આંતરસેવો .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
સાસુલક્ષી વાર્તાઓ લખાઈ તો છે, પણ ઓછી. બિન્દુ ભટ્ટ રચિત 'આંતરસેવો' એવી વાર્તાઓમાંની એક છે; આ રહ્યો એનો સંક્ષેપઃ
સાસુ તારાબહેનના અવસાનને બે માસ થયા, હવે તેમનો કબાટ ખાલી કરવાનો છે. લતાએ ઓરડામાં પ્રવેશતાં જોયું - એક ચકલી અરીસે ચાંચ મારી મારીને પોતાને થકવી રહી છે, ચકલો હીંચકાને કડે બેઠો જુએ છે. કબાટની ચાવી ક્યાં હશે? તારાબહેને ઘણીયે વાર લતાને ચાવી સોંપવા કહેલું, પણ લતાએ 'જોઈશે ત્યારે માગી લઈશ,' કહીને વાત ટાળી દીધેલી. લતાએ ચાવી ખોળવા માંડી. સૂટકેશમાંથી મોતીનું ભરતકામ કરેલી માતાજીની ચૂંદડીઓ નીકળી. પૂજાપાનું ખાનું જોયું. લાલજીના વાઘા રજોટાયેલા હતા. અબીલ ગુલાલના ડબ્બામાંથી ચાવી મળી આવી. પિતાના અવસાન પછી તેમની વતનની દુકાન સમેટીને વિનોદ માને શહેરમાં લઈ આવેલો. વિનોદના નિર્ણયને લતાએ સ્વીકારેલો- આખરે તે એકનો એક દીકરો હતો. તારાબહેનને ગુણિયલ પુત્રવધુ પામ્યાનો સંતોષ હતો. લતાએ ગાંઠ વાળી કે સાસુનું માન રાખવું પણ લાગણીમાં તણાઈ ન જવું, જેથી પોતાનું અધિકારક્ષેત્ર અકબંધ રહે. કબાટના ઉપલા ખાનામાં તારાબહેનનાં આણાં ફેરીઆણાં અને જીયાણાંનાં સંભારણાં સચવાયેલાં હતાં. તેમાં લતાની વડસાસુનું જીવન પણ સોયામાં પરોવાયેલું હતું. એક વાર પોત્રીએ તારાબહેનના કબાટમાં નાનકડી રેશમી રજાઈ જોઈ, જીદ કરેલી, પણ 'એ તો તારા પપ્પાના બાળપણની યાદગીરી' કહી તારાબહેને આપી નહોતી. લતાને એ વાત ડંખતી રહેલી. પણ આજે રજાઈ ખોલતાં કથ્થઈ ધાબામાંથી બાળોતિયાંની અવાવરુ ગંધ શ્વાસમાં ભળી ગઈ. નીચેના ખાનામાંથી વિનોદની સ્કૂલની માર્કશીટ અને તેણે હોસ્ટેલથી લખેલા પત્રો નીકળ્યા. ડાયરીમાં વિનોદના લગ્નનો હિસાબ વાંચીને લતાને સમજાયું કે સાસુએ સોનાનું ઘરેણું નહિ પહેરવાની બાધા કેમ લીધી હશે. બાટાના બૂટના ખોખું ખોલતાં તારાબહેને પોતે બનાવેલી બ્રેસિયર નીકળી. નાનકડા ગામમાં કરિયાણાનો ધંધો કરતા પતિની મર્યાદિત આવકમાં તેમણે કોઠાસૂઝથી ઘર ચલાવ્યું હતું. અડધી સરકી ગયેલી પોટલીમાંથી રૂપેરી જરી, મોતી અને સતારા ભરેલા રીંગણી રંગનાં રેશમી સાડી-બ્લાઉસ નીકળ્યાં. પાલવના સ્પર્શે લતાની હથેળીમાં તારાબહેનના અંતિમ દિવસનો તરફડાટ સળવળ્યો. તેમને ઝાડા-પેશાબ પર કંટ્રોલ રહ્યો નહોતો. બગડી ગયેલાં કપડાં ધોવા જતી લતાનો હાથ પકડીને ધૂ્રજતે અવાજે બોલી ઊઠેલાં, 'જો મારે દીકરી હોત તો તને આ પાપમાં...' તારાબહેનના માથે હાથ ફેરવતાં લતાએ કહેલું, 'કેમ હું તમારી દીકરી નથી?'
'એણે બ્લાઉઝ ઉખેળીને જોયું. રૂપેરી ભરત ભરેલી કટોરીઓ છલકાતી હતી. લતાએ ધીરેથી બાંયમાં હાથ નાંખ્યો. સહેજ ફીટ હતી. એને થયું અંદર આંતરસેવા તો હશે. એક સેવો ખોલી નાખીશ તો... બાંયમાં હાથ નાંખે નાંખે એ સ્ટોરરૂમમાં ગઈ, સોય દોરો લીધો અને સોફા પર બેસી બ્લાઉઝનો આંતરસેવો ઉકેલવા માંડી.'
વાર્તા વિશે લેખિકાએ પ્રયુક્તિ એવી કરી છે કે લતા કબાટની જણસો એક પછી એક જોતી જાય, અને એ નિમિત્તે સાસુના જીવનની ગડી ઉકેલાતી જાય. લતાને સાસુ પ્રત્યે સદ્ ભાવ તો હતો, પણ તે મનોમન સાસુને હરીફ તરીકે પણ જોતી હતી. માટે લેખિકા અરીસામાં પ્રતિબિંબને ચાંચ મારી મારીને થાકતી ચકલીનું કલ્પન લઈ આવ્યાં છે. હરીફાઈ કલ્પિત છે, લતાની માનસિકતાનું પ્રતિબિંબ છે. આ ગડભાંજ આઘેથી નિરખી રહ્યો છે ચકલો, યાને વિનોદ. સાસુએ ચાવી સોંપી દેવાની વાત અવારનવાર કરેલી, તે ઉદાર સ્વભાવનાં હતાં. ખાનામાંથી નીકળેલું ભરતકામ, અને શોભંતાં વસ્ત્રો દર્શાવે છે કે સાસુ કલાપ્રિય હતાં. તેમની સુડોળ કાયાને પણ લતા સાંભરી લે છે. લાલજીના વાઘા અને માતાજીની ચૂંદડી સાસુની ઈશ્વર પરાયણતા દર્શાવે છે. વડસાસુની જણસો સાચવીને બેઠેલાં સાસુએ પરિવારની પરંપરાઓ જાળવી છે. રેશમી રજાઈ પોત્રીને કઈ રીતે અપાય- તેમાં પુત્રના શૈશવની સુગંધ સચવાયેલી છે. આટલાં વર્ષોમાં તારાબહેને પોતાને મોઢે કહ્યું નહોતું કે કેવી કરકસરથી સંસાર ચલાવ્યો હતો. જ્યારે ઘરઘરાઉ બ્રેસિયર અને લગ્નનો હિસાબ સચવાયેલાં મળી આવ્યાં ત્યારે લતાને એની પ્રતીતિ થઈ.
કબાટની વસ્તુઓ જોતાં જોતાં લતા સાસુમય બનતી ચાલી, તેણે પરકાયા પ્રવેશ કર્યો. સાસુનાં સૌજન્ય, સંસ્કારિતા, પરિવાર-પ્રેમ અને ધર્મપરાયણતાની એને અનુભૂતિ થઈ. લેખિકાએ આ પરિવર્તન દર્શાવવા બ્લાઉઝનું કલ્પન પ્રયોજ્યું છે. સાસુનું બ્લાઉઝ ગમી જતાં લતાએ બાંયમાં હાથ નાખ્યો, ફીટ પડી એટલે અંદરનો ટાંકો ખોલી નાખ્યો. અંગ્રેજી રૂઢિપ્રયોગ વાપરીને કહી શકાય કે 'શી સ્ટેપ્ડ ઇન્ટુ હર મધર ઇન લોઝ શુઝ.' ઉશનસ્ નું કાવ્ય છે, 'હું નિજ પિતા.' પિતાના અવસાન પછી, અરીસામા પ્રતિબિંબ જોતા કવિને આભાસ થાય છે કે પોતે નખશિખ પિતા જ છે. લતાબહેન પણ હવે તારાબહેન બની જાય છે. લેખિકાએ બ્લાઉઝનું કલ્પન કેમ પસંદ કર્યું? સેન્ડલ કે બંગડીનું કેમ નહિ? બ્લાઉઝ હૈયાસરસું રહે - લતા પોતાની સાસુ સાથે એકાત્મતા અનુભવે છે. કપડાંને નાનાંમોટાં કરવા માટે કસ ભરાય કે ફાંટ લેવાય. લેખિકાએ 'આંતરસેવો' શબ્દ પસંદ કર્યો કારણ કે તેમાં 'આંતરિકતા' છે. એક નાનકડી ટીપણી. લતાએ બ્લાઉઝ ઉખેળીને જોયું તો 'રૂપેરી ભરત ભરેલી કટોરીઓ છલકાતી હતી.' આ વર્ણનમાં રસિકતા છે. પણ પ્રશ્ન થાય કે અવસાન પામેલાં વયસ્ક સાસુના બ્લાઉઝને આમ વર્ણવવામાં ઔચિત્ય ખરું? આ જોકે ગૌણ મુદ્દો છે, અને નવલિકા સૂક્ષ્મ નિરીક્ષણો અને બંધબેસતાં રૂપકો વડે સફળ થાય છે.








