'ભગવાન માણસની આકરી કસોટી કરે છે, પણ તેને ત્યજતો નથી.'

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'પોતાનાં જ ડામ દે, ત્યારે કોની સામે ફરિયાદ કરવી?' શોભાદેવીની વ્યથા-કથા
શો ભાદેવી ધર્માદાના એક વૃધ્ધાશ્રમમાં રહે છે. એમને રસોડામાં રોટલી વણવાનું કામ સોંપવામાં આવ્યું છે. એમની રૂમમાં આરતીબેન નામની એક વૃધ્ધા પણ તેમની સાથે રહે છે.
એકવાર શોભાદેવી રસોઇઘરમાં સેવા આપવા ગયા, ત્યારે તેમની રૂમના સહનિવાસી આરતીબેનની નજર શોભાદેવીના ઓશિકા નીચે દેખાતી નોટ પર ગઈ. ઉત્સુકતાથી એમણે નોટનું પાનુ ખોલ્યું... 'નીતિ, ૨૮, ૨૭, ૨૬, ૨૫, ૨૪, ૨૩.... એમ દરરોજની એક એક તારીખના ઘટાડા સામે પેનથી કૂંડાળું કરેલું હતું. આરતીબેન તારીખોની આ વિચિત્ર નોંધનું રહસ્ય જાણવા આતુર થઈ ગયા. જો શોભાદેવીને સીધો સવાલ આરતીબેન પૂછે તો કદાચ શોભાદેવી નારાજ પણ થઇ જાય. અને પોતાની નોટ કેમ વાંચી એની ગૃહમાતાને ફરિયાદ પણ કરે. એટલે આરતીબેને કરામત કરી. પોતાની પાસેના કાગળમાં ૩૦, ૨૯, ૨૮, ૨૭ એમ તારીખો લખી તેની પર લાલ કૂંડાળું કર્યું.
શોભાદેવીનો આવવાનો સમય થયો એટલે તેમની નજર પડે તેમ સ્ટૂલ પર કાગળ મૂક્યો. એ પછી શોભાદેવી આવ્યાં. આરતીબેન ત્યારે પલંગ પર બેઠાં હતાં. શોભાદેવીની નજર પેલા લાલ કૂંડાળાવાળા કાગળ પર પડી. એમણે એ કાગળ સ્ટૂલ પરથી લઈ લીધો. અને આરતીબેનને પૂછ્યું : 'આ કાગળ તમારો છે શોભાદેવી' આરતીબેન ડોકું હલાવી 'હા'નો સંકેત આપ્યો.
એટલે શોભાદેવીએ કહ્યું : 'વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા કોઇની ઉત્તરવહીની નકલ કરે, તેમ તમે પણ મારી નોટની નકલ તો નથી કરીને?'
'નારે ના, તમારી નોટ ક્યાં છે અને એમાં શું લખેલું છે એની મને ક્યાંથી ખબર હોય?' આરતીબેને કહ્યું.'ઊભા રહો, હું તમને મારી નોટ બતાવું.' કહી શોભાદેવીએ ઓશીકા નીચેથી નોટ કાઢી અને સહીથી કૂંડાળાં કરેલી તારીખો બતાવી, અને કહ્યું : 'આરતીબેન, છે ને મારી નોટની નકલ?'
'પણ મારા કાગળમાં નીતિ તો લખેલું નથી. તમારી નોટમાં નીતિનો ઉલ્લેખ છે, તે કોણ છે?' આરતીબેનની જિજ્ઞાસાની ગાડીએ રફતાર પકડવા માંડી.
નીતિ શબ્દ સાંભળીને શોભાદેવીએ છુટ્ટા મોઢે રડવાનું શરૂ કર્યું. તેમને છાનાં રાખવા આરતીબેને ખાસ્સી કોશિશ કરી, પણ શોભાદેવી હીબકે ચઢ્યાં હતાં. આરતીબેને સોગંદ નાખ્યા ત્યારે તેઓ રડતાં બંધ થયાં.
શોભાદેવીએ આંસુ લૂછી સ્વસ્થ થવાની કોશિશ કરી અને કહ્યું : 'નીતિ બીજું કોઈ નહીં પણ આ અભાગણી વિધવા શોભાની દીકરી છે. મારાં ભાઈ-ભાભી સાથે રહે છે અને મને વૃધ્ધાશ્રમમાં ધકેલી દેવામાં આવી છે.' શોભાદેવીએ કહ્યું.
'એ તો હું સમજી ગઈ, પણ તમે દિવસો શાનાં ગણી રહ્યાં છો? હું તો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી મારી દીકરીની જન્મતારીખના દિવસો ગણી રહી છું.'
'અને હું મારી દીકરી નીતિનાં લગ્નની તારીખ રાહ જોઈ રહી છું.' શોભાદેવીએ નિરાસા સાથે કહ્યું.
'એટલે તમારી હાજરીમાં જ નીતિના વિવાહ નક્કી થયા હતા કે પછી..' આરતીબેને ખણખોતર કરવાના પોતાના સ્વભાવ પ્રમાણે શોભાદેવીને પ્રશ્ન પૂછયો.
'ના બહેન ના. મારા પતિ મોટી સંપત્તિ મૂકીને અવસાન પામ્યા હતા. એમના મરણ પછી બધો જ વહીવટ મારા મોટાભાઈ કરતા હતા. તેઓ કહે ત્યાં હું સહી કરી આપતી હતી. મારા ભાઈએ બંગલો અને બેંક બેલેન્સ પોતાના નામે કરી મને વૃધ્ધાશ્રમમાં ધકેલી દીધી. નીતિને નોકરડીની જેમ એમની પાસે રાખી આખા ઘરનું કામ કરાવે છે. હવે એમનો દીકરો મોટો પરણાવવા લાયક થયો છે એટલે નીતિને ઘરમાંથી કાઢવા ઈચ્છે છે. બેન, અમે મા-દીકરી અનાથ બની ગયાં છીએ! ફરી પાછું શોભાદેવીએ એક ડૂસકું ભરી લીધું.
'શોભાબેન, ઘેર ઘેર માટીના ચૂલા, એ કહેવત તો જૂની થઈ ગઈ, પણ કહેવતાનો અર્થ તો એનો એ જ રહ્યો. દરેક ઘરને પોતાની સમસ્યા હોય છે, તેમ દરેક નારીને પોતાની આગવી પીડા હોય છે. કેટલીક સ્ત્રીઓ સ્વતંત્રતા ભોગવે એનો અર્થ એ નથી કે એ બધી નારીઓ પીડામુક્ત થઈ ગઈ છે.'
'આરતીબેન તમે ભાગ્યશાળી છો કે આર્થિક રીતે પરતંત્ર નથી. મારી દશા તો અતિ વિશ્વાસને કારણે છેતરાયેલી નારી જેવી છે. પોતાનાં જ ડામ દે ત્યારે કોની સામે ફરિયાદ કરવી? મારી તો ઈચ્છા છે કે હું નીતિના લગ્ન પ્રસંગે હાજર રહું અને મન મૂકીને ભેટીને વિદાય આપું, પણ મને નથી લાગતું કે મારા ભાઈ-ભાભી ધામધૂમથી મારી દીકરીનાં લગ્ન કરે અને મન તેડાવે.' શોભાદેવીએ વાત પૂરી કરતાં કહ્યું.
અને એ પછી પંદર દિવસે શોભાદેવીના ભાઈનો ફોન આવ્યો કે 'ખોટો ખર્ચ કરવાને બદલે નીતિનાં લગ્ન કોર્ટની રાહે પતાવી દીધાં છે. એટલે તમને તેડાવવાનો પ્રશ્ન રહેતો નથી. એમ છતાં જમાઈ કેવો છે એ જોવાનું મન થાય એ સ્વાભાવિક છે. મેં જમાઈને કહ્યું છે કે અનુકૂળતાએ વૃધ્ધાશ્રમમાં આંટો મારી આવે. જમાઈ નવો છે પણ નીતિ તો એની એ જ છે. એટલે મેં જમાઈ એકલા તમને મળવા આવે એવી સૂચના આપી છે.' આટલું કહી શોભાદેવીના ભાઈએ ફોન કાપી નાખ્યો.
શોભાદેવી ભાંગી પડયા. પણ એમની પાસે કશો જ રસ્તો નહોતો, હવે તારીખો ગણવાનો પણ કોઈ જ અર્થ નહોતો.
શોભાદેવી તરસી આંખે જમાઈના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. નીતિને પણ મોટા મામાએ ફોન કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો હશે, એટલે એનો ફોન પણ આવતો નહોતો.
કોર્ટ મેરેજ કર્યા પછી નીતિ પતિ અર્પણકુમાર સાથે સાસરે આવી. અર્પણની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ પણ અનાથ હતો. અને જાતે રસોઈ બનાવતો હતો. એક સરકારી ઓફિસમાં સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો. એને નીતિના જીવનની કરુણતાનો પૂરો ખ્યાલ હતો. અર્પણ ભલે સંપત્તિવાન નહોતો પણ ખૂબ જ ઉદાર, સમજુ અને ઝિંદાદિલ હતો. નીતિને ખૂબ જ લાગણીપૂર્વક ઘરગૃહસ્થીની બધી જ બાબતોમાં સાથ આપતો હતો. નીતિને મામાએ વળાવી ત્યારે બે જોડ કપડાં અને એક મંગળસૂત્ર સિવાય કશું જ આપ્યું નહોતું. નીતિ મામા-મામીના મહેણાં-ટોણાં અને ત્રાસથી તંગ આવી ગઈ હતી એટલે અર્પણનુ ભલે આધુનિક સુખ-સુવિધાવાળું ઘર નહોતું પણ તેના લાગણીશીલ સ્વભાવને કારણે
નીતિને અપાર શાંતિનો અનુભવ થયો હતો. નીતિ ઇચ્છતી હતી કે અર્પણ પોતાનાં સાસુમા વિષે કશું પૂછે અને એકવાર મમ્મીનાં દર્શન અને આશીર્વાદ માટે પોતાને વૃધ્ધાશ્રમ લઈ જાય. પણ જ્યાં સુધી અર્પણ સામેથી ઈચ્છા પ્રદર્શિત ન કરે ત્યાં સુધી નીતિએ આ બાબતમાં મૌન રહેવાનું નક્કી કર્યું હતું.
અર્પણ નીતિની આંખની લાચારીની લિપિ ઉકેલી ન શકે એટલો ગેરસમજુ નહોતો. તેમ છતાં નીતિને એ વાતનું આશ્ચર્ય હતું કે અર્પણ પોતાના સાસુમાને મળવાની ઈચ્છા કેમ વ્યક્ત કરતો નથી. મમ્મીની ચિંતા નીતિનો પીછો છોડતી નહોતી. એ પોતાના મનને સમજાવતી હતી પણ નોંધારી મમ્મી પુત્રીને યાદ કરી રાતદિવસ આંસુ સારતી જ હશે એની એને ખાતરી હતી.
એક દિવસ રાતના આઠ વાગ્યા છતાંય અર્પણ ઘરે આવ્યો નહોતો. નીતિએ અર્પણને ફોન કર્યો પણ ફોન આઉટ ઓફ રીચ આવતો હતો. રાત્રે નવ વાગે અર્પણનો ફોન આવ્યો કે, 'ઓફિસના અગત્યના કામમાં બહાર રોકાયેલો છું. એટલે મને આવતાં હજી અગિયાર વાગશે.'
અર્પણ ઓફિસેથી નીકળી સીધો વૃધ્ધાશ્રમ શોભાદેવીને મળવા ગયો હતો. એણે ગૃહમાતાને પરિચય આપ્યો અને કહ્યું : 'હું વંદનીય શોભાદેવીનો દીકરો અર્પણ છું હું શોભાદેવીને લેવા આવ્યો છું.'
જમાઈના મોઢે 'દીકરો' શબ્દ સાંભળીને શોભાદેવી ધુ્રસકે-ધુ્રસકે રડી પડયાં. તેમણે એટલી બધી હળવાશ અનુભવી કે તેમનો એકલતા અને વિરહનો તમામ થાક સમાપ્ત થઈ ગયો. અર્પણે શોભાદેવીને બેગ તૈયાર કરવાનું કહ્યું. શોભાદેવીએ પૂછયું 'અરે અર્પણકુમાર બેગ કેમ તૈયાર કરવાનું કહો છો?' ત્યારે ગૃહમાતાએ કહ્યું : 'શોભાબેન તમારો જમાઇ ઉર્ફે દીકરો તમને પોતાની સાથે રહેવા લઈ જવા આવ્યો છે. તમને બન્નેને મૂકવા માટે મેં વૃધ્ધાશ્રમની જીપ તૈયાર રખાવી છે. શોભાબેન, ભગવાનને ઘેર દેર છે, પણ અંધેર નથી. હરખભેર જાઓ અને દીકરી - જમાઇ સાથે આનંદથી દિવસો વિતાવો.
અને શોભાદેવીને લઈને અર્પણ વૃધ્ધાશ્રમની જીપમાં વિદાય થયો હતો. બન્ને ઘેર પહોંચ્યાં. બારણું બંધ હતું. અર્પણે કોલબેલનું બટન દબાવ્યું. અંદરથી નીતિએ પૂછયું 'કોણ?' અર્પણના બદલે શોભાદેવીએ જવાબ આપ્યો : 'હું શોભાદેવી, તારી અને તારા પતિ અર્પણની માતા.'
અને નીતિ દોડતી આવી મમ્મીને ભેટી પડી અને અર્પણને કહ્યું હતું : 'અર્પણ, દેવદૂતો વિષે તો મેં સાંભળયું હતું, પણ આજે દેવદૂતનાં મને સાક્ષાત્ દર્શન થયાં છે. તમારો ખૂબ ખૂબ આભાર.









