Get The App

ચિંતા શા માટે થાય છે? ચિંતા ના થાય માટે કોઈ રસ્તો ખરો?

ફિટનેસ - મુકુંદ મહેતા

Updated: Feb 1st, 2020

GS TEAM


Google News
Google News
ચિંતા શા માટે થાય છે? ચિંતા ના થાય માટે કોઈ રસ્તો ખરો? 1 - image


ચિતા અને ચિંતા બંને સરખા છે ફક્ત એક બિંદુનો ફરક છે. ચિતા સજીવને એક વાર બાળે છે જ્યારે આ ચિંતા મનને સતત બાળ્યા જ કરે છે.

આ ચિંતા છે શું? માનવીના સ્વભાવ સાથે વણાઈ ગયેલી એક માત્ર વસ્તુ એટલે ચિંતા. વણાઈ ગયેલી કહેવાનું કારણ એક જ કે બીજી કોઈ પણ લાગણીઓ માનવીને ચોવીસ કલાક સૂતા કે જાગતા હેરાન પરેશાન કરતી નથી પણ ચિંતા ચોક્કસ કરે છે. સંસ્કૃતના પ્રખ્યાત શ્લોક

''ચિતા ચિન્તા સમાયોક્તા બિંદુ માત્ર વિશેષતા

સજીવં દહતે ચિન્તાં નિર્જિવમ દહતે ચિતા''

નો અર્થ છે ચિતા અને ચિંતા બંને સરખા છે ફક્ત એક બિંદુનો ફરક છે. ચિતા સજીવને એક વાર બાળે છે જ્યારે આ ચિંતા મનને સતત બાળ્યા જ કરે છે.

પણ ચિંતાગ્રસ્ત પરિસ્થિતી (એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ) એ જુદી વાત છે. આ એક પ્રકારની માનસિક બીમારી છે જેનાથી થનારી તકલીફોને કારણે તમે અને કોઈ વાર તમારા કુટુંબીજનો શાંતિથી જીવી શકતા નથી. આમાં વ્યક્તિને ચિંતા અને ડર સતત રહે છે જેથી તેઓ પોતાનું જીવન શાંતિથી જીવી શકતા નથી ફરી ફરીને લખું તો ચિંતાગ્રસ્ત પરિસ્થિતી અથવા 'એન્ક્ષાઈટી ડિસોર્ડર્સ' એટલે મગજની એક પ્રકારની ગૂંચવણને કારણે ઉત્પન્ન થતી અવસ્થા કહેવાય. તે વખતે કારણ વગરનો ભય લાગે.

કોઈ વખત ભવિષ્યની (જે વસ્તુ બની નથી કે બનવાની નથી તેની) ખોટી કલ્પના કરીને દુ:ખી થવાનો એકમાત્ર રસ્તો ગણાય. જે ભય કે ડર લાગે છે તેનું કારણ પણ વર્તમાનમાં બનેલા બનાવો છે. બીજી રીતે જણાવું તો ચિંતા અથવા 'એન્ક્ષાઈટી ડિસોર્ડર્સ' એટલે જ્યારે કોઈ પણ જાતનો માનસિક તનાવ હોય ત્યારે ઉત્પન્ન થતી મનની લાગણી છે. આવું થાય તે સ્વાભાવિક છે. આને કારણે અનેક પ્રકારના શારીરિક લક્ષણો થાય.

જેવા કે હૃદયના ધબકારા વધી જાય અને શરીર ધૂ્રજવા માંડે અને ખૂબ ગભરામણ થાય. જૂના જમાનામાં ચિંતાને કારણે પરેશાન લોકો પ્રમાણમાં ઓછા હતા. આજે સંખ્યા વધતી ચાલી છે અને પ્રજાના મોટી ઉંમરના ૩૦ થી ૪૦ ટકા લોકોના જીવનમાં થાય તે વાત બહુ સામાન્ય ગણાય છે. ચિંતા એટલે કે ''એન્ક્ષાઈટી ડિસોર્ડર્સ''ની સારવાર કરનારા ડોક્ટરોને 'સાયકીયાટ્રીસ્ટ' અને 'સાયકોલોજિસ્ટ' કહે છે.

એન્ક્ષાઈટી ડિસોર્ડર્સના પ્રકારો : (૧.) જનરલાઈઝ્ડ એન્ક્ષાઈટી ડિસોર્ડર્સ : જેમાં સતત ચિંતાગ્રસ્ત રહેવાને કારણે વ્યક્તિ રોજની દિનચર્યા પણ મુશ્કેલીથી કરી શકે તે ઉપરાંત તે એક ઠેકાણે શાંતિથી બેસી ના શકે. વારે વારે ઘરમાં ફર્યા કરે (રેસ્ટ લેસ), જલ્દી થાકી જાય, એકાગ્રતા જતી રહે, ઘરનું કે બહારનું કોઈ પણ કામ કરી ના શકે, હાથ પગના સ્નાયુ દુખે, પૂરતી ઊંઘ ના આવે, વાત વાતમાં ગુસ્સે થઈ જાય. પોતાની અને ઘરના લોકોની તબિયતની ચિંતા કરે, ઘડીમાં ઘરની કોઈ વસ્તુ બગડી હોય કે ગાડી રીપેર કરાવવાની હોય તો અગાઉથી ખૂબ ખર્ચ થશે તેની સતત ચિંતા કર્યા કરે.

૨. પેનિક ડિસોડીસોર્ડર્સ : જેમાં કોઈ વસ્તુનો સતત ભય લાગ્યા કરે, જેની અસર શરીર પર અને મગજ પર પડે તે વખતે થનારા લક્ષણોમાં શ્વાસ ચઢી જાય. મોં સુકાઈ જાય, હૃદયના ધબકારા વધી જાય, પરસેવો થાય, શરીર ધુ્રજે, શ્વાસ ચઢી જાય, છાતીમાં દુ:ખાવો થાય, ચક્કર આવે, માથું ખાલી થઈ ગયું હોય તેમ લાગે, હાથ અને પગ ઠંડા પડી ગયા હોય તેમ લાગે, ઠંડી લાગે, ખૂબ નબળાઈ લાગે. ઊંઘ ના આવે, પેટના પ્રોબ્લેમ્સ દુખાવો, ઊબકા થાય. શાંતિથી એક જગાએ બેસી ના શકે, શરીરના સ્નાયુ સખત થઈ જાય.

ચક્કર આવે, પોતાને કંઈ થશે એવી ખોટી કલ્પના થાય. ઘરના લોકોથી અલગ થઈ ગયો હોય તેવી લાગણી થાય. આપઘાત કરવાની ઈચ્છા થાય. ઘણીવાર આ બધા લક્ષણો ગંભીર પ્રકારના થાય ત્યારે વ્યક્તિને એમ જ થાય કે તેને હાર્ટ એટેક આવ્યો છે અથવા કોઈ ગંભીર બીમારી થઈ છે એટલે પોતાની જાતે જ હોસ્પિટલની ઈમરજન્સીમાં દાખલ થવા જાય. પેનિક એટેક કારણ વગર ઓચિંતા આવે.

મોટેભાગે ૨૦ થી ૨૫ વર્ષના લોકોને થાય અને કોઈ વખત ડિપ્રેશન (હતાશા) ત્યહે પીડાતા લોકોમાં થાય અને કોઈવાર કોઈ અકસ્માત જોયો હોય, માંસ પડી ગયેલું અને લોકો દબાઈ ગયેલા જોયા હોય જેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસોર્ડર્સ (પી.ટી એસ ડી) કહેવાય. નાના સ્કૂલે જનારા બાળકોમાં ઘેર લેસન આવડતું હોય પણ સ્કૂલે જાય ત્યારે શિક્ષક પુછશે તે નહીં આવડે તો ત્યારે પણ પેનિક ડીસોર્ડર્સ થાય અને ઘરમાં મુંગા થઈ જાય વાત ના કરે.

ફોબિયા :  (એ.) ચોક્કસ વસ્તુનો ભય : કોઈ વસ્તુનો, બનાવનો અને નુકશાન ના કરે તેવી કોઈ પ્રવૃત્તિનો સતત ભય લાગે. દર્દીને પોતાને ખબર હોય કે પોતાનો ભય નુકશાન કરે તેમ નથી છતાં તે માને નહીં અને સતત ડર્યા કરે. કોઈ વાર આવો ભય એટલો બધો લાગે કે સતત ગભરાયા જ કરે.

બી. એગ્રોફોબિયા : કોઈને એરોપ્લેનમાં બેસવાનો ડર લાગે, કોઈને ગરોળીનો ભય લાગે, કોઈને ખુલ્લી જગામાં બેસવાનો તો કોઈને બંધ રૂમમાં બેસવાનો ડર લાગે, કોઈને ઘરની બહાર એકલા જવાનો તો કોઈને જ્યાં ગિરદી હોય ત્યાં નહીં જવાનો કે કોઈને એકલા બહાર જવાનો ડર લાગે.

સી. સોશિયલ ફોબિયા : જેને સોશિયલ ફોબિયા હોય તેવી વ્યક્તિને લોકોને મળવાનું ન ગમે, સભામાં જવાનું પણ ના ગમે. કુટુંબના લોકો સાથે પણ બેસી ના શકે કારણ એને સતત બીક લાગે છે કે કોઈ એનું અપમાન કરશે અથવા કોઈ એની મશ્કરી કરશે કે એની સાથે કોઈ વાત નહીં કરે. બને ત્યાં સુધી એ કોઈ મિટિંગમાં કે જ્યાં વધારે વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યાં જાય નહીં. આવી પરિસ્થિતી ૬ મહિના રહે.

ડી. જુદા થઈ જવાની ચિંતા (સેપરેશન એન્ક્ષાઈટી)  : આ પ્રકારમાં વ્યક્તિને પોતાના ઘરના સગા (માતા, પિતા, ભાઈ બહેન કે પત્ની)થી જુદા થઈ જવાનો (દૂર રહેવાનો) ડર સતત લાગે. ઘરમાં કોઈ બીમાર હોય તો તે નહીં હોય ત્યારે શું થશે તેના વિચાર કર્યા કરે આવું વિશેષ કરીને બાળકોમાં થાય જેની અસર મહિનામાં જતી રહે જ્યારે મોટી ઉંમરના લોકોમાં થાય જેની અસર છ માસમાં જતી રહે.

ઈ. કોઈ મેડિકલ પ્રોબ્લેમ કે વ્યસનને કારણે થતી ચિંતા : કોઈ દર્દ થયું હોય ત્યારે જે તકલીફ હોય સખત ચિંતા થાય. ખાસ કરીને આ રોગ નહીં મટે અથવા આ રોગને કારણે હું મરી જઈશ એવી સતત ચિંતા રહે. કોઈ વખત કોઈ ડ્રગ લેતા હોય, દારૂ કે સિગારેટનું વ્યસન હોય તે છોડી દઈશ તો શું થશે એની ચિંતા.

ચિંતાના કારણો : વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે બધા જ પ્રકારની ચિંતા (એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ)ના કારણો ચોક્કસ ખબર નથી પણ તે કોઈ વાર વારસાગત છે તેમજ વાતાવરણને કારણે મગજમાં થનારા ફેરફારો અથવા માનસિક કારણોને લીધે થાય છે.

ચિંતાનું નિદાન કેવી રીતે થાય? : ફેમિલી ડોક્ટર દર્દી સાથે એક વાર વાતો કરીને વિગત જાણીને નક્કી કરે કે દર્દીને કોઈ શારીરિક તકલીફ છે તેને કારણે આગળ જણાવેલી ચિંતા (એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ) છે કે બીજા કોઈ વારસાગત અને વાતાવરણના કારણો છે કે નહીં. ત્યાર પછી તેની સારવાર કરવા માટે માનસિક રોગ નિષ્ણાત (સાયકીયાટ્રીસ્ટ) પાસે મોકલી આપે.

ચિંતાની સારવાર કેવી રીતે થાય?

૧. આવા દર્દીઓ માટે 'સાયકોથેરેપિ' અથવા 'ટોક થેરેપિ' અને દવાઓ જેમાં ડિપ્રેશન (હતાશા) દૂર કરવાની દવાઓથી સારવાર કરવામાં આવે છે. મોટે ભાગે ચિંતા (એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ)વાળા દર્દીઓ ડોક્ટર પાસે જતાં નથી કારણ તેમને ખ્યાલ જ આવતો નથી કે તેમને કોઈ દરદ છે અને તેને માટે ડોક્ટર પાસે જવું જોઈએ એ જરૂરી છે.

૨. જેમાં કેફિન વધારે આવે તેવા પીણાં (વધારે પડતી ચા, કોફી, કોલા ડ્રિંક્સ, ચોકલેટ ના લેવા જોઈએ કારણ કે તેનાથી એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ વધી જાય છે.

૩. સમયસર સાદો ખોરાક લેવો જોઈએ જેમાં લીલા શાકભાજી અને તાજા ફળો લેવા જોઈએ તેમજ થોડા ડ્રાય ફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજુ અને અખરોટ) પણ લેવા જોઈએ.

૪. પ્રમાણસર યોગ્ય કસરત કરવી જોઈએ જેમાં જોગિંગ (ધીમી ગતિની દોડ) કરવાથી મગજમાં એવા ન્યુરોટ્રાન્સમીટર્સ નીકળે કે જેને કારણે માનસિક તનાવ જતો રહે અને મન પ્રફુલ્લિત બને.

૫. ૬ થી ૮ કલાકની ઊંઘ લેવી જોઈએ.

૬. માનસિક તનાવ અથવા એન્ક્ષાઈટી ડીસોર્ડર્સ માટે તમારી જાતે કેમિસ્ટ પાસેથી જે દવાઓ ડોક્ટરના કાગળ વગર મળે તેવી દવાઓ (ઓ.ટી.સી.) લેવો ના જોઈએ.

૭. પોતાના અંગત મિત્ર કે કુટુંબીજન પાસે બધી વાત કરીને તેની પાસેથી યોગ્ય સલાહ અને માર્ગદર્શન મળે તો ચિંતા ઓછી થાય અને દિલ હળવું થાય.

૮. આમ છતાં દર્દીને પોતાની મેળે સારવાર કરવી હોય તો પોતાને થયેલી ચિંતા અથવા માનસિક તનાવ દૂર કરવા માટે 'ધ્યાન (મેડિટેશન)' એ શ્રેષ્ઠ રસ્તો છે.

Tags :