મળ-માસ બન્યો પુરુષોત્તમ માસ! .

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'હું જાનકીવલ્લભાય સ્વાહા' અથવા શ્રીકૃષ્ણા તાંત્રિક મંત્ર 'ક્લીં કૃષ્ણાય નમ:'નો જાપ આ આખા મહિના દરમિયાન અપાર લાભ આપે છે
દ્વા પરયુગમાં યુધિષ્ઠિર દ્વારા શ્રીકૃષ્ણને એક અદ્ભુત પ્રશ્ન પૂછવામાં આવ્યો, 'હે મધુસૂદન, એવી કઈ ઉપાસના છે, કયા જપ-તપ છે, કઈ સાધના છે જેના થકી મનુષ્ય જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકે? આરાધનાની એવી કઈ ગુપ્ત પદ્ધતિ છે, જેના લીધે મનુષ્ય સ્વયં ઈષ્ટરૂપ બની શકે અર્થાત્ પોતાના ઈશ્વર સમાન બની શકે?'
શરૂઆતમાં તો ભગવાન કૃષ્ણ દ્વારા થોડી આડીઅવળી ગોષ્ઠિ કરવામાં આવી, કારણ કે તેઓ સ્વયં લીલાધર છે. દરેક બાબત અને પરિસ્થિતિઓમાં તેઓ કંઈક એવું કરવામાં નિષ્ણાત છે, જેની કલ્પના મનુષ્યે કદી ન કરી હોય. ઘણી વખત માત્ર ધીરજની પરીક્ષા પાર કર્યા પછી મનુષ્ય પોતાના ગંતવ્યસ્થાન પર પહોંચી જતો હોય છે. કેટલીક વખત લાંબુ લાંબુ કે પછી દૂર સુધી ચાલવાની જરૂર નથી હોતી. યોગ્ય સમય સુધી રાહ જોવાથી પણ સમસ્યાનો ઉકેલ જડી આવતો હોય છે.
બસ, એવું જ આ કિસ્સામાં પણ થયું. યુધિષ્ઠિરના પ્રશ્નના જવાબમાં અલગ અલગ વ્રત અને જપ-તપ અંગે વાત કર્યા પછી સાવ છેલ્લે છેલ્લે શ્રીકૃષ્ણ આખી વાતનો ફોડ પાડતા કહે છે કે, 'મૂળ ગણિત એટલું જ છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસની દ્વિતીય પક્ષ (કૃષ્ણપક્ષ અથવા વદ)ની એકાદશી પર નિરંતર ભગવાનનું સ્મરણ કરે છે, એ પરમપદને પ્રાપ્ત કરે છે.'
આ સમગ્ર કથા પદ્મપુરાણમાં જણાવવામાં આવી છે, જેમાં કમલા/પદ્મિની એકાદશીની મહિમાનું વર્ણન છે. સમગ્ર પુરુષોત્તમ માસ ઈશ્વરની સાધના કરવાનો અમોઘ અવસર છે. મૂળત્વે આ મહિનાનું નામ આદિકાળમાં 'મલ-માસ' હતું! મલ અર્થાત્ મળ, કચરો. કાર્તિક માસથી શરૂ કરીને આસો (આશ્વિન) મહિના સુધીના બાર મહિના થકી આખા વર્ષમાં જ્યારે વધુ એક મહિનો ઉમેરાય, તેને કહેવાય છે, મલ-માસ! વધારાનો મહિનો હોવાને લીધે તેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મૂળ કથા મુજબ, પૌરાણિક કાળમાં બન્યું એવું કે મલ-માસ પોતાના નામ અને કુખ્યાતિથી ખૂબ કંટાળી ગયો. સાવ નિરાશ વદને તે અલગ અલગ દેવી-દેવતા પાસે ભમી આવ્યો. અધિક માસ હોવાને લીધે લોકોના મનમાં તેના માટે કોઈ આદરભાવ નહોતો. સઘળા મનુષ્યો તેને વ્યર્થકાળ માની રહ્યા હતાં. આથી, અંતે મલ-માસ પહોંચ્યો ભગવાન વિષ્ણુ પાસે!
શ્રીહરિ નારાયણ પોતાના પરમધામ વૈકુંઠમાં બિરાજમાન હતા અને મલ-માસે તેમને પોતાની સમસ્યા જણાવી. મલ-માસની વ્યથા જાણીને શ્રીહરિનું હૃદય દ્રવી ઊઠયું. એમણે તરત મલ-માસને વરદાન આપ્યં કે, 'આજથી તારી ખ્યાતિ ત્રિભુવનમાં હશે. સઘળી માનવજાત તને આજથી મારા માસ અર્થાત્ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. જે કોઈ જીવ આ મહિનામાં મારી ઉપાસના કરશે, એ વૈકુંઠ પ્રાપ્ત કરશે.'
એ સમયથી જ મલ-માસની ખ્યાતિ પુરુષોત્તમ માસ તરીકે વ્યાપી ગઈ. જે લોકો એને અવગણી રહ્યાં હતાં, ધૂત્કારી રહ્યા હતા તેઓ આ માસની રાહ જોવા માંડયા. દર ત્રણ વર્ષે આવનારા આ પાવન મહિનામાં એ સમયથી જ ભક્તિનો સાગર ઉમટવા માંડયો. એમાં પણ વિશેષત: કમલા એકાદશી પર થનારા ઉપવાસ અથવા વ્રતનું માહાત્મ્ય વધવા માંડયું.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુની તંત્રસાધનાનું પણ અતિવિશેષ ફળ પ્રાપ્ત થાય છે. એમના અવતારી સ્વરૂપ ભગવાન રામના મૂળ તાંત્રિક મંત્ર 'હું જાનકીવલ્લભાય સ્વાહા' અથવા શ્રીકૃષ્ણા તાંત્રિક મંત્ર 'ક્લીં કૃષ્ણાય નમ:'નો જાપ આ આખા મહિના દરમિયાન અપાર લાભ આપે છે.








