વેડફાઈ જતા જીવનની વાત
પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
'હૃદયની આજ્ઞાા એક અને ચરણનાં ચાલવા જુદાં.' હૃદય એક બાજુ જતું હોય અને ચરણને કમને સામી બાજુ ચાલવું પડતું હોય. હૃદય પ્રિયતમ પાસે હોય અને છતાં એને છોડીને વિરુદ્ધ દિશામાં જવું પડતું હોય. આવી પરિસ્થિતિ માત્ર પ્રણયમાં જ હોતી નથી, બલ્કે વ્યક્તિના જીવનમાં પણ સર્જાય છે. એનું ધ્યેય એક પ્રકારનું હોય અને સાવ ભિન્ન દિશામાં પ્રવૃત્તિ કરવી પડતી હોય.
સૌથી મોટો સવાલ જ એ છે કે વ્યક્તિ આયોજન વિના, ઢંગધડા વિનાની પ્રવૃત્તિ કરતો હોય છે અને પછી ફરિયાદ કરતો હોય છે કે, એટલા બધા વ્યસ્ત રહેવું પડે છે કે, 'મરવાનો પણ સમય નથી.' હકીકતમાં એણે જીવવાની રીત ગુમાવી છે, માટે આવી દશા ઉભી થઈ છે.
સમયને કેટલાક નિષ્ઠુર, નિર્દય, સરમુખત્યાર તરીકે ઓળખાવે છે, જે વ્યક્તિને સહેજે આરામ લેવા દેતો નથી અને એ થાકીને સાવ લોથપોથ થઈ જાય, પછી જ આરામ કરવાની પરવાનગી આપે છે ! ક્યારેક થાક્યા હોવા છતાં કામ વેંઢારવું પડે છે. કેટલીક વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે તેઓ એટલાં બધા કામમાં ગુંથાયેલા છેકે, રાત-દિવસ મહેનત કરવા છતાં એમના કામને પહોંચી વળતા નથી.
જો તમે અનેક કામના બોજ હેઠળ દબાઈ ગયા હો, તો તમારે એ પ્રત્યેક કામનો વિચાર કરવો જોઈએ અને એ દરેક કામમાંથી શું પ્રાપ્ત થાય છે તેનું ચિંતન કરવું જોઈએ. જો આવું ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વ્યક્તિની મોટા ભાગની પ્રવૃત્તિઓ વ્યર્થકે સાવ નકામી જ હોય છે. પહેલાં એ બિનજરૂરી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરશે અને ત્યારબાદ એક પછી એક બિનઆવશ્યક પ્રવૃત્તિને નિમંત્રણ આપે છે અને એ રીતે વાહિયાત, બિનજરૂરી કે અનાવશ્યક પ્રવૃત્તિઓની એના જીવનમાં હારમાળા સર્જાઈ જાય છે.
આજના માનવીની સૌથી મોટી ફરિયાદ એ છે કે એની પાસે સમયની તીવ્ર અછત છે. વર્તમાન જીવનશૈલીએ માણસ પાસેથી સમયની મોકળાશ ખૂંચવી લીધી છે. ઘણી વ્યક્તિઓ એવી સતત ફરિયાદ કરે છે કે અમે ઘડિયાળને ચલાવતા નથી પણ ઘડિયાળ અમને ચલાવે છે.
આવે સમયે વ્યર્થ પ્રવૃત્તિનું નિયંત્રણ કઈ રીતે કરવું ? એને માટેનો માપદંડ કયો ? એ યોગ્ય છે કે ત્યાજ્ય છે, તે નક્કી કરવા માટેનું મૂલ્યાંકન શું ? એ મૂલ્યાંકન કરવા માટે કોઈ માર્ગદર્શકનો કે કોઈ બોધગ્રંથનો આશરો લેવાની જરૂર નથી. સ્વયં તમારી પાસે જ એની મૂલ્યાંકન પદ્ધતિ છે. એ મૂલ્યાંકનનો માપદંડ છે તમારા જીવનનો હેતુ યા ધ્યેય એ કાર્ય કે પ્રવૃત્તિ તમારા જીવનના હેતુને ઉપકારક હોય તો એને ચાલુ રાખવાં જોઈએ અને અનુપકારક હોય તો એને દૂર કરવા જોઈએ.
વ્યર્થ પ્રવૃત્તિમાં ગળાડૂબ માણસને સતત એ વસવસો રહે છે કે, 'મારા મનમાં આવું કરવાની ઇચ્છા છે, પણ હું કરી શકતો નથી.' 'મારે આ માર્ગે જવું હતું, પણ દુર્ભાગ્યે હું એના પર એક ડગલું પણ માંડી શક્યો નહીં.' જીવનની સ્થિતિ અને જીવનના પ્રયોજન વચ્ચેની ખાઈ આ રીતે વધુ ને વધુ મોટી થતી જાય છે અને પરિણામે એક સમય એવો આવે છે કે વ્યક્તિ વ્યર્થ પ્રવૃત્તિઓના બોજ નીચે નિ:સાસા નાંખીને જીવે છે. 'જીવનમાં મારી ઇચ્છા તો આમ હતી, પણ આમ કરવું પડે છે.' એવી ગ્લાનિ વારંવાર પ્રગટ કરે છે.
જીવનની પ્રવૃત્તિઓનું એક જ પ્રયોજન રાખવું જોઈએ. એક પ્રયોજન હોય તો વ્યક્તિ એના પર પોતાના જીવનને, ચિત્તને કે પ્રવૃત્તિને કેન્દ્રિત કરી શકે છે. વળી, માનવીની શક્તિ અને આયુષ્ય બંને મર્યાદિત છે, તેથી એની પાસે એક જ ધ્યેયને સિદ્ધ કરવા માટે જરૂરી પૂરતો સમય હોય છે. એવું પણ બને કે જીવનભર એક જ ધ્યેયને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરનાર પણ નિષ્ફળ જતો હોય છે. હા, એ સાચું કે કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓ એક સાથે ઘણી પ્રવૃત્તિઓ કરી શકતી હોય છે અને એ પ્રવૃત્તિમાં સફળતા પણ હાંસલ કરતી હોય છે.
જેમ કે પોતાની બહુમુખી પ્રતિભાને કારણે 'યુનિવર્સલ મેન' તરીકે ઓળખાયેલો લિયોનાર્ડો દ વિંચી વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર હતો, તો પ્રયોગશીલ ઇજનેર અને ઉડ્ડયનશાસ્ત્રી હતો. એ વિચારક અને ચિંતક હતો અને ક્યારેક આશ્ચર્ય થાય કે લિયોનાર્ડો દ વિંચીએ પંખીના ઉડ્ડયનો અને હવાની ગતિનો અભ્યાસ કરીને ઘણાં ઊડતા યંત્રોની ડિઝાઇન કરી હતી. એનામાં સૌંદર્યજ્ઞા, કલાકાર, નિરીક્ષક અને વૈજ્ઞાાનિક તરીકેની બહુમુખી પ્રતિભા હતી.
આવે સમયે બેન્જામિન ફ્રેન્કલીન પણ યાદ આવે કે જે લેખક, સંશોધક, 'સ્ટેટિક ઇલેક્ટ્રીસીટી'નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાાની, અમેરિકાના બંધારણનો ઘડવૈયો, મુત્સદી, શોધક, મુદ્રક અને પ્રકાશક હતો. પરંતુ આમ અનેક ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરનાર અસાધારણ પ્રતિભાશાળી વ્યક્તિ વિરલ હોય છે. વળી સહુ કોઈ એવી બહુમુખી પ્રતિભાને અનુસરી એક સાથે અનેક પ્રવૃત્તિઓમાં સફળ નીવડી શકે નહીં.
અન્યની મદદ મેળવવા માટેની ઝંખના એ માનવીની મૂળભૂત વૃત્તિ લાગે છે. અન્ય વ્યક્તિ પોતાના કાર્યમાં મદદરૂપ થાય તેમ એ ઇચ્છે છે. પોતાની માગણી પણ સતત કરતી રહે છે. રાજકીય ક્ષેત્રે ઉચ્ચસ્થાન ધરાવનાર અથવા તો વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવનારની પાસે મદદ માગનારાઓની કતાર લાગતી હોય છે. એમને મળવા આવનારા 'પોતાનું કામ' સાથે લઈને આવતા હોય છે.
પણ સવાલ એ છે કે તમને એ કામ સોંપવા આવનાર વ્યક્તિ તમારા જીવનના ધ્યેયનો કે પ્રયોજનનો વિચાર કરે છે ખરી ? તમે પ્રમાણિકપણે જીવવા ઇચ્છતા હો અને પેલી વ્યક્તિ તમારી પાસે આવીને એમ કહે કે, 'પેલો અધ્યાપક આપને પરિચિત છે, તો જરા આપની લાગવગનો ઉપયોગ કરીને મારા પુત્રને વધુ માર્ક મળે તેમ કરશો.' આવી માગણી કરતી વખતે વ્યક્તિ સામેની વ્યક્તિના જીવનધ્યેયને જોતી નથી.
માત્ર પોતાની ઇચ્છા પર એની નજર હોય છે. પરિણામે એવું થાય છે કે ઘણી વ્યક્તિઓ માત્ર બીજાના કાર્યો કરવા ખાતર જ જીવતી હોય છે. કોઈ એમને એડમિશન માટે લાગવગ વાપરવાનું કહે, તો કોઈ ઓળખીતાને ત્યાં નોકરી અપાવવાની માંગણી કરે. આવું કરવા જતા વ્યક્તિને પોતાના જીવન લક્ષ્યથી દૂર થઈને સાવ અવળે માર્ગે જવું પડે છે અને અંતે એનું લક્ષ્ય ખંડિત થતું રહે છે.
મજાની વાત એ છે કે પોતાનું કાર્ય સોંપતી વખતે વ્યક્તિ સામેની વ્યક્તિની શક્તિ, હોદ્દો કે સત્તાનો 'લાભ' લેવા માંગે છે, પણ એની 'ઇમેજ' સાચવવા માંગતી નથી. આથી એ નિર્ણય લેવો મહત્ત્વનો છે કે, તમે તમારા લક્ષ્ય સાથે રહેવા માંગો છો કે પછી આવા લોકો સાથે રહેવા ઇચ્છો છો ? મૃત્યુ પછી તમે જ્યારે ઇશ્વરની સમક્ષ તમારા જીવનનો હિસાબ આપશો, ત્યારે તમારી પાસે સિફારિસની માગણી લઈને આવેલા લોકો નહિ હોય, તેઓ તમારા વતી કોઈ કેફિયત પણ નહિ આપે કે પોતાનાથી આવી ભૂલ થઈ ગઈ એનો એકરાર પણ નહિ કરે.
આથી બીજાઓ તમારી પાસે સમયની માગણી કરે, લાગવગ લગાડવાની માગણી કરે, કોઈ કામ કરી આપો તેવી ઇચ્છા પ્રગટ કરે, ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે તમારા જીવનના લક્ષ્યને દ્રષ્ટિમાં રાખી ઉત્તર આપવો જોઈએ.
જીવનમાં તમે થાકી જાવ ત્યારે કઈ પ્રવૃત્તિથી થાકી ગયા, એનો વિચાર કરજો. એ પ્રવૃત્તિ તમારી લક્ષ્યસિદ્ધિમાં ઉપકારક હોય તો અત્યંત પ્રસન્ન થજો, પરંતુ જો આ પ્રવૃત્તિ વ્યર્થ પ્રવૃત્તિ હોય તો એને માટે વસવસો કરવાની સાથે એ તમારા એ માટેના સમયના આયોજનને બદલજો. જો વ્યર્થ બાબતોમાં સમય ગાળવાની રીત ચાલુ રહી, તો એ હાનિકારક નીવડશે.
આથી તમારા લક્ષ્યને લક્ષમાં રાખીને વ્યક્તિએ સમગ્ર કાર્યનું અને સમયનું આયોજન કરવું જોઈએ અને મનમાં એવો દ્રઢ ભાવ ધારણ કરવો જોઈએ કે તમે જે પ્રકારે કાર્યનું આયોજન કર્યું છે, એને બીજી કોઈ વ્યક્તિ કે બાબત બદલી શકે તેમ નથી. એમાં ફેરફાર કરવાનો એકમાત્ર અધિકાર તમારો છે.
તમારા ધ્યેયને લાભદાયી ન હોય તેવી પ્રવૃત્તિ તમારે માટે માત્ર પ્રયોજનહીન નહિ, બલ્કે નિરાશાજનક બની રહેશે. તમારે ખોટી રીતે કામ કરવું પડતું હશે તો કામમાં કોઈ ઉત્સાહ નહિ હોય અને ધીરે ધીરે આવી વ્યર્થ પ્રવૃત્તિઓ તમને થકવી નાખશે, આથી જિંદગીના અમૂલ્ય સમયને વેડફનારી પ્રવૃત્તિઓને તત્કાળ અળગી કરી દો, જેથી ભવિષ્યમાં નિરાશ થવાનો વારો આવે નહિ. તમારા કાર્યવિશ્વમાં કેન્દ્રસ્થાને જીવનલક્ષ્યને મૂકશો, તો જ તમારા જીવનને ઘાટ આપી શકશો.
મનઝરૂખો
કેનેડાના પ્રસિદ્ધ ચિકિત્સક અને શિક્ષણશાસ્ત્રી સર વિલિયમ ઑસ્લર (૧૮૪૯થી ૧૯૧૯) મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે એમના માથા પર ચિંતાનો મોટો બોજ એ હતો કે તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વ્યવસાયમાં ક્યાં ઠરીઠામ થશે ? કઈ રીતે એમની આજીવિકા ચાલશે ? એમનું ભવિષ્ય શું ? આ સમયે એમણે એમના કબાટમાંથી થોમસ કાર્લાઇલનું એક પુસ્તક કાઢીને આ સૂત્ર વાંચ્યું, 'આપણું મુખ્ય કામ દૂરસુદૂરના ઝાંખા પ્રકાશને જોવાનું નથી, પરંતુ આપણું કામ તો હાથવગા દીવડાને કામમાં લેવાનું છે.'
ઉપરોક્ત વાક્ય વાંચતા જ સર વિલિયમ ઑસ્લરના ચિત્ત પરનો સઘળો ભાર ઉતરી ગયો. એમણે વિચાર્યુંકે બહુ દૂર-દૂરના ભવિષ્યની ચિંતા કરીને દુ:ખી થવા કરતાં અત્યારની પરિસ્થિતિનો મુકાબલો કરીને આનંદ માણવો જોઈએ, આથી એમણે એક નવો શબ્દ શોધ્યો - 'ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ.'
આ શબ્દનો અર્થ એટલો કે દિવસના ટાઇટ કમ્પાર્ટમેન્ટમાં જીવો. રોજના દિવસને જાણો અને જીવો. એમાં ભૂતકાળનો કોઈ બોજ કે ભવિષ્યકાળની કોઈ ચિંતા દાખલ થવા દેશો નહીં, બલ્કે ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યકાળની ધારણા કરવાનું છોડી દો અને આજના દિવસને રળિયામણો ગણીને જીવવાનું રાખો.
આ વિચારને પરિણામે વિલિયમ ઑસ્લર કેનેડાના વિશ્વવિખ્યાત ચિકિત્સક બન્યા. ૧૮૭૩ સુધીમાં લોહીમાંના નહી ઓળખાયેલા ગઠનકોશો (પ્લેટલેટ્સ)ને એમણે શોધી કાઢ્યા. ફિલાડેલ્ફિયા ક્લિનિકલ મેડિસિનના અધ્યક્ષ બન્યા. કેટલાંય ઉચ્ચ પદ પામ્યા અને મેડિકલ શિક્ષણમાં પણ એમણે ક્લિનિકલ એક્ઝામિનેશનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના ગ્રંથો વિશાળ જ્ઞાાનના ઉત્તમ નમૂનારૂપ બન્યા, આમ છતાં તેઓ સ્વીકાર કરતા કે હું બીજી સામાન્ય વ્યક્તિઓ જેવો જ છું, માત્ર મારી જીવવાની પદ્ધતિમાં 'ડે-ટાઇટ કમ્પાર્ટમેન્ટ'ને હું અનુસરું છું.
ક્ષણનો સાક્ષાત્કાર
જડ પથ્થર જેવા માનવીઓ પણ મળશે અને વહેતા ઝરણા જેવી વ્યક્તિઓ પણ જોવા મળશે. દિવેલિયું ડાચું રાખીને બેઠેલા જડ માણસો તમારી આસપાસ નિરાશાની કાળમીંઢ દિવાલો રચશે. તમારા ભીતરના ઉત્સાહનું ગળું દાબીને એને ગૂંગળાવી નાખશે. નિષ્ક્રિયતાની સ્થિતિ અને નકારાત્મકતાની આબોહવાને એ વેગ આપશે. જ્યારે વહેતા ઝરણાં જેવા માનવીઓનો તરવરાટ તમારામાં એક નવો ઉત્સાહ પ્રેરશે. એ ઉત્સાહમાં જીવંત ગતિશીલતા અને ઉજળી સકારાત્મકતા હશે.
એમાં કશુંક નવું કરવાનો ઉમંગ હશે અને જીવવા માટેનો ઉત્સાહ હશે. આ ઉત્સાહ એને રોજિંદા જીવનની ઘટમાળમાંથી બહાર લાવશે. વ્યક્તિના જીવનને ઘેરી લઈને રોજિંદી ઘટમાળ પડેલી હોય છે. એના રોજિંદા ચીલાચાલુ દૈનિક કામોની જાળ એના જીવન પર પથરાયેલી હોય છે. આવા રોજિંદા જીવનમાં કોઈ ઉત્સાહ, કોઈ આનંદ, કોઈ તરવરાટ નવો સંચાર લઈને આવે છે. એમાં નવીન ગગનગામી ઝંખનાઓ હોય છે એને ગરુડની માફક ઊંચે આકાશમાં ઉડ્ડયન કરવાની ઇચ્છા છે. ઘૂવડની માફક પીપળા પર સ્થિર ચહેરો લઈને પગ વાળીને બેસવું નથી.
હતોત્સાહ માનવી સામે ચાલીને જીવનથી હાર સ્વીકારી લે છે. નિરાશામાં એ વધુ ને વધુ ખૂંપતો જાય છે અને પોતાની આસપાસના વાતાવરણને વિષાદગ્રસ્ત બનાવતો જાય છે. આવી વ્યક્તિએ વિષાદને દૂર કરવા માટે કુરુક્ષેત્રના રણક્ષેત્રની વચ્ચે હતોત્સાહ અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરવા જોઈએ. શ્રીકૃષ્ણના જીવનમાં પ્રત્યેક પરિસ્થિતિમાં જોવા મળતા ઉમંગનું સ્મરણ કરવું જોઈએ. ઉત્સાહ એ વરદાન છે, હતોત્સાહ એ શાપ છે. જે ઉત્સાહનું વરદાન પામ્યો હોય છે તે અન્યના હૃદયમાં ઉમંગ જગાડી શકે છે. જે હતોત્સાહનો શાપ પામ્યો છે, તે ઉજ્જડ અને શાપિત દુનિયાનું સર્જન કરશે.