એક સો રૂપિયા .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
ઇ વાન બુનિન (૧૮૭૦-૧૯૫૩) સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનારા પહેલા રશિયન હતા. તેઓ વાસ્તવવાદ માટે જાણીતા છે. તેમની ટૂંકી વાર્તા 'એક સો રૂપિયા'નો સુરેશ જોષીએ કરેલો અનુવાદ, સંક્ષેપમાં જોઈએ. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં, વાર્તાનાયકના મુખે કહેવાઈ છે.
વાર્તા :
'તે વખતે હું જૂની ડચ ઢબની બાંધણીની એક હોટેલમાં ઊતર્યોે હતો. ચારે બાજુ નારિયેળીનાં ઝાડ, પાસે દરિયાકિનારો.એક સવારે હોટેલના ચોકમાં મારી નજર એના પર પડી. એ એક નેતરની ખુરશી પર આરામથી શરીર લંબાવીને બેસતી, અર્ધી સૂતેલી હાથમાંનો તાડનાં છટિયાંનો પંખો ધીમે હલાવતી એમ ને એમ પડી રહેતી; એની ધીમે ધીમે ફરકતી લાંબી અદ્ભુત પાંપણો કાળા મખમલની જેમ આછો તરલ ચળકાટ ફેલાવતી. એની સુદ્રઢ છતાં નાજુક, કોફીના જેવો રંગ ધારણ કરનારી કાયા ખભા અને હાથથી માંડીને તે વક્ષ:સ્થળ સુધી નગ્ન હતી; એના પગ ઘૂંટણ સુધી ખુલ્લા હતા; સાથળથી તે કમર સુધીનો ભાગ ખૂલતા લીલા રંગના કટિવસ્ત્રમાં વીંટળાયેલો હતો. નાનકડા પગની આંગળીના નખ રંગેલા હતા. કાનની લાળીએ સોનાનાં પોલાં લટકણિયાં ઝૂલી રહ્યાં હતાં. એની પાંપણો માન્યામાં ન આવે એટલી લાંબી ને અદ્ભુત હતી. એ ફરકે ત્યારે હિંદુસ્તાનનાં અનુપમ ફૂલો પર ભમતાં સોહામણાં પતંગિયાંનું દ્રશ્ય ખડું થતું. એ કોઈ નક્ષત્રલોકમાંથી પૃથ્વી પર ઊતરી આવી હોય એવું લાગતું હતું. પતંગિયાની સૂંઢની જેમ એની મખમલ જેવી આંખની પાંપણને એ ધીમે ધીમે ઊંચીનીચી કરતી, પંખાને લયપૂર્વક હલાવતી, બિલકુલ શાંત બનીને પડી રહેતી.'
'એક દિવસ હોટેલ આગળ રિક્ષા આવી. શહેરમાં ફરવા જવા માટે હું એમાં બેસવા જતો હતો, ત્યાં પેલી યુવતીનો નોકર સામે મળ્યો. અદબથી ઝૂકીને એ ધીમે અવાજે બોલ્યો, 'સો રૂપિયા, સાહેબ!'
વાર્તા વિશે:
ડચ બાંધણીની હોટેલ, નારિયેળીનાં ઝાડ, દરિયાકિનારો- આટલું વાંચતાં જ લાગે કે કશુંક રોમેન્ટિક બનવાનું છે. વાર્તાના કેંદ્રમાં જે યુવતી છે તેનાં અંગોપાંગનું વર્ણન બારીકાઈથી કરાયું છે. શબ્દો એવા પસંદ કરાયા છે કે શૃંગારનો ભાવ જાગ્રત થાય- અદ્ભુત પાંપણો, નાજુક કાયા, તેનો રંગ, ખભો, હાથ, વક્ષ:સ્થળ, નગ્ન, પગ, ઘૂંટણ, ખુલ્લા, સાથળ, કમર, ખૂલતા, કટિવસ્ત્ર, નખ... લેખક યુવતીની જાતીયતા તરફ આપણું ધ્યાન ખેંચે છે. યુવતી સુંદર હતી એમ કહેવાયું છે- મખમલ જેવી પાંપણોનો તરલ ચળકાટ, અનુપમ ફૂલો જેવી આંખો, નક્ષત્રલોકથી ઊતરી આવ્યું હોય તેવું રૂપ. આવાં વર્ણનોથી યુવતી વિશે તો જાણવા મળે જ છે, સાથોસાથ વાર્તાનાયક વિશે પણ જાણવા મળે છે- તે વરણાગી હશે, યુવતીને ટગર ટગર જોતો હશે, નહિતર આટલાં ઝીણાં નિરીક્ષણ ન કરી શકે! પાંપણ માન્યામાં ન આવે તેટલી લાંબી હતી- કદાચ બનાવટી પાંપણ પહેરી હશે. યુવતી હોટેલના ચોકમાં નેતરની ખુરશી પર શરીર લંબાવીને પડી રહેતી. કાં તો 'સન બેધિંગ' કરતી હશે, કાં તો પછી વાર્તાને અંતે ઘટસ્ફોટ થવાનો છે, તે કારણ હશે.
વાર્તાનાયક યુવતીના સૌદર્યથી અભિભૂત થઈ ચૂક્યો છે, ત્યારે જ પેલીનો નોકર આવીને ભાવતાલ જણાવી જાય છે, 'સો રૂપિયા.' વાર્તાનાયકને છેક ત્યારે સમજાય છે કે પેલી તો ગણિકા છે! આમ વાર્તાને પૂંછડે ડંખ છે. સુરેશ જોષી ટકોર કરી લે છે કે 'ચમત્કૃતિને ચાતુરીમાં સરી પડતાં વાર નથી લાગતી, આ પ્રકારની રચનાઓનું આ એક મોટું ભયસ્થાન છે.'
શરીર માત્ર સાધન છે. મોહથી ગતિ કરીને પ્રેમ સુધી પહોંચી શકાય છે. હસ્તીમલ હસ્તી કહે છે :
જિસ્મ કી બાત નહીં થી
ઉનકે દિલ તક જાના થા
લંબી દૂરી તય કરને મેં
વક્ત તો લગતા હૈ
યુવતી પાસે બે વિકલ્પ હતા. દેહસૌંદર્યથી પ્રેમની પ્રાપ્તિ કરે, અથવા તેના વડે ધનપ્રાપ્તિ કરે. તેણે બીજો વિકલ્પ સ્વીકાર્યો. લેખક ઉપદેશ નથી આપતા પણ બન્ને શક્યતા દર્શાવીને અટકી જાય છે. સિતારના તૂંબડા પર કેલેંડર ટિંગાડી શકાય, તેના તારેતાર છૂટા કરી તેની પર લૂગડાં સૂકવી શકાય. પણ સિતારનું સર્જન તો અલૌકિક સૂરો રેલાવવા માટે થયું છે.
સહેજે યાદ આવી જાય ફણીશ્વરનાથ રેણુની વાર્તા 'મારે ગયે ગુલફામ.' હિરામન નામના ચાળીસ વર્ષના અપરિણિત, ભલાભોળા બળદગાડીવાળાને કોઈ સ્ત્રીને મેળામાં લઈ જવાની સવારી મળે છે. સ્ત્રી કે ચંપાનું ફૂલ? ગાડી મહેક-મહેક થાય છે! સ્ત્રીનું નામ હીરાબાઈ. તે પાણી પીવા ઊતરી ત્યારે હિરામન તેના તકિયાને સ્પર્શ્યો. પાંચ ચલમ ગાંજો સામટો પીધો હોય તેવો કેફ ચડી ગયો. બાળકો પરદાવાળું ગાડું જોઈને ગાતાં ગાતાં સાથે દોડયાં, 'લાલી-લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા...' હિરામનને પોતાનું સપનું પૂરું થતું લાગ્યું. સ્ત્રીને મેળામાં મૂકવાની હતી. હીરાબાઈ તો નર્તકી નીકળી. હિરામન તેની રજૂઆત જોવા ગયો. હીરાબાઈએ લટકાંમટકાં સાથે નાચવું શરૂ કર્યું. ભીડમાંથી કેટલાંક 'રંડી'ને વખાણવા માંડયા. આવી ભાષા હિરામન સહી ન શક્યો. પેલાઓ વિફર્યા, 'કેમ 'લ્યા, તું એનો ભડવો છે?' હિરામન સૌને પીટવા માંડયો.
પ્રેમનું પુષ્પક પૃથ્વી પર પટકાય ત્યારે બહુ તકલીફ થાય.








