વલ્લભભાઈનું ગૂમડું ફોડતાં માધા રાતના હાથ ધ્રૂજ્યાં

- સરદાર @150-હસિત મહેતા
- પોતાના હાથે જ પોતાને ડામ દે, અને એ અસહ્ય વેદનાની છાયા મોઢા ઉપર ફરકવા પણ ના દે, એવી હિંમત અને સહનશીલતા જોઈને માધા રાત તો સ્તબ્ધ થઈ ગયા. પછી એ ગૂમડું પાક્યું કે ક્યારે મટયું, તેની કાંઈ ખબર નથી....
- માધા રાત અને બાકરોલની વાળંદની ખડકીમાં તેમનું મકાન
વ લ્લભભાઈના જીવનની એ વાત તો જગપ્રસિદ્ધ છે કે તેમને બગલમાં એક અસહ્ય ગૂમડું થયેલું. તે જમાને આવા ગૂમડાંને બગલબામણી કે બગલગાંઠ કે કાખબિલાડી કે કાખબલાઈ કે બામલાઈ જેવા અનેક નામે લોકો ઓળખતાં. બગલ જેવી વિચિત્ર જગ્યાએ, પાતળી ચામડી અને વધારે હલનચલનવાળાં આ અંગ ઉપર પરું ભરાયેલું ગૂમડું ભારે દર્દ આપતું. તેને દવા લગાડવી કે નસ્તર મૂકીને (ફોડીને) તેમાંથી પરૂનો ગંદવાડ બહાર કાઢવો તે ચીસો પડાવતી પ્રક્રિયા ગણાતી. તે જમાનામાં આવા ગૂમડાં ઉપર નસ્તર મૂકાવવાં શહેરમાં જઈને દાક્તર પાસે (માઈનોર) સર્જરી જેવું કરાવવાની સગવડ અને નાણાંજોગ માંડ કોઈ સમૃદ્ધજણ પાસે રહેતો. બાકી સામાન્ય જણમાં એવો રિવાજ હતો કે ગામના વાળંદ પાસે એમાં ડામ દેવડાવીને કામ પૂરું કરવું. આ ડામ(નસ્તર) બહુ આકરો હોય. કંઈક અંશે સાવ જડ અને જંગલી જેવો. તેમાં દર્દીની સહનશીલતા મપાઈ જાય.
વલ્લભભાઈનું પણ એવું જ થયું. તેમના બગલની બામલાઈ ખૂબ વકરી. તેનું દરદ વધ્યું, એટલે તેમણે બાકરોલની હવેલીના કાયમના વાળંદ માધા રાતને ડામ દેવા બોલાવ્યા. તેઓ આવ્યાં, સગડી સળગાવી અને ચપટા સળિયાને તપાવવા મૂક્યો. સળિયો તપીને લાલચોળ થયો, માધા રાતે તેને હાથમાં તો ઝાલ્યો, પણ સાવ કુમળી યુવાનીના છોકરાને અગ્નિનો આ કપરો દાહ(ડામ) આપવામાં તેમનાં હાથ ધ્રૂજ્યા.
વલ્લભ આ સહન કરી શકશે? એ બૂમાબૂમ કરશે તો? ચાંપતી વખતે એ ઉછળકૂદ કરે અને બીજે પણ ડામ દેવાઈ જશે તો? આવા ડરે માધા રાતના લાલચોળ સળિયો ઝાલેલાં હાથ ઢીલા પાડયાં. આ જોઈ લોખંડી વ્યક્તિત્વના ધણી વલ્લભભાઈએ હિંમતથી માધા રાતને ઠપકાર્યા કે ગભરાઓ છો શાના? તમારો જીવ ના ચાલતો હોય તો લાવો મારી પાસે, એમ કહી તેમણે માધા રાતના હાથમાંથી પેલો સળિયો ઝૂંટવી લીધો, અને પોતાની બગલે, પોતાના હાથે, પેલાં દર્દનાક ગૂમડાં ઉપર ચાંપી દીધો. ગૂમડાંનું પરુ તેની ચારેબાજુ ફેલાઈ ગયું.
જોતજોતામાં આ દિલધડક ખેલ ખતમ. સળિયો ચંપાયો એટલે ગૂમડું ફાટી ગયું, ચરરર અવાજ થયો, લોહી અને પરુંથી વલ્લભભાઈની આખી બગલ રગદોળાઈ. તેને ગરમ પાણીથી ધોઈ, સાફસૂફી કરાવી, પાટો બંધાવી આ કુમળી જવાનીનો (લબરમૂછળિયો સ્તો) છોકરો ઉભો થઈને ચાલવા માંડયો.
પોતાના હાથે જ પોતાને ડામ દે, અને એ અસહ્ય વેદનાની છાયા મોઢા ઉપર ફરકવા પણ ના દે, એવી હિંમત અને સહનશીલતા જોઈને માધા રાત તો સ્તબ્ધ થઈ ગયા. પછી એ ગૂમડું પાક્યું કે ક્યારે મટયું, તેની કાંઈ ખબર નથી, પરંતુ જીવનભર લોકોને અને પોતાના બાળકોને પણ સહન કરવાની સલાહ આપનાર વલ્લભભાઈની છાતી બાળપણથી જ વજ્ર જેવી હતી, તેનો આ જબરો પૂરાવો છે.
સવાસો વર્ષ પહેલાં, ઈ.સ.૧૮૯૯ના એ વર્ષોમાં, બાકરોલ જેવા ગામડાંના સમાજમાં જો દુઃખતા દાંત પણ ખેંચાવવાના હોય કે ગૂંમડાના નસ્તર મૂકાવવાના હોય, તો લોકો દાક્તર પાસે જવાને બદલે વાળંદને બોલાવીને ઘરમેળે જ ઈલાજ કરી નાંખતા. વલ્લભભાઈના જીવનમાં, બાકરોલની હવેલીમાં અને ગામમાં, અરે ખુદ વલ્લભભાઈના જેટજેટલાં જીવનચરિત્રો કે પ્રશસ્તિ લખાણો થયાં છે એ સહુમાં, આ બામલાઈની ઘટના ભૂલ્યા વગર કહેવાય-વર્ણવાય છે. વલ્લભભાઈને લોખંડીપુરુષ કે વજ્ર જેવા કહેતી વખતે આ પ્રસંગ જાતભાતની વાતો ઉમેરીને વર્ણવાય છે, પરંતુ આવી ઐતિહાસિક ઘટનાના સાક્ષીઓ અને ઘટનાસ્થળોની કોઈએ દરકાર રાખી નથી. ખુદ ઈતિહાસવીરો પણ તેની ધૂંધળી રેખાઓને ઉજળી કરી શક્યા નથી.
અન્યથા આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી સમી બાકરોલ હવેલીની એ મેડી, ત્યાંની વાળંદ ખડકીમાં આજે પણ અડીખમ ઉભેલું માધા રાતનું એ મકાન, માધા રાતનો એકાદ ફોટો, અને આ ઘટના વિશે તેમના જ મોઢે સાંભળેલી વાતોનું દસ્તાવેજીકરણ, કશું જ થયું નથી.
આજે, સવાસો વર્ષ વિત્યાં પછી પણ બાકરોલની વિદ્યાનગર તરફની સીમમાં આવેલી સોસાયટીમાં રહેતાં માધા રાત પરિવારના વયોવૃદ્ધ શિક્ષિકા મધુબા આ સરદારગૌરવની ઘટનાને યાદ કરે ત્યારે એમની આંખોમાંથી ભૂતકાળનો ઉજળો વારસો ચમક્યાં વગર રહેતો નથી. વાળંદને રાત કહેતાં એ જમાનાના માધા રાત એટલે માધવભાઈ તળજીભાઈ વાળંદ. એમના પુત્ર હરિભાઈના પત્ની એટલે આ મધુબેન. આમ તો જીવનભર પ્રાથમિક શાળાના શિક્ષિકા, એટલે જીવનની પાછલી અવસ્થાએ પણ પોતાના સસરાં માધવભાઈ તળજીભાઈ સાથે સંકળાયેલી આ સરદારીઘટનાની યાદો વાગોળતાં કહે છે કે દેસાઈની હવેલી સાથે અમારો પરિવાર કાયમી સંકળાયેલો હતો. ત્યાં સહુ કોઈનું હજામત કામ અમારા સસરાં અને વડસસરા જ કરતાં, જેના મહેનતાણાંમાં નાણાં નહીં, પણ દાણાં મળતાં. મારા પતિએ મને મારા સસરાની હાજરીમાં થયેલ સરદાર પટેલના ગૂમડાં ફોડવાની આખી ઘટના, અનેકવાર કહી-સંભળાવી છે. જેના સાક્ષીરૂપે હોવાનું ગૌરવ આજે પણ અમારો પરિવાર અનુભવે છે.








