ખુદ કે ટુકડે ટુકડે કર કે, કર બૈઠે બંટવારે લોગ ખુદ કી સારી ખુશિયાં બેચ, લે આયે હૈં નારે લોગ

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- ફ્લોપ 'ધ બેન્ગાલ ફાઈલ્સ'માં ગાંધીજીને જે રીતે બતાવાયા છે એ ફાંકા છે કે ફેક્ટ? ખરેખર એ સમયે ગાંધીજીની ટ્રુ સ્ટોરી શું હતી?
'....૨૦૪૭ (કે ભવિષ્યમાં) એક મારો છોકરો ભારતનો પહેલો માઈનોરિટી પ્રાઈમ મિનિસ્ટર બનશે.'
સાડા ત્રણ કલાકની ભારેખમ ને ઇન્ટરવલ ટ્રેલર્સ ગણો તો ચાર કલાકનો જે.પી. દત્તાની એલઓસી જેવો પૂરી કે ધારી અસર ના કરતો પથારો બની હોઈને બોક્સ ઓફિસ પર ધબડકો બની ગયેલી બેન્ગાલ ફાઈલ્સમાં શાશ્વત ચેટરજીએ બખૂબી ભજવી બતાવેલું મુસ્લિમ વિલનનું પાત્ર આ ડાયલોગ બોલે છે. અહીં ડાયલોગમાં શબ્દ મુસ્લિમ ખુલીને લખાયો બોલાયો હોત તો બરાબર છે. પણ પહેલા લઘુમતી ( માઈનોરિટી ) વડાપ્રધાન જેવી વાતમાં જ ગોથું છે.
પિતા ફિરોઝ ગાંધી પારસી (હા, મુસ્લિમ નહિ, શુદ્ધ પુરેપુરા પારસી, રાહુલ ગાંધીને એ નાતે ખરેખર તો ગુજરાતી બોલતા આવડવું જોઈએ દાદાના નાતે એવા પાક્કા પારસી) હોઈને ટેકનીકલી એમની અટક ધરાવતા રાજીવ ગાંધી પૈતૃક વારસો લાગુ કરો તો ભારતના પહેલા માઈનોરિટી પીએમ ગણાય ! પણ આ ના સ્વીકારવું હોય તો પુરાં ૧૦ વર્ષ સુધી બધાને યાદ રહે એમ ભારતના પહેલા માઈનોરિટી પીએમ મનમોહનસિંહ પૂરી બે ટર્મ માટે શીખ પાઘડી પહેરીને રહ્યા હતા એ યાદ ના આવે? આવા માત્ર ભય પેદા કરવા મુકાયેલા નેરેટીવ પછી વિવેકભાઈ અગ્નિહોત્રીનો ૧૮,૦૦૦ પાનાંનો રિસર્ચ કેવો હશે એ પોલ તો ખુલી જાય છે. આઝાદી સમયે પ્રેમ કરી શકે એવી સોળેક વર્ષની તરુણી દેખાડાયેલી (સિમરનનો મિથુનપુત્ર નિમોશી જેવો જ સુંદર અભિનય) ભારતની આઝાદી પછીના ૭૮ વર્ષે ૯૫ વર્ષની હોય પણ એવું તો પલ્લવી જોશીના લૂકમાં લાગતું નથી. જવા દો.
કબૂલ, એમણે બંગાળમાં મુસ્લિમો દ્વારા ડાયરેક્ટ એક્શન ડેના નામે શેતાન સુહરાવર્દીની સરકારી રહેમનજર નીચે મુસ્લિમો દ્વારા થયેલી ક્રૂર હિંદુ કત્લેઆમ બતાવી જે પણ મેઈન સ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં પહેલી વાર તો નથી. કમલ હસનની 'હે રામ' ફિલ્મનો મુખ્ય મુદ્દો જ આ હતો. રાણી મુખર્જીએ એમાં એના પાત્રની ક્રૂર રીતે રહેંસાઈ જતી બંગાળી હિંદુ પત્નીનો રોલ કર્યો હતો. ફ્રીડમ એટ મિડનાઈટ જેવી વેબ સિરીઝ વધુ સંતુલિત ને સારી રીતે આ પ્રકરણ છેડે છે. જેમાં આપણા પ્રતિભાશાળી ગુજરાતી અભિનેતા ચિરાગ વોરા ગાંધી બને છે.
ઠીક છે, ફિલ્મ માટે કલ્પનાના રંગો જોઈએ. પણ ભયાનક હિંસાની લોંગ ટાઈમ ઈમ્પેક્ટ ઉભી કરવા માટે જે કલાત્મકતા જોઈએ, એ ઘટે છે. બીજા વિશ્વયુધ્ધમાં પણ એકતરફી નાઝી અત્યાચારોની રૃંવાડા ઉભી કરે એવી વ્યથાકથાઓ છે. પણ એવી જ ફિલ્મો યાદગાર રહી છે, જે એની હિંસાનું કવિતાની કક્ષાએ નિરૂપણ કરે. સેક્સ હોય કે વાયોલન્સ. બધું ખુલ્લેખુલ્લું બતાવો તો ગહેરી ચોટ ના રહે . ઉલટું ચીતરી ચડે, પણ અસર પેદા કરવા માટે બારીક કાંતવું પડે. ૧૯૮૬ - ૮૭માં દૂરદર્શનનો બંગાળી ભાસ્કર ઘોષના લીધે સુવર્ણયુગ હતો ત્યારે આવેલી સિરીયલ રાજ સે સ્વરાજ તક બાબતે એ આઈને જાણકારી નથી. પણ એમાં સદાશિવ અમરાપુરકર લોકમાન્ય તિલક બનેલા અને અનુપમ ખેર ગાંધીજી બનેલા એ નજરે જોયેલું છે. જુવાન ઉંમરે સારાંશની જેમ એ જામતા હતા એમાં, પણ અત્યારે ગાંધી તરીકે શારીરિક બાંધાને લીધે અનુપમ ખેર મિસફિટ લાગે છે, ને એમનો અભિનય ઓથેન્ટિક કરતા કેરિકેચર લાગે છે.
ને જાણી જોઇને એમની બાબતે તિરસ્કાર થાય એમ સિલેક્ટીવ સીન્સ ને લાઈન્સ એમને અપાઈ છે, જેથી આ ગાંધીજયંતીએ અને ગાંધી ટીકા કરતા પહેલા પણ ફરજીયાત વાંચવી જોઈએ એવી આત્મકથા 'સત્યના પ્રયોગો'ની પણ શતાબ્દી થવા આવી છે ત્યારે ગાંધીને ગાળો દેવાની ખંજવાળ ખાલી ખોપરીઓની પૂરી થાય! ફિલ્મમાં તો આખી ટાઈમલાઈન જ કલકત્તા કિલીન્ગ્સ અને શસ્ત્ર સમર્પણની ફેરવી નાખી છે. ડાયરેક્ટ એક્શન ડે ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના હતો એ તો ફિલ્મ કહે છે. પણ પછી તરત લુચ્ચાઈપૂર્વક ગોપાલ પાઠા, શસ્ત્ર સમર્પણ અને ગાંધીજીના કલકત્તામાં ઉપવાસ બતાવ્યા છે. એ બે ઘટના અલગ છે. એ ઉપવાસ, ્હદયપરિવર્તન, શસ્ત્ર સમર્પણ બધી ઘટનાઓ તો ભારતની આઝાદી સમયે ૧૯૪૭માં થયેલી. પણ ગોપાલ પાઠાના નામે ગાંધીજીને ભાંડવાનો મોકો ઉભો કરવા ટ્રુથ ટ્વીસ્ટ કરાયું છે. જેમ જિન્નાહ સાથેના સીન્સમાં ગાંધીજીની દલીલો પૂરી બતાવી નથી એમ જ !
ગોપાલ પાઠાનાં હયાત પૌત્ર શાંતનું મુખર્જીએ તો એમના દાદાને પાઠા યાને બકરાના કસાઈ કહીને ખોટું ચિત્રણ કરવા માટે રીતસર એફઆઈઆર કરી છે. (કેવો 'રિસર્ચ' થયો છે એની વધુ એક પોલખોલ !). અને એ ફરિયાદમાં નોંધ્યું છે કે મારા દાદા તો કલકત્તા શહેરના પ્રેમી હતા અને એમણે રમખાણોમાં ત્રસ્ત તમામ કલકત્તાનિવાસીઓની મદદ કરી હતી. જ્યાં નિર્દોષ મુસ્લિમો ભોગ બનતા હતા ત્યાં તેમની પણ ! આજે પણ એવા મુસ્લિમ પરિવારો એમને એ માટે યાદ કરે છે ! ફિલ્મમાં ગાંધીજી માટે ગમારગડબાઓને અરેરાટી છૂટે એ માટે બળાત્કારના ભોગ બનેલી સ્ત્રીએ આત્મહત્યા કરી લેવી એવી વાત મૂકી છે. ગાંધીજીને ક્વોટ કરવા હોય તો પુરા સંદર્ભો સમજવા પડે. એમની શૈલી પણ સમજવી પડે. આપણે ત્યાં સહજભાવે 'વહાલા ભાઈબંધ' કહીએ એનો અર્થ પશ્ચિમમાં ગે રિલેશન થઇ જાય એવા અન્યાય પણ ગાંધીજી સાથે થાય છે !
કિશોરલાલ મશરુવાળા સાથેના સંવાદમાં અમદાવાદ ખાતે ગાંધીજીએ છોકરીની કોઈ ગુંડો છેડતી કરે છે એ સમસ્યાના જવાબમાં ગભરાવાને બદલે પ્રતિકાર કરવાની શિખામણ આપીને 'એની છાતીમાં છરી મારી દેવાને પણ અહિંસક કૃત્ય જાહેર કરું' એવું કહ્યું એ ત્યાં હાજર નાનાભાઈ ભટ્ટે નોંધ્યું છે ! બંગાળના કોમી હુતાશન વખતે સ્ત્રીઓ પરના બળાત્કાર બાબતે મૂળ ગાંધીજીની વાત શું હતી ? એ પ્યારેલાલની પુર્ણાહુતિ જેવા પુસ્તકોમાં વેલ ડોકયુમેન્ટેડ છે. મૂળ ગાંધીજીએ સ્ત્રીઓ પર અત્યાચાર થયા એ માટે સ્થાનિક પુરુષોને ખખડાવેલા ! કે તમારા હોવા છતાં આમ સ્ત્રીઓએ ભાગવું રિબાવું કેમ પડે ? પછી એમણે ચોખવટથી એવું કહ્યું કે સ્ત્રીઓના શિયળ લૂંટાય (મતલબ રેપ એન્ડ વાયોલન્સ ) એ વખતે સ્ત્રી જો આવડે ને ફાવે તો હથિયારની લઈને મુકાબલો કરી શકે છે. પણ એ સમયે મોટા ભાગની પૂર્વ બંગાળની હિંદુ સ્ત્રીઓ તો ગરીબ ગૃહિણીઓ હતી એ ધ્યાનમાં લઈને એમણે કહ્યું કે આવું થાય એની સંભાવના તો ઓછી છે. તો પછી શું સ્ત્રીંઓએ બળાત્કારના ભોગ બનવા જાત સોંપી દેવી ? એ અર્થમાં ગાંધીજીએ આગળ કહ્યું કે એવી રીતે (હેવાનોના હાથે) ઈજ્જત લૂંટાય ને સ્ત્રી પોતાની જાતને બચાવી ના શકે એવા અત્યાચાર સહેવા એના કરતા તો જીભ કચરીને પ્રાણ દઈ દેવા સારા !
હવે ખબર પડે છે કે અધૂરા અર્ધસત્યોથી ગાંધીજીને કેવો અન્યાય કરે છે આજના ડીજીટલ ડેવિલ્સ? એ સમયના સામાજિક અભિગમ પણ આવા હતા. છતાં ગાંધીજીએ આગળ ચોખવટ પણ કરેલી કે 'સ્ત્રી પોતાની સુરક્ષા કરી શકે એવી બહાદૂર હોવી જોઈએ. પણ એ માટે એણે તૈયાર ને તાલીમબદ્ધ થવું પડે. જે સ્ત્રી મૃત્યુથી ડરતી નથી એની સાથે કોઈ બીવડાવીને દુષ્કૃત્ય કરી ના શકે. એટલે વિકલ્પ બે જ રહે છે : લડો ને મોતને માટે મનોમન તૈયાર રહો, અથવા લડયા વિના જ બીજા હાથ અડાડે એ પહેલા મોતને વહાલું કરો. હું તો બીજાની વાત કરી શકું પણ અભય તો (આત્મબલિદાન માટે) પણ જોઈએ. કાયરતા તો સૌથી મોટું પાપ છે !' બોલો, આવી વાત જૌહર માટે કહેવામાં આવે તો ને આવું પદ્માવત કે કસૂંબો જેવી ફિલ્મોના કલાઈમેક્સમાં દેખાડયું હોય તો પબ્લિક એને વીરતા ગણે, ને ગાંધી એવી શિખામણ ત્યારની વાસ્તવિક પરીસ્થિતિ ( સ્થિતિ સરકારના કાબૂમાં નહોતી ને સ્થાનિક તંત્ર પોલીસ સહીત મુસ્લિમ મવાલીઓને છાવરતું હતું ત્યારે) માત્ર બોલે, તો એમની અહિંસાને ફટકા મારી કાયરતા કહેવાય પુરા અભ્યાસ વિના !
બસ, ઈતિહાસ ફિલ્મો જોઇને ભણવાનો ના હોય. માત્ર રસ પડે તો આગળ વાંચવાનું હોય. ઈસ્ટર્ન કમાન્ડનો એક વિગતવાર લશ્કરી અહેવાલ, યુકેમાં આર્કાઈવ કરેલો છે. (ડબ્લ્યુ ઓ ૨૧૬/૬૬૨ ) અહેવાલ ૧૬ ઓગસ્ટનું વર્ણન કરે છે : 'પક્ષોના લોકોમાં ટાંગાવાળા, રિક્ષાવાળા, ચાની દુકાનવાળા, પાન બીડીવાળા, ગાડીવાળા, ગુંડાઓનો સમાવેશ થતો હતો. મધ્યરાત્રિએ આ ટોળાઓએ ઉત્તર કલકત્તાની ગલીઓ અને રસ્તાઓમાં સૌથી ભયંકર લડાઈઓ કરી. વિવેકાનંદ રોડ/સેન્ટ્રલ એવન્યુના આસપાસ, લગભગ ૫૦ હિન્દુ બિહારી રિક્ષાવાળાઓ એક બંધ ગલીમાં ફસાઈ ગયા અને તેમની હત્યા કરવામાં આવી. સેન્ટ્રલ એવન્યુ પર, મંદિરની આસપાસ, લગભગ ૩૦ મુસ્લિમોની હત્યા કરવામાં આવી.'
અર્થાત્, જ્યાં જેને મોકો મળ્યો એણે જે કમજોર લાગ્યા એને માર્યા. કલકત્તામાં સુહરાવર્દીએ સરકારનો સપોર્ટ મુસ્લિમોને આપ્યો બાકી ૧૯૪૧ની વસતિ ગણતરી મુજબ શહેરમાં ૭૩% હિંદુઓ હતા. અવિભાજિત બંગાળમાં મુસ્લિમોની બહુમતી હતી, જેમ કે નોઆખલી. એટલે પહેલા ગાફેલીયતમાં હિંસાથી ફફડી ઉઠેલા હતભાગી હિંદુઓ મોટી સંખ્યામાં મર્યા એ હકીકત છે. પણ પછી હિંદુઓ ને ખાસ તો લડાયક શીખોએ પણ વળતો જવાબ મક્કમ રહી આપેલો. એટલે કલકત્તામાં વળતી કત્લેઆમ મુસ્લિમોની પણ થયેલી. એમાં જ એના પ્રતિશોધ રૂપે હંમેશા થતું આવ્યું છે ધાર્મિક રમખાણોમાં એમ જ્યાં હિન્દુઓની વસતિ ઓછી હતી એવા નોઆખલીમાં હિંસા ભડકી. બેજવાબદારી ને દોંગાઈ ગાંધીજીની નહિ પણ સડેલ સુહરાવર્દીની હતી.
એ વખતે વાઈસરોયના સ્ટાફના સભ્ય એચ.વી. હડસને તેમના પુસ્તક 'ધ ગ્રેટ ડિવાઈડ'માં વિભાજનનું વિગતવાર વર્ણન કર્યું છે. 'કલકત્તામાં લીગ મંત્રીમંડળે, સુહરાવર્દીના નેતૃત્વ હેઠળ, જિન્નાહ કરતા વધુ આક્રમક વલણ અપનાવ્યું હતું, ૧૬ ઓગસ્ટને જાહેર રજા જાહેર કરી, જે સાંપ્રદાયિક ઉશ્કેરાટના સમયે ગીચ શહેરમાં અત્યંત જોખમી પગલું હતું. નિષ્ક્રિય હાથો માટે શેતાન કામ શોધી લે છે ! કલકત્તાના લગભગ તમામ મુસ્લિમો એકઠા થઈ ગયા. ખ્વાજા નઝીમુદ્દીન અને મુખ્યમંત્રી હુસૈન શહીદ સુહરાવર્દી જેવા નેતાઓના ભાષણોએ તણાવ વધાર્યો. ત્રણ દિવસમાં કલકત્તામાં લગભગ ૨૦,૦૦૦ લોકો માર્યા ગયા કે ગંભીર રીતે ઘાયલ થયા. આખી શેરીઓ મૃતદેહોથી ભરાઈ ગઈ - પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, તમામ સમુદાયોની લાશો! મઝહબી ઉન્માદમાં ચીસો પાડતા, મુસ્લિમ ટોળાઓ તેમની ઝૂંપડપટ્ટીઓમાંથી બહાર નીકળ્યા, હાથમાં લાકડીઓ, લોખંડના સળિયા, કોદાળીઓ, કોઈ પણ હથિયાર જે માનવ ખોપરી તોડી શકે. તેઓએ રસ્તામાં આવતા હિન્દુઓને નિર્દયતાથી મારીને ખૂંદી નાખ્યા અને તેમના અવશેષો શહેરની ખુલ્લી ગટરોમાં ભરી દીધા. પાછળથી હિન્દુ ટોળાઓ બહાર નીકળ્યા, નિર્બળ મુસ્લિમોને મારવા. કલકત્તા ગીધોનું શહેર બની ગયું.'
અને આ વખતે હજુ તો ભારત આઝાદ નહોતું. કેન્દ્ર સરકાર સંકેલો કરવાની બીજી માથાકૂટમાં હતી. ત્યારે જેને પરદેશી લેખકો ચમત્કાર કહે છે ને બ્રિટીશ વાઈસરોય 'વન મેન આર્મી' કહે છે એવા મોહનદાસ કરમચંદ ગાંધી એક મરદનું ફાડિયું હતા કે આજની જેવી કોઈ બુલેટપ્રૂફ સુરક્ષા વિના, ખુલ્લી છાતીએ વૃદ્ધાવસ્થામાં પણ લોકોના જીવ બચાવવા બંગાળ ગયા ! સુહરાવર્દીએ પલીતો ચાંપ્યો પણ આગ ઠારવા એણે ગાંધીજીના શરણે જવું પડયું. ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા પર લહેરાયો ત્યારે ગાંધી ત્યાં ફોટો પડાવવા માટે હાજર નહોતા. બંગાળમાં હતા. જે અઘટિત થયું એની બધી જવાબદારી ગાંધીની અહિંસા માથે ઢોળી દેવાની, એ સરકારમાં ના હોય ને જિન્નાહને સમજાવવા ગયા હોય ને ભાગલા બાબતે પોતાના કોંગ્રેસના સાથીઓની પણ વિરુદ્ધમાં ગયા હોય તો પણ ! પણ એમને લીધે જે ભારતનો નકશો બન્યો ને જે લોકો કોઈ લશ્કરી સહાય વિના માત્ર એમના વ્યક્તિગત પ્રભાવથી શાંત પાડીને બચ્યા એ માટે ગાંધીનો આભાર નહિ માનવાનો !
યાદ રહે કે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્ય મથક બંગાળમાં આ હિંદુ મુસ્લિમ વૈમનસ્યની સમસ્યા ગાંધી ભારત આવી આઝાદીની લડતમાં જોડાયા એ પહેલાની હતી.
ભૂલી ગયા લોર્ડ કર્ઝનના બંગાળના ભાગલાની યોજના ? અને અંગ્રેજોએ મુસ્લિમોને કાયમ પોતાના રાજ માટે ચડાવ્યા હતા વીસમી સદીના પહેલા દાયકાથી ૧૮૫૭ની એકતા દાઢે રાખીને! કલકત્તા સાંપ્રદાયિકતા અને રાજકારણનું કેન્દ્ર હતું, જ્યાં મુસ્લિમ લીગના વધતા પ્રભાવે સમાજને વિભાજિત કર્યો હતો. ભગતસિંહની ફાંસી વાળી તારીખ (સાલ નહિ) ૨૩ માર્ચ, ૧૯૪૦ના રોજ, બંગાળના ફઝલુલ હક મુસ્લિમ લીગની વાર્ષિક બેઠકમાં લાહોર પહોંચ્યા, જ્યાં જિન્નાહે એમના સ્વાગતમાં કહ્યું : 'જ્યારે સિંહ આવે, ત્યારે ઘેટું રસ્તો આપે.' કૃષક સમાજ પાર્ટીના સ્થાપક અને લીગના પૂર્વ પ્રમુખ હકે તે દિવસે લાહોર ઠરાવ રજૂ કરીને બ્રિટિશ ઇન્ડિયાના મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશોમાં સ્વાયત્ત અને સાર્વભૌમ રાજ્યોની માંગ કરી, જે પાકિસ્તાનની માંગનો પાયો બન્યો.
પણ એ જાણો છો કે ડિસેમ્બર ૧૯૪૧માં, આ હકે કોના સમર્થનથી બંગાળમાં પ્રાંતિક સરકાર બનાવેલી ? ગોડસે જેનો સભ્ય હતો એ હિન્દુ મહાસભાના સમર્થનથી ! બંગાળમાં પ્રગતિશીલ ગઠબંધન સરકાર બની ત્યારે કોંગ્રેેસ અન્ય ઘણી જગ્યાએ જીતેલી પણ બંગાળમાં આજની જેમ હારેલી. ત્યારે બંગાળ સરકારમાં જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી મુસ્લિમો સાથે જોડાઈને નાણામંત્રી બન્યા હતા ! અને એ હક-શ્યામા સરકારના નામે ઓળખાતા બંગાળ મંત્રીમંડળે અંગ્રેજો સામે ગાંધીજીએ શરુ કરેલી ભારત છોડો (કવિટ ઇન્ડિયા) ચળવળનો લેખિત વિરોધ વારંવાર કર્યો ! વાંચી લેજો ૨૬ જુલાઈ, ૧૯૪૨ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીનો પત્ર !
૧૫મી એપ્રિલ ૧૯૪૬ના રોજ કલકત્તા નજીક તારકેશ્વરમાં હિંદુ મહાસભાની બેઠક મળેલી. તેમાં સાવરકરની હાજરીમાં ઠરાવ કરીને બંગાળના વિભાજન અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હિંદુ મહાસભાના અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીને અપાયેલો. મે મહિનામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખ્યો હતો કે 'ભારતનું વિભાજન થાય કે ન થાય, પણ બંગાળનું વિભાજન થવું જોઈએ. હિંદુઓ અને હિંદુ બહુમતી વિસ્તારો પર મુસલમાનો રાજ કરે એ અમને સ્વીકાર્ય નથી.' સુભાષચંદ્ર બોઝના ભાઈ શરદચન્દ્ર બોઝ અને સુહરાવર્દીએ પ્રસ્તાવ રાખ્યો હતો કે પશ્ચિમે પાકિસ્તાનની જેમ પૂર્વ જો સંયુક્ત બંગાળને સ્વતંત્ર દેશ (બાંગ્લાદેશ ને પૂર્વ પાકિસ્તાન જેવો અલાયદો દેશ ! કાશ્મીરી અલગાવવાદી જેવી જ માંગ) તરીકે સ્થાપવામાં આવે તો અમે એટલે કે બંગાળી હિંદુ અને બંગાળી મુસલમાન સાથે રહેવા તૈયાર છીએ. શ્યામાપ્રસાદ મુખર્જીએ મુસ્લિમો સાથે હિંદુઓ રહે એ અસ્વીકાર્ય હોઈને પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો ! વિભાજનના મૂળમાં રહેલી હિંદુ મુસ્લિમ સાથે રહી શકે નહિ એવી જિન્નાહની ટુ નેશન થિયરીનું જ એ હિંદુ સમર્થન હતું. પણ બેઉ ધર્મ સાથે રહી શકે એવું માનીને એ દિશામાં પહેલેથી પ્રયાસ કરતી એક જ આડખીલી હતી વિભાજન રોકતી : ગોળ ચશ્માવાળો પોતડી પહેરીને ફરતો બોખો ડોસો. જેને એનું કર્યું કારવ્યું બધું ભૂલીને એક પેઢી કશું સમજ્યા વગર જશને માથે જૂતિયાં મારીને ગુનેગાર ઠેરવવાની હતી !
અત્યારે તો સમજવા જેવું એ છે કે મુસ્લિમ લીગ, અંગ્રેજો કે હિંદુ મહાસભા કોઈને વિભાજનમાં વસતિ સ્થળાંતર ને અને કોમવાદી લોકલાગણી ભડકાવ્યા પછી મુસ્લિમ વિસ્તારમાં લઘુમતી થઇ ગયેલા હિન્દુઓની કે હિંદુ-શીખ બહુમતી વિસ્તારમાં લઘુમતી રહેલા મુસ્લિમોની ચિંતા નહોતી. એ દર્દ ને એ જોખમ માત્ર ગાંધી સમજ્યા હતા. જે ગાંધીજીની અહિંસાને નામર્દાઈમાં આજકાલ ઉગ્ર હિન્દુત્વવાદીઓ ખપાવે છે, એમણે અગ્નિહોત્રીઓ અને કંગનાઓ કરતા વધુ રિસર્ચ કરીને શોધવું જોઈએ કે નોઆખલીમાં મુસ્લિમો નાં હાથે હિંદુઓ કપાતા બળતા હતા ત્યારે કયો રાષ્ટ્રીય કે રાજ્ય કક્ષાનો કયો હિન્દુ હિતરક્ષક અગ્રણી કોઈ રસાલા કે ફોજ વગર એકલો ત્યાં જય સનાતન કે રાષ્ટ્રહિત સર્વોપરીના ઝંડા ફરકાવતો ગયેલો ? લડવાની તો વાત જ નથી. માત્ર જવાની વાત છે. ત્યાં કોઈ સાવરકર, કોઈ આંબેડકર, કોઈ સરદાર કે નેહરુ પણ નહોતા ગયા. ગયો હતો આંસુ લુછવા ને શાંતિ સ્થાપવા આઝાદીનો ઉત્સવ મુકી એકલો એમ.કે.ગાંધી !
એ બિહારમાં મુસ્લિમો વધુ મર્યા ત્યાં પણ ગયેલા, સુહરાવર્દીએ આક્ષેપ મુકેલો કે ગાંધી નોઆખલી હિંદુઓ માટે પક્ષપાત રાખીને જાય છે. છતાં અડગ રહી ગાંધીજી ત્યાં આગ વચ્ચે રહ્યા. રમેશ ઓઝાએ નોંધેલું કે 'નોઆખલીમાં ગામેગામ શાંતિસમિતિ રચવાનો પ્રસ્તાવ આવ્યો અને હિંદુ અને મુસલમાન એમ બન્ને કોમની બેઠક બોલાવવાનું નક્કી થયું ત્યારે બેઠક માટે કલકત્તાથી ગયેલા હિંદુ મહાસભાના નેતાઓએ દલીલ કરી કે મહાત્માજી અત્યારે શાંતિસમિતિ રચવાનો કોઈ અર્થ નથી. વગદાર અને ભદ્ર હિંદુઓ તો નોઆખલી છોડીને જતા રહ્યા છે. જે પાછળ રહ્યા છે એ ગરીબ વંચિત નામશુદ્ર જેવી પછાત જાતિની પરચુરણ પ્રજા છે. ગાંધીજીએ કહ્યું કે 'જે પોતાનાં ભાંડુઓને દુ:ખની ગર્તામાં ભગવાન ભરોસે છોડીને ભાગી ગયા હોય એ હોય તો પણ શા કામના? એ તો જીવતા મુઆ ગણાય. એને નેતા કહેવાય?' ગાંધીજીએ કહેવાતી પરચુરણ પ્રજાને પ્રજાકીય નેતૃત્વ આપ્યું હતું. સ્થાનિક બંગાળી મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ અમલદારોની આંખમાં આંખ પરોવીને વાત કરતા તેમણે એ પરચુરણ પ્રજાને શીખવ્યું હતું! ગાંધીજીએ નોઆખલીના પોલીસવડાને લોકોની હાજરીમાં મોઢામોઢ કહ્યું હતું કે જો ઇસ્લામનો અર્થ શાંતિ અને ન્યાય થતો હોય તો તમે સાચા મુસલમાન નથી. શું તમારો ધર્મ તમને પક્ષપાત કરવાનું અને ફરજ પ્રત્યે આંખ આડા કાન કરવાનું શીખવે છે?'
લાંબુ જોતા ગાંધીને તો ભારતમાં પગ મુકીને સમજાઈ ગયેલું કે સ્વરાજ વખતે હિંદુ મુસ્લિમ સહઅસ્તિત્વનો સવાલ આવશે. એ ખાળવા ખિલાફત જેવા મુદ્દે વધુ નમીને પણ એમની મથામણ બેઉ ધર્મ વચ્ચે સુમેળ કરાવવાની રહેલી. જિન્નાહ એમને સનાતની હિંદુ માનતા ને સાવરકર મુસ્લિમપરસ્ત. હતા એ મહાત્મા સનાતન ભારતપરસ્ત. એ દેશ બચાવવા એમનાથી થયું એટલું કરી છૂટયા. બાકી બ્રિટીશ ઇન્ડિયા ને રજવાડાઓના, દલિત સવર્ણ અને હિંદુ મુસ્લિમ સંઘર્ષના લીધે વચ્ચે અનેક નાનકડા દેશો હોત આજના આપણા આત્મનિર્ભર નકશાને બદલે ! ( શીર્ષક : અશોકકુમાર પાંડે)
ફાસ્ટ ફોરવર્ડ
નોઆખલીમાં ગાંધીજીએ નિર્મલકુમાર બોઝ નામના એક નૃવંશશાસ્ત્રીને ટ્રાન્સલેટર તરીકે બોલાવેલા. એ ત્યાં આવ્યા પણ ત્યાં ઘણા બંગાળીઓને જોઈ થયું કે મારી જરૂર નથી, તો મળ્યા વિના ત્યાં સતીશચન્દ્ર દાસગુપ્તાને કહીને પાછા ગયા. એ કલકત્તા પહોંચ્યા ત્યારે ગાંધીજીનો ટેલીગ્રામ પડયો હતો પાછા આવવાનો ! નિર્મલ બોઝ નોઆખલી પાછા ગયા ત્યારે ગાંધીજીએ તેમને કહ્યું કે 'દુભાષિયાનું કામ કરનાર તો ઘણા છે, પણ મારે એ જાણવું છે કે સીધાસાદા માણસના ચિત્તમાં હિંસા ઉદ્ભવે છે કઈ રીતે અને તે હિંસા આચરણમાં ઉતરે છે કઈ રીતે? પ્રજાની અંદર ધાર્મિક વિભાજન કરનારા તેનો કઈ રીતે ઉપયોગ કરે છે ? તમારે મસ્જીદોમાં થતા મૌલવીઓનાં ભડકાઉ ભાષણો, સ્થાનિક નેતાઓનાં ભાષણો, નનામા ચોપાનિયાં, પોસ્ટરો વગેરે અનુવાદો મારા માટે કરવાના છે. માનવચિત્તમાં હિંસા અને દ્વેષ બહુ ઊંડે સુધી ધરબાયેલાં પડયાં છે !'








