Magazines

જીવન એટલે ખુલ્લાં હાથે થતી પ્રતિક્ષા .

By GS TEAM
29 Nov 20252 mins read
જીવન એટલે ખુલ્લાં હાથે થતી પ્રતિક્ષા                           .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

ચાલ આવને,

હું કેનવાસ બનુ તું ચિત્ર દોર,

તું કેડી બને હું તેના પર ચાલુ.

- સુભાષ ભટ્ટ 

જીવન કોઈ કચકચાવીને વાળેલી મુઠ્ઠી નથી. જીવન તો ખુલ્લા હાથ સાથે થતી પ્રતિક્ષા છે કે કોઈ આવશે અને મૈત્રીસહ હાથ ઝાલી લેશે.

- એલી વિઝેલ

ક દાચ, માનવજાતને જેનો ખપ નથી તેવી એક બારખડી હવે ભુલાઈ રહી છે. જેમાં 'ક' કરુણાનો કે કલ્યાણમૈત્રીનો 'ક' છે.

આજથી લગભગ એંસી વરસ પૂર્વે બનેલો માનવજાતનો  શરમરૂપ એક નરસંહાર જોઈએ: હિટલરની ડચાઉ યાતના છાવણી, જેમાં લગભગ ૬૭૬૬૫  કેદીઓ હતા અને ઈ.સ ૧૯૩૩થી ૧૯૪૫ વચ્ચે તેમાંના ૪૧,૫૦૦ મારવામાં આવ્યા કે મર્યા. પણ ૨૯.૪.૧૯૪૫ ને દિવસે અમેરીકન સૈનિકો ડચાઉને મુક્ત કરવા તેમાં  પ્રવેશ્યા. તેમાં સૌપ્રથમ પ્રવેશ્યા હતા ત્રણ સૈનિકો; હેરોલ્ડ પોર્ટર, ફેલિક્સ સ્પાર્કસ અને હેન્નીગ લિડન. આમાંનો એક સૈનિક  વરસો બાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની મૃત્યુનોંધ વાંચીને ૩૦૦ માઈલ દૂરથી એક વૃદ્ધ સ્ત્રીનો ફોન પેલા મૃત સૈનિકની પત્ની એલનને આવ્યો; તે વૃધ્ધ સ્ત્રી આમ બોલે છે :

'એલન, હું તારા પતિની અંતિમ વિધિમાં હાજર રહી શકું? મારે તેનો આભાર માનવો છે. હું તેનું નામ દાયકાઓથી શોધતી હતી આજે અખબારમાં વાંચ્યું કે ડચાઉમાં બચાવ ટુકડીમાંથી પ્રથમ પ્રવેશેલો સૈનિક તારો પતિ છે.  ત્યારે તો  હું સાવ નાની છોકરી હતી, ભૂખી-તરસી અને નિર્વસ્ત્ર. મને પાણી પીવા માટે ગોળી મારી દેવામાં આવેલી. પણ આ સૈનિકે આવીને  તેનું શર્ટ મને પહેરાવા આપી દીધેલું. આજે મને થયું કે અંતિમ વિધિમાં આવી તેની પ્રત્યે મારો અહોભાવ પ્રગટ કરું અને તને વ્હાલી કરું, બસ!'

આ સાચો પ્રસંગ તો હિંસા-પશુતાના રણ વચ્ચે ઉગી નીકળેલા કુમળા છોડની વાત જેવો છે. આપણને પ્રશ્ન એ થાય છે કે આપણે માનવીઓ માંગલ્ય અને કલ્યાણને, માનવીય સંવેદનશીલતા અને સત્વશીલતાને બિરદાવતા કેમ નથી? જ્યારે ક્યાંક જીવન-આસ્થા ટમટમે છે ત્યારે ત્યાં અહોભાવ કેમ નથી થતો? અહીં આપણે સૌએ-દરેકે પોતાનો અંતરનાદ કે અંતરંગ સાંભળી લેવાનો છે કે તેનું અવતાર કૃત્ય શું છે? આપણે શા માટે અહીં છીએ? સુફી સંત રૂમી તો કહે છે કે આપણે અહીં બેહિસાબ પ્રેમ કરવા આવ્યા છીએ.

ઓપ્રા વિનફ્રે કહે છે 'સૌથી વધુ મૂલ્યવાન શબ્દો એ નથી કે હું તમને પ્રેમ કરું છું. પણ એ છે કે હું તમને સાંભળું છું.' આપણી જીવનને મળવાની, જીવવાની અને પામવાની સંભાવના જ ત્યારે હોય છે જ્યારે આપણે અન્યને સાંભળીએ છીએ. આપણે અન્યને સાંભળીએ, સમજીએ, મળીએ ત્યારે-ત્યારે આપણે જાતને પામતા હોઈએ છીએ. આપણા જીવન-ગ્રંથના પાનાં અન્ય થકી તો ખુલ્લે છે. માનવીય ગૌરવ-ગરિમા તસુભાર વધે છે જ્યારે શુભ પડઘાય છે. આ માટે આટલું કહીએ; 

ચાલ આવને, 

હું કેનવાસ બનંુ તું ચિત્ર દોર, 

તું કેડી બને  હું તેના પર ચાલુ.

હું વાંસળી બનું  તું ફૂંક માર, 

તું પંક્તિ બની જા હું ગાઉં.