Magazines

પેરેન્ટ્સ શું ગુમાવે છે, શું મેળવે છે? .

By GS TEAM
31 May 20267 mins read
પેરેન્ટ્સ શું ગુમાવે છે, શું મેળવે છે?                               .

- એકેય યુગમાં પેરેન્ટ્સના સમય-શક્તિ-સમર્પણ વગર બાળકોનો ઉછેર શક્ય નથી, બાળકો મોટાં થતાં હોય ત્યારે પેરેન્ટ્સે કેટલીય ગમતી પ્રવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવું પડે છે...

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- 1, જૂન

- ગ્લોબલ પેરેન્ટ્સ ડે

પ્રા ચીન ઈન્કા સંસ્કૃતિની એક લોકકથા આજેય દક્ષિણ અમેરિકાના એન્ડીઝ પહાડીઓમાં રહેતા આદિવાસીઓમાં પ્રચલિત છે.

કાન્તુ નામનો યુવાન ખૂબ હોશીંલો અને પરિશ્રમી હતો. એ તેની પત્ની ઈલ્લા અને નાનકડા દીકરા ચોક્કે સાથે એન્ડીઝની પહાડીઓમાં રહેતો હતો. આ પહાડીઓમાં તેના જેવા કેટલાય આદિવાસીઓ વસતા હતા. ઢોળાવોમાં ખેતી કરતા, શાકભાજી ઉગાડતા અને એ રીતે જીવન નિર્વાહ કરતા.

એક વર્ષ ભયાનક દુકાળ પડયો. વરસાદનું એક ટીપું પણ ન પડયું. બીજા વર્ષે ભયંકર હિમવર્ષા થઈ. છ વર્ષ આવી સ્થિતિ રહી. પહાડીઓ પર વનસ્પતિ સૂકાઈ ગઈ. ખાઈ શકાય એવી કોઈ વનસ્પતિ, ફળ કે અનાજ ન બચ્યું. લોકો ભૂખથી મરવા લાગ્યા. કેટલાકે પહાડી છોડીને મેદાની પ્રદેશમાં જવાનું નિષ્ફળ સાહસ કર્યું.

આ બધું જોઈને કાન્તુ અને ઈલ્લાને દીકરા ચોક્કેની ચિંતા થઈ. અત્યાર સુધી તો જેમ તેમ કરીને વર્ષો કાઢ્યા હતા, પરંતુ હવે દિવસ કાઢવો કપરો થઈ પડયો. એન્ડીઝની ટોચે આવેલા પથ્થરને આ આદિવાસીઓ દેવ માનતા હતા. કાન્તુ એ દિવ્ય પથ્થરને વિનંતી કરવા ગયો. કાન્તુએ પર્વતના દેવતાને પ્રાર્થના કરી, 'હે દેવ મારા દીકરાને બચાવી લો!' પર્વતમાંથી અવાજ આવ્યો, 'બદલામાં તું શું આપી શકે તેમ છે?'

કાન્તુએ કહ્યું, 'મારી પાસે તમને આપવા માટે કશું જ નથી.'

'તું હિમનદીમાં ઉતરીને બરફમાં તારા હાથ ઘસ, તારી શક્તિ ઘટી જશે, તારે યુવાનીની કુરબાની આપવી પડશે, પરંતુ હિમનદી ઓગળી જશે.' દેવતાના કહેવા પ્રમાણે કાન્તુએ હિમનદી ઓગાળી દીધી. તેની બધી જ શક્તિ હિમનદીએ લઈ લીધી. તે એકાએક વૃદ્ધ થઈ ગયો, પણ જળ મળી ગયું. હિમવર્ષા પછી ખૂબ કડક થયેલી જમીન નરમ બની ગઈ.

બીજી તરફ કાન્તુની પત્ની ઈલ્લાએ નરમ બનેલી જમીન પર થોડા બચી ગયેલા અનાજના દાણા વેર્યા અને તેને આંસુથી સિંચ્યાં. પતિ-પત્નીએ આખી રાત આ રીતે વીતાવી. સવારે સૂર્યનું પહેલું કિરણ બીજ પર પડયું કે એમાંથી સોનેરી છોડ ઉગ્યો અને એમાંથી જે અનાજ બન્યું તેને ક્વિનોઆ કહેવાય છે. ઈન્કા સંસ્કૃતિના લોકો આ અનાજને પોષણ માટે સૌથી પવિત્ર ગણતા હતા.

બાળક માટે માતા-પિતા કેવું બલિદાન આપતા હોય છે એનું ઉદાહરણ આપવા માટે એન્ડીઝની પર્વતમાળામાં આજેય આ વાર્તા કહેવામાં આવે છે.

***

એકેય યુગમાં પેરેન્ટ્સના સંઘર્ષ વગર બાળકોનો ઉછેર થયો નથી, થવાનો પણ નથી. પેરેન્ટ્સના સમય-શક્તિ-સમર્પણ વગર બાળકોનો ઉછેર શક્ય નથી. પ્રાચીન કથાઓમાં જે વાત સિમ્બોલિક રીતે કહેવાઈ છે એ જ વાતને મોડર્ન રિસર્ચનું સમર્થન મળે છે. સોશિયલ સાયન્સ, બિહેવિયર સાયન્સના ફીલ્ડમાં નામના પામેલી સંસ્થાઓ તારણ કાઢતા કહે છે કે બાળકો મોટાં થતાં હોય ત્યારે પેરેન્ટ્સે કેટલીય ગમતી પ્રવૃત્તિ પર પૂર્ણવિરામ મૂકી દેવું પડે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક સર્વેક્ષણમાં જણાયું કે પેરેન્ટ્સ બન્યાં પછી પુરુષ અને સ્ત્રીની પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે. અર્બન વિસ્તારોમાં રહેતા પેરેન્ટ્સમાંથી એક મા જન્મ પછી બાળક પાછળ દિવસમાં છથી સાત કલાક આપે છે અને પિતાએ પણ સાડા ચાર કલાકનો સમય આપવો પડે છે. બંનેએ મળીને બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં દરરોજ લગભગ ૧૦ કલાક આપવા પડે છે.

વાત માત્ર આટલેથી અટકી જતી નથી. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી દરરોજ પેરેન્ટ્સે ઉંઘની કલાકોમાં કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મમ્મી એક, દોઢ કલાકની ઊંઘ ઓછી કરે છે. તેને કોઈને કોઈ રીતે ફરજિયાત રાતે જાગવું પડે છે એટલે તેની ઊંઘના કલાકોમાં ઘટાડો થઈ જાય છે. દુનિયામાં મહિલાઓની સરેરાશ ઊંઘ સાત કલાકની છે. બાળકના જન્મ પછી મહિલાની ઊંઘ ઘટીને સાડા પાંચ કલાક થઈ જાય છે. પુરુષોની એવરેજ ઊંઘ પોણા સાત કલાક છે. પિતા બન્યા પછી પુરુષની ઊંઘમાં ૪૫ મિનિટનો ઘટાડો થઈ જાય છે.

***

બાળકના જન્મના સાત વર્ષ સુધી પેરેન્ટ્સની સોશિયલ લાઈફ લિમિટેડ થઈ જાય છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ વિભાગના એક સ્ટડીમાં કહેવાયું કે બાળકના જન્મ પહેલાં એક કપલ એવરેજ મહિનામાં ત્રણ પાર્ટી કે સોશિયલ ગેધરિંગનો ભાગ બને છે. પેરેન્ટ્સ બન્યાં પછી એમાં મોટું પરિવર્તન આવી જાય છે. સાત વર્ષ સુધી પેરેન્ટ્સ ચાર મહિને માત્ર ત્રણ સોશિયલ સેલિબ્રેશન્સમાં જઈ શકે છે. અર્બન વિસ્તારોમાં નોકરી-ધંધા કરતાં કપલ્સ કે જે ખુદ તેમના પેરેન્ટ્સથી દૂર રહે છે તે બાળકના જન્મ પછી પોતાના વતનમાં વર્ષે એક વખત માંડ જઈ શકે છે. પેરેન્ટિંગમાં તેમના પેરેન્ટ્સથી એ થોડો વખત દૂર થઈ જાય છે. મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી, કપલ ખુદ એકબીજાને સમય આપી શકતા નથી. એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીના સંશોધકોએ સેમ્પલ સર્વેમાં જાણ્યું કે પેરેન્ટ્સ બન્યાં પછી મા-બાપ બંને બાળકમાં એટલા ખોવાઈ જાય છે કે તેમને બંનેને એકબીજા માટે ડિસ્ક્શનનો સમય રહેતો નથી. પેરેન્ટ્સ બનતાં પહેલાં કપલ્સ વચ્ચે ૩૨ મિનિટ દરરોજ અલગ મલકની વાતો થાય છે. પેરેન્ટ્સ બન્યાં પછી આ સમયગાળો ઘટીને માત્ર સાત મિનિટનો થઈ જાય છે. હોંગકોંગ યુનિવર્સિટીના બિહેવિયર સાયન્સના સ્ટડીમાં રસપ્રદ બાબત જાણવા મળી. પેરેન્ટ્સ બન્યાં પછી મહિલા જે ફ્રેન્ડ્સના નિયમિત સંપર્કમાં હોય છે ને વીકમાં એક-બે વખત વાત થતી હોય છે એમાંથી બે ફ્રેન્ડ્સ સાથે કાયમી સંપર્ક ઘટી જાય છે કે દોસ્તી જ પાછળ છૂટી જાય છે. સંતાનના જન્મ પછી પુરુષ એક જીગરજાન દોસ્તનો સંપર્ક કાયમ માટે ગુમાવી દે છે. બાળકના જન્મના વર્ષો પછી પેરેન્ટિંગ પાછળ પેરેન્ટ્સ તેમના એક-બે મિત્રોને ન ઈચ્છવા છતાં હંમેશા માટે છોડી દે છે!

ઊંઘ, મિત્રો કે પાર્ટી જ નહીં, પ્રવાસ, શોખ જેવું બીજું ઘણું છોડવું પડે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના એક અભ્યાસનું તારણ એવું છે કે સંતાનના જન્મ પહેલાં કપલ વર્ષમાં ચારથી છ દિવસના બે મોટા કરે છે અને એક-બે દિવસના ત્રણ નાના પ્રવાસો કરે છે. બાળકના જન્મના ચાર વર્ષ સુધી મોટા પ્રવાસો પર બ્રેક આવી જાય છે. આ જ સ્ટડી કહે છે - બાળકના ઉછેર અને શરૂઆતના એજ્યુકેશનમાં બિઝી થયેલા પેરેન્ટ્સ તેનો એક શોખ કાયમ માટે હૃદયના કોઈ અંધારિયા ખૂણે ધરબી દે છે. ૬૮ ટકા પેરેન્ટ્સ એ શોખ પછીથી ક્યારેય પૂરો કરી શકતા નથી. માત્ર ૨૨ ટકાને પાછલી વયે ૬૦-૬૫ વર્ષે ફરીથી પોતાનો શોખ પૂરો કરવાની તક મળે છે.

***

પેરેન્ટ્સ બાળકોના ઉછેરમાં ઘણું ગુમાવે છે એ સાચું, પરંતુ ઘણું મેળવેય છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના સ્ટડી પ્રમાણે નોન-પેરેન્ટ્સની સરખામણીએ પેરેન્ટ્સ એવરેજ બે વર્ષ વધારે જીવે છે. બાળકો પાંચ-છ વર્ષના થાય તે સમયગાળો પેરેન્ટ્સ માટે ખુશહાલીનો હોય છે. ઘણું ઘણું છોડવું પડતું હોવા છતાં બાળકોને નજર સામે મોટાં થતાં જોવા એ બધા પેરેન્ટ્સ માટે સુખદ અનુભવ છે. પેરેન્ટ્સ માટે બાળકના જન્મથી લઈને ત્રણ વર્ષનો સમયગાળો તો ગોલ્ડન પીરિયડ ગણાયો છે.

સંતાનો ૧૦-૧૨ વર્ષના થાય એ ગાળામાં જ પેરેન્ટ્સનું તેમની સાથે બોન્ડિંગ થાય છે. આ વર્ષો પેરેન્ટ્સ માટે વાવેતરનો સમય છે. જો યોગ્ય રીતે બાળકો સાથે બોન્ડિંગ થાય અને તેમની એ રીતે કેળવણી થાય તો એ બોન્ડિંગ આજીવન ટકી રહે છે. એક કે બે બાળકોનો ઉછેર સાથે થતો હોય ત્યારે જુદા જુદા કારણથી પતિ-પત્ની વચ્ચે મતભેદો ચાલતા હોય તો પણ સ્ટ્રેસનું પ્રમાણ અંકુશમાં રહે છે એવું તારણ સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી આપે છે.

બર્કેલી યુનિવર્સિટીનું એક ઈન્ટરેસ્ટિંગ ફાઈન્ડિંગ્સ છે કે પેરેન્ટ્સ બન્યાં પછી સ્વભાવમાં પરિવર્તન આવી જાય છે. આપણે ત્યાં એવી કહેવત છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પરંતુ આ સ્ટડી કહે છે એમ પેરેન્ટ્સ બન્યા પછી સ્ત્રી-પુરુષ બંનેના સ્વભાવમાં આક્રમકતા ઘટે છે અને મૃદુતા આવે છે. પેરેન્ટ્સ માટે આ પરિવર્તન કદાચ સૌથી મહત્ત્વનું સાબિત થાય છે. 

મોટી ઉંમરે એકલા રહેતા પેરેન્ટ્સનો આંકડો વધ્યો

ભારત જેવા કેટલાય દેશોમાં છેક હમણાં સુધી પેરેન્ટ્સ સંતાનો સાથે જ રહેતા હતા, હજુય રહે છે. જોકે, હવે ધીમે ધીમે સંતાનો બીજે ક્યાંક રહેતા હોય અને પેરેન્ટ્સ અલગ રહેતા હોય એવું ભારતમાં કોમન થવા લાગ્યું છે, ખાસ તો અર્બન વિસ્તારોમાં. દુનિયામાં તો ઘણાં વર્ષોથી આ પ્રવાહ ચાલી રહ્યો છે. તેના પરિણામે આજે દુનિયામાં ૧૨૦ કરોડ લોકો એવા છે જેમની વય ૬૦ કે તેનાથી વધારે છે અને એમાંથી ૩૦ કરોડ પેરેન્ટ્સ એકલા રહે છે. તેમને સંતાનો સાથે ફાવતું નથી, અથવા તો સંતાનો જુદા જુદા કારણથી દૂર રહે છે. એમાંથી વળી પાર્ટનરનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી ૧૧ કરોડ લોકો સાવ એકલા રહે છે. એકલવાયુ જીવન જીવતા લોકોમાં મહિલાઓની સંખ્યા ખાસ્સી મોટી છે. અમેરિકા અને ચીનમાં મોટી સંખ્યામાં પેરેન્ટ્સ સંતાનોથી અલગ રહેવાનું પસંદ કરે છે. એ પછી ભારતનો ક્રમ આવે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં પણ દોઢ કરોડથી વધુ સીનિયર સિટિઝન્સ સદંતર એકલા રહે છે.