Magazines

એર ઇન્ડિઆ 171 ડ્રીમ લાઇનરના પાયલટ નિષ્ફળ કે સિસ્ટમ?

By GS TEAM
26 Jul 20253 mins read
એર ઇન્ડિઆ 171 ડ્રીમ લાઇનરના પાયલટ નિષ્ફળ કે સિસ્ટમ?

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

એ ર ઈન્ડિઆ ૧૭૧ ડ્રીમલાઇનરના અકસ્માતના કારણો જાણવા સૌ કોઈ ઉત્સુક છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસમેન્ટ બ્યુરો (AAIB) એ તેનો પ્રથમ રિપોર્ટ ૩૦ દિવસમાં આપી દીધો છે. આ રિપોર્ટ પ્રાયમરી છે એટલે તે નિર્ણાયક ના કહેવાય.

આ રિપોર્ટમાં એવી વસ્તુ પ્રથમ હોવી જોઈએ જેનાથી તમામ પાયલોટ એ બાબતે ગંભીરતા સેવી જાગૃત થઈ જાય પરંતુ એમાં રિપોર્ટર કહે છે ''આ તબક્કાએ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આપણે એટલું જાણીએ છીએ કે ટેઇક-ઓફ કર્યાની ત્રણ સેકન્ડમાં બન્ને એંજિનને બળતણ મળતું બંધ થઈ જાય છે. બે શક્યતાઓ છે. પાયલોટ બે એંજિનની બે સ્વીચ બંધ કરે છે અથવા સ્વીચ ખામીકારક છે.''

૬૫૦ ફિટ પર પાયલોટ જાતે સ્વીચ બંધ કરે એ તો આત્મઘાતી વાત થઈ ! આવું કોણ માને ? પણ આવું માનનારો વર્ગ છે એ જુદી વાત છે.

કમનસીબે AAIBનો આ રિપોર્ટ પાઇલોટ તરફ ઈશારો કરે છે તેમના કહેવા પ્રમાણે એક પાયલોટ બીજાને પુછે છે ''કેમ તે સ્વિચો બંધ કરી છે અને બીજો ઉત્તર આપે છે કે એણે બંધ નથી કરી...'' અહીં પાયલોટના ચોક્કસ શબ્દો શું હતા ? કોણ કોને પૂછે છે ? કેવી સ્વસ્થતાથી પૂછે છે ? શું શક્યતાની રીતે પૂછે છે ? ગભરાતાં ગભરાતાં પૂછે છે ? આ બધા પ્રશ્નો ઉત્તર વિનાના છે. ઈન્વેસ્ટીગેશન બ્યુરોના રિપોર્ટરો એ આગળ પાછળના સંવાદો જણાવ્યા નથી. આ બે વાક્યો ઊંચકીને મુકી દીધા છે. શું આ પાયલોટનું અપમાન ના કહેવાય ? શું પાયલોટ હવે જવાબ આપી શકવાના છે? વાસ્તવમાં બ્યુરોએ આ તપાસમાં એરલાઇનના સક્રીય પાયલોટને સાથે રાખવા જોઈએ. નિષ્ણાતોને આ તપાસ વિચિત્ર લાગે છે. તેમના મતે અકસ્માતની તપાસ વધુ ઉંડાણથી થવી જોઈએ. નિષ્ણાંત સિનિઅર પાયલોટોના મતે આ સ્વિચ ઉંચકીને ગોઠવવી પડે છે. આવું તેઓ શા માટે કરે ? કેટલાંક નિષ્ણાત જેઓ હજારો નોટીકલ માઇલની ઉડાનના અનુભવે કહે છે કે ઉડાન પહેલાં કોન્ફીગ્યુરેશન ગોઠવાય એટલે બધુ બરાબર ગોઠવાય જાય છે. આટલા બહોળા અનુભવી પાયલોટની ભૂલ છે એવી ધારણા ભયજનક છે. પ્રસ્તુત વિમાનનો પાયલોટ અનુભવી જ નહિ પણ સર્ટિફાઈડ ટ્રેઇનર છે તે નવા પાયલોટને તાલીમ આપે છે. ટેકનીક સમજાવે છે. અસાધારણ સંજોગોમાં વિમાનને અંકુશમાં રાખવાની ટેકનીક સમજાવે છે.

ઘણાં લોકો પાયલોટની માનસિક અવસ્થા વિશે શંકા કરે છે પરંતુ પાયલોટ ટ્રેઇનર બને તે પહેલાં તેનું સાયકોલોજીકલ સ્ક્રિનિંગ થઈ ગયું હોય છે. નિર્ણય લેવા માટે, તનાવને કાબુમાં રાખવા માટે અને મેન્ટલ ફિટનેસ માટે તે તૈયાર હોય છે.

બ્યુરો રિપોર્ટ પ્રમાણે પાયલોટે ૧૦ સેકન્ડ પછી એંજિન સ્ટાર્ટ કરવાની કોશિસ પણ કરી હતી પરંતુ વિમાન નીચાઈ પર હતું અને ફરી ગતિ પ્રાપ્ત કરવા માટે ધીમું હતું.

૧૨ જૂનના સીસીટીવી ફૂટેજમાં વિમાનમાંથી 'રામ એર ટર્બાઇન' બહાર પોપઅપ થયેલું દેખાય છે. એંજિન બંધ થયા પછી થોડીવારે તે બળ આપવા બહાર આવે છે. આનો અર્થ એવો થાય કે એંજિન બતાવેલા સમય પહેલાં બંધ થયું હશે તો સાચુ કોણ ? કેમેરો કે ટાઇમ લાઇન ? વળી ટેઇક ઓફ માટે વિમાન રનવે પર સામાન્ય કરતાં વધુ અંતર કાપે છે અને ધૂળ ઊંડે ત્યાં સુધી પહોંચેલું દેખાય છે તો શું આ સિસ્ટમનો પ્રશ્ન નથી લાગતો ?

બ્યુરોના રિપોર્ટમાં ફૂલ સ્ક્રિપ્ટ હોવી જોઈએ તેમણે આસપાસની સિસ્ટમ જાણી સમજવું જોઈએ કે પહેલાં સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. આપણે એ જાણવું છે કે શા માટે બન્ને એંજિનો નિષ્ફળ રહ્યા?  ઉત્તર ફાયનલ રિપોર્ટમાંથી મળશે એવી આશા.