Magazines

વિજય .

By GS TEAM
26 Jul 20259 mins read
વિજય                                      .

- ઈશ્વર અંચેલીકર

- અચાનક દેવવ્રતનો મોબાઈલ રણક્યો એણે ફોન રીસીવ કર્યો. ફોન કોલ ડી.એસ.પી. નવદીપનો હતો. 'અ... રે... મી. દેવવ્રત...! તમે કોની સૂચનાથી આવું ખતરનાક પગલું ભર્યું...?' 

દે વવ્રત પોતાની કેબિનમાં આવી, ખુરસી ઉપર બેઠો. ફરીથી એ ઓફિસ પાછળનાં વરંડામાં આવી ઉભો રહ્યો. વિશાળ ડી.એસ.પી. ઓફીસ અને અન્ય કેટલીક સરકારી કચેરીઓનો સંકુલ. એ પટાંગણામાં કાર્યરત છે... એને અડીને પથરાયેલો ફોર લેન ધોરીમાર્ગને અડીને. વહી જતી શહેરની શાન, સમાન નદી, પોતાની હાજરી પૂરાવી રહી હતી. આજે કદાચ સમુદ્રની ભરતી આવવાથી, નદીમાં વિશાળ જળરાશિ પથરાયો હતો. નદીનાં પ્રવાહ સાથે વહી જતી નૌકાઓ, સફેદ બગલાં, કાગડાની ઉડાનથી શોભતાં આકાશે, દેવવ્રતનું મન મોહી લીધું! એ ફરીથી પોતાની કેબીનમાં આવી બેઠો. ફાઈલોથી ખદબદતું એનું ટેબલ, આજે ખાલી હતું એ સ્વગત બોલ્યો... 'હું આજે ક્યું કામ કરું કોઈ કામ હોય તો તે કરું ને...! નથી મને મળનાર કોઈ મુલાકાતી, નથી કોઈ કચેરીનો માણસ મને મળવા આવવાનો. એણે પોતાનો મોબાઈલ ચાલુ કર્યો. એક સંતવાણીનાં શબ્દો વાંચવા એને ગમ્યા...' શાસ્ત્રો કહી ગયા છે, કે ત્રેતા યુગમાં મંત્રશક્તિમાં બળવાન અને પ્રધાન સ્થાન ઉપર હશે, તો કૃતયુગમાં જ્ઞાન શક્તિ અને દ્વાપર યુગમાં યુદ્ધ શક્તિઓ બળવત્તર રહેશે. પરંતુ કળીયુગમાં આ બધી શક્તિઓ સુષુપ્તાવસ્થામાં લીપ્ત થઈ જશે. અચાનક એની કેબીન ઉપર કોઈકે દસ્તક દીધા. એની વિચારતંદ્રા તૂટી. કાચની દીવાલો બહાર ઉભેલી એક નવયૌવના એની નજરે પડી - તેણે અંદર પ્રવેશવાની રજા માંગી...

'ક...મ...ઇન પ્લીઝ' દેવવ્રત બોલ્યો.

'ગુડ મોર્નિંગ સર... હું દીપીકા. આપની પર્સનલ સેક્રેટરી. બહાર આપનો ડ્રાઇવર ગણપત અને પીયુન કુલપતિ પણ બેઠા છે. અ...મ...ને આજે જ ડી.એસ.પી. પ્રિયવ્રત સાહેબની અંગત કચેરીમાંથી હુકમ મળ્યા છે. આપને કોઈપણ માહિતી જોઈએ, તો મને ઈન્ટરકોમ ઉપર મેસેજ આપજો. હું આપને માટે ચા નાસ્તો અને વર્તમાનપત્ર મોકલું છું.' સર કોંગ્રેચ્યુલેસન્સ ફોર વીનીંગ અગેઈન્સ્ટ ગવર્મેન્ટ, આપના વિજયની ચર્ચા કચેરીમાં થઈ રહી છે... ! ઓ... કે... સર ! ઓલ ધ બેસ્ટ !' કહી દીપીકાએ કચેરી છોડી.

દેવવ્રત દીપીકાની પીઠ તાકી રહ્યો... તેના શબ્દો સાંભળી એના મનમાં પાંચ વર્ષ પહેલાંની રીપીટીશનનું ભૂત પ્રવેશ્યું...! તે સમયનાં ડી.એસ.પી.નો હુકમ યાદ આવ્યો... તે દિવસે નવદીપ સાહેબે કહેલા ટેલીફોનીક શબ્દો એને યાદ આવ્યા...!

'મી. દેવવ્રત પાટનગરથી ખુફીયા જાણકારી મળી છે, કે કામરેજ વિસ્તારમાં માફીયા એજંટ મીરાઝ, અનુરોધ અને નિસ્કલે એક સામાન્ય સંગઠન બનાવ્યું છે... જેનું નામ છે, ઝનૂન...! આ સંગઠન આપણા આખા રાજ્યમાં સર્વત્ર આતંક ફેલાવવા માગે છે. હાઈવે ઉપર અવર જવર કરતાં બધાં વાહનોની તપાસ ચાલુ છે. તમે એન્ટી આતંકવાદી યુનીટનાં વરિષ્ઠ અધિકારી છો. આપ આપની ટીમ સાથે નીકળો અને એકહથ્થુ કોમ્બીંગ શરૂ કરો. જો કોઈ પ્રતિકાર કરે તો રીવોલ્વોર ચલાવવાની રજા છે. શહેરની શાંતિ જળવાઈ રહેવી જોઈએ.' હું આવતીકાલે સાંજે પાટનગર રવાના થવાનો છું. તમારા યુનીટનાં કોમ્બીંગની કાર્યવાહીની વીડીયોગ્રાફી તૈયાર કરી મને મોકલાવો અને હાં, આ ઘટના મીડીયાના ધ્યાનમાં નહીં આવે, તે ખાસ યાદ રાખજો...! નહીં તો જનતામાં નાહક ગભરાટનું વાતાવરણ સર્જાશે...! અને નવદીપ સરે ફોન કાપી નાંખ્યો હતો.

દેવવ્રતને નવદીપ સાહેબની વાતો, વિચારશૈલી ઉપર અપાર પ્રેમ હતો, તેથી તુરત જ એણે પ્રીતીકા, બંદીસ અને રીપુ સાથે એક નાની મીટિંગ કરી. ચર્ચા-વિચારણા કરી હતી. આખી કુમક વાયરલેસ અને ગન, હાથગોળા, વિગેરેથી સજ્જ થઈને કામરેજ વિસ્તારમાં ધસી ગઈ હતી. બધા પોલીસ કર્મીઓ જુદા જુદા વિસ્તારમાં વહેંચાઈ ગયા હતા અને કાર્યવાહી શરૂ થઈ હતી. દેવવ્રતની બાજ નજર ચારે બાજુ ઘૂમ્યા કરતી હતી.

આતંકીઓ આ આકસ્મિક ચેકીંગથી હસ્તપ્રત થઈ ગયા હતા. તેમણે પોતાની રાજકીય વગનો ઉપયોગ શરૂ કર્યો હતો, પરંતુ તે સૌના ફોન બંધ હતા કે નો રીપ્લાય મોડ ઉપર હતા! નિરાશ મીરાઝે ગુપ્ત રહી એક હાથબોમ્બ દેવવ્રતની જીપ ઉપર ફેંક્યો હતો. જીપકાર તુરત જ અગ્નિજવાળાની લપેટમાં આવી ગઈ હતી. કેટલાક સ્થાનિક ટેલીવીઝનનાં રીપોર્ટરોને પણ આ કાર્યવાહીની માહિતી મળી ગઈ હતી, એટલે તેઓ પણ આખી ઘટનાનું લાઇવ ટેલીકાસ્ટ કરવા ભેગા થઈ ગયા હતા...! સ.. ર્વ... ત્ર... તંગ માહોલ સર્જાઈ ગયો.

પાંચ છ કલાકનું કોમ્બીંગ પૂર્ણ થઈ ગયું, પરંતુ દેવવ્રતને એવું કંઈ જ મળ્યું નહીં કે જે મીરાઝ, અનુરોધ અને નિષ્કલને ગુન્હામાં સાંકળી શકે. નિરાશ વદને પ્રીતીકા દેવવ્રત પાસે આવી બોલી...

'સર...! હવે અહીં વધુ સમય રોકાવાનો મતલબ નથી. વોટ્સઅપ ઈન્સ્ટ્રાગ્રામ ઉપર આખી ઘટનાનું લાઈવ ટેલીકાસ્ટ થઈ રહ્યાનાં સમાચાર મળ્યા છે. કદાચ આ આતંકવાદીઓને આપણા કોમ્બીંગની માહિતી અગાઉથી મળી ગઈ હશે, કે પછી નવદીપ સરને કોઈકે ખોટી માહિતી આપી હશે...'

'પ્રીતીકા, એક આતંકવાદી મારી પાસે આવી બોલ્યો હતો, 'સાહેબ, શા માટે અહીં સમય બરબાદ કરો છો...! મીરાઝની પહોંચ તમારા ડી.એસ.પી.થી પણ ઉપર સુધી છે. અ... મ... ને... ગઈકાલે સાંજે જ તમારી કચેરીનો ગુપ્ત સંદેશ મળી ગયો હતો, એટલે બધું અમે ભૂગર્ભમાં પહોંચાડી દીધું હતું..' રીપુ બોલ્યો.

અચાનક દેવવ્રતનો મોબાઈલ રણક્યો એણે ફોન રીસીવ કર્યો. ફોન કોલ ડી.એસ.પી. નવદીપનો હતો. 'અ... રે... મી. દેવવ્રત...! તમે કોની સૂચનાથી આવું ખતરનાક પગલું ભર્યું...?' સ... રે... ટેલીવીઝન ચેનલો, સોશ્યલ મીડીયા બધાં જ પ્લેટફોર્મ ઉપર પોલીસતંત્ર ઉપર ભ્રષ્ટાચારીનાં આરોપ થઈ રહ્યા છે. તમે સત્વરે તમારી ટીમ સાથે ઓફીસમાં આવો. દેવવ્રત વધુ કંઈક કહે, તે પહેલાં જ ડી.એસ.પી. નવદીપજીએ ફોન કાપી નાંખ્યો હતો.

દેવવ્રત જ્યારે ઓફીસે પહોંચ્યો હતો ત્યારે નવદીપ, લીગલ ઓફીસર અયાન અને કલેક્ટર પરિમીત બોર્ડરૂમમાં બેઠા હતા. દેવવ્રતે ખુરસી ખેંચી, અને નવદીપ સર તરફ નજર કરી, પરંતુ તે કોઈક સાથે વાતચીતમાં વ્યસ્ત હતા... માત્ર જી સર...! ય... સ... સર... હા... હા...! કલેક્ટરશ્રી પણ હાજર છે. જી... સર...! કોમ્બીંગ અટકાવી દીધું છે! હા... હું આજે એક કલાકમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીશ. અમે જનતા સમક્ષ ઘટનાની ગેરસમજૂતી વ્યક્ત કરીશ... અને નવદીપે ફોન કાપ્યો.

'સર... ગેરસમજૂતી શેની? સ... રે... તમારી ટેલીફોનીક સૂચનાનાં આધારે તો મેં આ કોમ્બીંગ શરૂ કર્યું હતું.' દેવવ્રત બોલ્યો હતો.

'દેવવ્રત...! ભૂલ તમારી...! કોમ્બીંગ તમારા યુનીટનું... અને... દોષનો ટોપલો મારા ઉપર ઢોળો છો? મેં આપને કોઈજ સૂચના આપી ન હતી.. સમજ્યા? નવદીપે ઉગ્રસ્વરે કહ્યું હતું. દેવવ્રત તો નવદીપના જુઠાણાંથી સાશ્ચર્યમાં ડૂબી ગયો હતો.

'મી. દેવવ્રત, પાટનગરના ગૃહખાતાંના હુકમ પ્રમાણે આપને સસ્પેંડ કરવાનો હુકમ તૈયાર છે. આ...પ... સત્વરે સાહેબની ....... કેબીનમાં જઈ, ગન તથા અન્ય બેઝ વિગેરે ઉતારી આવો...' લીગલ ઓફીસર અયાન બોલ્યો હતો. દેવવ્રત પાસે નવદીપસરની સૂચનાનું કોઈ લેખીત, કે ઓડીયોગ્રાફીક પ્રૂફ તો હતું નહીં, એટલે એણે સસ્પેન્સન લેટર સ્વીકાર્યો હતો. એણે તે દિવસે નવદીપની કેબીન છોડી હતી. કોરીડોરનાં વિશાળ ફર્સ ઉપર એક ખૂણેથી ત્રણ ગોળી છૂટી હતી, અને દેવવ્રતની સાથળમાંથી આરપાર બહાર નીકળી ગઈ હતી. ગોળી કોણે છોડી, તેને દેવવ્રત સાથે શું વેર હતું, એ વિચારવા માટે દેવવ્રત પાસે સમય ન હતો એની પોલીસકર્મી પ્રીતીકાએ તુરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને દેવવ્રતને સીવીલ હોસ્પીટલમાં શીફ્ટ કર્યો હતો. જોત જોતાંમાં મીડીયાકર્મી, પોલીસદળે, હોસ્પીટલ કેમ્પસને ઘેરી લીધું હતું. સર્વત્ર તંગદીલી છવાઈ ગઈ હતી. નવદીપ સર પણ સત્વરે હોસ્પીટલ ધસી આવ્યા. એને જોતાં કેટલાક જર્નાલીસ્ટોએ એને પ્રશ્નો પૂછ્યા... 'સર, પોલીસ કચેરીમાં આવી રીતે હુમલો થયો. છતાંં કોઈને કશીજ ભનક નહીં વાગી....? સામાન્ય જનતાની શી સલામતી...? શું આપે સત્વરે રાજીનામું આપવું નહીં જોઈએ? જવાબ આ.. પો... જનતા જવાબ જાણવા માંગે છે...!'

ડી.એસ.પી. નવદીપ નિરૂત્તર રહી, સત્વરે દેવવ્રતને મળવા ધસી ગયા..! દેવવ્રત તો બેહોશ હતો, એટલે તેની સાથે કોઈ જ વાતચીત થઈ શકી નહીં. સીવીલ સર્જનને જરૂરી સૂચના આપી. એણે હોસ્પીટલનું પટાંગણ છોડયું, અને સીધા પાટનગર તરફ હંકાર્યું...!

***

એક મહિનાની સારવાર પછી, દેવવ્રતને હોસ્પીટલમાંથી રજા તો મળી હતી પરંતુ એના પગમાં ખોડ આવી ગઈ હતી. એણે લાકડીનાં સહારે ડગલાં ભરવા પડતાં હતાં. લાંબો સમય આરામ કરી, એ કચેરીએ પહોંચ્યો હતો. નવદીપસરની સૂચના પ્રમાણે, એણે હોમ સેક્રેટરીને મળવા જવું પડયું હતું.

એકાદ કલાક રાહ જોવડાવી સેક્રેટરી શર્મા સાહેબે એને કચેરીમાં બોલાવી તબિયતનાં સમાચાર પૂછ્યા હતા. થોડી ક્ષણોમાં શર્માજીની સેક્રેટરીએ દેવવ્રતને એક કવર આપ્યું હતું, અને એ તુરત જ કેબીન છોડી ગઈ હતી.

'સ...ર...! આ કવર શેનું છે?' દેવવ્રતે પ્રશ્ન કર્યો હતો.

'દેવવ્રત...! સીવીલ સર્જને આપને ફીઝીકલી અનફીટ સર્ટીફાય કર્યા છે, એટલે આપનો આ ડીસમીસ લેટર છે. ડી.એસ.પી. નવદીપનો તમારા માટેનો કોન્ફીડેન્સીયલ રીપોર્ટ પણ નકારાત્મક છે..!' શર્માજીને બોલતા અટકાવી દેવવ્રત બોલ્યો...

'સ...ર...! મારી વિરૂધ્ધ એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. મારા ઉપર હુમલો કરનાર પણ નવદીપ સરનો કો...ઈ...'

'મી... દેવવ્રત ..! સ્ટોપ ધીસ નો..ન.. સેન્સ..! નવદીપ બહુ જ ઇમાનદાર ઓફીસર છે..! ત્રણ મહીના પછી એ રીટાયર થવાના છે...! એની કોરી કિતાબમાં કાળાં ચિત્રો શા માટે દોરી રહ્યા છો? મારી સલાહ છે, તમે સત્વરે શહેર છોડી, કોઈક એવી જગ્યાએ પહોંચી જાવ, જ્યાં તમારા વિરોધી ક્યારેય નહીં પહોંચી શકે. ઠીક ઠીક એનકાઉન્ટર કર્યાં છે, તેના પડછાયા તમારુ જીવન બરબાદ કરે છે, તે પહેલાં.. સત્વરે...

'થેંક્યુ સ..ર...! આપની સલાહ હું યાદ રાખીશ...' કહી દેવવ્રત શર્માજીની વધુ મીઠી સલાહ સાંભળવાનું ટાળી, ઉઠી ગયો હતો - વૈશાખીના સહારે એ કચેરી છોડી ગયો હતો.

***

શર્માજીની કચેરી છોડી, તે દિવસે દેવવ્રત એડવોકેટ, ત્રિવેદી એન્ડ સન્સની ફર્મ ઉપર પહોંચ્યો હતો. એડવોકેટ અનુરાધાએ એને એટેંડ કર્યો હતો. દેવવ્રતની વાત સાંભળી. તે બોલી હતી...

'દેવવ્રતજી, આજે અમે સરકાર વિરૂધ્ધ કેસ કરવાની કાર્યવાહી અટોપી લઈશું... આવતીકાલે સરકાર વિરૂધ્ધ રીટ પીટીસન ફાઈલ કરીશું.. નવદીપને પણ પાર્ટી બનાવીશું...! ભલે ને એ દોડતો થઈ જાય..'

'અનુરાધાજી મને ન્યાય મળશે ને?' દેવવ્રતે ભીની આંખો લૂછતાં કહ્યું, 'જરૂર મળશે...! આપને સરકારે આપના બધા હકો સાથે રીઈન્સ્ટેટ કરવાજ પડશે. ભલે તમને ફીલ્ડમાં જવા નહી દે, પરંતુ ઓફીસ એડમીનીસ્ટ્રેસનમાં કોઈક સીનીયર પોઝીસન, આપવી જ પડશે... !' અનુરાધા બોલી હતી....!

***

એક વર્ષની લાંબી કાનૂની લડાઈમાં વિજય મેળવી, આજે દેવવ્રત એની કચેરીમાં આવ્યો છે. એક વર્ષમાં ડી.એસ.પી., સ્ટાફ બધું જ બદલાય ગયું હતું. સરકારશ્રીએ આખી કચેરીની સાફસૂફી કરી રાખી હતી. તેથી દેવવ્રત પરત ફર્યો, ત્યારે નવા ડી.એસ.પી. પ્રિયવતે કચેરીનો કાર્યભાર સંભાળ્યો હતો.

દેવવ્રતની વિચારવાણી અટકી..! એનો ઈન્ટરકોમ રણક્યો....

'સર... પ્રિયવત સાહેબ આપને યાદ કરે છે.' દીપીકા બોલી.

દેવવ્રત જ્યારે ડી.એસ.પી. કેબીનમાં પ્રવેશ્યો ત્યારે શહેરનાં મેયરશ્રી તેની કેબીનમાં બેઠા હતા. અને .... પ્રિયવત સાહેબે દેવવ્રતની તેમની સાથે પરિચય કરાવ્યો અ...ને.. પછી હાથ મિલાવતા ઉમેર્યું.. 'બાય ધ વે.. હાર્ટલી કોંગ્રેચ્યુલેસન્સ.. ફોર વીક્ટરી...! આ વિજયે હવે નવી વિચારધારાને જન્મ આપ્યો છે..! દેવવ્રત. હવે કોઈપણ અધીકારી એના સબોડીનેટને મૌખીક ઓર્ડર આપતું નથી...! ઈ મેઈલ કે યુ.ઓ.આર. કરી સૂચના આપે છે..'

'મી. દેવવ્રત...., આપને ખબર હશે, કે હવે આ શહેરમાં શાસકપક્ષનું રાજ્ય નથી.. વિરોધ પક્ષનું શાસન છે..! અમે આપનું સન્માન કરવા માંગીએ છી...એ...' મેયરશ્રી બોલ્યા...

'અ..રે.. એમાં વાંધો શું...! અમે બંને સમયસર પહોંચી જઈશું...' કહી પ્રિયવતે દેવવ્રતને એક આમંત્રણ પત્રિકા આપી.

***

ડી.એસ.પી. પ્રિયવ્રતની કેબીન છોડી. દેવવ્રત પોતાની કેબીનમાં આવ્યો..! દીપીકાએ કુલપતિ મારફતે રવાના કરેલી ફાઈલો, પોસ્ટ તરફ નજર કરી એ સ્વગત બોલ્યો... 'જેમ પાયાના આધાર વિના ખુરશી, પગના આધાર વિના માણસ અને પાંદડાંનાં આધાર વિના કમળ, પાણીમાં ઉભું રહી શકતું નથી, એમ હવે મારામાં પણ વધુ મજબૂત પ્રસન્નતાનો આધાર, જરૂરી છે! મારે અપેક્ષા અને અભિમાન વિના-સૌની સાથે હળીમળીને કાર્યભાર શરૂ કરવો પડશે. મારે મારું જીવન અપરિવરતનશીલ બુનિયાદી સિધ્ધાંતો ઉપર ટકાવી એને નવરચનાનાં પંથે ધપાવવું પડશે...'

દેવવ્રતે એક ફાઇલ ખોલી અને એમાં નોંધણી થયેલી જૂની નોંધો, સંદર્ભનાં પત્રોનો અભ્યાસ શરૂ કર્યો... ! એ બોલ્યો.. 'મારો વિજય નથી મારો - એ વિજય છે, સચ્ચાઇનો...! આત્મગૌરવનો...! વિજય અને પરાજય તો છે, એક સિક્કાનાં બે પડખાં...! ક્યારે કયું પડખું, કોના ભાગ્યમાં આવે, એ કોણ જાણે છે?' 'અને... કેબીનનાં બધાં માધ્યમો તાડી પાડવા લાગ્યા!