સુરંગ : સાગર તથા ભોંયમાં ભંડારેલું મોત! .

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં તેમજ મહાસત્તાઓ વચ્ચેના શીતયુદ્ધ અને ત્યારબાદના અખાતીયુદ્ધમાં વિવિધ દેશોની ધરતીમાં ધરબાયેલી કરોડો સુરંગો આજેય હજારો નિર્દોષ વ્યક્તિના મોતનું નિમિત્ત બની રહી છે. લશ્કરી હેતુસર તેમ જ નક્સલવાદી જેવા ગેરિલા દળો દ્વારા વપરાતી સુરંગ સસ્તું અને વાપરવામાં સરળ એવું વ્યૂહાત્મક શસ્ત્ર છે.
તા જેતરમાં બહુ ગાજેલા ઈરાન- અમેરિકા જંગમાં દરિયામાં ગોઠવેલી સુરંગો (મરિન માઈન્સ)નો મુદ્દો ખૂબ ચર્ચાયો હતો. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં ઈરાન રિપબ્લિકન ગાર્ડસ (આઈ.આર.જી.સી.) દ્વારા હજારો સંખ્યામાં દરિયાઈ સુરંગ ગોઠવવામાં આવી હતી. જેમાં કેટલીક સમુદ્રના તળિયે જઈ બેઠી હતી. તો બીજી અસંખ્ય સુરંગ લંગર સાથે પાણીમાં લટકતી હતી. ઈરાનની ઈચ્છા વિરુધ્ધ કોઈ જહાજ હોર્મુઝની ખાડીમાં પ્રવેશે અને માઈન્સના સંપર્કમાં આવે તો તેના ભૂક્કા બોલી જાય.
જો કે દરિયાઈ માઈન્સની મહત્તા હમણા બધાને સમજાઈ. અત્યાર સુધી ભોંયમાં ભંડારાતી સુરંગની વાતો જ વધુ સાંભળવા મળતી હતી. કેટલાક અનુમાનો અનુસાર, લગભગ ૬૦ દેશોમાં ૧૧ કરોડ સુધી લેન્ડમાઇન છુપાયેલી હોઈ શકે છે. બીજા વિશ્વ યુદ્ધના સમયથી કંબોડિયા, લાઓસ, બોસ્નિયા અને અંગોલા જેવા દેશોમાં મોટી સંખ્યામાં બારૂદી સુરંગો સક્રીય છે.
માત્ર બાર મહિના પૂર્વે આંધ્રમાં બે અલગ સુરંગ વિસ્ફોટમાં ચાળીસેક પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓએ જાન ગુમાવ્યા હતા. પ્રતિબંધિત પીપલ્સ વોર ગુ્રપના નક્સલવાદી ઉગ્રવાદીઓએ ગોઠવેલી સુરંગના પ્રતાપે ૭૨ કલાકમાં જ બે વાર પ્રચંડ વિસ્ફોટ થયા હતા. બેઉ કિસ્સામાં ઉગ્રવાદીઓએ રસ્તા પરના ગરનાળાની નીચે સુરંગો ગોઠવી હતી. નક્સલવાદીઓ અને તમિળ ઉગ્રવાદીઓને બોમ્બને બદલે સુરંગ વધુ માફક આવતી લાગે છે.
વિસ્ફોટ સર્જવા માટેનો આ જૂનો વિકલ્પ આજના જમાનામાં પણ અતિ સંહારક મનાય છે. જમીનમાં બિછાવવામાં આવતી લેન્ડમાઈન તો સાવ સાદી સીધી દેખાય છે. દેખાવમાં એકાદ કિલો વજન ધરાવતા સાદા પ્લાસ્ટીકના ટુકડા જેવી લાગે. હથેળીમાં સમાય એવડી આ સુરંગ સાવ નજીવા ખર્ચમાં બનાવી શકાય છે. ભૂલેચૂકેય કોઈ વ્યક્તિનો પગ આ લેન્ડમાઈન પર પડે તો પ્રચંડ ધડાકા સાથે ફાટતી આ સૂરંગ પુખ્ત વયની સશક્ત વ્યક્તિને દૂર ફંગોળી દે છે. બીજી કોઈ ઈજા ન થાય તો પણ સુરંગ પર પગ મૂકનાર વ્યક્તિનો એકાદ ટાંટિયો તો છૂટો થઈ જ જાય. નાના બાળકો આવી સુરંગની અડફેટે આવે તો તેના ફૂરચેફૂરચા ઉડી જાય. આવી સૂરંગના સીધા સંસર્ગમાં ન આવી હોય એવી વ્યક્તિ પણ ઘણીવાર સુરંગમાં રહેલી ધાતુની પતરીઓ વાગવાને કારણે ઘવાય છે અને શરીરમાં સડો પેદા થાય છે. આમ માનવ ઈતિહાસમાં ભાગ્યે જ એવું કોઈ શસ્ત્ર-અસ્ત્ર શોધાયું હશે જેને સુરંગની તોલે મૂકી શકાય. દારૂગોળાનો આ પ્રકાર ખૂબ ઓછા ખર્ચે ઓછા જોખમે શત્રુને વધુ જફા પહોંચાડવા માટે ખૂબ ઉપયોગી કિમિયો ગણાય છે.
જગતના વિવિધ દેશોમાં લેન્ડમાઈનનો ઉપયોગ વધી રહ્યો હોવાને કારણે માનવજાત પર તોળાતો જીવલેણ ખતરો વધી રહ્યો છે. યુધ્ધકાળમાં બિછાવવામાં આવતી સુરંગો લડાઈ પુરી થયા પછી પણ જમીનમાં ધરબાયેલી રહે છે, જે નિર્દોષ નાગરિકો માટે જાન લેવા સાબિત થાય છે. જંગલોમાં અને રણોમાં પહાડી ઘાટોમાં અને સમુદ્ર કિનારે તેમજ ડાંગરોના ખેતરોમાં છુટીછવાઈ લાખો સુરંગો પથરાયેલી છે. કેટલીક તો વર્ષો પૂર્વે જમીનમાં દાટવામાં આવી હોવા છતાં આજે પણ એટલી જ ખતરનાક છે, જેટલી એ ભોંયમાં ભંડારવામાં આવી ત્યારે હતી. એવો અંદાજ છે કે જગતના એક તૃતીયાંશ દેશોમાં સુરંગ રૂપી મોતના બીજ વાવેલાં છે. કોણ, ક્યારે આ સુરંગોનો કોળિયો બની જશે તે ક્યાંથી કહી શકાય!
સુરંગોનો ઈતિહાસ પણ પુરાણો છે. તેનો ઉદ્ભવ પ્રાચીન કાળમાં રોમમાં થયો હતો. રોમન સૈનિકો શત્રુઓના ઘોડેસ્વાર સૈનિકોને હંફાવવા તેમના માર્ગમાં ધાતુના કાંટાળા દડા જમીન પર છુટાછવાયા પાથરતા હતા, જે પગમાં વાગવાથી ઘોડા લોહીલુહાણ થઈ લથડી પડતા અને આ રીતે સૈન્યની આગેકૂચને ખાળી શકાતી. જો કે હાલ વપરાશમાં લેવાતી સ્ફોટક 'માઈન્સ'નો વપરાશ પ્રથમ વિશ્વયુધ્ધથી શરૂ થયો.
એવું પણ કહેવાય છે કે ૧૨૭૭માં મોંગોલના ખૂંખાર સૈન્યના આક્રમણને ખાળાવા શાહી ચીનના સેનાપતિએ વિસ્ફોટકોથી ભરેલી સુરંગોની ઉપયોગ શરૂ કર્યો હતો. યુરોપમાં પ્રથમ લેન્ડમાઇનનો ઉપયોગ ત્રણ સો વર્ષ પહેલાં થયેલો જેનું નામ પેડરો નવારો હતું, સેના પ્રશિક્ષક જનરલ ગેબ્રીઅલ જે રેન્સને ૧૮૬૨ માં યાર્કટાઉન ની લડાઈમાં ઓછી સંખ્યાવાળી સેનાની રક્ષા માટે આ લેન્ડ માઈનનો વિકાસ કર્યો. પ્રથમ વિશ્વ યુદ્ધના પહેલાના વર્ષોમાં જર્મન સેનાએ સુરંગોથી યુદ્ધનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલ્યું. ત્યારબાદ તો બીજા દેશોની સેનાઓએ પણ ખૂબ જ ઝડપથી સુરંગ બનાવવાનો પ્રારંભ કર્યો.
બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ૧૯૪૪થી ૧૯૫૦ના ગાળામાં ફ્રેન્ચ સૈન્યએ બાન પકડેલા જર્મન યુધ્ધ કેદીઓને નોર્મન્ડીના દરિયાકિનારે પાથરેલી સુરંગો કઢાવવાનું કામ સોંપ્યું હતું. આ સુરંગો જર્મન સૈનિકોએ જ પાથરી હતી. વાવે તેવું લણેના આ સિધ્ધાંત પ્રમાણે સુરંગો કાઢવાની કામગીરી બજાવતા ૧૭૦૯ યુધ્ધ કેદીઓ માર્યા ગયા હતા. તેમ જ બીજા ૨૯૮૮ ઘવાયા હતા. આ જ કામગીરીમાં ફ્રાન્સના ૪૭૧ સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા.
ઉત્તર આફ્રિકામાં ઈજિપ્તની અંદર જનરલ રોમેલના લશ્કરે હિટલરને હંફાવવા જે સુરંગો પાથરી હતી એ આજે આઠ દાયકા પછીય મોતનો સામાન પૂરવાર થઈ રહી છે. ૭૫૦૦૦ ચોરસ કિ.મી.નો વિસ્તાર સુરંગોના ભયને કારણે નિર્જન રહ્યો છે. કાશ ત્યાં સુરંગોને બદલે વૃક્ષ વાવવામાં આવ્યા હોત તો આજે ઈજિપ્તના તમામ આર્થિક પ્રશ્નો ઉકલી ગયા હોત! જમીનમાં પાથરેલી સુરંગો ઉપરાંત દરિયામાં તરતી મૂકાયેલી સુરંગો પણ ખૂબ નુકસાનકારક સાબિત થઈ રહી છે.
પહેલા વિશ્વવિગ્રહમાં તરતી મૂકાયેલી સુરંગોએ પણ લાંબા અરસા સુધી હાહાકાર મચાવ્યો હતો. આ યુધ્ધમાં જુદી જુદી અઢી લાખ સુરંગો દુનિયાના વિવિધ સમુદ્રમાં પાથરવામાં આવી હતી. જર્મનીએ વિગ્રહના આરંભમાં જ બ્રિટનની આસપાસ સુરંગો પાથરવી શરૂ કરી દીધી હતી. તુર્કીએ સુએજ નહેરના પ્રાંગણમાં અને ડાર્ડેનલ્સની સામુદ્રધુનીના મુખમાં સુરંગો પાથરી હતી. જર્મનીએ તો ખાસ સુરંગો પાથરવા વિશિષ્ટ પ્રકારની 'યુબોટ' (સબમરીન) બનાવી હતી અને તેના થકી ૫૦ હજાર સુરંગો પાથરી હતી.
દરિયામાં પાથરવાની સુરંગો ફૂટબોલ આકારની હોય છે. તેમના મુખ ઉપર ધડાકો કરવાનું યંત્ર હોય છે. આ સુરંગને પાણી પર દેખાતી તરતી મૂકી શકાય અને લંગર નાખેલી પણ રાખી શકાય. હવે ચુંબકીય સુરંગો બની છે જે જહાજના લોખંડથી આકર્ષાઈને પાણીની બહાર ધસી આવી સ્ટીમરને ચોંટી પડે છે. નજીકમાંથી પસાર થઈ રહેલા યુધ્ધ જહાજના એન્જિનના અવાજથી ખેંચાઈ આવે એવી સુરંગો પણ મળે છે. સમુદ્રમાં સુરંગો પાથરવા ખાસ નૌકાઓ, સબમરીન ઉપરાંત વિમાન કે હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થઈ શકે. બીજા વિશ્વવિગ્રહમાં કદાવર લેંકેસ્ટર વિમાનોએ ૧૫૦૦૦ ફૂટ ઊંચેથી ધારેલી જગ્યાએ દરિયાઈ સુરંગો નાખી હતી.
બીજા વિશ્વવિગ્રહ દરમિયાન અંગ્રેજોએ પાથરેલી સુરંગોએ જર્મની અને ઈટાલીના ૧૦૫૦ જહાજોનો ભોગ લીધો હતો અને બીજા ૪૫૦ જહાજોને જફા પહોંચાડી હતી. હિટલર અને મુસોલીનીની સુરંગોએ બ્રિટનના ૨૮૧ યુધ્ધ જહાજો અને ૨૯૬ વેપારી જહાજો ડૂબાડયા હતાં. જાપાને પણ આ વિગ્રહમાં તેના ૨૯ યુધ્ધ જહાજો અને ૨૪૭ વેપારી જહાજો સુરંગોને કારણે ગુમાવ્યા હતા. વિશ્વયુધ્ધ પૂરું થયા પછી પણ બધી સુરંગો ખસેડી શકાઈ ન હતી. પરિણામે આ સુરંગોએ વિગ્રહ પછીના બે વર્ષમાં ૨૫૧ જહાજો સાથે ટકરાઈને તેમને જળસમાધિ લેવડાવી હતી.
દરિયાઈ સુરંગો બે પ્રકારની હોય છે. એક પ્રકારની સુરંગોનું નિયમન થઈ શકે અને જરૂર પડે ત્યારે તેમને સ્ફોટક બનાવી શકાય અને જરૂર ન પડે ત્યારે તેમને નિર્દોષ બનાવી શકાય. બીજા પ્રકારની સુરંગો ઉપર કોઈ જાતનો કાબુ નથી રહેતો.
સુરંગોનો એક પ્રકાર 'પ્રેશર માઈન' તરીકે ઓળખાય છે. જ્યારે જહાજ છીછરા પાણીમાં હંકારતું હોય ત્યારે તેના તળિયા નીચે કેટલાક વિસ્તારમાં દબાણ ઘટી જાય છે. એ સ્થળે જો પ્રેશરમાઈન હોય તો ઘટી ગયેલા દબાણ વડે તે ફાટે છે. ૧૯૪૪માં જર્મનોએ આવી પ્રેશરમાઈન સુરંગોનો ઉપયોગ કર્યો હતો.
બીજો એક પ્રકાર એકોસ્ટિક માઈન તરીકે ઓળખાય છે. તેમાં માઇક્રોફોન જેવું સૂક્ષ્મ ઉપકરણ હોય છે જે પસાર થતા જહાજના અવાજને ગ્રહણ કરી તેને મોટો બનાવે છે. આ અવાજથી સુરંગ આકર્ષાઈને જહાજ તરફ ધસી જાય છે અને જહાજને અથડાઈ પડી ફાટે છે.
ઘણીખરી સુરંગોમાં સ્ફોટક પદાર્થ તરીકે આર.ડી.એક્સ.નો ઉપયોગ થાય છે. સુરંગને જમીનમાં લાંબો સમય દટાયેલી રાખવા તેનું ટકાઉપણું વધે તેવા રસાયણ ટેટ્રીલ વાપરવામાં આવે છે. હવે તો એવી સુરંગો પણ બને છે જે ચોક્કસ સમય મર્યાદાની અંદર આપમેળે (સેલ્ફ- ડિસ્ટ્રકટ) ફાટે છે. પાંચેક દાયકા પૂર્વે બનેલી સુરંગ જમીનમાં દાટયા પછી પણ લાંબો સમય ટકી રહે તેવી હોય છે. આ પ્રકારની માઈન્સ વધુ જોખમી હોય છે. અમેરિકામાં ગૃહયુધ્ધને સમયે સાધારણ વિસ્ફોટકો વાપરીને બનાવેલી સુરંગ શરૂઆતમાં બૂબીટ્રેપ તરીકે ઓળખાતી હતી. વિયેટનામના જંગલોમાં પણ તેનો ઉપયોગ થયો હતો. ત્યારબાદ તો જર્મનીએ બાઉન્સિંગ બેટ્ટી અને અમેરિકાએ કલેમોર સુરંગો બનાવી જે ખૂબ જ શક્તિશાળી બારૂદ ધરાવે છે અને વિસ્ફોટ પછી તેમાંથી ચોતરફ ધાતુની તીક્ષ્ણ પટ્ટી (છરા) ઉડતી હતી. આજ ગાળામાં ટેન્ક વિરોધી સુરંગ પણ બનવા લાગી.
અગાઉ ઈરાક-ઈરાન વચ્ચેના વિગ્રહમાં બંને દેશોએ પર્શિયન અખાતમાં પુષ્કળ સુરંગો પાથરી હતી, જેમાંથી ઘણી સુરંગો છુટી પડીને અરબી સમુદ્રમાં તણાઈ આવી હતી. આ સુરંગો સાથે અથડાવાથી એક વ્યાપારી જહાજનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. તેમજ બીજી બે સ્ટીમરોને ગંભીર નુકસાન થયું હતું. ત્યારબાદ તો આ વિસ્તારમાંથી પસાર થનારા દરેક જહાજને રેડિયો સિગ્નલ પાઠવીને ચેતવણી આપવામાં આવતી હતી કે સુરંગોથી ચેતતા રહેજો. ઈરાની અખાતમાં તેલસમૃધ્ધ દેશોના બંદરો છે, ત્યાંથી લાખો ટન તેલ ભરીને મોટા ટેન્કર જહાજો આવ-જા કરે છે. આવી એકાદ ટેન્કરને સુરંગ ફૂંકી દે તો ભારે મોટી હોનારત થાય.
મહાસત્તાઓ તેમના શસ્ત્રાગારમાં એકથી એક ચઢિયાતા અણુશસ્ત્રો અને લેસર ટેકનિકવાળા આયુધો સજાવી રહ્યા છે. ત્યારે સાવ દેશી હથિયાર ગણાતી સુરંગ આજેય લાખોનો કચ્ચરઘાણ કાઢી રહી છે. કમ્બોડિયા, વિયેટનામ, અંગોલા અને મોઝામ્બિકમાં શીતયુધ્ધ લડનારી મહાસત્તાઓ વતી યુધ્ધ ખેલતા સ્થાનિક ગેરિલા દળોએ સૂરંગોનો ઉપયોગ છુટથી કર્યો છે. સસ્તી અને વાપરવામાં સરળ તેમજ દુશ્મનની હલચલ થંભાવી દેતી સુરંગો શાંતિકાળમાં ય વ્યૂહાત્મક શસ્ત્ર ગણાય છે. યુધ્ધમાં સુરંગ વડે સૈનિકોને મારી શકાય અને શાંતિકાળમાં નાગરિકોનું જનજીવન ખોરવાઈ જાય છે એટલું જ નહીં, વિશાળ ખેતીલાયક જમીન સુરંગોની હાજરીને કારણે વેરાન બની જાય છે.
જગતમાં સૌથી વધુ સુરંગો ધરાવતો દેશ છે અફઘાનિસ્તાન! તાજેતરમાં લિબિયા અને સીરિયામાં પણ પુષ્કળ માઈન્સ બિછાવી હોવાનું જાણવા મળ્યું છે. એક રેકોર્ડ પ્રમાણે ૨૦૧૫ની સાલમાં વિશ્વભરમાં ૬૫૦૦ લોકો બારૂદી સુરંગને પ્રતાપે માર્યા ગયા હતા. જેમાં સૈનિકો કરતા સામાન્ય નાગરિકો તથા ત્રીજા ભાગના બાળકો હતા. ૨૦૨૪માં નોંધાયેલા સુરંગ સ્ફોટના કેસમાં રોજ સરેરાશ ૧૭ વ્યક્તિએ જાન ગુમાવ્યા છે અથવા અપંગ બની ગયા છે. અમેરિકાના નિષ્ણાતો તેમજ વિશ્વસંસ્થાના અનુમાન મુજબ હાલ વિશ્વના ૬૦ દેશોમાં ૧૧ કરોડ સુરંગો જમીનમાં ધરબાયેલી પડી છે. આ સુરંગોને જમીનમાંથી કે દરિયામાંથી શોધી કાઢવાનો અને તેને નિષ્ક્રિય બનાવવાનો ખર્ચ ૮૫ અબજ ડોલર કરતાંય વધુ આવે. વિશ્વસંસ્થાએ માનવજાતની ભલાઈ માટે ૩૨ વ્યક્તિઓની એક એવી ૩૫ ટીમ બનાવીને સુરંગો ખોળી કાઢવાની ઝુંબેશ હાથ ધરી છે. સફળ થઈ રહેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કાબુલ જેવા મહત્ત્વના શહેરોની આસપાસના અઢી કરોડ ચોરસ માઈલ વિસ્તારમાં ૬૦,૦૦૦ સુરંગો શોધી કાઢીને નિષ્ક્રિય બનાવાઈ છે. હજુ બીજી છ કરોડ ચોરસ માઈલ જમીન ફેંદીને લેન્ડમાઈન્સ શોધી કાઢવાની છે. આ કામગીરી વિરાટ છે તેમજ અત્યંત કપરી છે. વર્ષે સરેરાશ ૩૦ ચોરસ માઈલ વિસ્તારને સુરંગમુક્ત બનાવવા માટે પણ સહેજે ૪૩૦૦ માનવવર્ષની જરૂર પડે. વળી આ કામ જોખમી છે. ૧૯૯૧માં જે ૭૦ લાખ સુરંગો બિછાવી હતી તે દૂર કરવા જતાં ૮૪ 'માઈન સ્વીપર' (સુરંગોને નિષ્ક્રિય બનાવનારા) અવસાન પામ્યા હતા. એ પણ કેવી વિચિત્રતા કહેવાય કે પંદર-વીસ દિવસના અખાતી યુધ્ધમાં બેઉ પક્ષે માત્ર ૨૪૦ જણ મૃત્યુ પામ્યા હતા. પરંતુ શાંતિકાળમાં સુરંગ દૂર કરવા જતાં ૮૪ના જાન લેવાયા.
ઓસ્ટ્રેલિયામાં બીજા વિશ્વયુધ્ધ વખતે અનેક રેલવે સ્ટેશનો પાસે લેન્ડમાઈન્સ બિછાવવામાં આવી હતી.
છ- સાત દાયકા પછી હવે આ સુરંગોને શોધવા નીકળો તો ય એટલી આસાનીથી મળે નહીં. હજુ ગયા વર્ષે જ ગ્રેઝ નામના રેલવે સ્ટેશન પાસે સુરંગો ઘરબાયેલી છે તેવા પુરાવા મળ્યા પછી ૨૫૦ કિલોનો બોમ્બ ફોડવામાં આવ્યો જેથી આસપાસના અમુક વિસ્તારમાં જમીનમાંની સુરંગો ધડાધડફુટી અને આ વિસ્તાર 'માઈન્સ મુકત' બની ગયો. પરંતુ બોમ્બ વિસ્ફોટના પગલે રેલવે સ્ટેશન અને આસપાસની કેટલાંક ઈમારતોના કાચ ભાંગીને ભુક્કો થઈ ગયા.
બારૂદી સુરંગ હટાવવાનું માનવતાવાદી કાર્ય કરનારી બે મોટી સંસ્થા છે. ઉન્માસ અને હેલો ટ્રસ્ટ. જેઓ યુધ્ધ સમાપ્ત થયા બાદ શાંતિકાળમાં સ્થાનિક સ્વયંસેવકોને મેટલ ડિટેકટરનો વપરાશ કરતા શીખવે છે અને આ રીતે નાગરિકોના સહયોગથી સુરંગને નાકામ કરવાનો પ્રયાસ થાય છે. ૨૦૧૫માં મોઝામ્બિકને સુરંગ મુક્ત દેશ ઘોષિત કરવામાં આવ્યો હતો. દોઢ કરોડ ચોરસ માઈલ વિસ્તારમાંથી આશરે બે લાખ સુરંગ નષ્ટ કરવામાં આવી હતી.
યુનાઈટેડ નેશન્સે આપેલી માહિતી પ્રમાણે એક સામાન્ય સુરંગ બનાવવાનો ખર્ચ ૩ ડોલરથી ૭૫ ડોલર સુધી થાય છે. જ્યારે આ માઈન્સને ખોળી કાઢી નિષ્ક્રિય કરવાનો ખર્ચ ૩૦૦ ડોલરથી ૧૦૦૦ ડોલર જેટલો થાય છે. જેમ જેમ બારૂદી સુરંગની સંખ્યા અને પ્રકાર વધતા ગયા તેની તેમને નિષ્ક્રિય કરવાની પ્રણાલિ, ટેકનિક પણ બદલાતી ગઈ. શરૂઆત ૧૯૧૮માં ફ્રાંસે કરી. ફ્રાંસના સૈનિકો ટેન્કની માઇન્સ રોલર આગળ વજનદાર લોખંડી સાંકળને ફંગોળતા જાય એટલે તેના વજન અને લોહતત્વને કારણે ભોંયમાં ભંડારેલી સુરંગ આપોઆપ વિસ્ફોટ પામે અને આ રીતે તે નષ્ટ થઈ જાય. જમીનમાં દટાયેલી સુરંગને શોધવા અવનવા મેટલ ડિટેકટર શોધાયા જેમાં જર્મની ૧૯૩૯માં પોલેન્ડ પર હુમલો કરે તે પહેલાં ત્યાંના એક પોલીસ અફસર જોસેફ કોસાકીએ પણ માઈન ડિટેકટર બનાવ્યું હતું.
છેલ્લાં એક દાયકાથી ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર દ્વારા ભોંયમાં ભંડારેલી સુરંગ શોધાય છે. આ ટેકનિક જરા મોંઘી પડે અને ઘણીવાર રડાર દ્વારા ઓળખાયેલી ભૂમિગત ચીજ સુરંગ નહીં પણ ધાતુનો કોઈ બીજો ટુકડો પણ હોઈ શકે. વળી ઘણા વખતથી સુરંગ ઉત્પાદકો માઈન્સની બનાવટમાં બહારી આવરણ પ્લાસ્ટિકનું રાખે છે જેથી તેની ભાળ મળવી મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં ડ્રોનનો ઉપયોગ કરી થર્મલ ઈમેજિંગ ઉપકરણ વડે બારૂદી સુરંગ ખોળી કાઢવાની તજવીજ થાય છે.
એમ જોવા જઈએ તો ૧૯૯૭ માં બારૂદી સુરંગ પ્રતિબંધ સંધિ દ્વારા આ કાયદા પર ૧૬૨ દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ રીતે માનવ-વિરોધી બારૂદી સુરંગોના નિર્માણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પરંતુ જે દેશોએ આ કાનૂન પર હસ્તાક્ષર કર્યા નથી, તેમાં ભારત પણ સામેલ છે. અમેરિકા, રશિયા અને ચાઇના જેવા મુખ્ય હથિયાર ઉત્પાદક દેશો બારૂદી સુરંગોનો વિશાળ સંગ્રહ તૈયાર કરે છે. ભારત, મ્યાનમાર, પાકિસ્તાન અને દક્ષિણ કોરિયા હજુ પણ સુરંગોનું નિર્માણ કરે છે.
આમ જમીનમાં ભંડારેલી કે દરિયામાં બિછાવેલી સુરંગો વર્ષો જૂની હોવા છતાંય સાક્ષાત યમદૂત જેવી બની રહી છે. કોને ખબર સમુદ્રમાં કે ભોંયમાં ભંડારેલું મોત ક્યારેય દૂર થઈ શકશે કે પછી હંમેશ માટે માનવજાત પર ખતરો તોળાયેલો જ રહેશે.








