Magazines

વલ્લભભાઈના ટૂંકા લગ્નગાળે પણ ઝવેરબાનો સમર્પણભાવ અનન્ય

By GS TEAM
26 Jul 20253 mins read
વલ્લભભાઈના ટૂંકા લગ્નગાળે પણ ઝવેરબાનો સમર્પણભાવ અનન્ય

- સરદાર @150-હસિત મહેતા

- આખાબોલા, કડવાં વેણને ત્વરિત બોલી શક્તાં વલ્લભભાઈએ કદી પત્નીના સહવાસ વિશે, એ સહવાસ દરમ્યાનની કોઈ કડવાશ વિશે કાંઈ જ કહ્યું નથી

ઝ વેરબા વલ્લભભાઈ સાથે પરણ્યાં તો હતા પોતાની બાર-તેર વર્ષની ઉંમરે. પરંતુ એમનું રીતસરનું લગ્નજીવન શરૂ થયું અઢારમે વર્ષે, ગોધરા ગામે, વલ્લભભાઈએ વકીલાતની શરૂઆત કરી ત્યારે.

વલ્લભભાઈનું આ લગ્નજીવન ભલે થોડું મોડું, પોતાના પચ્ચીસમાં વર્ષે શરું થયું, પરંતુ એ ગૃહસંસાર માટેની જવાબદારી, એ જવાબદારીની તાલાવેલી, એ તાલાવેલી પાછળ લગ્નજીવનનો આરંભ કરવાની સૂક્કી-વણકહી લાગણીનો આંતરસ્ત્રોત તેમનામાં વહ્યાં જ કરતો હતો. અન્યથા મેટ્રિક પાસ થયા પછી કૉલેજના વર્ષોનો લાંબો રસ્તો છોડીને ડિસ્ટ્રિકટ પ્લીડરના ટૂંકા રસ્તે વકીલાતનો આરંભ કરી દેવાની દોડ તેમણે માંડી ન હોત. તેમના એ નિર્ણય પાછળ વહેલા કમાઈને, ઘરની જવાબદારીમાં ભાગીદાર બનીને, ગૃહસંસારને પાટા ઉપર ચઢાવીને, ગોધરામાં પત્ની સાથેના લગ્નજીવનનો આરંભ કરવાની તાલાવેલી તો ખરી જ.

કહેવાયું છે કે ઝવેરબા તદ્દન અભણ હતા. પરંતુ સ્વભાવે શાંત, પરગજુ અને પ્રેમાળ. કદાચ એટલે જે વલ્લભ-ઝવેરબાના ટૂંકા લગ્નગાળે પરસ્પરના સુખાનુભવમાં કોઈ બાધા આવી હોય, એવું જાણમાં નથી. આખાબોલા, કડવાં વેણને ત્વરિત બોલી શક્તાં વલ્લભભાઈએ કદી પત્નીના સહવાસ વિશે, એ સહવાસ દરમ્યાનની કોઈ કડવાશ વિશે કાંઈ જ કહ્યું નથી.

વલ્લભભાઈ કરમસદના. આ કરમસદ તો મધ્યગુજરાતના ચરોતરી પાટીદારોનું મોભાનું ગામ. છ ગામના પટેલો (નડિયાદ, વસો, સોજિત્રા, ભાદરણ, કરમસદ અને ધર્મજ) પોતાને અન્ય પાટીદારો કરતાં મોભામાં અને પૈસેટકે ચઢીયાતાં જ માને. એવા સમયમાં વલ્લભભાઈને આ છ ગામના ગોળમાંથી કન્યા કેમ નહીં મળી હોય? એનો જવાબ ક્યાંય લખાયો નથી. શ્રી રાજમોહન ગાંધીએ લખ્યું કે સંભવ છે પોતાનાથી ચઢીયાતા છ ગામના પાટીદારી ગોળમાં પોતાની દીકરી પરણાવવા માટે ઝવેરબાના બાપ, દેસાઈભાઈ પૂજાભાઈ પટેલ જરા વધારે પહેરામણી આપવા તૈયાર થઈ ગયા હશે. એ જે હોય તે ખરું. પરંતુ ઝવેરબા એટલા ખાનદાની હતા કે લગ્ન પછી સાત-આઠ વર્ષ પોતાના પિયરમાં જ રહ્યાં અને આણું (સાસરે તેડાવાની વિધિ) કરવામાં મોડું થયું તો પણ ચુપ હતા. 

ઝવેરબાએ ગોધરામાં લગ્નજીવનના આરંભકાળે, પ્લેગના જીવલેણ રોગચાળા વખતે વલ્લભઆદેશને શીરે ચઢાવીને પિયરના ગામે રહેવા જતા રહેવાનું સ્વીકાર્યું હતું. પ્લેગ જેવા મહાસંકટમાં ફસાયેલાં પતિને પ્લેગગ્રસ્ત મૂકીને આ રીતે પિયર જતા રહેવાનો પતિ આદેશ તેમણે મૂંગામેઢે સ્વીકારવાની લોખંડી હિંમત દાખવી હતી. 

વલ્લભભાઈ અને ઝવેરબાનાં દાંપત્યજીવનના આરંભના એ ગોધરા વર્ષોમાં તેમના સુખોપભોગ વિશે કે નાનામોટા લગ્નકજિયાઓ વિશે આપણે કશું જ જાણી શકીએ તેમ નથી. તે જમાનાના જડ રીતરિવાજો, સામાજિક મલાજો અને વલ્લભભાઈના ઓછાબોલા-અતડાપણાના સ્વભાવે કરીને કદી તેમના લગ્નજીવનની કે ઝવેરબાના સ્વભાવ-વર્ણનની કોઈ વાત કહેવાય, લખાઈ, ચર્ચાઈ નથી. પરંતુ બંને ભરજુવાનીમાં હતા. વલ્લભભાઈ પચ્ચીસ વરસના અને ઝવેરબા એકવીસની આસપાસે. વળી બંનેને ગોધરામાં એકલા રહેવાનો અવકાશ પણ મળેલો. અન્યથા એ સમયે સંયુક્ત કુટુંબની પ્રથા અનિવાર્ય ગણાતી, ત્યારે તેમને એકલા રહેવાનો, હુતો-હુતીના લગ્નસંસારનો જે લાભ મળેલો, એ નાનોસૂનો નથી.

આ સહચારના આનંદ, આશ્ચર્ય કે ઉન્માદના આપણી પાસે કોઈ સગડ નથી, છતાં એક વાત નક્કી છે કે ઝવેરબા  વલ્લભભાઈના જીવનમાં ઓબે ટુ ઓર્ડર હતા. ઈ.સ.૧૯૦૧માં ગોધરા પ્લેગમાં સપડાયું ત્યારે વલ્લભભાઈના એક ઈશારે તેઓ તેમને એકલા મૂકીને નીકળી ગયા હતા. રાજમોહન ગાંધીએ લખ્યું છે કે ઝવેરબા ત્યારે વલ્લભભાઈને એકલા છોડીને જવા રાજી ન હતાં, પણ પરાણે જવું પડયું હતું. આ રીતે ભરજુવાનીના લગ્નગાળે પતિને મૂકીને પિયર ઘરે જવું પડયું હોય, તેવું તો ઝવેરબાને કપાળે એકાધિકવાર લખાયેલું હતું.

આમે ય વલ્લભભાઈ અને ઝવેરબાનું લગ્નજીવન સાવ ટૂંકાગાળાનું. તેઓ પરણ્યાં હતા છેક ઈ.સ.૧૮૯૨-૯૩માં, પણ પહેલી વખત સહજીવન શરૂ થયું ૧૯૦૦ની સાલમાં. એ પછી પ્લેગને કારણે, બે સંતાનો મણિબેન અને ડાહ્યાભાઈની સુવાવડને કારણે, બોરસદના કેટલાંક ઘરકંકાસને કારણે અને છેવટે મરણતોલ માંદગીને કારણે, એમ અનેક કારણોસર ઝવેરબા અને વલ્લભભાઈ સાથે રહ્યાં હોય, તેવો લગ્નગાળો તો ટૂંકો ને ટચ. એ માટે ઝવેરબા ઓબે ટુ ઓર્ડર અને વલ્લભભાઈ મૂંગામંતર.