Magazines

અંધકારમાં નવી રોશની .

By GS TEAM
30 May 20267 mins read
અંધકારમાં નવી રોશની                                      .

- આજકાલ-પ્રીતિ શાહ

- ગરીબી અને ગુનાખોરીના અંધકારમાં ઉછરેલા દેવેન્દ્રકુમારે અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ લોકોના જીવનમાં રોશની ફેલાવી છે

ક્યા રેક કલ્પના કરતાં સત્ય વધુ આશ્ચર્યજનક કે પીડાદાયક હોય છે.  દિલ્હીના દેવેન્દ્રકુમાર ગુપ્તાના જીવનની વાત કંઈક આવી જ છે. તેઓ જ્યારે બે વર્ષના હતા, ત્યારે તેમના ખોળામાં ત્રણ દિવસની બહેનને દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારની ગલીમાં છોડીને તેમના માતા-પિતા ચાલ્યા ગયા હતા. દેવેન્દ્ર પોતે જ બાળક, ત્યાં વળી ત્રણ દિવસની બહેનની સંભાળ કેવી રીતે લે? આ વિસ્તાર ઝૂંપડપટ્ટીઓથી જ નહીં, પરંતુ ગુનાખોરીથી ભરેલો હતો, પરંતુ દૂરના સગાં-વહાલાંઓએ થોડી ઘણી મદદ કરી. નાની ઉંમરમાં મજૂરી કરવા લાગ્યો. આઠ વર્ષની ઉંમરે શેરીઓમાં ફુગ્ગા વેચતો. એ જ્યાં રહેતો હતો ત્યાં ડર, હિંસા અને ખૂન-ખરાબા સામાન્ય વાત હતી. અહીં બાળકોને વ્યસની બનાવીને અપરાધની દુનિયામાં ધકેલી દેવામાં આવતા હતા. નશાને કારણે તેમની પાસે ગમે તેવું કામ કરાવી શકાતું. આજે એ દિવસોને યાદ કરતાં દેવેન્દ્રકુમાર કહે છે કે કદાચ કોઈ શક્તિએ એને બચાવ્યો હશે. નશો ન કરવાની જિદને કારણે તેને માર ખાવા પડયો, પરંતુ એણે હાર ન માની.

દેવેન્દ્રકુમારે પોતાની જાતને બચાવવા માટે અનોખો માર્ગ શોધી કાઢયો. એણે પોલીસની સાથે સ્વયંસેવક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પોલીસની સાથે રહીને નાનાં નાનાં કામ કરવાથી ધીમે ધીમે તે વિસ્તારના લોકો તેને ઓળખવા લાગ્યા. માતા-પિતા તેમનાં બાળકોને દેવેન્દ્રકુમાર સાથે મોકલવા લાગ્યા. આ વિશ્વાસ દેવેન્દ્રકુમારની મૂડી બની. તેને લાગ્યું કે લોકોએ તેના પર વિશ્વાસ મૂકવાનું શરૂ કર્યું છે તો એ એના જીવનમાં કંઈક સારું કરી શકશે. એણે બાળકોને વ્યસનથી મુક્ત કરીને રમતગમત સાથે જોડયા. ધીમે ધીમે એક ટીમ બની અને તેમાં હજારો યુવાનો જોડાયા. ૨૦૦૭ સુધીમાં તો હજારો બાળકોને વ્યસનમાંથી મુક્ત કરીને સ્પોર્ટ્સ સાથે કે કોઈ કામ સાથે જોડયા. દેવેન્દ્રની સાથે સાથે તેની બહેન પણ મોટી થઈ રહી હતી. ગરીબીમાં મોટેભાગે છોકરીઓના લગ્ન બહુ નાની ઉંમરે કરાવી દેવામાં આવે છે અને ઘણી વાર એ લગ્ન શોષણનું સાધન બની જાય છે. એણે એની બહેનને તો બાળવિવાહથી બચાવી, પરંતુ એણે જોયું કે આ માત્ર તેની બહેનની જ વાત નથી, પરંતુ હજારો છોકરીઓની પરિસ્થિતિ આવી જ છે. છોકરીઓને સુરક્ષિત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશથી ૨૦૧૦માં તેણે લાડલી ફાઉન્ડેશનની સ્થાપના કરી. લાડલી ફાઉન્ડેશન છોકરીઓ અને બાળકોની સુરક્ષા, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્કીલ ડેવલપમેન્ટ અને લૈંગિક સમાનતા માટે કામ કરે છે. તેમની વિશેષતા એ છે કે જ્યાં સરકારી યોજનાઓ અને મોટી સંસ્થાઓ પહોંચતી નથી, ત્યાં જઈને તેઓ કામ કરે છે. આજે એવી કેટલીયે સ્કૂલો છે જેમાં કમ્પ્યૂટર નથી. તે બાળકોને કમ્પ્યૂટરના કીબોર્ડ પરના અક્ષરોની ખબર નથી, તો ડિજિટલ લિટરસી વિના અન્ય બાળકો સાથે કેવી રીતે સ્પર્ધામાં ઊભા રહેશે? લાડલી ફાઉન્ડેશન દ્વારા અનેક સ્કૂલોમાં કમ્પ્યૂટર લેબ સ્થાપવામાં આવી અને સાથે સાથે છોકરીઓ માટે વોશરૂમ બાંધી આપ્યા.

દેવેન્દ્રકુમાર ઝૂંપડપટ્ટીમાં રહેતી કામિનીની વાત કરતાં કહે છે કે આર્થિક મુશ્કેલી વચ્ચે માતા-પિતાએ એને સ્કૂલનો અભ્યાસ કરાવ્યો, પરંતુ પછી માતા-પિતા તેના લગ્ન કરી નાખવા માગતા હતા. તેમને સમજાવીને કામિનીનો અભ્યાસ ચાલુ રખાવ્યો. લાડલી ફાઉન્ડેશનમાં શિક્ષિકા તરીકે સેવા ઉચ્ચ અભ્યાસ કર્યો અને આપવાની સાથે છવ્વીસ વર્ષની ઉંમરે તે લાડલી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી બની ગઈ. સમાજમાં પરિવર્તન કરવા માટે અપાતો ડાયના ઍવૉર્ડ મેળવીને આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી.

કોઈ પણ ફાઉન્ડેશન ચલાવવા માટે ફંડિંગ જોઈએ, પરંતુ દેવેન્દ્રકુમાર માને છે કે માત્ર પૈસા આપવાથી કામ થતું નથી. એવા સ્વયંસેવકો જોઈએ કે જેને ખબર હોય કે તેણે શું કરવાનું છે? શા માટે કરવાનું છે ? અને કોને માટે કરવાનું છે? ૨૦૧૭માં તેણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રન ફૉર લાડલી મેરેથોનનું આયોજન કર્યું. જેમાં પચીસ હજાર પુરુષોએ ભાગ લીધો. તેની પાછળ તેમનો હેતુ એવો હતો કે મહિલાઓની સુરક્ષા માટે પુરુષો આગળ આવે. તેમણે ૨૦૧૯માં 'સસ્ટેનેબલ કન્યા પૂજન'ની શરૂઆત કરીને લોકોને સમજાવ્યું કે તેઓ એક દિવસ માટે નહીં, પણ નવ વર્ષ માટે એક બાળકીની જવાબદારી લે અને તેના શિક્ષણ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. આ મૉડલ ઘણું સફળ રહ્યું. લાડલી ફાઉન્ડેશને યુ.એસ. એજન્સી ફૉર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સાથે મળીને કોવિડ અને ટી.બી. જેવી બીમારીઓની રસી મૂકવાનું અભિયાન ચલાવ્યું. 

આ સંસ્થા સમગ્ર દેશમાં દસથી બાર રાજ્યોના પચાસ જિલ્લામાં કામ કરી રહી છે. ૨૦૨૦માં યુનાઇટેડ નેશન્સ ઈકોનોમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલનો દરજ્જો પ્રાપ્ત થયો છે. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર દેવેન્દ્રકુમાર કહે છે કે સંઘર્ષ જ એમની મૂડી છે અને એ તેમને જમીન સાથે જોડાયેલા રાખે છે. તમે કેટલા મોટા થયા કે ઍવૉર્ડ મળ્યા તે સફળતા નથી, પરંતુ તમે કેટલી જિંદગીને બદલી અને કેટલાના ચહેરા પર હાસ્યને કાયમ રાખ્યું તે સાચી સફળતા છે. ગરીબી અને ગુનાખોરીના અંધકારમાં ઉછરેલા દેવેન્દ્રકુમારે અત્યાર સુધીમાં સત્યાવીસ લાખ લોકોના જીવનમાં રોશની ફેલાવી છે.

અમ્પાયર રિતિકા શ્રી 'મેમ'

ભા રતીય ક્રિકેટમાં આઈ.પી.એલ.ની શરૂઆત થતાં કેટલાય યુવાનોની આંખમાં ક્રિકેટર બનવાના સ્વપ્નાં જોવા મળે છે અને હકીકતમાં આઈ.પી.એલે ઘણા નવા ખેલાડીઓ આપ્યા પણ છે, પરંતુ તે માત્ર પીચ પર રમતા ખેલાડીઓ જ નહીં, પણ ક્રિકેટમાં નિર્ણયાત્મક રોલ કરતા અમ્પાયરીંગમાં પણ! તમિલનાડુની રિતિકા શ્રીએ અમ્પાયરીંગ ક્ષેત્રે પદાર્પણ કરી સહુનું ધ્યાન ખેંચ્યું. વિશેષ નોંધ તો એ માટે લેવાઈ કે તે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર બની છે! તમિલનાડુમાં જન્મેલી રિતિકા શ્રીનો ક્રિકેટ અમ્પાયરીંગ પ્રત્યે પ્રેમ જન્મથી નહોતો, પરંતુ મિકેનિકલ એન્જિનીયરીંગમાં ડિપ્લોમા કરીને પંજાબના મોહાલીમાં બીપીઓ કંપનીમાં કામ કરતી વખતે ટેલિવિઝન પર આઈ.પી.એલ.ની મૅચ જોતા જોતા અમ્પાયરીંગ પ્રત્યે આકર્ષણ વધતું ગયું. એ સમયે તો તેનું નામ આર. મુથુરાજ હતું. અમ્પાયરનું ઉત્તેજનાહીન, શાંત વ્યક્તિત્વ અને તેની ઑથોરિટી હંમેશા તેને આકર્ષતા. આર. મુથુરાજે ઑનલાઇન સંશોધન કર્યું અને અમ્પાયર બનવા માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન મેળવ્યું. તેમાં તેને જાણવા મળ્યું કે તેને માટે જિલ્લા કક્ષાની, રાજ્ય કક્ષાની અને બીસીસીઆઈની પેનલ હોય છે.

કોવિડમાં આર. મુથુરાજની નોકરી છૂટી ગઈ તેથી પોતાના વતન સેલમ પાછા ફરવાનું નક્કી કર્યું. સેલમ આવીને તેણે સેલમ ડિસ્ટ્રીક્ટ એસોસિયેશન અમ્પાયર કમિટીના ચૅરમૅન જયરામનનો સંપર્ક કર્યો. તેમણે થોડા મહિના તાલીમ આપી, ભૂલો થઈ, હતોત્સાહ થઈ અને છોડી દેવાનું નક્કી કર્યું. અહીં તેણે પોતાની ઓળખ છુપાવી હતી. તેને સતત એમ થતું હતું કે તેની ઓળખ છતી થઈ જશે, તો તેની કારકિર્દીનું શું થશે? પરંતુ જયરામનના પત્નીએ આ બાબત તરફ ધ્યાન દોર્યું. જ્યારે જયરામનને સત્ય હકીકતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે જો સરકાર થર્ડ જેન્ડરને તક આપતી હોય તો કશો વાંધો નથી. સેલમ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનમાં આર. પાર્થસારથિ અને વી. શાંતિભૂષણ પાસે તાલીમ લીધી. ત્યાં તાલીમ લેનારાઓમાં તેનું અમ્પાયર તરીકે શ્રેષ્ઠ પરફોર્મન્સ રહેતું. તે સમયે આર. મુથુરાજ જાતિપરિવર્તનનો વિચાર કરતા હતા. તેથી જયરામને અને તેમના પત્નીએ સલાહ આપી કે અમ્પાયર તરીકેની કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે જાતિપરિવર્તન કરાવી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં તકલીફ ન પડે. ૨૦૨૪માં તેણે કોઇમ્બતૂરમાં ઓપરેશન કરાવી લીધું. આર. મુથુરાજમાંથી રિતિકા શ્રી બન્યા પછી તે કોઈમ્બતૂર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાઈ. અહીં કોઈમ્બતૂર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના અમ્પાયર કમિટીના ચૅરમૅનને જયરામને રિતિકા શ્રીનો સંદર્ભ આપેલો તેથી તેને કંઈ વાંધો આવ્યો નહીં, પરંતુ રિતિકા શ્રી કોઈમ્બતૂરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ વાર ગઈ, ત્યારે ત્યાંના સિક્ટોરિટી ગાર્ડે જુદા જિલ્લાની અને નવી વ્યક્તિ હોવાથી પ્રવેશ આપ્યો નહીં.

રિતિકા શ્રીએ ગાર્ડને કહ્યું અને મેદાન પર જવા માટે થોડો સામનો કરવો પડયો, પરંતુ ગાર્ડે કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા. અન્ય લોકોએ પણ રોકી અને પોણો કલાક પછી અંદર જવાની પરવાનગી મળી, પરંતુ ત્યાં સુધીમાં તો રિતિકા શ્રી અત્યંત અસ્વસ્થ થઈ ગઈ હતી. તેના વિશે થયેલી ટીકાટિપ્પણીથી તે તેની ભાવનાઓ પર કાબૂ રાખી શકી નહીં. ઘરે જઈને એક કલાક સુધી રડતી રહી. તે કહે છે કે એ ક્ષણ તેની કારકિર્દી શરૂ કરવાની ક્ષણ હતી તેના બદલે તિરસ્કાર સહન કરવો પડયો. લોકો કેમ એમ માને છે કે ટ્રાન્સજેન્ડરે ભીખ માગવી અથવા શોષણ સહન કરવું. એને બદલે તે ગૌરવપૂર્ણ કામ કરીને સન્માનપૂર્વક જીવન જીવી ન શકે? પરંતુ કોઈમ્બતૂર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીએ રિતિકા શ્રીને ઘણો સહયોગ આપ્યો. દરેક મૅચ વખતે ગ્રાઉન્ડ પર સંદેશો મોકલી દેતા કે રિતિકા શ્રી અમ્પાયરીંગ કરશે અને તેની સુરક્ષાની વ્યવસ્થા કરવી.

એ પછી રિતિકા શ્રીને ક્યારેય કોઈ ફરિયાદ કરવી પડી નથી. ક્રિકેટના મેદાન પર બધા ક્રિકેટર 'મેમ' કહીને બોલાવે છે. તેણે જિલ્લા કક્ષાની એટલે કોઇમ્બતૂર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનની અમ્પાયરીંગની પરીક્ષા પાસ કરી દીધી છે અને તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશનની પરીક્ષાની તૈયારી કરી રહી છે. સ્ટેટ પેનલ અમ્પાયર પરીક્ષાના ફોર્મમાં સ્ત્રી અને પુરુષની સાથે લૈંગિક શ્રેણીમાં 'અધર' ઉમેરવામાં આવ્યું. ફોર્મમાં કરેલો આ નાનકડો ફેરફાર ૩૧ વર્ષની રિતિકા શ્રી માટે જીવનની બહુ મહત્ત્વની ઘટના છે. સ્થાનિક ક્લબ, કોર્પોરેટ્સ અને જિલ્લા કક્ષાના એસોસિયેશનમાં પણ રિતિકા શ્રી અમ્પાયરીંગ કરે છે. ક્રિકેટના મેદાન પર શાંત રહીને મક્કમ નિર્ણય આપવાની તેની ક્ષમતા સહુનું ધ્યાન ખેંચે છે. 

રિતિકા શ્રી રાજ્ય કક્ષાની પરીક્ષા પાસ કરીને પછી બીબીસીઆઈની પરીક્ષા આપવાની છે. તેનું સ્વપ્ન છે બીસીસીઆઈ પેનલની પરીક્ષા પાસ કરીને આઈપીએલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચવું. રિતિકા શ્રી તેની સફળતાની અસલી ચેમ્પિયન તેની માતાને ગણાવે છે, જેણે સિંગલ મધર તરીકે મુશ્કેલીઓનો સામનો કરીને છ સંતાનોને મોટા કર્યા. રિતિકા શ્રી કહે છે કે ટ્રાન્સ પર્સનને તક મળે તો વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે તેમ છે. તમે ક્રિકેટના મેદાન પર આંગળી ઊંચી કરો છો કે સામાન્ય રોજિંદા જીવનમાં, પરંતુ તમે કોણ છો તે દર્શાવવું મહત્ત્વનું છે.