા સાથે મોંઢામોંઢ વાતો કરનારા સિધ્ધિના મહાનાયકે ! કાળો વાન છે, પોણા છ ફૂટની ઊંચી કાયા છે, મોટું લલાટ છે ! પુષ્ટ બાવડાં છે ! કપાળમાં કાળા રંગના ત્રિશૂલનું નિશાન છે. ચપળ-ચબરાક આંખો છે... ને સાવરણીથી લાંબી શ્યામ દાઢી એને પ્રચંડ પ્રભાવશાળી બનાવે છે ! કોઇ કહે છે : 'હિમાલયથી આવ્યા છે આ સંત !' તો કોઇ કહે છે : 'મહાકાલીનો આદેશ થયો, એટલે આવ્યા છે સંત કાલકાપ્રસાદ !' તો કોઇ વળી શંકા પણ કરે છે : 'સાધુના વેશમાં ક્યાંક ફરેબી કાચંડો ન નીકળે !'

જેટલાં મોંઢાં, એટલી વાતો !

જેટલી જિહ્વાઓ, એટલી વાતો !

જેવી દ્રષ્ટિ, એવી વાતો !

નજીકમાં જ ફરતે ટેકરીઓ વાળું પાંખડિયું તળાવ છે ! રસ્તો ! બસસ્ટેન્ડ છે ! ગુફા છે - ને ગુફામાં છે જગન્માતા મહાકાલીનું મંદિર છે. ને આ મંદિરમાં બેઠા છે જેમના નામ આગળ અનેક સિદ્ધિઓનાં વિશેષણો લાગી ગયાં છે, ને જેમના નામનાં ઘેર ઘેર ગુણલાં ગવાય છે એવા સંત શ્રી કાલકાપ્રસાદજી ! જે જાય છે, તે હસતો હસતો બહાર આવે છે. ને એક રાત્રે-

મહાકાલીની મૂર્તિ સમક્ષ જલી રહ્યો છે. એની ઝળહળ જ્યોતનાં અજવાળાં મંદિરને તેજોમય કરી રહ્યાં છે. એક આસન પર વિરાજમાન થયા છે સાધુ કાલકાપ્રસાદજી ! એમની ખિસકોલી જેવી આંખો ઘડીકમાં ખૂલે છે, ને ઘડીકમાં બંધ થાય છે ! ને એમની સામે શેતરંજી પર બેઠા છે એક સવાલી. સવાલ લઇને આવ્યા છે. જોડે એમનાં પત્ની છે. બંનેએ હાથ જોડી રાખ્યા છે... એમના ચહેરા પર મૂંઝવણની રેખાઓ છે... કોઇ મોટી સમસ્યા એમને પીડી રહી છે... નામ છે વાસણભાઇ. એમની પત્નીનું નામ છે કંથાબહેન ! બંને જોઇ રહ્યાં છે સાધુ સામે ! હાથ જોડેલા છે.. ત્યાં જ સાધુબાવા આંખ ખોલે છે : 'બોલ બચ્ચા ! તૂ હૈ સચ્ચા ! તેરા કામ ન રહેગા કચ્ચા !.. કામ બોલ-'

'બાવજી !'

'બોલો.'

'સંતાન નથી. લગ્નને બાર વર્ષ થઇ ગયાં.. પગલીનો પાડનાર નથી આવ્યો !'

'નહીં આયા ?'

'હા, બાવજી !'

'આ જાયેગા, સબકુછ અચ્છા બન જાયેગા ! બચ્ચી તેરી ગોદ ભર જાયેગી ! તેરી ગોદ મેં ખેલને વાલા આ જાયેગા ! લેકિન -' આટલું કહીને કાલકાપ્રસાદ અટક્યા.

'લેકિન શું, બાવજી ?'

'સબકુછ હો જાયેગા ! જગત કી મૈયા કે સાથ મૈંને બાત કર લી હૈ ! લેકિન એક કામ કરના હોગા-'

'ક્યા ?'

'કરેગા ?'

'ક્યૂં નહીં કરુંગા ? બચ્ચે કે લિયે સબકુછ કરને કે લિયે હમ તૈયાર હૈ !'

'કામ જોખમ વાલા હૈ !'

'જે પણ જોખમ હશે, અમે કરીશું આપ હુકમ કરો, હમ કામ કરકે રહેંગે ! બાવજી, બાળક વિના અમે ઝુરીએ છીએ ! કોઇના બાળકને જોઇએ છીએ, ને નિસાસો નાખીએ છીએ ! લોકો હવે મારી પત્ની માટે ખરાબ શબ્દો વાપરે છે : 'વાંઝણી' કોઇ એના શુકન લેતું નથી. બહારગામ જતા કોઇની સામે થઇને મારી પત્ની નીકળે તો એ મોં બગાડીને પાછો વળી જાય છે : 'આ વંધ્યા ક્યાંથી સામે મળી ? હવે ન જવાય ! અપશુકન થયા' ને તે પાછો વળી જાય છે ! બાપજી, અમને ઉપાય બતાવો. કામ ગમે તેટલું જોખમી હશે, તો ય હું તે કરવા તૈયાર છું.'

'કરેગા ?'

'જરૂર કરુંગા !'

'પક્કી જબાન દેતા હૈ ?'

'હા, બાવજી !'

'તો ફિર દેખ. ઈસી છોટે સે શહરમેં કોઇ ઐસા ઘર ઢૂંઢ નિકાલ, જિસ ઘરમેં પાંચ બહને વાલા એક હી છોટા બચ્ચા હો !'

'એને શું કરવાનો ?'

'બસ, તૂ મેરે પાસ લા.. ફિર મૈં જો બતાઉં, વો તુઝે કરના પડેગા ! ઉસકા કલેજા તુઝે હાથમેં લેના હોગા.. ઔર ઉસકે લહૂ સે મૈં તેરી બીબી પર ધાર કરું ગા.. ફિર દેખના ! કામ હોતા હૈ કિ નહીં ? તુઝે સંતાન મિલેગા, વો ભી એક લડકા..'

- ને કામ પણ થઇ ગયું ! વાસણભાઇની નજરમાં એક ઘર આવી ગયું ! મિ. સુખલાલનું ઘર ! પાંચ પાંચ દીકરીઓ છે.. ને પાંચ દીકરીઓ પછી ઉપરવાળાએ એક દીકરો દીધો છે. ચારેક વરસનો છે. હજી તો કાલું કાલું બોલે છે. પાંચેય દીકરીઓ અને મા-બાપનો તો વહાલો છે ! લાડ લડાવે છે બહેનો ! આંગળી પકડીને બહેનો ચલાવે છે લાડલાને ! નામ છે એનું, મુન્નો ! મુન્નો છે ય એવો ! વાહલો વહાલો લાગે એવો ! એ નાનાં નાનાં ડગલાં ભરે છે ! કાલું કાલું બોલે છે ! હસે છે, તાળી પાડે છે.. પેટ પર હાથ મૂકે છે... ગાલ પર આંગળી મૂકે છે.. મજાના વાંકડિયા વાળ છે. ગોરો ગોરો છે મુન્નો ! મા-બાપની આંખનો તારો છે મુન્નો ! બહેનોનો દુલારો છે મુન્નો ! આખાય ફળિયાનો પ્યારો છે મુન્નો ! નાનકડી કાયા રૂપાળી છે મુન્નાની !  કામણગારો છે મુન્નો ! સુખલાલની બસસ્ટેન્ડથી થોડેક દૂર દુકાન છે ! ક્યારેક બહેનો મુન્નાને દુકાને લઇ જાય છે ! ક્યારેક દુકાન પાસેના ઓટલા પર બેસીને રમે છે મુન્નો ! મુન્નો આંબાની ડાળ ! મુન્નો સરવરની પાળ ! મુન્નો કિલ્લોલ કરે !

પણ અચાનક જ એ દિવસે જુદું જ બની ગયું. સાંજનો સમય હતો. મુન્નો ઓટલા પર બેસીને રમતો હતો ! બાપનું ધ્યાન વેપારમાં હતું ! ને એને લાવનારી બહેન જોડેના હનુમાન મંદિરમાં ગઇ હતી ! પણ ત્યાં જ શોર મચી ગયો : 'મુન્નો ક્યાં ?'

'હમણાં તો હતો !'

'ક્યાં ?'

'ઓટલા પર રમતો હતો !'

'પણ એ વાતને તો એક કલાક થઇ ગયો ! તુલા, તેં મુન્નાને જોયો ?'

'એને ઓટલા પર બેસાડીને હું મંદિરમાં ગઇ હતી, એને ચોકલેટ આપીને.. પણ એ ગયો ક્યાં ?'

'અહીં તો નથી ?'

'કોઇ ઘેર લઇ ગયું હશે ?'

'કરો તપાસ !'

મુન્નો ઘેર પણ ગયો નથી.. મુન્નો ઓટલા પર નથી. મુન્નો ક્યાંય નથી ! સહુકોઇ તપાસ કરે છે : મુન્નો મળતો નથી ! સૌ ચિંતા કરે છે : 'ક્યાં હશે મુન્નો ?' એનાં મમ્મી તો રડવા જ બેસી જાય છે : 'કોઇ મારા મુન્નાને લઇ આવો !'

રાત શહેર પર ઊતરી આવી છે. આખા શહેરને રાત્રિએ કાળા રંગે રંગી નાખ્યું છે. છતાં શહેરમાં ગજબનો સન્નાટો પ્રસર્યો છે  ! હા, અવાજો તો જરૂર આવે છે : 'મુન્નો ક્યાં છે ? કોણ લઇ ગયું છે મુન્નાને ? ઝટ શોધી લાવો મારા મુન્નાને !' પાંચ પાંચ બહેનો લખલખ આંસુડાં ખેરવી રહી છે ! મા-બાપના હૈયાને મુન્નાની ચિંતા ચીરી રહી છે : 'મારો મુન્નો મારો લાડલો !' બહેનોનો વહાલો ભઇલો ! મા-બાપ માટે રાંકનું રતન ! આંખની કીકી સમો !

કોઇ ચીસો નાખે છે : 'મુન્ના, તું ક્યાં છે ?'

કોઇ હવામાં હાથ વીંઝે છે : 'મુન્ના, બેટા, ઘેર આવી જા !'

કેટલાક શોધાશોધ કરે છે બેટરીઓનો પ્રકાશ ફેંકે છે.

મુન્નો ક્યાંય નથી.

સૌ રડે છે !

સૌની આંખોમાં ચોમાસું બેસી ગયું છે !

મા રડે છે.

બાપની આંખો ચુએ છે.

બહેનો રડે છે.

અરે, આખો મહોલ્લો ઉદાસ બની ગયો છે ! આખા મહોલ્લાનો લાડકો છે મુન્નો ! મુન્નો ગોકુળના કાનુડાની જેમ કાલુ કાલુ બોલે છે ! એ બોલે છે ને સૌના તનમાં તાળી પડે છે ! મુન્નાએ મોહી લીધાં છે સહુનાં મન !

નથી, મુન્નો નથી !

ક્યાં..ય નથી !

તપાસ કરીને દોડનારા નિરાશ થઇને પાછા આવે છે : 'મુન્નો નથી મળતો ?'

'ક્યાં ગયો હશે મુન્નો ?'

ત્યાં જ એક જણના દિલમાં થઇ શંકા આવે છે : 'મુન્નાને કોઇ ઊઠાવી ગયું છે !'

'કોણ ઊઠાવી ગયું હશે ?'

'મને એક શંકા જાય છે !'

'શી ?'

'મારી નજીકમાં જ વાસણભાઇ રહે છે. બે દિવસ પહેલાં રાતના બે વાગે એમના ઘરમાં ચહલપહલ થતી હતી. સાધુ કાલકાપ્રસાદને મેં તેમના ઘરમાંથી ઊતરતા જોયા હતા. કાલકાપ્રસાદ વાસણભાઇને કહી રહ્યા હતા : 'અબ હો જાયેગા કામ !'

'હેં ?'

'હા !'

'તમને શંકા છે ?'

'પાક્કી શંકા છે !'

'શંકા શા માટે છે ?'

'જુઓ વાસણભાઇ નિ:સંતાન છે ને સંતાન માટે માણસ ગમે તે કરવા તૈયાર થઇ જાય ! એમાંય એના ઘરમાં સાધુ : સાધુના શબ્દો : 'અબ કામ હો જાયેગા !' મને પાક્કો વિશ્વાસ છે કે બાળક માટે મુન્નાનો બલિ ચઢાવવામાં આવ્યો છે !'

'તો હા..લો !'

'કરો તપાસ !'

દસ-બાર જણા વાસણભાઇના ઘેર ગયા. પગથિયાં ચઢ્યા : વાસણભાઇ ચોંકી ઊઠયા ! 'કેમ બધા આવ્યા છો ?'

'મુન્નો ક્યાં છે, બોલ ?' એક જણે વાસણને થપ્પડ લગાવી દીધી : 'સાચું બોલ, અમે તને છોડવાના નથી ! માળા હાળા કાળમુખા ! ઝટ ઓંકી નાખ જે બન્યું હોય તે ?'

'એમ નહિ માને !'

'તો ?'

'લાવો ચાકૂ..' ને એક જણે વાસણની ગરદન પર ખુલ્લું ચાકૂ અડાડી દીધું : ને ડરના માર્યા વાસણે સંધુ ય ઓંકી નાખ્યું : કાલકાપ્રસાદના કહેવાથી પોતે જ મુન્નાનું અપહરણ કર્યું હતું ! બે-ત્રણ દિવસ પહેલાં રાત્રે એની વિધિ કરાઇ હતી. મુન્નાના ગળે નાડાછડી વીંટી તેને ખલાસ કરી નાખવામાં આવ્યો હતો. કાલકાપ્રસાદે એના કલેજાનાં ટીપાં મારી પત્ની કંથા પર નાખ્યાં હતાં !'

'એનું શબ ક્યાં છે ?'

'હાઇવે પરના લાધિયાના વડની સામે હું ફેંકી આવ્યો છું, મુન્નાના શબને.. મહેરબાની કરીને ચાકૂ લઇ લો મારા ગળા પરથી..'

'તારો બલિ ચઢાવીએ તો ?'

'ના, ભૈંસાબ, એમ ના કરશો ! મને જીવવા દો !' ને એ દિવસે સો માણસોના ટોળાને હાઇવે પરના વડની સામેથી મુન્નાનું કહોવાઇ ગયેલું શબ મળ્યું !'

'હવે પકડીએ કાલકાપ્રસાદને.'

- પણ ન મળ્યો કાલકાપ્રસાદ. એને વાત મળી ગઇ હતી. ને એ જ સવારે એણે આ શહેરને છોડી દીધું હતું ! શોધ્યો, ન જડયો ! જણ દોડયા, ન મળ્યો ! જાણે કાળમુખો કપટકલા પ્રવીણ કાલકા હવામાં ઓગળી ગયો હતો ! એ જ દિવસે પોલીસે વાસણની ધરપકડ કરી અને કોર્ટ પાસેથી બે દિવસનો કબજો મેળવ્યો ! તેને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ત્રણેક હજાર જેટલાં માણસોનું ટોળુ બરાડા પાડી રહ્યું હતું : 'અમને સોંપી દો એ બદમાશને ! અમારે એનો બલિ ચઢાવવો છે !'

- વરસોનાં વહાણાં વાઇ ગયાં છે આ સાવ સાચી ઘટના પર થઇને ! જન્મટીપની સજા પામેલો વાસણ કે તેની પત્ની કંથા પણ હાલ હયાત નથી ! સાધુ કાલકાનો કોઇ અત્તોપત્તો નથી. કહે છે કે તે વિદેશમાં ચાલ્યો ગયો છે. એના જીવવા - મરવાના કોઇ સમાચાર નથી.. તમે એ નાનકડા નગરમાં કદીક જાવ તો ને જરૂર મુન્નાના ઘર સામે જજો ! આજેય એ જૂનું ખોરડું શ્રાવણિયા આભની જેમ ધોધમાર રડતું હોય, તેવું તમને લાગશે ! નગરના માર્ગો પરની રેતના કણ કણમાંથી મુન્નાની મરણચીસોના પડછંદા તમને જરૂર સંભળાશે ! નામ-ઠામ સહિતના જરૂરી ફેરફાર સહિતની આ ઘટના જ્યાં બની છે તે ભોમકા આજેય, અશ્રુકથા બનીને શહેરની સડકો પર ભમતી હોવાનો આભાસ તમને થયા વગર નહિ રહે !  (કથાબીજ : પ્રિ. ભીખુભાઇ કે. પટેલ, પ્રાંતિજ)

Tags :