ગંગાના કિનારેથી ઓલિમ્પિકની ઊંચાઈ સુધી લલીત ઉપાધ્યાયની યાદગાર સફર

- 31 વર્ષના ભારતીય હોકી ટીમના આક્રમણ પંક્તિના ખેલાડીની નિવૃત્તિ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- વારાણસીના ગરીબ પરિવારમાંથી માત્ર હોકી સ્ટીકને સહારે વૈશ્વિક સ્તરે છવાઈ ગયેલા લલીતે ઓલિમ્પિક, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ સહિતની બહુરાષ્ટ્રીય રમતોત્સવોમાં ભારતીય હોકીને ઐતિહાસિક સન્માન અપાવ્યું
જબ સે ચલા હૂં, મેરી મંઝિલ પર નજર હૈ; આંખો ને કભી મીલ કે પથ્થર કો નહીં દેખા.
દ રેક સફરમાં જેમ પડકારો પણ અલગ-અલગ હોય છે, તેમ સફળતાના માપદંડો પણ જુદા-જુદા હોય છે. ક્યારેક ટોચ પર પર પહોંચવાની સિદ્ધિ તો ક્યારેક છેક સુધી પહોંચ્યા બાદ સ્હેજ માટે ચૂકી જવાનો અહેસાસ - પણ આ અનુભવોની વચ્ચે જે સતત પોતાના પ્રવાસને અને પ્રયાસને જારી રાખે છે, તે સમયના એક લાંબા મકામ પર પોતાની ચિરકાલીન છાપ છોડી જાય છે, જે ઈતિહાસમાં યાદગાર પ્રકરણ બનીને પોતાની ઓળખ ઉભી કરે છે. ભારતીય હોકી ટીમમાં પણ સમયરેખા પર એક દશક કરતાં પણ લાંબી સફર ખેડી ચૂકેલા અને આક્રમણ પંક્તિના ખેલાડી તરીકે દેશ-વિદેશમાં નામના મેળવનારા લલીત ઉપાધ્યાયની નિવૃત્તિની સાથે એક સ્વર્ણિમ પ્રકરણનો અંત આવી ગયો છે.
છેલ્લા ૧૧ વર્ષમાં ભારતીય હોકી ટીમની આક્રમણ પંક્તિમાં લલીત ઉપાધ્યાયની હાજરી અચૂક હોય છે. સાવ સાધારણ પરિવારમાં જન્મેલા અને ખુબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા લલીતની પ્રતિભા હંમેશા ભારતીય ટીમની સાથે એવી ગૂંથાયેલી રહી છે કે ક્યારેય ભારતીય ટીમથી અલગ તેની ઓળખને દર્શાવવાની કોશીશ કરી નથી. જોકે, એક ટીમના ખેલાડી તરીકે જે પ્રકારે તેણે તેની ભૂમિકાને વરસોવરસ બખૂબી નિભાવી છે, તે જોતા એક વાત તો નક્કી છે કે, આગામી સમયમાં તેની ગેરહાજરીનો અહેસાસ ભારતીય હોકીને પળેપળ અનુભવાશે.
ઉત્તર પ્રદેશની ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી અને ગંગા નદીના કિનારે વસેલી વારાણસીમાં જન્મેલા લલીતની ભારતીય હોકી ખેલાડી બનવા સુધીની સફર ભારે અનિશ્ચિતતાઓ અને અનેક દુર્ગમ વિઘ્નો સામેના સંઘર્ષની સાથે સાથે રોચક પણ બની રહી છે. ભારતીય હોકીએ વર્ષ ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીત્યો ત્યારે લલીત પણ તે સ્વપ્નસિદ્ધિ મેળવનારી ટીમનો એક અભિન્ન હિસ્સો હતો. ભારતની પોતીકી રમત તરીકેની ઓળખ ધરાવતી હોકીમાં તે દેશનો ૪૧ વર્ષ પછીનો ચંદ્રક હતો. ભારત માટે તે ચંદ્રકના રંગ કરતાં વિશેષ મહત્તા એ બાબતની હતી કે, ખેલાડીઓએ હોકીની ભારતીય તરીકેની ઓળખને મેદાન પર અસરકારક રીતે રજુ કરતાં વિશ્વની ટોચની ત્રણ ટીમોમાં સ્થાન મેળવવાનું ગૌરવ હાંસલ કર્યું હતુુ. રસપ્રદ રેેકોર્ડએ પણ હતો, કે છેલ્લે ૧૯૮૦માં ભારતે મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો ત્યારે પણ ટીમમાં વારાણસીમાં જન્મેલો ખેલાડી મોહમ્મદ શાહીદ હતો અને ૪૧ વર્ષ બાદની કાંસ્ય સફળતામાં વારાણસીના લલીત ઉપાધ્યાયે મહત્વની ભૂમિકા ભજવી હતી.
લલીત ત્યાર બાદ ૨૦૨૪ના પેરિસ ઓલ્િમ્પિકમાં પણ કાંસ્યચંદ્રકને જાળવી રાખનારી ટીમમાં સામેલ હતો. આધુનિક રમતજગતમાં ભારતના જે જૂજ ખેલાડીઓ પાસે એકથી વધુ ઓલિમ્પિક ચંદ્રકો છે, તેમાં લલીતનો પણ સમાવેશ થાય છે. લલીતની કારકિર્દીના ઝગમગાટમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ (૨૦૨૨)અને કાંસ્ય (૨૦૧૮), કોમનવેલ્થ ગેમ્સનો સુવર્ણ (૨૦૨૨) તેમજ મિની વર્લ્ડ કપ તરીકેની ઓળખ ધરાવતી ચેમ્પિયન્સ ટ્રોફી (૨૦૧૮)નો રજત ચંદ્રક પણ સામેલ છે. આ ઉપરાંત એશિયા કપ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ હોકીની વર્લ્ડ લીગમાં પણ તેનો કમાલનો દેખાવ અને સાથી ખેલાડીઓની શાનદાર રમતને સહારે ભારતે ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી છે.
૩૧ વર્ષની ઊંમરે લલીત ઉપાધ્યાયે રાષ્ટ્રીય ટીમ તરફથી ૧૮૩ મેચમાં ૬૭ ગોલ ફટકારીને વિદાય લીધી છે. ભારતીય રમત જગતમાં અફસોસની વાત એ છે કે, ક્રિકેટ જેવી કમાણી અને લોકપ્રિયતા અપાવતી રમતના આંકડા રાખનાર કે પણ તેનું વિશ્લેષણ કરનારાઓની ભરમાર જોવા મળે છે, પણ આ બાબતમાં દરેક સ્તરે રાષ્ટ્રીય રમત હોવાનું ગૌરવ ધરાવતી હોકી પાછળ રહી જાય છે. આ જ કારણે તેના ખેેલાડીની ગૌરવપ્રદ સિદ્ધિઓ અને વ્યક્તિત્વને પોતાના જ લોકોમાં આગવી ઓળખ મળી શકતી નથી. વર્ષ ૨૦૧૭માં એશિયા કપની ફાઈનલમાં મલેશિયા સામેની મેચમાં લલીતના ગોલને સહારે ભારતે વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૮ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પાકિસ્તાન સામેની જીતમાં પણ તેનો ગોલ મહત્વનો બની રહ્યો હતો.
ભારતીય હોકીના મૂક સેવક તરીકે વરસો સુધી આક્રમણ પંક્તિમાં જવાબદારી સંભાળનારા લલીતની કારકિર્દીની શરુઆત અનેક પ્રતિકૂળતા સાથે થઈ હતી. વારાણસી નજીક આવેલા શીવપુરના ભગતપુર ગામમાં સાધારણ પરિવારમાં જન્મેલા લલીતના પિતા સતીષ નોકરી કરીને પત્ની અને બે બાળકોના પરિવારનો નિર્વાહ ચલાવતા. લલીતનો મોટો ભાઈ અમીત હોકી રમતો અને તેના પગલે જ લલીતે પણ તેનો હાથ હોકી પર અજમાવ્યો. ઘરની નજીક આવેલા કરમપુર ગામ હોકી માટે જાણીતું હતુ. ત્યાં વરસોથી વસતા તેજ બહાદૂૂર સિંઘ પોતાના ગાંઠના નાણા ખર્ચીને ગરીબ બાળકોને હોકી શીખવતા અને તેમના ભોજન સહિતનો ખર્ચ પણ ઉઠાવતા. ગુમનામીમાંં રહીને કામ કરવા માટે જાણીતા તેજ બહાદૂર સિંઘની છત્રછાયામાં ઘણા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર થયા હતા અને લલીતની કારકિર્દીને પણ તેમનો સહારો મળ્યો. મોટાભાઈ અમીતને હોકીના કારણે નોકરી મળી ગઈ અને આ જ કારણે લલીતની આંખોમાં હોકી વસી ગઈ હતી.
હોકીના કૌશલ્યોમાં કુશળતા હાંસલ કરનારા લલીતને વારાણસીની ઉદય પ્રતાપ કોલેજમાં ચાલતા એસએઆઈના હોકી સેન્ટરના કોચ પરમાનંદ મિશ્રાનો સહારો મળ્યો. ગામડાની માટીમાંથી બહાર આવેલા આ કાચા હીરાની પરખ કોચ પરમાનંદે કરી અને તેમણે તેના કોચિંગ થી લઈને અભ્યાસનો ખર્ચ ઉઠાવી લીધો. રાજ્ય અને રાષ્ટ્ર સ્તરની સ્પર્ધામાં નોંધપાત્ર દેેખાવ કરનારા લલીતને ૧૬ વર્ષની ઉંમરે ભારતીય ટીમના કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારે જ એક જાણીતી ન્યૂઝ ચેનલે નકલી સ્ટિંગ ઓપરેશન કર્યું અને તેમાં એક ઉત્તરપ્રદેેશના ખેલાડીને (ખેલાડીની જાણ બહાર) ટીમમાં સમાવવા માટે હોકી ફેડરેશનના ઉચ્ચ અધિકારીને લાંચ આપવાની કોશીશ કરી. આ સ્ટિંગ ઓપરેશન મીડિયામાં છવાઈ ગયું અને તેનો ભોગ બન્યો વારાણસીનો નિર્દોષ છોકરો લલીત !
કિશોરાવસ્થામાં જ ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવવાના આરે પહોંચ્યા બાદ અચાનક જ બહાર ફેંકાઈ ગયેલા લલીતે તે સમયે તો હોકી જ છોડી દેવાનો નિર્ણય લઈ લીધો. આ સમયે તેની માતાએ તેને દિલાસો આપ્યો કે, દરેકના જીવનમાં સંઘર્ષનો સમય આવે જ છે. જેઓ ટકી રહે છે, તેઓ જ આગળ વધી શકે છેે. માતાના આ શબ્દોની તેની પર ચમત્કારિક અસર થઈ અને તેણે હોકી રમવાનું જારી રાખ્યું.
લલીતની કારકિર્દી જાણે ઉગતા જ અસ્ત થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતીય હોકીના પ્રતિભાશાળી ખેલાડીની મદદે આ સમયે દિગ્ગજ ખેલાડી ધનરાજ પિલ્લે આવ્યો. તેણે અને કોચ જોકિમ કાર્વાલ્હોએ તેને આગળ વધવામાં મદદ કરી અને તેમના પ્રયાસોથી લલીતને એર ઈન્ડિયામાં સ્થાન મળ્યું અને તેની આર્થિક હાલતમાં સુધારો થયો. સ્ટિંગ ઓપરેશનની ઘટનાના છ વર્ષ બાદ આખરે ૨૨ વર્ષની ઉંમરે
તેને ભારતીય ટીમ તરફથી પહેલીવાર સીનિયર ટીમની જર્સી પહેરવાની તક મળી. ત્યારથી લઈને આ જ દિન સુધી તેણે ક્યારેય પાછું વળીને જોયું જ નથી.
વૈશ્વિક હોકીમાં આગવું સ્થાન ધરાવનારો લલીત હજુ પણ તેના બાળપણના સંઘર્ષને ભૂલ્યો નથી. આજે પણ તે તેની હોકીના કૌશલ્યને નિખારનારા કરમપુર તેમજ અન્ય સ્થળોએ જરુરિયાતમંદ બાળકો-યુવાનોને હોકી સ્ટીક્સ, ટીશર્ટ અને શૂઝ વગેરે જેવી ચીજવસ્તુઓ પોતાના ખર્ચે પૂરી પાડતો રહે છે. લલીત કહે છે કે, એક હોકીસ્ટીક કે શૂઝની કિંમત શું હોય છે, તેની મને ખબર છે. મારે જ્યારે જરુર હતી, ત્યારે મને ઉપરવાળાએ તે પુરી પાડી હતી અને તેના થકી જ આજે હું અહીં સુધી પહોંચી શક્યો છું. હવે મારો વારો છે, મારે મારી રમતને કંઈક પાછું આપવું છે. નાનકડી આંખોમાં ઉછરતાં સપનાના શ્વાસ ક્યાંક આર્થિક મુશ્કેલીના અભાવમાં રુંધાઈ ન જાય તેવો પ્રયાસ કરવો તેે મારી ફરજ છે.









