Get The App

તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે તમારું દુ:ખ!

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
તમારો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે તમારું દુ:ખ! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- માણસે જેને પાળી, પોષીને ઉછેર્યા હોય એવાં વ્યસનો અને આદતો એ એના જીવનનાં દુ:ખનું મૂળ કારણ પણ બને છે. આપણે પોતે સર્જેલી કામનાઓએ કેટકેટલાં દુ:ખો ઊભાં કર્યા છે

વિ રાટ ગંગા નદીના મૂળને શોધવા નીકળીએ અને ધીરે ધીરે ગંગોત્રી સુધી પહોંચી જઈએ. કોઈ ગુફાના દ્વારમાં પ્રવેશ કરીને એ ગુફાના અંતે આવેલા દેવાલય સુધી પહોંચી જઈએ. દુનિયા આખી જીવનને દુ:ખનો સાગર માને છે પણ આપણે એ ચોત૨ફ ઘૂઘવતા સાગરના મૂળને શોધવા નીકળ્યા છીએ અને જેમ જેમ આપણો દુ:ખના મૂળ કારણની શોધનો સંશોધનપ્રવાસ આગળ ચાલે છે, તેમ તેમ કેટલાંય નવાં રહસ્યો ખૂલે છે. 

ક્યારેક આપણે પોતે સર્જેલા ભય કે કામનાથી દુ:ખી થતા હોઈએ છીએ, તો ક્યારેક સચ્ચાઈનો સામનો કરવાને બદલે આજના સૂરજને આવતીકાલના વાદળને ઢાંકી દેવાની કોશિશ કરીને દુ:ખી થતા હોઈએ છીએ. માણસે જેને પાળી, પોષીને ઉછેર્યા હોય એવાં વ્યસનો અને આદતો એ એના જીવનનાં દુ:ખનું મૂળ કારણ પણ બને છે. આપણે પોતે સર્જેલી કામનાઓએ કેટકેટલાં દુ:ખો ઊભાં કર્યા છે. આપણી ઇચ્છા, ઉત્કંઠા, એષણા, લાલસા એ સઘળી બાબતો અંતે આપણા દુ:ખનું કારણ બની છે અને આ કામનાની સાથે જરા આપણા સ્થૂળ ભૌતિક જીવનની વાત પણ કરી લઉં. 

કેટલીક વ્યક્તિઓનું આખુંય જીવન માત્ર સાંસારિક કલહ, દ્વેષ, કંકાસ અને હોંસાતોંસીના વર્તુળમાં જ ફેરફૂદરડી ફરતું હોય છે. કેટલાકની ઇચ્છા હોય છે કે આણે મને કડવા વેણ કહ્યાં, મારું અપમાન કર્યું, મારી નિંદા કે ટીકા કરી, બસ, હવે કોઈ પણ સંજોગોમાં જિંદગીમાં એટલી જ ઇચ્છા રાખું છે કે હું એને બરાબર પાઠ ભણાવું ! એનો બદલો લઉં ! 

તો બીજી બાજુ માનવીનો પરિગ્રહ એની કામનાઓને સતત ઉત્તેજતો રહે છે. ભગવાન મહાવીરે તો પરિગ્રહના મૂળ એવા લોભને જ સર્વ દુ:ખોનું કારણ કહ્યો છે. એનું કારણ શું ? કારણ એટલું જ કે જે પ્રાપ્ત કર્યું છે, તેનો અસંતોષ હોય છે અને જે પામવું છે, એની પાછળ દોડ હોય છે અને ત્યારે માનવીની કામના એને સતત દોડાવ્યે રાખે છે. એ જ રીતે આજના માનવજીવનમાં તમે સ્વીકારો કે ન સ્વીકારો, પણ લોકોનાં દુ:ખનું એક મોટું કારણ એ એના વહેમ અને રૂઢિચુસ્તતા છે. 

જરા વિચાર કરો કે આ વહેમોએ કેટકેટલા માનવીઓનાં જીવન ભરખી લીધા છે. વિખ્યાત લેખિકા ધીરુબહેન પટેલની 'જાવલ' નવલિકા વાંચો અને તમને એક નારીને ચુડેલ ગણીને એની થતી અવદશાનો ચિતાર મળશે. હજી આજે પણ આપણા સમાજમાં વહેમોનું પ્રબળ સામ્રાજ્ય પ્રવર્તે છે. જો એનું સામ્રાજ્ય ન હોત તો પોતાનું ભવિષ્ય પણ જોઈ ન શકનાર બીજાના ભવિષ્યનું કથન કરતા ન હોત ! હજી આજે પણ મંત્ર, તંત્ર, દોરા- ધાગા, ભૂવા સમાજમાં પ્રચલિત છે. ભૂત અને ડાકણનાં વહેમોએ હજી ઘણાં સમાજો પર પકડ જમાવી છે. 

ઈ. સ. ૧૮૫૦માં કવિ દલપતરામે લખેલાં 'ભૂત' નિબંધનું મને સ્મરણ થાય છે. ૨૮ વર્ષની ઉંમરે એમણે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ભ્રમણ કરીને પ્રવર્તતા વહેમો અને રૂઢિઓનો અભ્યાસ કર્યો. માત્ર અભ્યાસ જ નહીં, બલ્કે એની ચકાસણી કરી, એની પરીક્ષા કરી. એમણે સ્વયં 'મંત્રશાસ્ત્ર', 'મંત્રમહોદધિ', 'શારદા તિલક' જેવાં ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એમણે જોયું કે મંત્રથી દીકરો કે દીકરી ઉત્પન્ન થાય કે મિલકત મળી આવે એવી વાતો પ્રચલિત હતી. એમણે પોતે આવા મંત્રોનો પ્રયોગ કરીને એની પોકળતા જાહે૨ કરી અને કહ્યું કે આવી મંત્રોની વાતોમાં માણસે ફસાવવું જોઈએ નહીં. એમણે જોયું કે ભૂતનાં ભ્રમથી કે મંત્રનાં પ્રભાવથી એની પાછળ દોડનારા કેટલાય લોકોએ એમનો જીવ ગુમાવ્યો હતો. 

એ સમયે એમ મનાતું કે જીવતા માણસને ભૂત અને ડાકણ વળગે કે પછી મૃત્યુ પામેલો માણસ ભૂત થઈને પરેશાન કરે, એવી ભ્રમોને એમણે દૂર કર્યા અને માન્યતાઓ તો એવી કે આકાશમાં તારો ખરે એટલે એમ માનવું કે એ દેવનાં પુણ્ય પૂરાં થઈ ગયા છે અને તેથી એ તારો આકાશમાંથી ખરી પડયો. એ ખરી પડેલો તારો માણસ રૂપે જન્મ લે અને મલિનદેવ પણ બને ! ભૂત વિશેની તો આપણા સમાજે કરેલી કલ્પના કોઈ મૌલિક સર્જકને પણ પાછો પાડી દે તેવી છે. એ ભૂત સ્મશાનમાં વસે છે, આંબલી, કેરડો કે બાવળનાં વૃક્ષમાં વાસ કરે છે અથવા તો પીપળાનાં કે ખીજડાનાં વૃક્ષમાં સ્થાયી નિવાસ કરે છે. 

એ ભૂત પોતાનું જેવું શરીર હોય એવા શરીરવાળા માણસમાં પેસે છે. કોઈને તાવ વગેરે પીડા આપે છે, તો કોઈને અગ્નિનાં ભડકારૂપે ડરાવે છે. વળી એ ભૂત માણસના શ૨ી૨માં આવે છે અને એ ધૂણવા લાગે છે. જોકે ધૂણનારના શરીરમાં ભૂત પ્રવેશતું હોય એવું ક્યાંય દેખાતું નથી અને એમાંથી નીકળતું હોય એવું ય કશું દેખાતું નથી. કવીશ્વર દલપતરામે આવાં ભૂતનાં સ્થાનોની શોધ કરી અને સિદ્ધ કર્યું કે આવું કશું હોતું નથી. 

પરંતુ આજે કવિ દલપતરામની એ વાતને ૧૭૭ વર્ષ થઈ ગયા છતાં સમાજમાં આવી માન્યતા પ્રવર્તે છે. એ સાચું છે કે માત્ર ભારતીય સમાજમાં જ નહીં, બલ્કે દુનિયાભરનાં સમાજોમાં આવા વહેમો અને માન્યતાઓ પ્રવર્તતા હોય છે. આપણા દેશની ગુલામી અને અજ્ઞાનતાને કારણે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આવા ભૂત, પ્રેત, ડાકણ, પિશાચ જેવા ભ્રમને માણસ પોષે છે અને એ સ્વયં દુ:ખી થતો હોય છે. આથી જ હું તો કહીશ કે દુ:ખનું કારણ શોધો, એમાં ડૂબવાની જરૂર નથી, વ્યાકુળ થવાની જરૂર નથી, એની અવગણના કરવાની જરૂર નથી, પરંતુ એ દુ:ખની પ્રકૃતિને ઓળખવાની જરૂરી છે. 

'ફ્રોમ પોવર્ટી ટૂ પાવર' નામના ગ્રંથમાં જેમ્સ એલન આ સંદર્ભમાં કહે છે કે, 'કોઈ અનુભવીની અદાથી નહીં, પણ અનુભવની શાળાના કહ્યાગરા બાળક બનીને નમ્રતા અને ધૈર્ય ધારણ કરીને મનુષ્યજીવનના સર્વાંગી અનુભવના ભાગ રૂપે દુ:ખને જુઓ.' 

આ દુ:ખને સાધુઓ અને મુમુક્ષુઓ શિક્ષક માને છે અને એને ઓળખ્યા પછી મક્કમતાથી ભાગ્ય ઘડી શકાય છે. દુ:ખની કસોટીમાંથી પસાર થયા બાદ જ સત્ય અને શાંતિ હાંસલ થતા હોય છે. દુ:ખને સુખમાં જ નહીં, બલ્કે કોઈ સર્જનમાં ફે૨વી શકાય છે અને એનું ઉદાહરણ સિંગ સિંગ જેલમાં કેદીઓની સંભાળ લેતી કેરિનનું છે. જેને એક વાર એ દુ:ખ માનતી હતી, એમાં કેવું અદ્ભુત પરિવર્તન આણે છે એ જોઈએ. દુ:ખદ પરિસ્થિતિનો અંધકાર આવતીકાલના ઉજાસનો સર્જક બને છે. જરા એ ઘટના પર દ્રષ્ટિપાત કરીએ. 

૧૯૨૧માં રીઢા અને ખતરનાક હત્યારાઓ અને નિર્દય ગુનેગારો ધરાવતી સિંગ સિંગ નામની જેલમાં લેવિસની વોર્ડન તરીકે નિમણૂક થઈ ત્યારે એની પત્ની કેથરિન અને એનાં ત્રણ નાનાં બાળકો આ અત્યંત ભયાવહ જેલની નજીક વસવા આવ્યાં. એમને ચેતવ્યાં કે ભૂલથી પણ સિંગ સિંગ જેલમાં પગ ન મૂકવો. 

કેથરિને વિચાર્યું કે મારા પતિને જેલની અને જેલવાસીઓની સંભાળ લેવાનું સોંપાયું છે તો મારે પણ એ સહુની સંભાળ લેવી જોઈએ. આથી કેથરિન પોતાનાં ત્રણે બાળકોને લઈને કેદીઓ બાસ્કેટબોલ રમતા હોય ત્યાં આવીને બેસતી હતી. એણે જાણ્યું કે એક સજા પામેલો ગુનેગાર અંધ છે તો એણે વહાલથી એ અંધ કેદીનો હાથ પોતાના હાથમાં લઈને પૂછયું, ''તમે બ્રેઇલ લિપિ વાંચી શકો છો?''

કેદીએ વળતો સવાલ કર્યો, ''આ બ્રેઇલ લિપિ એ વળી શી ચીજ છે ?''

કેથરિને એને બ્રેઇલ લિપિ શીખવી. બીજો એક કેદી મૂક-બધિર જોયો. એને 'સાઇન લેંગ્વેજ'ની ખબર નહોતી. કેરિન પોતે 'સાઇન લેંગ્વેજ' શીખવા માટે સ્કૂલમાં ગઈ અને સાઇન લેંગ્વેજ શીખીને પેલા કેદીને શિખવાડી. મૂક-બધિર કેદીને ભાષા મળી. દુર્ભાગ્યે કેથરિનનું મોટ૨- અકસ્માતમાં અવસાન થયું. 

એ દિવસે સવારે કેદખાનાના લોખંડી દરવાજાની પાછળ જાણે કોઈ પ્રાણીઓનું ટોળું માથું નીચું રાખીને ઊભું હોય તેમ લેવિસે તમામ કેદીઓને ઊભેલા જોયા. લેવિસ દરવાજો ખોલીને અંદર દાખલ થયા ત્યારે દરેક કેદીના ચહેરા પર દુ:ખ અને શોકની ઘેરી છાયા જોઈ, કેટલાકની આંખોમાં આંસુ હતાં, તો કોઈક ડૂસકાં ભરતા હતા. 

કેથરિનને અંતિમ વિદાય આપવાની તેમની ઇચ્છા હતી. લેવિસે જેલનો દરવાજો ખોલ્યો. એક પછી એક ખૂંખાર કેદીઓ બહાર નીકળ્યા. એમના પર કોઈ ચોકીપહેરો ન હતો. એ બધા જેલના દરવાજેથી પોણો માઈલ ચાલીને લેવિસના ઘરના દરવાજા પાસે આવ્યા. કેથરિનને અંતિમ વિદાય વખતે આદર આપવા કતારમાં નતમસ્તકે ઊભા રહ્યા. એ પછી દરેકેદરેક કેદી પાછા જેલમાં ગયા. હા, એકે કેદી ઓછો થયો ન હતો. 

આનો અર્થ એ થયો કે ઘણાં દુ:ખો એ માત્ર વ્યક્તિની નેગેટિવ વિચારસરણીમાંથી ઊભા થયા હોય છે. એની નકારાત્મકતા દુ:ખને નિમંત્રણ આપે છે અને આપણી એ વાત સાચી ઠરશે કે અહીં પણ માણસ પોતે જ પોતાના દુ:ખનો સર્જક છે.