ઑશ્વિત્ઝ: નાઝી અત્યાચારનું નર્ક
સમયાંતર - લલિત ખંભાયતા
બીજા વિશ્વયુદ્ધ વખતે યહુદીઓને મારી નાખવા નાઝીઓએ અનેક કેમ્પ તૈયાર કર્યા હતા. એ બધામાં સૌથી કુખ્યાત કેમ્પ ઑશ્વિત્ઝમાં હતો, જ્યાં ૧૧ લાખથી વધુનો સંહાર થયો હતો!
અમુક સ્થળ માટે એવું કહેવાય કે ત્યાં માણસ જીવતો જાય,
પરંતુ જીવતો પરત ન આવી શકે. ઑશ્વિત્ઝની વાત અનોખી હતી. તેના દરવાજામાંથી જે પ્રવેશે એ જીવતો બહાર ન આવે, મૃત્યુ પછી પણ બહાર ન આવે. મૃત્યુ પછી પરિવારજનોને એમ થાય કે મૃતકના અવશેષો મેળવીને તેની અંતિમવિધિ કે આત્માની શાંતિ માટે પૂજા-પાઠ કરીએ તો એ પણ ઑશ્વિત્ઝમાંથી બહાર આવી શકતા ન હતા. ત્યાં મૃત્યુ પામનારાઓની રાખ પણ હાથમાં આવતી ન હતી. જીવનભર લોકો સમુહમાં રહ્યા હોય કે ન હોય, ત્યાં સામુહિક મોત અવશ્ય મળતું હતું.
સામુહિક મૃત્યુ કેન્દ્ર (ઉપર) અને મૃત્યુ મળ્યા પછી નીકળતો ધૂમાડો (નીચે). નાઝીઓએ કેમ્પ ખાલી કરતાં પહેલા ઘણા ખરા બાંધકામો તોડી નાખ્યા હતા અને પુરાવા નષ્ટ કરી દીધા હતા. માટે કેમ્પમાંથી બચી નીકળેલાઓએ આ રીતે ચિત્ર દ્વારા જગત સમક્ષ સ્થિતિ રજૂ કરી.
સામુહિક હત્યાકાંડ માટે વપરાતો ગેસ.
ઈવા જેવા બહુ ઓછા ભાગ્યશાળી હતા, જે કેમ્પના ડોર ઓફ ધ ડેથ કહેવાતા દરવાજામાં અંદર પ્રવેશ્યા પછી જીવતા બહાર નીકળી શક્યા, પોતાની કથા જગતને કહી શક્યા.
'અ મને કહેવામાં આવ્યું કે ચાલો. આખો પરિવાર નાઝી સૈનિકોની સૂચના પ્રમાણે ચાલતો થયો. 'કેટલ કાર' કહેવાતા ટ્રેનના ડબામાં અમને પુરી દેવાયા. એ ડબામાં બારી ન હતી, અંદર પ્રકાશ-હવા આવે એવો બીજો કોઈ વિકલ્પ ન હતો, બેસવાનું ન હતું, ટોઈલેટ જેવી સુવિધા ન હતી, કેમ કે મૂળભૂત રીતે ડબા પશુઓની હેરાફેરીના હતા. કેટલો સમય તેમાં સફર કરવાની એ ખબર ન હતી, ક્યાં જવાનું એ પણ ખબર ન હતી.
ટ્રેન રવાના થઈ. એમાં અમારા જેવા સેંકડો યહુદી હતા. અમને ઉતારવામાં આવ્યા ત્યાં અમે સમજી ગયા કે એ કોઈ યહુદી કેમ્પ છે. અમે બન્ને બહેનો ટ્વિન્સ હતી. નાઝી અધિકારીએ બાવડું પકડીને મારી માતાને ખેંચીને અમારાથી દૂર કરી દીધી. માતાના હાથ અમારી તરફ લાંબા હતા, આંખોમાં દર્દ હતું. અમે હજુ ૧૨ વર્ષની હતી એટલે ખાસ ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. માતા પાછી આવીને સમજાવશે એમ માનીને અમે જોઈ રહ્યાં..
ટ્રેનમાંથી જે કોઇ ઉતરે એમના બે ભાગ પડાતા હતા. જેમનો શારીરિક બાંધો મજબૂત હોય અને કોઈ પ્રકારનું કામ કરી શકે એમ હોય એમને અલગ કરાતા હતા. નબળાં-અશક્ત હોય એમની અલગ ટીમ બનતી હતી. નબળાં-અશક્તની ટીમમાં સ્વાભાવિક રીતે બાળકો-મહિલાની સંખ્યા મોટી હતી.
આ બેે વિભાગ ઉપરાંત અમારા જેવાં ટ્વિન્સને નોખા પાડી દઈ ખૂણામાં આવેલી બરેકમાં લઈ જવાયા. ત્યાં મનુષ્યના શરીર પર નાઝી ડૉક્ટર વિવિધ પ્રયોગો કરતા હતા. ટ્વિન્સ બાળકીઓ પણ આવા પ્રયોગનો હિસ્સો હતી. કેવાં પ્રયોગ? શું કરવાથી ટ્વિન્સ બાળકો જન્મી શકે એ (અને એવા ઘણા સવાલો) 'એજન્ટ ઑફ ડેથ' કહેવાતા નાઝી તબીબ જોસેફ મેંગલને જાણવુ હતુ. જેથી જર્મની વિજેતા થયા પછી સશક્ત નાઝીઓ ટ્વિન્સને જન્મ આપી શકે અને ભવિષ્ય માટેના મજબૂત નાઝી પેદા થાય! એવુ તેઓ માનતા હતા.
ઘણા સમય સુધી માતા-પિતા પરત ન આવ્યા. એમને દૂર દેખાતી ચેમ્બરમાં સ્નાન કરવા લઈ જવાયા હતા. એમની સાથે સેંકડો યહુદીઓ હતા. ચેમ્બરમાં શું હતું એ અમને ખબર ન હતી. ત્યારે અમને એ વાતની તો કલ્પના પણ ક્યાંથી હોય કે મારી માતાને અમે થોડી વાર પહેલા છેલ્લી વખત જોઈ હતી. પછી માતા તો ઠીક તેનો મૃતદેહ પણ જોવા નહીં મળે.
ચેમ્બરની અંદર ધકેલ્યા પછી થોડી વારે ઉપરની ચીમનીમાંથી ધૂમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા. શેનો હતો એ ધૂમાડો? અંદર પુરાયા એ મિનિટોમાં મૃત્યુ પામ્યા હતા. એમનો સામુહિક અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો. એનો હતો એ ધૂમાડો..'
આ વાત ઈવા અને મિરિયમ મોઝિસ (કેદી નંબર એ-૭૦૬૩ અને એ-૭૦૬૪) નામની બે બહેનોની છે. જેમને ઑશ્વિત્ઝમાંથી જીવતા બહાર નીકળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને એટલે જ એ પોતાની વ્યથા-કથા કહી શક્યા. હજુ ગયા વર્ષે જુલાઈ ૨૦૧૯માં તેમનું ૮૫ વર્ષે નિધન થયું. જે કેમ્પની વાત થઈ રહી છે એ ઑશ્વિત્ઝની આઝાદીને ગઈ ૨૭મી જાન્યુઆરીએ ૭૫ વર્ષ પુરાં થયા.
અહીં થયેલા નરસંહારની યાદમાં દર વર્ષે ૨૭મી જાન્યુઆરી 'ધ ઈન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે' તરીકે ઉજવાય છે. ૭૫મી વર્ષગાંઠે કેમ્પના હત્યાકાંડને જગતે યાદ કર્યો. કેમ્પમાં કેદી રહ્યા હોય અને આજેય હયાત હોય એવા ૨૦૦થી વધુ ચહેરા પર કરચલી પડી ગયેલા વૃદ્ધો અહીં આવ્યા અને તેમણે નત મસ્તકે, ભીની આંખે એ યહુદીઓને અંજલિ આપી, જેમની રાખ આ ભૂમિમાં ભળી ગઈ હતી.
એ જાણીતો ઈતિહાસ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે લાખો યહુદીઓને જર્મનીના નાઝી સાશકોએ મારી નાખ્યા હતા. હત્યાનું કામ કેમ્પોમાં થતું હતું. ૧૯૩૪માં હિટલરે જર્મનીની ધૂરા સંભાળી તેના બે-ત્રણ મહિનામાં જ યહુદીઓ માટે પહેલો કેમ્પ તૈયાર કરી દેવાયો હતો. શરૃઆતમાં તો યહુદીઓને તેમાં પુરી દેવાના હતા. સમય જતાં કેમ સ્મશાનઘાટ બન્યા અને આગળ જતાં માત્ર સ્મશાન નહીં સામુહિક મૃત્યુનું સ્થળ બની ગયા.
વર્ષો સુધી યહુદીઓએ જર્મનીમાં નાણા ધિરધારનો ધંધો કરીને ગરીબ લોકોનું ખુબ શોષણ કર્યું હતું. એ વાતનો બદલો લેવા હિટલરે તમામ યહુદીઓને નાઝીના દુશ્મન ઠેરવી તેમના મોતનું ફરમાન કરી દીધું. એક એક યહુદીને પકડીને મારી શકાય નહીં એ માટે દેશભરમાં અને પછી તો જર્મનીએ જે-જે પ્રદેશો જીતી લીધા ત્યાં કેમ્પ બનાવ્યા. એ કેમ્પ ઇતિહાસમાં ડેથ કેમ્પ અથવા તો ગેસ ચેમ્બર તરીકે ઓળખાય છે.
પોલેન્ડ જીતી લીધું એ પહેલા જર્મનીમાં તો આવા હજારો કેમ્પ બની ચૂક્યા હતા. યહુદીઓ ઉપરાંત જેઓ 'શુદ્ધ આર્ય' ન હોય એવા નિરાશ્રિત, શારીરિક ખોડ-ખાપણ ધરાવતા તથા અન્ય ઈત્તર પ્રજા હિટલરને મન દુશ્મન હતી. એમનો પણ ખાત્મો કરવાનો હતો.
૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૃઆત જર્મનીએ પડોશી દેશ પોલેન્ડ પર આક્રમણ સાથે કરી. પોલેન્ડ તુરંત જીતાઈ ગયું. ત્યાં પણ કેમ્પ બનાવાની શરૃઆત થઈ.
નાઝી તાબાના પ્રદેશોમાં ઉભા થયેલા હજારો કેમ્પોમાં સૌથી કુખ્યાત થયેલો કેમ્પ પોલેેન્ડના દક્ષિણ ભાગમાં ચેકોસ્લોવેકિયા-સ્લોવેનિયાની સરહદ નજીક ઑશ્વિત્ઝ નગરની ભાગોળે બન્યો હતો. મૂળ તો એ પોલેન્ડની સેનાના બેરેક હતા, પણ તેમને નાઝી જેલમાં ફેરવી દેવાયા હતા. એ પછી જગ્યા ઓછી પડી એટલે બીજા બે કેમ્પ તૈયાર કરી દેવાયા. કુલ ૩ કેમ્પ હતા, પરંતુ એ સામુહિક રીતે ઑશ્વિત્ઝ કેમ્પ તરીકે ઓળખાય છે (એમાં વળી પેટા કેમ્પની સંખ્યા ૪૦ હતી).
૧૯૩૯માં જગ જીતવા નીકળેલી જર્મન નાઝી આર્મીને ૧૯૪૫ સુધીમાં સમજાઈ ગયું કે જગત જીતવાની વાત તો દૂર રહી હવે આપણી જર્મન ભૂમિ પર સાચવી શકાય એમ નથી. કેમ કે પશ્ચિમેેથી બ્રિટન-અમેરિકાની સેના, તો પૂર્વમાંથી રશિયાની સેનાએ જર્મનીને ઘેરી લીધું હતું. આગેકૂચ કરતી રશિયન સેના ૧૯૪૫ની ૨૭મી જાન્યુઆરીએ ઑશ્વિત્ઝમાં પહોંચી. ત્યારે ઑશ્વિત્ઝમાં હાડપિંજર જેવી અવસ્થામાં જીવતા હતા એવાં સાતેક હજાર વ્યક્તિઓ હતા.
૧ લાખથી વધારે જુત્તાંની જોડી, ૧૨,૦૦૦ જેટલી રસોડાની સામગ્રી, ૩૮૦૦ સૂટકેસ (જે અહીં આવનારા કેદી પોતાની સાથે લાવ્યા હોય), કેમ્પમાં પહેરવાનાં ૩૫૦ જોડી કપડાં, ૬૩૫૦ કિલોગ્રામ માથાના વાળ.. વગેરે મળી આવ્યું.
સોવિયેત સેના માટે સૌથી મોટી મુશ્કેલી કેમ્પમાં જીવતા લોકોને એ સમજાવવામાં થઈ કે અમને તમને મારવા નહીં મુક્ત કરવા આવ્યા છીએ (એ કટાક્ષની વાત છે કે રશિયનો પણ સરમુખત્યાર હતા અને નાઝીઓની માફક લાખો લોકોને મારી નાખ્યા હતા. પરંતુ નાઝી અત્યાચારનો ભોગ બનેલા યહુદીઓ માટે તેઓ મુક્તિદાતા હતા!). કેમ કે કેમ્પમાં પ્રવેશ્યા પછી જે કોઈ સૈનિક દેખાય એ અત્યાચાર જ ગુજારશે એ વાત સૌ કોઈ જાણતા હતા.
હાર ભાળી ગયા નાઝીઓએ રશિયનો આવ્યા ત્યાં સુધીમાં અનેક કેમ્પ ખતમ કરી દીધા હતા. કેમ્પ આખા ખતમ ન થયા ત્યાં ગેસ ચેમ્બરો તોડી પડાઈ હતી. એટલે જ ઑશ્વિત્ઝની ગેસ ચેમ્બરો પણ તૂટી ચૂકી હતી. જવાબદાર નાઝી અધિકારીઓ ભાગી ગયા હતા. બાકી હતા એમને રશિયન આર્મીએ પકડી લીધા. કેમ્પનો નાઝી કમાન્ડર રૃડોલ્ફ હસ હતો, જેને પાછળથી આ કેમ્પમાં જ ફાંસી આપી દેવાઈ.
રશિયાના આક્રમણ વખતે પણ નાઝીઓને આશાવાદ હતો કે આપણે જીતી જઈશું એટલે પૂર્વ દિશામાં આવેલા કેમ્પમાંથી કેદીઓને પશ્ચિમ દિશાએ આવેલા કેમ્પોમાં ખસેડાઈ રહ્યાં હતાં. પરંતુ એ પહેલા તો પૂર્વમાંથી આવતા સોવિયેત આક્રમણે જર્મનોને ભોં ભેગા કરી દીધા. પરિણામે ઑશ્વિત્ઝમાંથી ઈવા જેવા દોઢેક હજાર લોકો જીવતાં બહાર નીકળી શક્યા. એમણે અત્યાચારની કથા બયાન કરી સંભળાવી...
ઑશ્વિત્ઝમાં ૧૯૪૦માં કેમ્પ બન્યો, પણ એ નાનો પડયો. એટલે બાજુમાં જ કદાવર કેમ્પ (ઑશ્વિત્ઝ-૨ અથવા બ્રિકનાવ) તૈયાર કરવામાં આવ્યો. ઑશ્વિત્ઝ નગરની બાજુમાં હોવાથી આ નામ મળ્યું હતું. સમગ્ર વિસ્તાર અમુક ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો હતો. પાછળ જતાં એ દુનિયાની સૌથી મોટી સામુહિક હત્યાકાંડની સાઈટ બની.
નાઝી સંહારની શરૃઆત થઈ ત્યારે યહુદીની સંખ્યા મોટી હતી, માટે સામુહિક રીતે મારી શકાય એવો કાયમી ઉપાય નાઝીઓે શોધી કાઢ્યો. જાડી દીવાલ ધરાવતા મોટા ખંડ બનાવાયા. એમાં ઉપર ફૂવારા લટકતા હતા. અંદરથી રચના જોઈને વિશાળ સ્નાનગૃહ હોય એવુ લાગે. પાંચસોથી લઈને ત્રણેક હજાર સુધીના યહુદી એક વખતમાં સમાય. સ્નાન કરવાનું છે એમ કહીને દરવાજા બંધ કરી દેવાતા હતા.
પછી એ બાંધકામ બહાર રહેલા પાઈપમાં ગેસના ડબલા ઠલવાતા હતા. એ ગેસ અંદર પહોંચી ઉપર લટકતા પાઈપમાંથી ચેમ્બરમાં ફરી વળતો હતો. 'ઝાયક્લોન-બી' નામનો ખાસ ગેસ ૧૯૨૦ના દાયકામાં તૈયાર કરવામાં આવ્યો હતો (ગેસ યહુદી વિજ્ઞાાની ફ્રિત્ઝ હેબરના સિદ્ધાંતો પરથી તૈયાર થયો હતો. હેબરે એમોનિયા ઉત્પાદનની પદ્ધતિ શોધી હતી, જેના માટે તેમને ૧૯૧૮માં નોબેલ મળ્યું હતું!).
બહાર ઉભા રહેલા નાઝી ચોકીદારોને અંદરથી ચીચીયારી સંભળાતી હતી. ૨૦ મિનિટ પછી ચેમ્બરમાં પુરાયેલા સૌ કોઈ લાશ બની જતા હતા. એ સ્થળોને એટલે ગેસ ચેમ્બર નામ મળ્યું હતું. અંદર જતાં પહેલા કપડાં, શરીર પરની તમામ ચીજો, કોઈએ સોનાનો દાંત ફીટ કરાવ્યો હોય તો એ પણ કાઢી લેવાતો હતો. વાળ-કપડાંને કારણે ગેસ શરીર સુધી પહોંચવામાં વાર લગાડતો હતો અને ગેસનો વપરાશ પણ વધારે થતો હતો.
આ રીતે ગેસ ચેમ્બરમાં પુરીને એકલા ઑશ્વિત્ઝમાં જ ૧૧ લાખથી વધુ લોકોને મારી નખાયા હતા, જેમાં સવા બે લાખ તો ૧૮ વર્ષથી નાની વયના અને કેટલાક સાવ બાળકો હતા. ૧૧ લાખનો આંકડો ખાસ્સો મોટો છે. પરંતુ કેટલો મોટો? અમેરિકા અને બ્રિટનના કુલ જેટલા નાગરિકો બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા તેનાથી વધુ એકલા આ કેમ્પમાં મરાયા હતા. કેમ્પમાં આવનારા પૈકી ૭૦ ટકા કેદીઓને તો ૨૪ કલાકમાં જ ખતમ કરી દેવાતા હતા. કેમ કે વધુ સમય સાચવવા પડે એટલો ખર્ચ વધે.
થોડી વાર પછી ચેમ્બરનો દરવાજો ખુલે ત્યારે લાશોનો ઢગલો નજરે પડતો. હજુ થોડી વાર પહેલા જે આંખો કેમ્પને કૂતુહલતાથી નિહાળતી હતી, એ હવે લાશ બની ચૂકી હતી. લાશોનો નિકાલ કરવાનું કામ પણ સાથી યહુદીઓને સોંપવામાં આવતુ હતુ.
પાંચેક વર્ષ ચાલેલા કેમ્પમાં રોજ રોજ સરેરાશ ૬૦૦થી વધુના જીવ લેવાતાં હતા. અહીં નર્કને ભુલાવે એવી તો ઘણી યાતનાઓ થઈ હતી. સામે પક્ષે કેદીઓ પણ જીવન-મરણનો જંગ ખેલવા નીકળી પડયાં હતા. તેની વધુ વાત હવે પછી..