નક્શાઓ યાત્રા નથી .

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
જેમ કરોળીઆ જાળું રચે છે. તેવી જ રીતે માનવી જીવનનો અર્થ રચે છે.
- કેથેરાઈન બેટસન.
મા નવી જીવનને અર્થ કૃત્ય દ્વારા જીવીને આપે છે. જીવનનો અર્થ કાર્યો અને અનુભવોમાંથી ઉતરી આવે છે. શબ્દો-શાસ્ત્રો સ્વયં અર્થ નથી. જેમ નક્શાઓ સ્વયં યાત્રા નથી. આપણું જીવતર એટલે નાની-મોટી ઘટનાઓ; રસ્તામાં જૂના મિત્રનું મળી જવું, પિતાનું મૃત્યુ થવું, પ્રેમનો ખાલીપો વગેરે. આ બધાનો અર્થ કે પાઠ પામવો એ જીવનનો પડકાર છે. તેમાં અધ્યાત્મ પણ છે.
એકવાર એક સામાન્ય માણસ રબ્બાઈ (યહુદી ધર્મગુરુ) ને મળવા ગયો અને ફરીયાદ કરતા બોલ્યો 'હું સાવ નિરાશ થઈને આપને મળવા આવ્યો છું. મારા કામની વ્યસ્તતા-અનિવાર્યતાને કારણે મને ધર્મનો અભ્યાસ અને પૂજા-પાઠ માટે કોઈ સમય જ વધતો નથી.' તો રબ્બાઈએ તેને અપાર કરુણા સાથે જવાબ આપ્યો, 'કદાચ, ઈશ્વર તારા પૂજા-પાઠ કરતા તારા કામથી વધારે રાજી છે.'
જર્મન રહસ્યવાદી સંત મેસ્ટર એકહાર્ટતો કહેતા કે બાહ્ય દેખાતું કોઈપણ કામ મૂલ્યહીન નથી હોતું. જો અંતરંગ સત્વશીલ હોય. ટૂંકમાં અંદરની અવસ્થા જ બહારની વ્યવસ્થા બને છે, અંદરનું ગીત જ બહાર પડઘાય છે. કદાચ, બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મ-અધ્યાત્મની બાદબાકી નહીં પણ કૃત્ય કે સર્જનને જ આસ્થા અને આસ્તિકતા, સંવેદનશીલતા અને સમગ્રતા સાથે નિભાવવું તે. તિરુવલ્લવુરજીનું વણાટ-રંગકામ, કબીરદાસજીનું તાનાબાના, ગાંધીજીનો ચરખો એવી આત્મવાન નિસબત સાથે નીભાવતો કે તે પૂજા બની જાય છે -ધ્યાન બની જાય છે. વિશ્વના દરેક માણસે પોતાનું કામ અને અર્થ શોધવાનું છે. એવું કામ જે તેની ઓળખ અને હસ્તાક્ષર બને, પેટન્ટ અને બ્રાન્ડ બને.
આ જગત-જીવન પણ આપણી સાધના-પીઠ છે. અહીં પળે-પળમાં અને ઈંચે-ઈંચમાં દિવ્યતા છે. આપણી જીવન-ચર્યા પણ સાધના છે, આપણું : મળવું સત્સંગ છે, કામ પ્રાર્થના છે, એકાંત ધ્યાન છે, સંબંધો ધૂપની સુવાસ છે. જર્મન કવિ રિલ્કે પરમને સંબોધીને કહેતા 'અમે તને કૃત્ય દ્વારા તો પામીએ છીએ!' હવે આપણે નિર્ણય કરવા સ્વતંત્ર છીએ, જીવનને અર્થ આપવો છે કે અર્થોને જીવન આપવું છે, પૂજાને કામ બનાવી નાખવું છે કે કામને પણ પૂજા-પ્રાર્થના બનાવી નાખવું છે. શબ્દમાં સત્વ-ઊર્જા તેને કર્મ બનાવવામાંથી આવે છે. અરે, વિચાર પણ આંદોલન બની જાય છે. જો તેને જીવીએ તો. પરમ મરમી કબીરદાસજી પણ આપણું ધ્યાન દોરતા કે મારગ ચિંધતા કહે છે
કથની થોથી જગત મેં કરની ઉત્તમ સાર,
કહ કબીર કરની સબલ ઉતરૈ ભૌ-જલ પાર.








