Get The App

'તમે ભલે 'ઠરેલ' હો, પણ હું 'ઠરેલી' નથી

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Feb 1st, 2020

GS TEAM


Google News
Google News
'તમે ભલે 'ઠરેલ' હો, પણ હું 'ઠરેલી' નથી 1 - image


'તૃષા, ઘર માંડવા માટે નમ્રતા જોઇએ અને ઘર તોડવા માટે અહંકાર. અહંકારને ઘરના ઊંબરાની બહાર મૂકી ગૃહપ્રવેશ કરવો, એ સુખી દામ્પત્યની પહેલી શરત છે' - સંતોષકુમાર

'તૃ ષા, આ છે મારી દિવંગત પત્નીનો પુત્ર કુશાગ્ર અને મારી આંખનું રતન. એને જાળવવાની જવાબદારી આજથી તારી' - સંતોષકુમારે કહ્યું.

'હવે બીજું કાંઈ કહેવું છે ? મને આ ઘરમાં આયા તરીકે લાવ્યા છો કે પત્ની તરીકે ? તૃષાએ સહેજ છણકા સાથે કહ્યું.'

'તૃષા, ઘર માંડવા માટે નમ્રતા જોઇએ અને ઘર તોડવા માટે અહંકાર. અહંકારને ઘરના ઊંબરાની બહાર મૂકીને ગૃહપ્રવેશ કરવો એ સુખી દામ્પત્યની પહેલી શરત છે' સંતોષકુમારે કહ્યું...

'તમારી ઉમ્મર હજી માંડ પાંત્રીસ વર્ષની છે પણ વિચારો બુઢ્ઢા જેવા છે. પરણેતર પણ એક સપના સાથે સાસરે આવતી હોય છે. ભારતનાં વડીલો એને ઠરીને ઠામ થવાની તક આપવાને બદલે એની પર આદર્શ ગૃહિણીની 'આચારસંહિતા' લાદવાની કોશિશ કરે છે. મારા પપ્પા કેન્સરગ્રસ્ત છે, એટલે હું અનાથ ન બનું એ માટે તમે બીજવર હોવા છતાં તમને એટલા માટે પસંદ કર્યા, કે એમની નજરે તમે 'ઠરેલ' છો.

તમે ભલે 'ઠરેલ' હો, પણ હું લેશમાત્ર 'ઠરેલી'નથી. મને ખપે છે ગરમાગરમ ફરસાણ અને તમને ખપે છે સત્યનારાયણની કથાનો પ્રસાદ જેવો શીરો. મહેરબાની કરી મારી આઝાદીને છીનવી લેવાની કોશિશ ન કરશો.' તૃષાએ સંતોષકુમારનો ઉધડો લેતાં કહ્યું...

'હું તારી 'આઝાદી'ને આડે નહીં આવું.. પણ આઝાદીને બહાને તું સ્વચ્છંદી ન બની જાઉં, એની દરકાર મારે રાખવી પડશે.' સંતોષકુમાર સ્વસ્થ ચિત્તે વાત કરી રહ્યા હતા.

'હું બદલાવાની નથી. દરેક પુરુષ એમ માનીને ચાલતો હોય છે કે બદલાવાની પહેલ સ્ત્રીએ જ કરવી જોઇએ. સ્ત્રી એટલે સહિષ્ણુતાનો અવતાર, ત્યાગની મૂર્તિ, જીવતું જાગતું સતીત્વ. આવા બધા ઘસાઈ ગએલા શબ્દોના ચોકઠામાં કેદ થવું મને ગમતું નથી. એટલે બદલાવાની શરૂઆત તમારે કરવી પડશે. દરેક સ્ત્રીની આંખમાં રમતો હોય છે પોતાની કલ્પનાનો જીવનસાથી. પણ મારે લલાટે લખાયો એક બીબાઢાળ પતિ.

પણ હું નિસાસા નાખીને જીવવાની નથી ! મારી કલ્પના મુજબ તમારી કાયાપલટ કરીશ. આજથી આ જૂનવાણી લેંઘા-જભ્ભાને જાકારો. કાલે હું જીન્સનું પેન્ટ અને ટી-શર્ટ લઇ આવીશ. આ ઘસાએલાં સેન્ડલ ભિખારીને દાનમાં આપી દઈશ. કાલથી ઓફિસ જવા માટે બૂટ-મોજાનો ઉપયોગ કરવાનો છે. અને તમારી આંખના રતન જેવા લાડકા પુત્રને એની મમ્મીએ પહેરાવી દીધેલું તાવીજ નદીમાં પધરાવી દેવાનું છે.

બાધા બાંધણી અને વ્રત-ઉપવાસમાં હું માનતી નથી ! હવે મારી સામે જોવાને બદલે તિજોરીમાંથી રૂપીઆ દસ હજાર કાઢી લાવો એટલે તમારા 'રિનોવેશન''નો મારો કાર્યક્રમ શરૂ કરી શકું... અને હા, આજથી તિજોરીની ચાવી મારી પાસે રહેશે. મારી પાસે ખર્ચનો હિસાબ માગવાની લપમાં પડશો તો એનાં માઠાં પરિણામ આવશે, એટલું યાદ રાખજો.' તૃષા હજી પોતાના ઝનૂનની તલવાર મ્યાનમાં નાખવા તૈયાર નહોતી.

એક ડાહી-ડમરી યુવતી તરીકે જેનાં વખાણ કરતાં પોતાના સસરા થાકતા નહોતા, એ એક મારકણી ગાય હશે, એની તો સંતોષકુમારે કલ્પના પણ નહોતી કરી. એમની પોતાની પત્ની તત્પરાના અંતિમ શબ્દો યાદ આવ્યા : 'કુશાગ્ર મારી થાપણ છે. એને માતાના પ્રેમની જરૂર છે એ તમારી જિંદગી વિધુર બનીને વેડફાવા માટે નથી. તમે લગ્ન કરજો, પણ મારી આટલી વિનંતી યાદ રાખજો.

હવે તમને બીજી 'તત્પરા' મળવાની નથી. નવી આવનારને સાવકા પુત્ર કુશાગ્રમાં રસ નહીં હોય. પણ એ માતૃધર્મ અદા ન કરે તો તમારે પિતૃપદ ભૂલીને માતૃધર્મ અદા કરવો પડશે. મારી પાછળનું સાચું તર્પણ આ જ હશે. મારા કુશાગ્રનું એક આંસુ હું નવા જન્મમાં જ્યાં હોઈશ ત્યાં મને બેબાકળી બનાવી મૂકશે. મને તમારી ખાનદાનીમાં પૂરો વિશ્વાસ છે.'

'શા વિચારમાં ખોવાઈ ગયા છો ? મને લાગે છે કે તમે મનોમન મારી અને તમારી સ્વર્ગસ્થ પત્ની તત્પરાની સરખામણી કરતા હશો. પણ ભૂતકાળ ભૂલીને નવી જિંદગીને વધાવી લો. અને સાંભળો, મારી કેટલીક સાહેલીઓએ મારા લગ્ન નિમિત્તે આજે સાંજે એક શાનદાર હૉટલમાં પાર્ટી ગોઠવી છે. આમ તો એમણે મને ફેમિલી સાથે આવવાનું કહ્યું છે, પણ તમને આવા દેશી વેશમાં જોઈ બધાં મારી 'દયા' ખાય. એ મને મંજૂર નથી. મને રાત્રે આવતાં મોડું થશે એટલે તમારા તથા કુશાગ્ર માટે જમવાનું રેસ્ટોરન્ટમાંથી મંગાવી લેજો. અને ફોન કરીને મારા રંગમાં ભંગ પાડશો નહીં.' તૃષાએ પોતાનો કાર્યક્રમ જાહેર કરી દીધો.

એટલામાં કુશાગ્રના શિક્ષક તેને ટયૂશન આપવા આવી પહોંચ્યા, એટલે તેને ભણવાનું શરૂ કરાવી સંતોષકુમાર પોતાના બેડરૂમમાં પહોંચ્યા.

એમણે સામેની ભીંત તરફ નજર કરી. સંતોષકુમાર તત્પરાના અવસાન બાદ દરરોજ તેના ફોટા સાથે વાર્તાલાપ કરતા. તેમને સુખડનો વાસી હાર તત્પરાના ફોટા પર ગમતો નહીં એટલે ઓફિસેથી પાછા ફરતી વખતે તાજાં ફૂલોનો હાર લાવતા અને ફોટા આગળ દીવો કરી તત્પરાને પુષ્પહાર સમર્પિત કરતા.

પણ તૃષાએ આવતાં વેંત એમનું એ સુખ પણ છીનવી લીધું. સંતોષકુમારની આંખમાં આંસુ આવી ગયાં ! એક સ્ત્રી થઇને બીજી સ્ત્રી તરફ તૃષાની આટલી બધી નફરત ? આટલી બધી અસહિષ્ણુતા ?

સંતોષકુમાર હંમેશાં પોતાના પર્સમાં તત્પરાનો ફોટો રાખતા. એમણે પાકીટમાંથી ફોટો કાઢી ટેબલ પરના પુસ્તક પર ગોઠવ્યો અને ફોટાને નમન કરીને સ્વગત બોલવાનું શરૂ કર્યું : 'તત્પરા, તારું વચન પાળવા જતાં હું છેતરાયો છું. જમાનો બદલાઈ ગયો છે. તારા જેવી પ્રેમાળ અને ઘરરખૂ મહિલાઓ દંતકથા બની જશે. તૃષાને એકસામટાં સુખો માણવાની અદમ્ય ઇચ્છા છે. એને મન પતિનું ઘર એક પડાવ છે અને બાહરી દુનિયા આકર્ષણનું કેન્દ્ર. મને ખાત્રી છે કે તૃષા આપણા પુત્ર કુશાગ્રને મમતા અને વાત્સલ્યનો અહેસાસ નહીં કરાવે. પણ તને આપેલા વચન મુજબ હું દામ્પત્ય-સુખનાં મારાં અરમાનોને તિલાંજલિ આપીને વહાલસોયા પુત્ર કુશાગ્રને સુખી કરવાને જ મારા જીવનનું લક્ષ્ય બનાવીશ. તૃષા તારા ફોટાને મને તાજો હાર ચઢાવતો જોવાનું પસંદ નહીં કરે, એટલે તારી સ્મૃતિ અંત:કરણમાં રાખીને તારી પૂજા કરતો રહીશ, તત્પરા મને માફ કરજે.' - કહી સંતોષકુમાર રડી પડયા.

તે રાત્રે બાપ-દીકરો ભૂખ્યા રહ્યા. દૂધ અને ફ્રૂટ્સ ખવડાવી લેસન કરાવી કુશાગ્રને સંતોષકુમારે સુવાડી દીધો.

રાત્રે પાછા ફરવાને બદલે તૃષા સવારે ૮ વાગ્યે ઘેર આવી. એણે બેફિકરાઈપૂર્વક કહ્યું : 'મારી સાહેલી મને આગ્રહપૂર્વક તેના બંગલે લઇ ગઇ એટલે મેં રાત્રે આવવાનું માંડી વાળ્યું. અને હા, પાર્ટીમાં જતા પહેલાં જ તમારે માટે જીન્સનું પેન્ટ, ટી-શર્ટ અને બૂટ-મોજા ખરીદી લીધા છે. આજે નવો ડ્રેસ પહેરી તમારે ઓફિસે જવાનું છે. મને રસોઇ કરવાનું ફાવતું નથી એટલે મેં મહારાજ નક્કી કરી નાખ્યા છે.

થોડી જ વારમાં તેઓ આવી પહોંચશે. તમને તથા તમારા લાડકા પુત્ર કુશાગ્રને પણ તેઓ જ જમાડશે. એટલે આપણે બંદા છુટ્ટા ને છુટ્ટા.' કહી તૃષા શયનખંડમાં ચાલી ગઈ. એણે ભીંત તરફ નજર કરી. તત્પરાના ફોટાનું સ્થાન ખાલી હતું. એને એ વાતનો આનંદ હતો કે પોતે સંતાડેલો તત્પરાનો ફોટો સંતોષકુમારને હાથ લાગ્યો નથી !

મહારાજ આવ્યા. તૃષાની ફરમાઈશ મુજબ તેમણે પંજાબી ટાઈપનું ખાણું તૈયાર કર્યું અને 'મેડમ'ની સૂચના મુજબ પિતા-પુત્રને જમાડયા.

રાબેતા મુજબ કુશાગ્રને સ્કૂલે પહોંચાડવા ઓટો રીક્ષા આવી પહોંચી, પણ રીક્ષા ડ્રાઈવરને તૃષાએ કહ્યું : 'કુશાગ્રની સ્કૂલ અહીંથી એક કિલોમીટરના અંતરે જ છે એટલે આજથી એ ચાલતો સ્કૂલે જશે. કાલે આવીને તમારા હિસાબ મુજબના પૈસા લઇ જજો.'

કુશાગ્ર સ્કૂલ જવા તૈયાર થયો. એણે તૃષાને કહ્યું : 'મમ્મી, મારું લંચ બોક્ષ ?'

'તું જમીને સ્કૂલે જાય છે પછી લંચ બોક્ષની શી જરૂર ? કદાચ ભૂખ લાગે તો કોઈ દોસ્ત જોડે થોડો નાસ્તો કરી લેવાનો. અને તને ચાલવાની પ્રેક્ટીસ પડે એટલે આજથી મેં ઓટો રીક્ષાવાળાને છૂટો કરી દીધો છે. ચાલ, હવે જા, સ્કૂલે પહોંચવામાં મોડું થશે.' તૃષાએ કુશાગ્રને વિદાય કરી દીધો.

એટલામાં સંતોષકુમાર બહાર આવ્યા અને તૃષાને પૂછ્યું : 'અરે ! કુશાગ્ર કેમ દેખાતો નથી ! એને શાળાએ જવાનો સમય થયો !'

'મેં એને સ્કૂલે મોકલી દીધો છે' - તૃષાનો ટૂંકો જવાબ.

'પણ મને મળીને મારા આશીર્વાદ લઇને જ સ્કૂલે જવાનો એનો નિયમ છે. આજે એણે નિયમ કેમ તોડયો ?' - સંતોષકુમારે પૂછ્યું.

'તમારા આશીર્વાદ લીધા વગર તમારો વહાલો દીકરો સ્કૂલે ગયો તો કાંઈ એની ઉપર આભ તૂટી પડવાનું નથી ! અને તમારે પણ ઓફિસ જવાનું મોડું થઇ રહ્યું છે. બેડરૂમમાં તમારો નવો ડ્રેસ તૈયાર છે. કપડાં બદલીને જલ્દી આવો.' તૃષાનો આદેશ.

સંતોષકુમાર જીન્સના પેન્ટ અને ટી-શર્ટ સામે જોઈ રહ્યા. પાસે બૂટ-મોજા પણ પડેલા હતા. 'નવું રૂપ' ધારણ કરવા એમનું મન લેશમાત્ર રાજી નહોતું પણ ઝઘડાને બીકે એમણે નવો ડ્રેસ ધારણ કર્યો. અંદરથી એમને લાગતું હતું કે પોતે સર્કસના જોકરનો રોલ ભજવવા તૈયાર થઇ રહ્યા છે.

સંતોષકુમાર ઓફિસે પહોંચ્યા ત્યારે એમનું 'નવું રૂપ' જોઈ તેમના સાથીઓ આશ્ચર્યચકિત થઇ ગયા ! ક્યાં લેંઘા-જભ્ભામાં ઓફિસે આવતા સંતોષકુમાર અને ક્યાં જીન્સના પેન્ટ-ટી-શર્ટમાં સજ્જ તેમનું મોડર્ન રૂપ !

'ભાઈ, નવી પત્નીને ખુશ કરવા નવો વેશ ધારણ કર્યો લાગે છે.'

'આપણને ખબર નહોતી કે સંતોષ આટલો બધો રોમાન્ટિક હશે !'

'રોમાન્ટિક નહીં, 'કહ્યાગરો કંથ' કહો. બીજી વખત લગ્ન કરનારે પત્નીને રાજી રાખવા પાલતૂ પ્રાણી બનવું પડે છે ! બિચારો સંતોષ !'

બધાંને ટીંખળ કરતા જોઈ સંતોષ કુમારને ખૂબ જ દુ:ખ થયું, પણ મૌન ધારણ કર્યા સિવાય છૂટકો નહોતો.

તૃષાએ કુશાગ્રના ટયૂશન શિક્ષકને પણ છૂટા કરી દીધા. તેને મળવા આવતા મિત્રોને પણ ઘેર બોલાવવાનું બંધ કરી દીધું અને પપ્પા સંતોષકુમાર સાથે બેસીને જમવાની પ્રથા પણ નાબૂદ કરી નાખી. કુશાગ્રના રૂમમાંથી ટી.વી. પણ ખસેડાવી લીધું અને રાત્રે દસ વાગ્યા પછી લાઈટ ચાલુ નહીં રાખવાનું પણ ફરમાન કર્યું. તૃષા સંતોષકુમારને એવી રીતે ઘેરાયેલા રાખતી કે કુશાગ્રને મળવાનો તેમને મોકો જ ન મળે !

તૃષાના આવા ત્રાસની ફરિયાદ કુશાગ્ર પોતાના પપ્પાને કરવાને બદલે સમસમીને બેસી રહેતો. એને ખબર હતી કે પપ્પાને ફરિયાદ કરવાથી તૃષા મમ્મી રજનું ગજ કરશે અને ઘરની શાન્તિ જોખમાશે, પરિણામે પોતાના તથા પપ્પા પર મમ્મીના ત્રાસની માત્રા વધી જશે.

સ્કૂલમાં પણ અભ્યાસમાં કુશાગ્રનું ચિત્ત ચોંટતું નહોતું. શિક્ષક પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર તે આપી શક્તો નહોતો. એટલે વર્ગશિક્ષકે પ્રિન્સિપાલ જયશ્રીબેન ઝાને કુશાગ્રની ફરિયાદ કરી. પ્રિન્સિપાલ બાળ મનોવિજ્ઞાાન પારખું હતાં. એમણે જોયું કે કુશાગ્ર લંચબોક્સ લાવતો નથી અને રિસેસમાં એકલો અટૂલો કેમ્પસના વૃક્ષ હેઠળ બેસી રહે છે !

બીજે દિવસે એમણે રિસેસના સમયે કુશાગ્રને પોતાની ઓફિસમાં બોલાવ્યો. કુશાગ્ર ધૂ્રજતો હતો. એને એ વાતનો ડર હતો કે પ્રિન્સિપાલ તેને ધમકાવીને ઘેર કાઢી મૂકશે.

પ્રિન્સિપાલ જયશ્રીબેન કશું પૂછે, એ પહેલાં જ એણે કહ્યું : 'મેડમ, મને મારવો હોય એટલો મારો, પણ ઘેર ના મોકલશો.' કુશાગ્ર રડી પડયો.

પ્રિન્સિપાલે એને આશ્વસ્ત કરતાં કહ્યું : 'મેં તને વઢવા માટે બોલાવ્યો જ નથી દીકરા, રિસેસમાં મારી સાથે નાસ્તો કરવા બોલાવ્યો છે. તારું લંચબોક્સ હવે હું જ લાવીશ. રિસેસમાં તારે મારી સાથે જ નાસ્તો કરવાનો' કહી એમણે કુશાગ્રને છાતી સરસો ચાંપ્યો ! કુશાગ્રની સાવકી મમ્મી તૃષાના ત્રાસ વિશે પ્રિ. જયશ્રીબેને રજેરજની માહિતી મેળવી લીધી હતી.

કુશાગ્ર એકાએક જ બબડવા લાગ્યો : 'મમ્મી, તું મને છોડીને ભગવાનને ઘેર કેમ ચાલી ગઈ ? નવી મમ્મી મને બિલકુલ ચાહતી નથી ! પપ્પા, પણ દુ:ખી છે !' કુશાગ્ર ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડયો.

જયશ્રીબેને તેના આંસુ લૂછી પોતાના લંચબોક્સમાંથી જાતે જ એક કોળિયો તેને ભરાવ્યો. કુશાગ્રને લાગ્યું કે જાણે પોતાની સ્વર્ગસ્થ મમ્મી તત્પરા પાછી આવી ગઈ છે !

એણે પ્રિન્સિપાલનો હાથ પોતાના હાથમાં લઇ મીઠી ચૂમી ભરતાં કહ્યું : 'મેડમ, મને રિસેસમાં દરરોજ તમારી પાસે આવવા દેશો ? મારું લંચબોક્સ તમે જ લાવજો. જે ખર્ચ થશે તે મારા પપ્પા આપી દેશે !'

રિસેસ પૂરી થયાનો બેલ વાગતાં પ્રિન્સિપાલે કુશાગ્રને વિદાય આપી. કુશાગ્ર હળવો ફૂલ જેવો થઇને દોડતો દોડતો પોતાના વર્ગખંડે પહોંચી ગયો. પ્રિન્સિપાલ જયશ્રીબેન અમી વરસાવતી નજરે કુશાગ્રનું બદલાએલું રૂપ નીરખી રહ્યાં... કદાચ જ્ઞાાનની અધિષ્ઠાત્રી સરસ્વતી પણ શિક્ષકધર્મનું આવું ગરવું રૂપ જોઈ હરખાતી હશે.

કુશાગ્રને સ્કૂલમાં જેટલો આનંદ થતો, ઘેર જવાની સાથે તે એટલો જ હતોત્સાહ થઇ જતો. મમ્મી-પપ્પા વચ્ચે દરરોજ ઝઘડા થતા. મમ્મીનું ઘરમાં લેશમાત્ર ધ્યાન નહોતું.

એક દિવસ ઝઘડો પરાકાષ્ટાએ પહોંચ્યો. ઉશ્કેરાએલી તૃષાએ સંતોષકુમાર પર હૂમલો કર્યો. એમના ચશ્માં પણ તૂટી ગયાં. કુશાગ્ર પપ્પાને બચાવવા વચ્ચે પડયો. તૃષાએ તેને પણ ધબેડી નાખ્યો.

સંતોષકુમારે એ બધું ચૂપચાપ સહન કરી લીધું.. તૃષા મનોમન હરખાતી હતી કે પોતાની જીત થઇ છે. હવે સંતોષકુમાર ક્યારેય પણ 'પતિપણું' દાખવવાની હિંમત નહીં કરે.

બીજે દિવસે સંતોષકુમારે ઓફિસમાં રજા રાખી. કુશાગ્રને શાળાએ પહોંચાડવા પણ તેની સાથે ચાલતા ગયા. કુશાગ્રે પ્રિન્સિપાલ મેડમનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં.. સંતોષકુમારે તેમનો ખૂબ-ખૂબ આભાર માન્યો. જયશ્રીબેન તેમની સાથે તેમના ઘરના વાતાવરણની ચર્ચા કરવા માગતાં હતાં પણ સંતોષકુમારે તેમને કહ્યું : 'અઠવાડિયા પછી તમને મારે ઘેર બોલાવીશ.'

અને સંતોષકુમારે એક દલાલ મારફતે બે રૂમ-રસોડાનું મકાન ભાડે રાખી લીધું... જરૂરી ઘરવખરી પણ ખરીદી લીધી અને સ્કૂલ છૂટવાના સમયે તેઓ કુશાગ્રને નવા ઘેર લાવવા પહોંચી ગયા.

ઘેર જવાના દરરોજના રસ્તે જવાને બદલે પપ્પાએ નવો રસ્તો બદલ્યો એટલે કુશાગ્રે પૂછ્યું : 'પપ્પા, તમારી તબિયત સારી નથી ? ઘરનો રસ્તો કેમ ભૂલી ગયા ?'

સંતોષકુમારે કહ્યું : 'બેટા, જ્યાં સુખ-શાન્તિ ન હોય તે ઘર ન કહેવાય. મેં નવું ઘર ભાડે રાખી લીધું છે. આપણાવાળું ઘર હું તારી તૃષા મમ્મીને સોંપી દઈશ.'

અને કુશાગ્ર પપ્પા સાથે નવા ઘરના દરવાજે જઇને ઉભો રહ્યો. ફ્લેટના દરવાજે  બોર્ડ લટકતું હતું. 'કુશાગ્ર સદન' બન્ને નવા ઘરમાં પ્રવેશ્યા. મન હાશકારો અનુભવતું હતું.

એટલામાં તૃષાનો સંતોષકુમાર પર ફોન આવ્યો : 'તમે બન્ને ક્યાં ભટકવા ગયા છો ? હજી સુધી ઘેર આવવાની ફૂરસદ નથી ? આવું કરશો તો મારા ઘરમાં પેસવા નહીં દઉં.'

'તૃષા, ભલે, તારું ઘર તને મુબારક. આજથી વગર છુટાછેડા લીધે આપણું છુટાછેડાવાળું જીવન શરૂ થાય છે. તને સુખની તરસ છે, મને શાન્તિની. આપણા રસ્તા આજથી ફંટાય છે ! કહી સંતોષકુમારે ફોન મૂકી દીધો. એમણે પલંગ પર નજર કરી, કુશાગ્ર ઘસઘસાટ નિંદ્રામાં સરી પડયો હતો.'

Tags :