ભારતીય ટેનિસની આશા હવે સુમિત નાગલ પર ટકેલી છે
Sports ફન્ડા- રામકૃષ્ણ પંડિત
દિલ્હીના સ્કૂલ ટીચરના પુત્ર સુમિતની પ્રતિભાને લેજન્ડરી ખેલાડી ભૂપતિએ ઓળખી અને નિખારી
યુએસ ઓપનમાં ટેનિસ લેજન્ડ ફેડરર સામેના મુકાબલામાં મળેલી હાર છતાં સુમિતના જજ્બા અને રમતે દુનિયાભરનું દિલ જીતી લીધું
ખેલાડીની દોડધામભરી જિંદગીમાં તક એવો વળાંક લાવે છે કે, જે તેની જિંદગીને અને તેના આખા વ્યક્તિત્વને જ બદલી નાંખે છે. દરેક ખેલાડી પહેલી જ તકને સુવર્ણમયી યાદોમાં ફેરવી શકતો નથી, પણ દુનિયાની સામે - પ્રકાશના ઝળાહળાની વચ્ચે ઉભા રહેવાનો અનુભવ ભવિષ્યના અજવાળાનો આછો અણસાર તો આપી જ દે છે. આ જ અણસાર ખેલાડીમાં અજબનો આત્મવિશ્વાસ જન્માવે છે અને તે આત્મવિશ્વાસને સહારે તે અકલ્પનીય ઉંચાઈને હાંસલ કરવામાં સફળ થાય છે.
આજથી બરોબર ૨૩ વર્ષ પહેલાની ઘટના છે, જ્યારે ટેનિસની દુનિયામાં પા પા પગલી પાડતો ભારતનો એક ૨૩ વર્ષનો છોકરડો લિએન્ડર એટલાન્ટા ઓલિમ્પિકની સેમિ ફાઈનલમાં પહોંચી ગયો, જ્યાં તેનો સામનો દુનિયાના ટોચના સુપરસ્ટાર એવા અમેરિકી ખેલાડી એન્ડ્રે અગાસી સામે હતો. આ એ પળ હતી કે, જ્યારે દુનિયાને ભારતના ઉભરતા ટેનિસ સિતારા લિએન્ડર પેસનો પરિચય થયો.
અગાસીએ ખુબ જ આસાનીથી સીધા સેટોમાં લિએન્ડરરને ૭-૬, ૬-૩થી હરાવી દીધો. જોકે, દુનિયાનું ધ્યાન ખેંચનારા લિએન્ડર માટે અગાસી સામેની મેચનો અનુભવ તો બહુમૂલ્ય રહ્યો જ, સાથે સાથે દુનિયામાં તેણે ઉભી કરેલી પોતાની ઓળખનો ચિરકાલીન પ્રભાવ તેના વ્યક્તિત્વ પર પડયો. આ પછી તો લિએન્ડરે ટેનિસમાં એવી સિમાચિહ્નરૂપ ઉંચાઈઓ આંબી છે કે, જેનાથી ભારતીય રમતજગત પરિચિત છે.
આજે પછી ભારતીય ટેનિસનું નામ પડે એટલે આંખોની સામે લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિના ચહેરા આવીને ખડા થઈ જાય. જોકે, લિએન્ડરની જિંદગીને બદલવામાં જેમ અગાસી સામેની મેચ નિર્ણાયક બની હતી, તેવી જ ઘટના આ વર્ષે યુએસ ઓપનમાં જોવા મળી. ભારતનો એક સાવ અજાણ્યો કહી શકાય તેવા ૨૨ વર્ષીય ખેલાડી સુમિત નાગલે યુએસ ઓપનના મેઈન ડ્રોમાં પ્રવેશ મેળવીને ઈતિહાસ રચ્યો, પણ તેને ખરી તક તો યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં મળી, જ્યાં તેનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી ટેનિસ સ્ટાર રોજર ફેડરર સામે થયો.
ફેડરર સામેના મુકાબલામાં ઉતરનારા સુમિતે દુનિયાભરમાં પોતાના માટે એક અલગ જ આકર્ષણ ઉભું કર્યું, તેની સાથે સાથે તેણે ફેડરર સામે પ્રથમ સેટ જીતીને પોતાની પ્રતિભાનું પ્રમાણ પણ આપ્યું. આખરે તેને ૬-૪, ૧-૬, ૨-૬, ૪-૬થી પરાજયનો સામનો કરવો પડયો, છતાં તેના માટે આ મુકાબલો નિર્ણાયક બની રહ્યો. તે રાતોરાત આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગયો અને ભારતીય ટેનિસમાં પણ તેણે પોતાની અલગ ઓળખ ઉભી કરી.
હરિયાણાના ઝાજ્જરમાં જન્મેલા સુમિત નાગલ માટે યુએસ ઓપનના મેઈન ડ્રોની ફેડરર સામેની મેચ એટલા માટે નિર્ણાયક બની રહી કે, તેની રમતના વખાણ ફેડરરે પણ કર્યા. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ડગ માંડનારા ખેલાડીની પ્રસંશા તે રમતમાં ટોચના સિંહાસને બેઠેલા ખેલાડીના મુખેથી તેનાથી બીજી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે.
આ પછી સુમિતે બાંજા લ્યુકામાં રમાયેલી એટીપી ચેલેન્જર ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તે રનર્સ અપ રહ્યો, જ્યારે ત્યાર બાદના સપ્તાહે આર્જેન્ટીનાના બ્યૂનોસ એર્સમાં રમાયેલી ચેલેન્જર ટુર્નામેન્ટમાં તે ચેમ્પિયન બન્યો, જે તેની કારકિર્દીનું સૌપ્રથમ અને અત્યાર સુધીનું માત્ર બીજું ટાઈટલ છે.
સુમિત હાલ દુનિયાના ટોચના ૧૩૦ ટેનિસ ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે, પણ તેણે જે પ્રકારના નિભક ટેનિસની રમત દર્શાવી છે, તેનાથી ભારતીય ટેનિસ જગતની તેના તરફથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. ભારતીય ડેવિસ કપની ટીમના આ સ્ટાર ખેલાડીની સામે લાંબી કારકિર્દી પડી છે અને તે આવનારા દિવસોમાં રમત ચાહકોની આશાઓ પૂરી કરશે તેમ વિવેચકો માની રહ્યા છે.
હરિયાણામાં જન્મેલા સુમિતના પિતા સુરેશની કર્મભૂમિ ભારતની રાજધાની રહી છે. દિલ્હીની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ અને ક્રિષ્નાના પરિવારમાં મોટી પુત્રી સાક્ષી બાદ સુમિતનું આગમન થયું. દિલ્હીના નાન્ગલોઈમાં રહેતા નાગલ પરિવારનો આ કુળદીપક અન્ય છોકરાઓની જેમ ક્રિકેટ તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાયો. જોકે, સુરેશ નાગલ નહતા ઈચ્છતાં તે તેમનો પુત્ર ક્રિકેટ રમે. ક્રિકેટના અતિ વ્યપારીકરણને કારણે સુરેશનો ખેલ પ્રેમી (પૈસા પ્રેમી નહી) અંતરાત્મા ટેનિસ તરફ વળ્યો. તેમણે સાત વર્ષના સુમિતને પશ્ચિમ વિહારની ટેનિસ એકેડમીમા મૂક્યો.
સુમિતને ટેનિસના કોચિંગમાં મૂકવા પાછળનું એક કારણ એ પણ હતું કે, પરિવારના સભ્યો નહતાં ઈચ્છતા કે સુમિત કોલોનીના રખડતાં છોકરાઓના સંગે ચઢે. નવરું દિમાગ, શેતાનનું ઘર એ કહેવતને તેઓ ખુબ જ સારી રીતે જાણતા હતા અને આ કારણે તેમણે સુમિતને વ્યસ્ત રાખવા માટે આ નિર્ણય લીધો. સુમિત ધીરે ધીરે ટેનિસમાં ઢળવા લાગ્યો.
શાળાજીવન અને ટેનિસની પ્રેક્ટિસની દોડધામમાં તેનો દિવસ ક્યાં પસાર થઈ જતો, તેનો ખ્યાલ જ ન રહેતો. શિક્ષક તરીકે નોકરી કરીને પરિવાર ચલાવતા સુરેશ માટે ટેનિસ જેવી વૈભવી રમત પાછળનો અને પુત્રના હાઈ પ્રોટિન ડાયેટનો ખર્ચો ઉઠાવવો આસાન નહતો, પણ તેઓ પેટે પાટા બાંધીને પણ પુત્રને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કટિબદ્ધ હતા.
હૈદરાબાદમાં રમાયેલી અંડર-૧૦ની ટુર્નામેન્ટમાં ૮ વર્ષના સુમિતે તેના કરતાં બે-બે વર્ષ મોટી ઉંમરના ખેલાડીઓને હરાવીને સુવર્ણ સફળતા હાંસલ કરી ત્યારે સુરેશને ગળા સુધી ખાતરી થઈ ગઈ કે, તેમનો પુત્ર એક દિવસ આ રમતમાં જરુર પોતાનું નામ કાઢશે. તેની નૈસગક પ્રતિભા જ જાણે ટેનિસ માટે બની હતી.
એક તરફ નાગલ પરિવાર તેના પુત્રની વિશિષ્ટ પ્રતિભાને ન્યાય મળે તે માટે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે એક નાટકીય વળાંક આવ્યો. સુમિત ૧૧ વર્ષનો હતો, ત્યારે દિલ્હીમાં એક ટેલેન્ટ હંટ યોજાઈ, જેમાં મહેશ ભૂપતિ અને વિદેશી કોચીસે ભાગ લીધો. સુરેશ પણ તેમના નાનકડા પુત્ર સુમિતને લઈને ટેલેન્ટ હંટમાં પહોંચ્યા હતા, ત્યાં જઈને તેમણે જોયું તો ૫૦૦૦ જેટલા યુવા ખેલાડીઓ ટેલેન્ટ હંટનો હિસ્સો બનવા આવ્યા હતા. આટલા બધા હરિફોને જોઈને તેઓ નાસીપાસ ન થયા, પણ તેમને આ ટેલેન્ટ હંટમાં સિલેક્ટ થવાની આશા પણ રહી નહતી. જોકે આ ભીડમાં પડેલા નાનકડા રતન પર પારખું ઝવેરી જેવા મહેશ ભૂપતિની નજર પડી ગઈ.
જ્યારે ભૂપતિ અને અન્ય કોચિસે સુમિતને પસંદ કર્યો ત્યારે નાગલ પરિવારના આનંદનો પાર ન રહ્યો. તેમના માટે ચમત્કારથી વિશેષ કશું નહતુ. ભારતના ભાવિ ટેનિસ ચેમ્પિયનની ખોજ બાદ તેને તાલીમ માટે કેનેડા અને જર્મની મોકલવામાં આવ્યો, જ્યાં વિદેશી કોચીસ અને તેમની વૈજ્ઞાાનિક પદ્ધતિ અનુસારની તાલીમ તેમજ ડાયેટને પરિણામે સુમિતની પ્રતિભામાં દિન-પ્રતિદિન નિખાર આવવા લાગ્યો. મહેશ ભૂપતિએ સુમિત નાગલમાં વિશેષ રસ લીધો અને તેને ડગલે ને પગલે તમામ મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપ્યું અને જરુર પડી, ત્યારે તેણે મદદ પણ કરી.
ભારે સંઘર્ષ અને ભાગ્યની અસાધારણ મહેરબાનીને સહારે આગળ વધી રહેલા સુમિતે વિયેતનામના લ્યી હાએંગ નામની સાથે મળીને ૨૦૧૫માં વિમ્બલ્ડનનું બોઈઝ ડબલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું. જુનિયર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારો તે ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. જુનિયર ટેનિસમાં સફળતાની ટોચ હાંસલ કર્યા બાદ સાવ જુનિયર તરીકે સીનિયર ટેનિસમાં ડગ માંડનારા સુમિતની સામે હવે મહાકાય પડકારો હતા.
પ્રાથમિક શાળામાં સીનિયોરિટીનો વૈભવ માણી ચૂકેલા માટે જેમ માધ્યમિકનું ડગ માંડતા અને ઉચ્ચતર માધ્યમિકની રસાળતાના અનુભવ બાદ સ્નાતક બનવાના દરવાજે કદમ મૂકતાં અનિશ્ચિતતાનો ડર મનમાં જન્મે છે, તેવો જ અહેસાસ સુમિતને થયો. જોકે આ વખતે તેની સાથે ભુપતિનો સાથ હતો, જેના કારણે તેની આગેકૂચ થોડી આસાન બની.
ભારતીય ડેવિસ કપ ટીમમાં યુવા ખેલાડી તરીકે સામેલ થયેલા સુમિતને કેટલીક ગેરસમજને કારણે શિસ્તના આકરા કોરડાનો પણ સામનો કરવો પડયો હતો, પણ આખરે તેની પ્રતિભાની ચમકને બધાએ સ્વીકારવી જ પડી. વર્ષ ૨૦૧૭માં બેંગાલુરુ ચેલેન્જરમાં ટોપ સીડને હરાવીને ખળભળાટ મચાવનારો સુમિત આવનારા દિવસોમાં ભારતીય ટેનિસને નવી ઊંચાઈએ પહોંચાડશે તેવી આશા દિગ્ગજો રાખી રહ્યા છે.