Get The App

શું આજે પણ ઉપકાર જેવા યુવકો હોઈ શકે?

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
શું આજે પણ ઉપકાર જેવા યુવકો હોઈ શકે? 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'મારી દીકરી માત્ર 'રોટી કપડાં અને મકાન' માટે લાચાર થઇને જીવનારી સ્ત્રી નથી ! એના પિતા તરીકે હું આજીવન તેની સાથે છું' સંપૂર્ણાના પિતા

અ ને સંપૂર્ણા વિચારવા લાગી : 'કેટલી નાજુક પળ હતી એ ! હૃદય આગળ બુદ્ધિને પરાજિત ન થવા દીધી હોત તો પોતાની જિંદગીએ નવો જ વળાંક લીધો હોત'

... કાલે સવારે ફરી પાછા એ જ નાટકમાં એણે જોડાવું પડશે. બ્રાહ્મણ આવશે, હસ્તમેળાપ કરાવશે અને પ્રસન્ન દામ્પત્યના આશીર્વાદ આપશે. અને સુખનું એક સોણલું પુન: એકવાર મનમાં સજાવી મારે વિદાય થવું પડશે : મિસિસ સંપૂર્ણા ઉપકાર ભટ્ટનો નૂતન વેશ ધરીને આવા જ એક શુભ દિવસે મંગલ વાદ્યોની સુરાવલી, મંત્રોચ્ચાર અને આશીર્વાદની વૃષ્ટિ વચ્ચે સંપૂર્ણાએ અગ્નિ અને સમાજની સાક્ષીએ ગર્વ ને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો હતો. ગર્વ અને તેની મમ્મી સાથે ગાળેલાં દામ્પત્ય જીવનનાં બે વર્ષો ત્યારે સંપૂર્ણા માટે યુગ જેવાં થઇ પડયાં હતાં. અને ખરું પૂછો તો ગર્વ સાથેનું તેનું લગ્ન અંતરના ઉમળકાથી ઉદ્ભવેલું બંધન પણ ક્યાં હતું ? ગર્વ અને સંપૂર્ણા પતિ-પત્ની બન્યાં હતાં, માત્ર માતા-પિતાની ઇચ્છાને માન આપીને.

સંપૂર્ણા તેના પિતાની લાડકી પુત્રી હતી. એની સરળતા અને નિખાલસતા સૌને સ્પર્શી જતા હતા. સંપૂર્ણા બોલકી હતી. સ્વભાવે ચંચળ, આધુનિક અને ફેશન પરસ્ત. સંપૂર્ણાનું આવું વ્યક્તિત્વ જોઇને ગર્વ તેની તરફ ઢળ્યો હતો. ગર્વ પણ તરવરિયો યુવાન હતો. સંપૂર્ણાના પિતાના ખાસ મિત્ર અનિશરાયનો પુત્ર હતો. સંપૂર્ણાના આઝાદ સ્વભાવને ખ્યાલમાં રાખીને તેના પિતાએ ગર્વને જમાઈ તરીકે પસંદ કરી લીધો હતો.

ગર્વના ઘરમાં ગર્વના મમ્મી વિશાખાદેવીનું રાજ સૌએ એમનો પડતો બોલ ઝીલવો પડે. લગ્ન પછી ગર્વ અને સંપૂર્ણા સતત ત્રણ-ચાર દિવસ સાંજે ફરવા ગયાં... એટલે મમ્મી વિશાખાદેવીએ તેને અલ્ટિમેટમ આપતાં કહ્યું હતું : 'ગર્વ, પત્નીને મિત્ર બનાવીશ તો જીવનભર પસ્તાતો રહીશ. સ્ત્રી તો શાસિત થવા જ સર્જાઈ છે, એને શાસક બનાવો તો એ પોતાના પરિવારની પાયમાલી સર્જે. હવેથી મને પૂછ્યા સિવાય બહાર જવાનો કાર્યક્રમ ન ગોઠવતો.

ગર્વ એ થોડાક સમય સુધી મમ્મીની આજ્ઞા માથે ચઢાવી પણ ત્યારબાદ એ પોતાની રીતે જ હરવા ફરવા લાગ્યો, એટલે વિશાખાદેવીને લાગ્યું કે સંપૂર્ણા માથાભારે થઇ રહી છે અને એણે પતિને વશમાં કરી લીધો છે.

હકીકતમાં સંપૂર્ણ ભલે આઝાદ વિચારની હતી પણ પોતાની પરિવારનું જીવનમાં મહત્વ શું છે એ સમજતી હતી. પોતાની જવાબદારીઓ બરાબર નિભાવતી હતી. પરિવારના દરેક સભ્યનો ખ્યાલ રાખતી હતી, વિશાખાદેવી ને પણ આદર આપતી હતી, અને એક પુત્રવધૂ તરીકેની બધી જ ફરજો બજાવતી હતી. ગર્વ સાથે બહાર ફરવા જતી, પણ ઘરનાં બધાં જ કામકાજ પરવારીને વિશાખાદેવીને કહીને પછી જ એ ગર્વ સાથે ઘરની બહાર પગ મૂકતી હતી એ ઘરરખ્ખુ પત્ની હતી પણ જરા મનમોજી સ્વભાવ હતો.

એવામાં ખબર પડી કે સંપૂર્ણા માતા બનવાની છે. એટલે ઘરમાં સૌ ખુશખુશાલ થઇ ગયાં હતાં. ગર્વના પપ્પા અનિશરાયનો સ્વભાવ ખૂબ જ સરસ હતો. તેઓ સંપૂર્ણાની ખૂબ જ હેતથી કાળજી રાખવા લાગ્યાં. વિશાખાદેવીને જોઇતું તો ને વૈદ્યે કહ્યું એવી તક મળી ગઈ. પ્રેગનન્સીના બહાને વિશાખાદેવીએ સંપૂર્ણાને બહાર જવા માટે મનાઇ ફરમાવી દીધી હતી. ગર્વ અને સંપૂર્ણાએ વિશાખાદેવીના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંપૂર્ણાએ ત્યારે વિશાખાદેવી આગળ દલીલ કરી હતી કે મમ્મીજી, ઘરમાં મારું મન બહુ મુંઝાય છે, દિવસમાં એકવાર મને બહાર આંટો મારવાની પરવાનગી આપી દો ને મમ્મીજી ? હું ઘરનું બધું કામ પતાવ્યા પછી જઈશ. પ્લીઝ મમ્મીજી, હું એકલી તો જતી નથી, ગર્વ પણ મારી સાથે આવે છે, એટલે રસ્તામાં તબિયત બગડે તો તરત એ મને ઘરે લઇ આવશે. ડૉક્ટરે પણ કહ્યું છે, પંદર વીસ મિનિટની વૉક કરવામાં વાંધો નથી.

વિશાખાદેવી સંપૂર્ણાને ના તો નહતા પાડી શક્યાં પણ એમનો અહં જરૂર ઘવાયો હતો. એટલે તેમણે પોતાના મનમાં સંપૂર્ણા સામે પ્રતિશોધ લેવાનું નક્કી કરી રાખ્યું હતું.

વિશાખાદેવીએ એક બનાવટી પ્રણયપત્ર તૈયાર કરાવી, સંપૂર્ણા બહાર જતાં જે સાડી પહેરવાની હતી તે સાડીની બેવડમાં પત્ર મૂકી દીધો. સાંજે ગર્વની હાજરીમાં બહાર જવા માટે પેલી સાડી સંપૂર્ણાએ ખોલી ત્યાં અંદરથી એક કવર નીચે પડયું. સંપૂર્ણાએ તરત જ એ કવર ઉઠાવી લેવાનો પ્રયત્ન કર્યો, એટલે ગર્વને શંકા ગઈ. એણે સંપૂર્ણાના હાથમાંથી કવર છીનવી લીધું... પ્રિય સંપૂર્ણા... સંબોધન વાંચતાવેંત જ ગર્વનો ક્રોધ આસમાને પહોંચી ગયો. સંપૂર્ણાએ તેને ઘણું સમજાવ્યો કે આ પત્ર લખનારને એ ઓળખથી પણ નથી અને પત્ર ક્યારે આવ્યો તે પણ જાણતી નથી... છતાં પણ ગર્વ એની વાત માનવા તૈયાર નહોતો. બન્નેને ઝઘડતાં જોઇને ગર્વના મમ્મી સાવ અજાણ્યાં બનીને રૂમમાં આવી પહોંચ્યાં અને એમણે વ્યંગોક્તિ દ્વારા બળતામાં ઘી હોમવાનું શરૂ કર્યું.

સંપૂર્ણાએ એ પત્ર બનાવટી હોવાનું સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ ગર્વ એકનો બે ન થયો.

અંતે સંપૂર્ણા પિયર આવી અને બીજા દિવસે ગર્વએ સંપૂર્ણાના પપ્પા પર પત્ર લખીને તેના ચારિત્ર્યમાં શંકા વ્યક્ત કરી હતી. અને સંપૂર્ણાને હવે એ પોતાના ઘરમાં પેસવા નહીં દે એવો મક્કમ નિર્ણય જાહેર કર્યો હતો.

સંપૂર્ણાના પપ્પા જાણતાં હતાં કે પોતાની દીકરી લાડકોડમાં ઉછરી છે. એટલે જરા બોલકી છે, સ્વતંત્ર સ્વભાવની છે પણ સ્વચ્છંદી નથી. તેના ચારિત્ર્ય પર દાગ લગાવનાર જમાઈ ગર્વ પર એમને બહુ ગુસ્સો આવ્યો હતો.

વિશાખાદેવીના મનમાં એમ હતું કે સંપૂર્ણાના પપ્પાજી સંપૂર્ણાને પાછી મુકવા આવશે અને પગે પડીને વિનંતી કરશે, આજીજી કરશે કે સંપૂર્ણાને માફ કરી દો, દીકરી તો સાસરે જ શોભે, તમે એને સુધારવાનો એક મોકો આપો મેં તો દીકરીને વળાવવાનો ધર્મ પૂરો કર્યો. હવે એના સુખ-દુ:ખ એને મુબારક. આ તો મા વગરની દીકરી એટલે મેં એને લાડકોડમાં ઉછેરી, બાકી એનામાં કશું કહેવાપણું નથી. અને સંપૂર્ણા તમારી તથા ગર્વકુમારની માફી માગી લેશે. તમે તેનો સ્વકાર કરી લો. દીકરી તો સાસરે જ શોભે.

વિશાખાબેન, હું જાણું છું કે સંપૂર્ણાએ સાસરે સેટ થવું જ પડશે થોડું સહન કરવું પડે તો એમાં શું થઇ ગયું. દામ્પત્યમાં થોડુંઘણું તો નરમ ગરમ ચાલતું જ હોય છે. સંપૂર્ણાને પિયરમાં રાખીને મારી એની વગોવણી નથી કરાવવી...' વિશાખાદેવી આમ મનમાં ને મનમાં સંપૂર્ણાના પપ્પાજીના આજીજીભર્યા કાલ્પનિક ડાયલોગ સાંભળીને ખુશ થતાં હતાં પણ થયું એનાથી બિલકુલ વિપરિત.

-----

સંપૂર્ણાને ગર્વ એ પાછી પિયર મોકલી દીધી અને એ પણ ચારિત્ર્ય પર લાંછન લગાવીને જે સંપૂર્ણાના પપ્પાજી હરગિઝ સ્વીકારવા તૈયાર નહોતા. એમણે ફોન કરીને વિશાખાદેવીને જણાવ્યું હતું કે : 'વિશાખાબેન, હું સંપૂર્ણા સાથે વાત કરીશ અને હકીકત જાણવા પ્રયત્ન કરીશ. પણ તમે એવું ના માનતા કે દીકરીનું લગ્ન થઇ જાય એટલે એ પારકી થઇ જાય છે. મારી દીકરી લાડમાં ઉછરી છે બસ... એના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવાની ચેષ્ટા કરનાર કોઇને પણ હું માફ કરવા તૈયાર નથી. આ ઘર પર જેટલો મારા દીકરા પ્રણામનો હક છે એટલો જ હક સંપૂર્ણાનો છે. તમે એવું ન સમજતાં કે મારી દીકરી અનાથ છે, અબળા છે અને તમે એને ત્યક્તા બનાવી દેવા માંગો છો. સંપૂર્ણાની કોઇએ દયા ખાવાની જરૂર નથી. એની પાસે બે હાથ છે, દિમાગ છે, સ્વમાનપૂર્વક જીવવાના કોડ છે એ માત્ર રોટી, કપડાં અને મકાન માટે જીવનારી સ્ત્રી નથી. એના પર લાંછન લગાડનાર ગર્વકુમારને કહી દેજો સંપૂર્ણા અમારી સાથે જ રહેશે, એના પિયરમાં.'

અને વિશાખાદેવીએ અજમાવેલી સંપૂર્ણાને વશમાં કરવાની યુક્તિ એને જ ભારે પડી નઈ.

હવે સંપૂર્ણા માતા બની ચૂકી હતી. એણે એક પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ પાડયું હતું : 'દિલ' દિલ બે વર્ષની થઈ, પણ ગર્વ કે વિશાખાદેવી એને જોવા પણ નહોતા આવ્યાં. અંતે ગર્વ અને સંપૂર્ણાના છૂટાછેડા થયા હતા.

સંપૂર્ણાની ઇચ્છા દિલના સહારે જીવન વ્યતીત કરવાની હતી, પણ તેના પપ્પાએ સંપૂર્ણાને પુનર્લગ્ન માટે બહુ જ દબાણ કરી એને મનાવી લીધી. અને ઉપકાર ભટ્ટ નામના એક સંસ્કારી યુવક સાથે તેનાં લગ્ન કરાવી દીધાં હતાં.

કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે સંપૂર્ણા ભાંગી પડી હતી. તે દિલને પોતાનાથી છૂટી પાડવા માંગતી નહોતી. એ દિલને વળગીને ધૂ્રસકે ને ધૂ્રસકે રડતી હતી. ત્યાં ઉપકાર આવી પહોંચ્યો અને દિલને સંપૂર્ણાના ગોદમાંથી લઇને પોતે ઉંચકી લીધી હતી અને કહ્યું હતું : 'સંપૂર્ણા, તારા હૃદયસમી પુત્રી દિલ ને હું આપણી સાથે લઇ લઉં છું. ભેટ સોગાદો નહીં હોય તો ચાલશે, પણ સંપૂર્ણા તારા આત્મા સમી દિલને કેવી રીતે મૂકીને મારાથી જવાય ? ચાલ કારમાં બેસી જા, આજથી મારા જીવનમાં પહેલાં દિલ, પછી સંપૂર્ણા' અને ઉપકાર દિલને લઇને કારમાં બેસી ગયો.

માનવતા એ કોઈ વ્યક્તિ વિશેષ કે ધર્મનો વિષય નથી. આજે પણ ધરતીનું પુણ્ય પરવાર્યું નથી કારણ કે એમાં આજે પણ ઉપકાર જેવા 'સાચુકલા' યુવાનો હયાત છે.