Magazines

અનુકૂળતા અને પ્રતિકૂળતાને સાક્ષીભાવે જુએ તેનો બેડો પાર!

By GS TEAM
26 Jul 20256 mins read
અનુકૂળતા અને પ્રતિકૂળતાને સાક્ષીભાવે જુએ તેનો બેડો પાર!

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- મનમાં માન વસે, મન માયાથી મોહ પામે અને મન લોભી બને. આ ત્રણેય વસ્તુઓ માનવીનાં આંતર મનમાં થતી હોય છે, જ્યારે ક્રોધ છે એ બહાર પ્રગટ થતો હોય છે અને એથી જ આગ ઘરને બાળે છે, પણ ક્રોધ જીવનને બાળે છે 

હે પર્વાધિરાજ! તારી પાસે. દ્વેષની વાદળીઓ નિવારી દેવા માગીએ છીએ, હે પાવન પર્વ ! તારી સમીપ. સ્વાર્થની વેલ પર હવે પરમાર્થનાં ફળ નિપજાવવા ઇચ્છીએ છીએ

આં તરશુદ્ધિનાં અજવાળાં પાથરતા પર્યુષણ પર્વનો પ્રારંભ આવતે મહિને થઈ રહ્યો છે, ત્યારે પર્યુષણ પર્વના મર્મ વિશે આપણે થોડું વિશિષ્ટ ચિંતન કરીએ. એનું કારણ એ છે કે પર્વાધિરાજ પર્યુષણ સમયે અનેક તપશ્ચર્યાઓ થાય છે, અન્ય ક્રિયાકાંડોનું પાલન થાય છે, ઉત્સવ-મહોત્સવો ઉજવાય છે, વ્યાખ્યાન અને પ્રવચનો ચાતુર્માસમાં ચોધારે વરસે છે, પણ પર્યુષણની આ બાહરી ભવ્યતાની પાછળ એના ભીતરને જોવાની જરૂર છે. જો એ માત્ર પ્રવચનનો જ ધર્મ હોત તો તો ઉત્સવ, મહોત્સવ, તપશ્ચર્યા અને વ્યાખ્યાનો સુધી જ સીમિત રહ્યો હોત, પરંતુ હકીકતમાં પર્યુષણ પર્વ એ બહારની આરાધના અને આંતરિક સાધનાનું પર્વ છે.

જરા આજની પરિસ્થિતિનો વિચાર કરીએ, ત્યારે એમ લાગે કે પર્યુષણ પર્વને પોકારી પોકારીને પધારવાનું નિમંત્રણ આપવામાં આવે છે. ભૂખી-સૂકી ધરતી આકાશનાં રડયાં-ખડયાં વાદળોને પોકારે છે : ''હે મેઘ ! જળ આપ ! શીતળતા આપ ! દાવાગ્નિમાં જલું છું. અંતર મારે હરિયાળી રહી નથી !''

આજનો બળ્યો-જળ્યો, વ્યસ્ત માનવી બાહ્ય પ્રવૃત્તિઓની ઘટમાળ છોડીને આ પર્વનાં વધામણાં કરતાં નિવૃત્તિને નિમંત્રણ આપે છે : હે પર્વાધિરાજ ! અહીં આવો ! શાંતિ આપો ! ચેન આપો ! વૈરાગ્નિમાં જીવનભર બળ્યો છું. અંતરે લેશ પણ હરિયાળી રહી નથી ! આનંદરૂપ જીવન ખુદ બોજારૂપ બન્યું છે. વેર, દ્વેષ અને સ્વાર્થની મારી તલવાર જબ્બર છે, પણ એ અહિરાવણ મહિરાવણ જેવી છે. જેટલા શત્રુ સંહારે છે, એટલા જ સર્જે છે !

શત્રુતાનો સુંદર નિકાલ માગીએ છીએ, હે પર્વાધિરાજ ! તારી પાસે. દ્વેષની વાદળીઓ નિવારી દેવા માગીએ છીએ, હે પાવન પર્વ ! તારી સમીપ. સ્વાર્થની વેલ પર હવે પરમાર્થનાં ફળ નિપજાવવા ઇચ્છીએ છીએ.

આ સંસારનું ચિત્ર એક ભયંકર આગનું છે. ક્યાંક યુદ્ધની આગ છે, ક્યાંક ભૂખની આગ છે, ક્યાંક મોટાઇની ને સત્તાની આગ છે. આજ કોઈ દેશ કે માનવી ગમે તેટલો આગળ વધ્યો હોય, તોય શીતળતાનો અનુભવ કરતો નથી. દરેક સ્થળે ત્રાહિમામ ને ત્રાહિમામ્ સંભળાય છે. એ તમામ હાયકારાઓમાંથી છૂટકારાનો ઉપાય આત્માની ખોજમાં છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે.

આ પર્વને અને ભીતરના આત્માના આનંદને પિછાનો ! જે આ પર્વાધિરાજને અંતરના ઉમળકાથી ઉપાસશે એને માટે સંસાર કુંભારનો ધગધગતો નિભાડો નહિ, પણ કોઈ શીતલ સમીર લહેરાવતું સરોવર બની રહેશે ! આ પર્વ સમયે મનને શુદ્ધ કરીને વિષયો પર વિજય મેળવવાનું છે. આપણા કથાનકો, ચરિત્રો, વ્યાખ્યાનો, ક્રિયાકાંડો એ સહુ ધર્મસ્પર્શી હોય છે, પરંતુ ઘણી વાર એ માત્ર ધર્મને સ્પર્શ કરે છે, ત્યારે એ ધર્મના મર્મને વિલક્ષણ રીતે દર્શાવતું કુમારપાળ દેસાઈનું મૌલિક ચિંતન અહીં અમે પ્રસ્તુત કરીએ છીએ. એક બાજુ ચિત્તમાં પર્વાધિરાજની આઠ દિવસ કે દસ દિવસની સાધના અને આરાધનાનું સ્મરણ થાય છે, તો બીજી બાજુ એનાથી જીવનમાં પ્રગટતા આઠ મંગલનું સ્મરણ 

થાય છે, જુઓ ને ! આ મંગલ શબ્દના પણ કેવા માર્મિક અને આત્મસ્પર્શી આઠ અર્થ મળે છે. 'મંગ એટલે ધર્મ અને તેને લાવે તે મંગલ.' એનો બીજો અર્થ થશે સંસાર પરિભ્રમણનો ક્ષય અને હિતસાધક ધર્મની પ્રાપ્તિ થાય તે મંગલ. એનો ત્રીજો અર્થ છે સંસારથી પાર ઉતારે તે મંગલ, એનો ચોથો અર્થ છે જેનાથી શાસ્ત્રો શોભે છે તે મંગલ, એનો પાંચમો અર્થ છે સંસારથી મુક્ત કરાવે તે મંગલ, એનો છઠ્ઠો અર્થ છે કે જેનાથી વિઘ્નો નાશ પામે અને અંતરમાં પ્રસન્નતા પ્રગટે તે મંગલ, એનો સાતમો અર્થ છે મનને ભવથી એટલે કે સંસારથી દૂર કરે તે મંગલ અને એનો આઠમો અર્થ છે જે સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ પમાડે તે મંગલ.

આજ સુધી પર્વાધિરાજ પર્યુષણની આરાધના થઈ, પણ ક્યારેય એ વિચાર ન કર્યો કે આ પર્વાધિરાજ પર્યુષણને જન્મ કે મૃત્યુ સાથે કોઈ અવિનાભાવી સંબંધ નથી. એનો ખરો સંબંધ તો આપણા કર્મ અને પછીના પુનર્જન્મ સાથે છે. એ જ રીતે આજ સુધી એક બાજુ આ અષ્ટાન્હિકા પર્વની આરાધના કરવામાં આવી અને બીજી બાજુ અષ્ટમંગલની ઉપાસના કરવામાં આવી, પરંતુ જરા ભીતરમાં જોઈશું તો ખ્યાલ આવશે કે આ એક એક અષ્ટમંગલ સાથે પર્વાધિરાજ પર્યુષણનો મર્મ જોડાયેલો છે. આપણે મંગલદાયક આઠ વસ્તુઓનાં સમૂહને અષ્ટમંગલ કહીએ છીએ અને ધાર્મિક પ્રસંગોએ એનું આલેખન થાય છે. વિશેષ તો જૈન ધર્મના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના જન્મના અભિષેક પ્રસંગે ઈન્દ્ર મહારાજે આવા અષ્ટમંગલનું આલેખન કર્યું હતું.

પર્યુષણ પર્વનાં વિવિધ ગ્રંથોમાં મળતા અર્થોનો સંચય કરતા કુલ આઠ અર્થે પ્રાપ્ત થયા અને એનો અષ્ટમંગલના સાયુજ્યમાં એક નવીન અને મૌલિક વિચાર કરીએ. પર્વાધિરાજ પર્યુષણની પ્રથમ વ્યાખ્યા परिसमन्तात् उप-समीपे, समं मनो यस्यां सा पर्युसमना આપણે જાણીએ છીએ કે આપણા જીવનની પળે પળ અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે પસાર થતી હોય છે. અનુકૂળતા હોય તો ચહેરા પર આનંદ છવાઈ જાય અને પ્રતિકૂળતા હોય તો ચહેરા પર ગ્લાનિ અને મનમાં ઉદાસી છવાઈ જાય. પર્યુષણ કહે છે કે, 'સર્વ પરિસ્થિતિમાં સમભાવ રાખવો જોઈએ. સુખમાં ગર્વિષ્ટ ન બનીએ અને દુ:ખમાં શોક સંતપ્ત ન થઈએ.'

એના આધ્યાત્મિક અર્થને વિચારીએ તો અનુકૂળતા અને પ્રતિકૂળતા તે આપણા ભૂતકાલીન અને વર્તમાનકાલીન શુભ-અશુભ કર્મોનું ફળ છે. આથી આવી પરિસ્થિતિમાં જીવનમાં સમતાભાવ કેળવવો જોઈએ. જીવનમાં આવતા સુખ કે દુ:ખને એક પદાર્થ માનવા જોઈએ અને પદાર્થને જેમ આપણે દૂરથી જોઈએ તે રીતે જીવનની અનુકૂળતા અને પ્રતિકૂળતા, આનંદ કે વિષાદ, પ્રેમ કે તિરસ્કાર એ બધાને તટસ્થભાવે - સાક્ષીભાવે જોવા જોઈએ. આમ કરનાર વ્યક્તિ જ દરેક પરિસ્થિતિમાં આનંદભેર રહી શકે છે.

આનું દ્રષ્ટાંત જોઈએ, દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં સાતમુ અંગ તે ઉવાસગદસાઓ (ઉપાસક દશા) છે. એના બીજા અધ્યાયમાં કામદેવ શ્રાવકનું વર્ણન મળે છે. જેની ધર્મદ્રઢતાને સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ ચંપાનગરીના પૂર્ણ ભદ્રચૈત્યમાં વખાણી હતી, કારણ કે એક દેવે એને ધર્મથી ચળાવવા માટે કેટલાય ભયાવહ રૂપો ધારણ કરીને કસોટી કરી. હાથમાં ખડગ લઈને કહ્યું કે, 'ધર્મ છોડીશ નહીં, તો તને તીક્ષ્ણ ખડગ વડે તારું માથું વાઢી નાખીશ. તેથી અકાળે મરણ પામવાને કારણે તું આર્તધ્યાનવાળો થઈને અનંત દુર્ગતિનું દુ:ખ પામીશ. આથી બધું છોડીને સીધેસીધો ઘર ભેગો થઈ જા.'

આવાં કેટલાય સંકટોનાં વાવાઝોડા વચ્ચે કામદેવ શ્રાવક એની ધર્મઆસ્થામાં દ્રઢ અને નિશ્ચલ રહે છે. એ બતાવે છે કે જીવનમાં જ નહીં, પણ ધર્મ માર્ગે આરાધના કરનાર પર પણ પારાવાર કષ્ટો આવે છે. એ સઘળાનો જે તટસ્થભાવે સામનો કરે છે તે જ જીવનમાં અને ધર્મઆસ્થામાં વિજેતા બને છે ! આ જ સંદર્ભમાં પ્રથમ અષ્ટમંગલ સ્વસ્તિક જોઈએ તો એની ચાર પાંખડીઓ સંસારની ચાર ગતિ સૂચવે છે અને ચાર પ્રકારનાં ધર્મની આરાધના દ્વારા જીવને સંસાર સાગરથી તરવાનો ઉપદેશ આપે છે.

પર્યુષણની બીજી વ્યાખ્યા છે, 'પર્યુપશમના.' બીજું સોપાન છે  परिसमन्तात् उपसमर्न એટલે કષાયોનું ઉપશમન કરવું. 'કષ્' એટલે સંસાર અને 'આય' એટલે લાવનારા. આપણે જાણીએ છીએ કે કષાયો ચાર પ્રકારનાં છે, ક્રોધ, માન, માયા અને લોભ. આ કષાયોમાં ત્રણ કષાય એવા છે કે જે પ્રગટપણે બહાર દેખાતા નથી. મનમાં માન વસે, મન માયાથી મોહ પામે અને મન લોભી બને. આ ત્રણેય વસ્તુઓ માનવીનાં આંતર મનમાં થતી હોય છે, જ્યારે ક્રોધ છે એ બહાર પ્રગટ થતો હોય છે અને એથી જ આગ ઘરને બાળે છે, પણ ક્રોધ જીવનને બાળે છે. આથી તો મહાન નાટયકાર વિલિયમ શેક્સપિયરે ક્રોધને સમુદ્ર જેવો બહેરો અને અંધકાર જેવો ભૂલવનારો કહ્યો હતો. આ ક્રોધની વાત કરીએ, એટલે ચંડકૌશિક સર્પનું સ્મરણ થાય. જે વિશે હવે પછી જોઈશું.