Magazines

મણિ રત્નમ્ : અનુ પલ્લવીથી સાઈ પલ્લવી સુધી

By GS TEAM
30 May 20266 mins read
મણિ રત્નમ્ : અનુ પલ્લવીથી સાઈ પલ્લવી સુધી

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- 'કોર્પોરેટ જોબને મારો ગોળી, આપણે તો હવે ફિલ્મલાઈનમાં આગળ વધવું છે. ધારો કે મજા ન આવી, ન ફાવ્યું ને ફિલ્મલાઇન છોડવી પડી તોય શું? મારી પાસે એમબીએની ડિગ્રી તો છે જ!'

સા ઉથ ઇન્ડિયાના સુપરસ્ટાર ફિલ્મમેકર મણિ રત્નમ્ કંઈ પણ કરે, બાય ડિફોલ્ટ, તે ન્યુઝ બને જ. જુઓને, આજકાલ તેઓ એક બ્રાન્ડ ન્યુ ફિલ્મના શૂટિંગમાં બિઝી બિઝી છે. ફિલ્મનું કામચલાઉ નામ એમણે 'પ્રોડક્શન નંબર ૨૩' રાખ્યું છે. સાઉથના દિગ્ગજ સ્ટાર-એક્ટર ગણાતા વિજય સેતુપતિ હીરો છે, અને હિરોઈન છે, હમણાં આપણે જેને જુનૈદ આમિર ખાન સાથે 'એક દિન' ફિલ્મમાં જોઈ (અથવા કહો કે, ન જોઈ) એ સાઈ પલ્લવી. મણિ રત્નમની ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે. એમની છેલ્લી ફિલ્મ 'ઠગ લાઇફ' રિલીઝ થઈ તે પહેલાં તેની આસપાસ ખૂબ હાઇપ પેદા થઈ હતી, કેમ કે દાયકાઓ પછી મણિ રત્નમ્ અને કમલ હાસન જેવા ખેરખાંઓ એક સાથે કામ કરી રહ્યા હતા. કમભાગ્યે ફિલ્મ ન ચાલી. 

મણિ રત્નમ્ અને વિજય સેતુપતિએ અગાઉ ૨૦૧૮માં 'ચેક્કા ચિવન્થા વાનમ' નામની મલ્ટિસ્ટારર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. સાઈ પલ્લવી માટે મણિસર સાથે કામ કરવાનો આ પહેલો અનુભવ છે. ગપસપ એવી સંભળાતી હતી કે લેટેસ્ટ 'પ્રોડક્શન નંબર ૨૩' ના મ્યુઝિક કંપોઝર તરીકે મણિ રત્નમ્ સાઉથમાં આજકાલ જેની બહુ ચર્ચા છે તેવા સાઈ અભ્યંકરને લેશે, પણ ના, મણિસરે પોતાના જૂના ને જાણીતા સંગીતસખા એ.આર. રહેમાનને જ આ ફિલ્મ માટે સાઇન કર્યા છે. ફિલ્મ મ્યુઝિકલ છે એટલે આપણને સારાં ગીતો સાંભળવાની ઉમ્મીદ રહેશે.  

મણિ રત્નમ્ બે દિવસ પછી એટલે કે બીજી જૂને ૭૦ વર્ષ પૂરાં કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કરશે. 'રોજા' , 'બોમ્બે' , 'દિલ સે' , 'યુવા' , 'ગુરૂ' વગેરે જેવી ફિલ્મો આપી ચૂકેલા આ ઓરિજિનલ પેન-ઇન્ડિયન ફિલ્મમેકરની હાલ પોતાની કરીઅરની ૨૩મી ફિલ્મ કરી રહ્યા છે. 

મણિ રત્નમ્ આમ તો ફિલ્મી પરિવારના ફરજંદ. એમના પિતાજી એસ.જી. રત્નમ આખી જિંદગી ફ્લ્મિ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પ્રવૃત્ત રહ્યા.  ૧૪-૧૫ વર્ષની ઉંમરથી એમને ફિલ્મો જોવાનો ચસકો લાગી ગયો હતો. સ્કૂલનાં વર્ષોમાં તેઓ હોસ્ટેલમાં ભણતા ત્યારે દોસ્તારો સાથે રાત્રે ચુપચાપ વંડી ઠેકીને પિકચરો જોવા નીક્ળી જતા. ઘરમાં જોકે ક્યારેય કોઈ ફિલ્મોની ચર્ચા ન કરે. ફિલ્મો જોવાની વસ્તુ છે, એના વિશે વાતો શું કરવાની - એવો ઘરનાઓનો એટિટયુડ હોય.

ચેન્નાઈમાં બી.કોમ. ર્ક્યા પછી ૧૯૭૭માં મુંબઈની જમનાલાલ બજાજ ઈન્સ્ટિટયુટ ઓફ્ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એમબીએ કર્યું, અને એક મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં જોબ લઈ લીધી. ફિલ્મો સાથેનો એમનો નાતો હજુય કેવળ એક પ્રેક્ષક તરીકેનો જ હતો. આ અરસામાં એક વાત બની. મણિ રત્નમનો એક દોસ્ત રવિ શંકર પોતાની પહેલી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. રવિના પિતાજી સાઉથમાં સફળ ફિલ્મમેકર હતા. મણિ રત્નમ્,  રવિ અને રમણ નામનો ત્રીજો એક દોસ્તાર (કે જેના પિતાજીનું ર્ક્ણાટક સંગીતમાં મોટું નામ છે) સાથે મળીને રવિની ફિલ્મની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતા. હરામ બરાબર ત્રણમાંથી કોઈને ફિલ્મની સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય એની સહેજ પણ ગતાગમ પડતી હોય તો! છતાંય જાણે તીસમારખાં હોય એમ ત્રણેય જણા ઊછળી ઊછળીને 'આવું જ ચાલે, આવું ના જ ચાલે...' પ્રકારની દલીલબાજી ર્ક્યા કરતા.

'કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ્' નામના અફલાતૂન પુસ્તકમાં તેઓ કહે છે, 'ઘણી વાર માણસના આત્મવિશ્વાસનું કારણ એની અજ્ઞાનતા હોય છે! એને કેટલા વીસે સો થાય એની ખબર જ ન હોય એટલે પોતે બધું જ કરી શકશે એવા ફાંકામાં હોય! રવિની સ્ક્રિપ્ટ પર કામ કરતી વખતે અમે ત્રણેય સતત બાખડયા કરતા. મેં લાઈફમાં અગાઉ ક્યારેય કશુંય ક્રિયેટિવ લખ્યું નહોતું. હોસ્ટેલનાં વર્ષોમાં ફાધરને 'પૈસા ખલાસ થઈ ગયા છે, સમયસર મોક્લી આપજો' એ ટાઈપના લેટરો કયારેક લખતો એટલું જ, પણ તોય રવિ, રમણ અને હું રોજ સાંજે સ્ક્રિપ્ટ લખવાના ચાળા કરવામાં કલાકોના કલાકો પસાર કરી નાખતા. ફિલ્મમેકર બનવાનો વિચાર હજુ સુધી મારા મનમાં ફરકયો નહોતો, પણ કોઈ સીનની ક્લ્પના કરીને તેને કાગળ પર સાકાર કરવાની આખી પ્રોસેસ ધીમે ધીમે મને બહુ એકસાઈટિંગ લાગવા માંડી હતી. ફિલ્મલાઈન તરફ આગળ વધવાનું આ મારું પહેલું બેબી-સ્ટેપ હતું.'

એક બાજુ મિત્રની સ્ક્રિપ્ટ લખવાનું કામ પૂરું થયું ને બીજી બાજુ મણિ રત્નમે ડેસ્ક જોબ બદલીને માર્કેટિંગ એક્ઝિકયુટિવ તરીકે નવી નોકરી કરવાનો નિર્ણય લીધો. એ અરસામાં પેલી સ્ક્રિપ્ટ પરથી કન્નડ ફિલ્મ બનાવવાની તજવીજ થઈ રહી હતી એટલે મણિ રત્નમને થયું કે લાવને, નવી જોબ શરુ કરતાં પહેલાં ત્રણેક મહિનાનો બ્રેક લઈને શૂટિંગમાં ભાગ લઉં. ત્રિપુટીએ સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખી હતી એટલે મણિ રત્નમે સેટ પર ડાયલોગ રાઈટર સાથે બેસીને અંગ્રેજી સંવાદોને કન્નડમાં ટ્રાન્સલેટ કરાવવાની જવાબદારી ઉપાડી લીધી.

આ બધું કામ કરવાની એમને એટલી મજા આવી કે પહેલું શેડયુલ પૂરું થયું ત્યાં સુધીમાં મણિ રત્નમનો નિર્ણય બદલાઈ ગયો: કોર્પોેરેટ જોબને મારો ગોળી,  લાઈફમાં કરવા જેવું કોઈ કામ કંઈ હોય તો તે આ જ છે - ફિલ્મો બનાવવી! ધારો કે મજા ન આવી, ન ફાવ્યું ને ફિલ્મલાઇન છોડવી પડી તોય શું? મારી પાસે એમબીએની ડિગ્રી તો છે જ, હું પાછો જોબ કરવા માંડીશ. કમસે કમ ભૂખે તો નહીં જ મરું!  

૧૯૮૦માં મણિ રત્નમે પોતાની પહેલી ફિલ્મની પટક્થા લખી. એનું ટાઈટલ રાખ્યું, 'પલ્લવી અનુ પલ્લવી'. મણિ રત્નમના વિચારોની ભાષા અંગ્રેજી છે એટલે આ સ્ક્રિપ્ટ પણ એમણે અંગ્રેજીમાં જ લખી હતી. એ વર્ષોમાં તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત બાલાચંદર, ભારતીરાજા અને મહેન્દ્રન્  જેવા ગણ્યાગાંઠયા ફિલ્મમેકરોની ફિલ્મોમાં જ કંઈક તાજગી દેખાતી. મણિ રત્નમ પોતાની સ્ક્રિપ્ટની ફાઈલ લઈને વારાફરતી આ ત્રણેયને મળ્યા. સ્ટ્રગલરો માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં મોટાં માથાંની અપોઈન્ટમેન્ટ મેળવીને તેમને મળવાનું કામ જ બહુ અઘરું હોય છે, પણ અહીં મણિ રત્નમને એમના પારિવારિક કનેક્શનનો લાભ જરૂર મળ્યો. જોકે મણિ રત્નમની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવામાં પેલા ત્રણમાંથી એકેય ડિરેક્ટરને રસ ન પડયો. દરમિયાન મણિ રત્નમને પોતાની સ્ક્રિપ્ટ પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી. એમના મનમાં લાલચ જાગી ગઈ કે ના, આ સ્ક્રિપ્ટ પરથી  ફિલ્મ તો હું જ ડિરેક્ટ કરીશ!  

મણિ રત્નમ પોતાના દોસ્ત રવિએ પેલી જે ફિલ્મ બનાવી હતી તેની હિરોઈન લક્ષ્મીને મળ્યા. લક્ષ્મીને મણિ રત્નમની ફિલ્મની વાર્તા ગમી ગઈ ને એણે હા પાડી. લક્ષ્મીની હા આવતાં જ મણિ રત્નમ પોતાના પ્રોડયુસર અંકલ વિનસ ક્રિષ્ણમૂર્તિને કહ્યું : અંકલ, લક્ષ્મી જેવી મોટી હિરોઈન મારી ફિલ્મમાં કામ કરવા રેડી છે. હવે તમે મારી ફિલ્મ પ્રોડયુસ કરો! અંકલ તૈયાર થઈ ગયા. આમ, મણિ રત્નમની પહેલી ફિલ્મને ગ્રીન સિગ્નલ મળી ગયું. 'પલ્લવી અનુ પલ્લવી' એક અન્કવેન્શનલ લવસ્ટોરી છે, જેમાં લક્ષ્મી ઉપરાંત આપણા અનિલ કપૂર (હીરો તરીકેની એમની આ પહેલી ફિલ્મ) અને કિરણ વૈરાલે નામની એકટ્રેસ (જે મહેશ ભટ્ટની 'અર્થ'માં દેખાયેલી) પણ છે. મણિ રત્નમ્ એક વાત સ્પષ્ટ હતા કે હું ભલે નવો નિશાળિયો રહ્યો, પણ મારા ટેકનિશિયનો અનુભવી અને કાબેલ હોવા જોઈએ. સૌથી પહેલાં તેઓ લેનિન નામના ટોચના એડિટરને મળ્યા. તે એમના પાડોશી હતા અને બન્ને વચ્ચે ઠીક ઠીક દોસ્તી હતી. લેનિને હા પાડી પછી મણિ રત્નમ ફિલ્મસંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ ગણાતા ઈલિયા રાજાને મળ્યા. ફિલ્મની સ્ટોરી ટૂંક્માં સાંભળ્યા પછી ઈલિયા રાજાએ આંખનું મટકું માર્યા વગર જવાબ આપ્યો: હું તારી ફિલ્મ કરીશ. ડન! સિનેમેટોગ્રાફર અને પ્રોડક્શન ડિઝાઈનર તરીકે પણ ધરખમ વ્યક્તિઓ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયા. જો સ્ક્રિપ્ટ ખરેખર સારી હોય, માણસ જેન્યુઈન હોય અને તેના ઈરાદામાં કશી ખોટ ન હોય  તો સિનિયર વ્યક્તિઓ પણ ન્યુકમર સાથે કામ કરવા તૈયાર થઈ જતી હોય છે.

આ રીતે મણિ રત્નમે પોતાની સર્વપ્રથમ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી' (૧૯૮૩) બનાવી. તે બોકસ ઓફિસ પર ચાલી, ખૂબ વખણાઈ, ઘણા એવોર્ડ્ઝ જીત્યા. આ રીતે એક સ્ટાર ડિરેક્ટરનો જન્મ થયો... એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!

શો સ્ટોપર 

'પેડી' ફિલ્મ તમને 'થ્રી ઇડિયટ્સ' અને 'દંગલ'ની યાદ અપાવશે. આ ફિલ્મમાં રામ ચરણે એવી જબરદસ્ત એક્ટિંગ કરી છે કે નેશનલ એવોર્ડ જીતી લાવશે. 

- રવિ કિશન (એક્ટર)