Magazines

ચીની ડ્રેગનનો અસલી ચહેરો! .

By GS TEAM
30 May 20267 mins read
ચીની ડ્રેગનનો અસલી ચહેરો!                                      .

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- કોઈ પણ દેશમાં ચાલતાં આંદોલનો, પ્રજાની પરિસ્થિતિ કે રાજકીય સરમુખત્યારશાહીની ઓળખ મેળવવા માટેનું સૌથી મોટું માધ્યમ એ દેશના નિર્ભીક, સાચુકલા અને સંવેદનશીલ સાહિત્યકારો છે

સા હિત્યની સૌથી મોટી મિરાત એ એમાં પ્રગટતો માનવઆત્માનો નિર્ભીક અવાજ છે. સમૂહ માધ્યમ હોય કે સોશિયલ મીડિયા, પણ એની પાસે માનવીય સ્વતંત્રતાના સૂર વહેવડાવવાની એટલી ફાવટ હોતી નથી, જેટલી ફાવટ સાહિત્ય પાસે છે. સોશિયલ મીડિયામાં તો ક્યાંક અવાજને ગૂંગળાવી નાખવામાં આવે છે, તો ક્યાંક કચડી નંખાય છે, પરંતુ માનવઆત્માનો અવાજ સાહિત્યમાં સંભળાય છે. એ સ્વતંત્ર અવાજ ચોપાસની પરતંત્રતા અને જોહુકમીને અજંપો પણ જગાડે છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓ, નફાખોરો અને વિભાજનવાદીઓને મૂંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે અને આથી જ સાહિત્ય દ્વારા 'ધ સ્પિરિટ ઓફ રેઝિસ્ટન્સ' વ્યક્ત થાય છે. 

આજના સમયમાં હું માત્ર અધ્યાપક, ફક્ત ડોક્ટર કે પછી વૈજ્ઞાનિક કે અર્થશાસ્ત્રી છું એમ કહેવાથી કામ સ૨વાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે, એની એણે ખોજ કરવાની છે. અન્યાય, આતંક અને આક્રમણના વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં હું શું અનુભવું છું, એ અંગે સાહિત્યકાર વિધાયક કાર્ય કરે છે. 

એની સંવેદનશીલતાને અને માનવતાને અવરોધતા પરિબળો સામે એ શબ્દોના માધ્યમથી મથામણ કરે છે. વાણી સ્વાતંત્ર્ય અને માનવ અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની ક્રિયા-પ્રતિક્રિયા આપે છે. ફાંસીવાદી પરિબળો સમૂહને એક યા બીજા બહાના હેઠળ વિખુટો પાડે છે, ત્યારે એની સામે એ અવાજ ઉઠાવે છે, આથી ચીનનો અસલી ચહેરો પામવા માટે મેં એના સાહિત્ય તરફ જવાનો વિચાર કર્યો. 

કોઈ પણ દેશમાં ચાલતાં આંદોલનો, પ્રજાની પરિસ્થિતિ કે રાજકીય સરમુખત્યારશાહીની ઓળખ મેળવવા માટેનું સૌથી મોટું માધ્યમ એ દેશના નિર્ભીક, સાચુકલા અને સંવેદનશીલ સાહિત્યકારો છે. ગુજરાતી (સાહિત્યકારની આ વાત નથી) સાહિત્ય એ સર્જકના અંતરાત્માની અભિવ્યક્તિ છે અને સાચો સર્જક ક્યારેય પોતાના અંતરાત્મા સાથે છલના કરતો નથી, આથી આફ્રિકાના પ્રવાસ સમયે એ પ્રદેશની સાચી ઓળખ મેળવવા માટે દેશનિકાલ પામેલા સાહિત્યકારોનાં સાહિત્યની ખોજ કરવી પડી હતી અને એવી ખોજ કરતાં ગુગી વા થિઓન્ગો જેવો સાહિત્યકાર મળી આવ્યો, જેને કેન્યાની સૌથી વધુ સલામતી ધરાવતી કમાતીની જેલમાં રાખવામાં આવ્યો હતો. પોતાનાં દેશનાં સરમુખત્યારોના પારાવાર જુલમ સહન કર્યા. એ પછી પોતાનાં જેલનાં અનુભવો વિશે એણે 'પ્રિઝન ડાયરી' પુસ્તક લખ્યું. 

આફ્રિકન દેશોના કેટલાય સર્જકોને આ રીતે દેશનિકાલ કરવામાં આવ્યા છે અથવા તો એમણે સામે ચાલીને સ્વદેશને બદલે પરદેશનો વસવાટ સ્વીકાર્યો છે. આથી આફ્રિકાનો લેખક તો કહે છે કે, 'અમે પૂર્વે પારાવાર શોષણ કરતા શ્વેત રાજ્યકર્તાઓ સામે મુક્તિ પામવા માટે સઘળું સમર્પણ ક૨ીને ઝઝૂમતા હતા અને આજે અમારા જ આફ્રિકન ભાઈઓની સરમુખત્યારી સામે લડવું પડે છે. 'સેકન્ડ ફ્રીડમ' માટેની આ અમારી લડત છે.'

આથી ચીનનો અસલી ચહેરો જોવા માટે એના સાહિત્યની ખોજ કરવાનું શરૂ કર્યું. એક સમયે ભારતની માફક ચીનમાં પણ પ્રાચીન ગ્રંથોના મુખપાઠનો મહિમા અનેરો હતો. એના અધ્યયન માટે અનેક કેન્દ્રો હતાં, પરંતુ ચીનના 'બુક સ્ટોલ'માં જઈને જોયું તો જાણવા મળ્યું કે પ્રશિષ્ટ ગ્રંથોનો અભ્યાસ એ ભૂતકાળની બાબત બની ગઈ છે. માત્ર થોડાક દળદાર જૂના ગ્રંથો એમાં રાખવામાં આવે છે, પણ વિશેષ તો ટેનિકલ શિક્ષણ પર ઝોક આપવામાં આવે છે. જોકે ચીનમાં કવિતાને અદકેરું સ્થાન મળે છે અને ચીની કવિ સારા એવા કલદાર પણ મેળવે છે. ચીનની કવિતાની વાત કરીએ તો એના અક્ષરોની ગોઠવણી એ પણ કાવ્યનો એક ભાગ છે. લિખિત અક્ષરોનું સૌંદર્ય એ મહત્ત્વની બાબત ગણાય છે અને એને કારણે ચીની કવિતા એક એવી કવિતા છે કે જેમાં ભાવ અને વિચારની અભિવ્યક્તિ જેટલું જ મહત્ત્વ એના લિખિત અક્ષરોને આપવામાં આવે છે. 

આશ્ચર્યની વાત એ જોવા મળી કે ટેકનોલોજી અને અન્ય પુસ્તકોની સાથોસાથ ભૂત, પ્રેત આદિ વહેમો વિશેનું થોકબંધ સાહિત્ય પણ નજરે પડયું! ચીની લોકોના જીવનની સાચી ઓળખ એની ફિલસૂફીની જાણકારી વગર અધૂરી ગણાય. આનું સમગ્ર તત્ત્વજ્ઞાન માનવજીવનના નૈતિક આચારો પર વિશેષ ઝોક ધરાવે છે. માનવીને વ્યવહારજીવનની સમસ્યાઓની ચાવી ચીની લોકો કોન્ફયૂશિયસ અને લાઓત્સેની વિચારધારામાંથી પ્રાપ્ત કરતા હતા. બે હજારથી પણ વધુ વર્ષથી આ ડહાપણભરી શિખામણોએ જાણ્યે-અજાણ્યે ચીની સમાજનું સામાજિક ઘડતર કર્યું હતું. ચીની પ્રજામાં જે ડહાપણ છે અને એના જીવનમાં જે સંતોષ છે, એના મૂળમાં પૂર્વજોએ આપેલા તત્ત્વજ્ઞાનના સંસ્કારો છે.

ચીનના વૃદ્ધો વારંવાર કોન્ફયૂશિયસનું સ્મરણ કરતા હતા. એના પ્રાચીન ગ્રંથ 'લન યૂ'ની વાત કરીએ, ત્યારે એમના ચહેરા પર સાહિજક રીતે આનંદ પ્રગટતો હતો. સૌથી મહત્ત્વની વાત એ જોવા મળી કે પ્રાચીન ભારતમાં જે રીતે પ્રકૃતિની અને કબીલાના દેવતાઓની પૂજા થતી હતી, એ જ રીતે ચીનમાં સૂર્ય, વાયુ, વર્ષા આદિ દેવતાઓની પૂજા થતી હતી, પરંતુ ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું અને એવું વિચારવા લાગ્યા કે માનવીના જીવન અને કાર્યનું નિર્ધારણ કરનાર પરમ સત્તા નથી, બલ્કે માણસને માટે એનું આચરણ અને એનાં કર્મ એ જ એના જીવનનું નિર્ણાયક તત્ત્વ છે. આ રીતે માનવકેન્દ્રિત જીવનદર્શન હોવાથી માનવીના ઉચિત આચરણને મહત્ત્વનું માનવામાં આવે છે. ભાવનાત્મક સાંસારિક સંબંધોની ગરિમા કરવામાં આવી અને એમાં વિનય, પિતાની સેવા, સવ્યવહાર અને નિષ્ઠાનો ઉપદેશ એમની પાસેથી મળે છે. 

કોન્ફયૂશિયસે કહ્યું છે, 'જ્યારે તમારા પિતા જીવતા હોય, ત્યારે એમની ઇચ્છાનો ખ્યાલ રાખો, એમના અવસાન પછી એમના વ્યવહારને યાદ રાખો અને જો તમે ત્રણ વર્ષ સુધી એમના જેવા બનીને રહેશો(એમના આદર્શોનું પાલન કરી શકો) તો તમે એમના સાચા પુત્ર કહેવાના અધિકારી છો.'

ચીનના પ્રજાજીવનમાં ધીરે ધીરે પોતાની પરંપરા માટેનું ગૌરવ ક્ષીણ થતું ગયું અને પશ્ચિમની સંસ્કૃતિના સુસવાટા અનુભવતો વિરાટકાય ચીની ડ્રેગન હવે સાવ બદલાઈ ગયો છે. આ ચીનની ખોજ કરવા જતાં મારા ભોમિયાએ કહ્યું કે, 'જો તમારે ચીનને જાણવું હોય તો એના નવલકથાકાર અને નાટયકાર લાઓ શીના જીવનકવનને જાણો. બસ, એટલે આજના ચીનની સઘળી પરિસ્થિતિ તમને સમજાઈ જશે.'

ચીનના નવલકથા, નવલિકા અને નાટકનાં સ્વરૂપોમાં રમૂજને લોકપ્રિય બનાવનાર લાઓ શી એક મુખ્ય વ્યક્તિ બન્યા, પરંતુ ૧૯૬૬માં ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનો પ્રારંભ થતા રેડ ગાર્ડ્ઝ દ્વારા એમના પર ભારે જુલમ વરસાવવામાં આવ્યો. એમને શેરીઓમાં પરેડ કરાવવામાં આવી, બેઇજિંગના કન્ફયૂશિયસના દરવાજા પર સહુની હાજરીમાં માર મારવામાં આવ્યો, કારણ એટલું જ કે એમણે એમની નવલકથામાં ભ્રષ્ટ અમલદારશાહીની વાત કરી હતી અને 'રીક્ષા બોય' નવલકથામાં રીક્ષાચાલકના દુ:ખદ જીવનનું વર્ણન કર્યું હતું. બુદ્ધિવાદીઓ સામે આંદોલનો થયા. રેડ ગાર્ડના દુર્વ્યવહારથી લાઓ શી ભાંગી પડયા, માનસિક રીતે ખૂબ અપમાનિત થયા હતા અને શારીરિક દ્રષ્ટિએ ભાંગી પડયા અને ૧૯૬૬ની ૨૪ ઓગસ્ટે ૬૭ વર્ષની વયે એમણે બેઇજિંગના તાઈપિંગના તળાવમાં ડૂબીને આત્મહત્યા કરી. એક એવી પણ શક્યતાનો ઉલ્લેખ છે કે આ સર્જકની હત્યા કરવામાં આવી હતી. એમના અવસાન પછી એમના સંબંધી પર લાઓ શીના ગુનાઓની સંડોવણીનો આરોપ મુકવામાં આવ્યો. ઘરમાં તોડફોડ થઈ અને સાહિત્ય બાળી નંખાયું, પણ આ સર્જકની થોડીક હસ્તપ્રતો કોલસાનાં ઢગલા અને ચીમનીમાં છુપાવીને રાખવામાં આવી હતી, પરંતુ આવી સ્થિતિ થઈ ડ્રેગનની સત્તા સામે અવાજ ઉઠાવનાર સર્જકની!

ક્ષણનો સાક્ષાત્કાર 

ઈશ્વરપ્રાપ્તિની આરત સાથે મંદિરમાં પ્રવેશતા સાધક ઈશ્વરની ઉપાસનામાં મગ્ન બની જાય છે. એનો મંદિરપ્રવેશ અને મંદિરમાંથી વિદાય વચ્ચેનો ગાળો અત્યંત વિરલ અનુભૂતિઓ ભરેલો સમય હોય છે, પરંતુ ઈશ્વરની ઉપાસનાથી થયેલી એ અનુભૂતિ મંદિરમાંથી બહાર આવતા ચાલી જતા હોય એવું ઘણી વ્યક્તિઓ અનુભવે છે. એક પ્રભુના મંદિરનો સંસાર અને બીજો પોતાનો ઘરસંસાર આ બે વર્ષોવર્ષ ચાલતા રહે છે. એ પ્રભુમંદિરમાં પ્રતિદિન દર્શનાર્થે જાય છે, પરંતુ એને પ્રભુતાનો કોઈ સ્પર્શ થતો નથી. 

કારણ એટલું જ કે ભીતરની દુનિયાને પ્રકાશિત કરવી હોય તો બહારના જગતમાં અજવાળું ફેલાવવું પડે. એ માટે પહેલાં પોતાના જીવનને સદ્ગુણોથી સુવાસિત કરવા જોઈએ. જગતમાં પ્રેમ, કરુણા, દયા અને સ્નેહ વહેંચવા જોઈએ અને પછી એનાથી ભીતરમાં થતો આનંદ, સંતોષ કે એની મસ્તી તમને પ્રભુ પાસે લઈ જશે. સદ્ગુણની સાથે સાચનનો સુમેળ કરવો પડે. નિયમિત સર્જનહાર પાસે સાધક જતો હોય છે, એ જ નિયમિતતાથી એણે સ્વાધ્યાય કરવો જોઈએ. એ સ્વાધ્યાયમાં આંતરખોજની સાથે બાહ્ય જ્ઞાનનું મિલન હોય છે. આ મિલન જ એક એવી સૃષ્ટિ રચે છે કે જ્યાં તમે એનો સાદ સાંભળી શકો છો. સેવા અને સ્વાધ્યાય પછી આવે છે આત્મનિરીક્ષણ. આત્મનિરીક્ષણ એટલે માત્ર પોતાની જાતને એક જ દ્રષ્ટિએ જોવાની નથી, માત્ર પોતાની ખામીઓ જ શોધવાની નથી, આત્મનિરીક્ષણ એટલે જે માર્ગે આપણે પ્રવાસ ક૨વાના છીએ, તે માર્ગનું સૂક્ષ્મ અવલોકન કરવાનું છે. એ અવલોકન કરતી વખતે જ આપણને ખ્યાલ આવશે કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ, તેમાં આવી પ્રાપ્તિની યોગ્યતા કેટલી છે? એનાથી ખ્યાલ આવશે કે જીવનમાં જે પામવાનું છે, તે પામ્યા નથી અને જીવનમાં જે મેળવવાનું છે તે તો હજી સુધી મેળવ્યું નથી. આથી આત્મનિરીક્ષણ એ એક એવો હિસાબ છે કે જેમાં તમે કરેલી પ્રાપ્તિ અને અપ્રાપ્તિના આંકડા મંડાય છે. 

આવી સજ્જતા હોય ત્યારે જ એ મંદિરનો ઉમદા માનવી સંસારનો સાચો સજ્જન બની શકે છે. એને પરિણામે ધીરે ધીરે એના જીવનમાં આનંદનો પ્રકાશ રેલાતો જાય છે અને ભીતરમાં પ્રસન્નતાનો સાગર ઉછળવા લાગશે અને સહેજ કાન માંડીને સાંભળશે તો 'પેલો અવાજ' એને સંભળાશે.