Magazines

No Buy : 2025માં બિનજરૂરી શોપિંગને બદલે સેવિંગનો ગ્લોબલ ટ્રેન્ડ

By GS TEAM
27 Jul 20256 mins read
No Buy : 2025માં બિનજરૂરી શોપિંગને બદલે સેવિંગનો ગ્લોબલ ટ્રેન્ડ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- બિનજરૂરી શોપિંગ પાછળ એક ગ્રાહક એવરેજ 2410 રૂપિયા ખર્ચી નાખે છે. તેનાથી લોકોની બચત પર અસર થાય છે. આ સ્થિતિ સામે અવેરનેસ કેમ્પેઈન અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે...

ઈમ્પલ્સ પર્ચેસ.

જરૂર ન હોય તેમ છતાં થઈ જતી શોપિંગ. દેખાદેખી ખાતર, ડિસ્કાઉન્ટના લોભમાં કે વસ્તુ ગમી જાય તો જરૂર છે કે નહીં તે વિચાર્યા વગર થતી ખરીદીને કહેવાય ઈમ્પલ્સ પર્ચેસ - બિનજરૂરી શોપિંગ. કન્ઝ્યૂમર બિહેવિયરના સ્ટડીમાં આ ફેક્ટર બહુ જ મહત્ત્વનું ગણાય છે. માર્કેટિંગમાં પણ અનેક કંપનીઓ આ ફેક્ટરને ધ્યાનમાં રાખે છે અને ગ્રાહકોના વર્તનને બદલવા માટે તરેહ તરેહની માર્કેટિંગ ટેકનિક અજમાવીને ગ્રાહકોને શોપિંગ માટે ઉત્તેજિત કરે છે.  

બેઝિકલી શોપિંગ આપણને આનંદ આપે છે. નવી ચીજવસ્તુ ખરીદીએ તેની સીધી અસર મસ્તિષ્કમાં થાય છે. નવા કપડાં, નવી ગાડી, નવું મકાન, નવા દોસ્તો, નવો મોબાઈલ ફોન, નવી ઓફિસ, નવું વાતાવરણ, નવા સ્થળોની મુલાકાત - આ બધાથી હેપીનેસ મળે છે. નવીનતા માણસને સદાય આકર્ષે છે એટલે કન્ઝ્યૂમર બિહેવિયરમાં તેની અસર દેખાયા વગર રહેતી નથી.

આપણે બિનજરૂરી ખરીદી કરીએ તે માટે આસપાસમાં આખો માહોલ બન્યો છે. અમથા બજારમાં આંટો મારવા જઈએ તોય બે-ચાર ચીજવસ્તુઓ લઈને જ આવીશું. દુકાનો-શોરૂમમાં આપણે ચીજવસ્તુઓ ખરીદીએ તે માટે ખાસ ગોઠવણ કરવામાં આવે છે ને સ્પેશિયલ માર્કેટિંગ કરવામાં આવે છે. ઓફર હાથમાંથી જતી રહેશે તો બીજી વખત આવશે નહીં - એવું ચિત્ર બતાવીને આપણું બેંક અકાઉન્ટ ખાલી કરવાનું વ્યવસ્થિત પ્લાનિંગ ચાલી રહ્યું છે.

દુનિયાભરના કરોડો ગ્રાહકો ઈમ્પલ્સ પર્ચેસ કરે છે. જગતના ૮૯ ટકા ગ્રાહકો એટલિસ્ટ એક વખત બિનજરૂરી ખરીદી કરી ચૂક્યા છે. ઓનલાઈન શોપિંગ કરતાં કસ્ટમર્સમાંથી તો ૭૨ ટકા વર્ષે એટલીસ્ટ એક વખત બિનજરૂરી શોપિંગ કરે છે. ગ્લોબલી ૩૯ ટકા ગ્રાહકો વર્ષે બે-ત્રણ વખત અનપ્લાન્ડ શોપિંગ કરી નાખે છે અને સરેરાશ ૨૪૧૯ રૂપિયા એની પાછળ વેડફી નાખે છે.

વેલ, ઈમ્પલ્સ પર્સેચથી બચવાનો ઉપાય શું?

જવાબ છે - કંટ્રોલ!

***

ન્યૂયર રેઝલૂશનના ભાગરૂપે જાન્યુઆરીમાં બચતની હિમાયત કરતાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સે બિનજરૂરી ખર્ચ ન કરવાની ભલામણ કરી હતી. મૂળ તો આ સલાહ 'બાય નથિંગ ડે'થી પ્રેરિત હતી. ૧૯૯૨થી અમેરિકા, બ્રિટન, કેનેડા, સ્પેન, ફિનલેન્ડ જેવા ૪૫ દેશોમાં નવેમ્બર મહિનામાં 'બાય નથિંગ ડે' ઉજવાય છે. એક દિવસ એકેય પ્રોડક્ટ ખરીદવી નહીં એવો મૂળ વિચાર કેનેડાથી શરૂ થયો હતો. એક દિવસને બદલે શક્ય એટલા વધુ દિવસો શોપિંગથી દૂર રહેવાની અપીલ નવા વર્ષે જ સોશિયલ મીડિયામાં થવા લાગી હતી.

આપણે ત્યાં ટિકટોક પર પ્રતિબંધ છે, પરંતુ અમેરિકામાં ટિકટોકનો જબરો ક્રેઝ છે. ઈન્સ્ટાગ્રામ પછી ટિકટોકમાં પણ 'નો બાય'નો ટ્રેન્ડ શરૂ થયો હતો. બિનજરૂરી શોપિંગ ન કરવાની ભલામણ કરતાં યુઝર્સે એકબીજાને 'નો બાય ચેલેન્જ' આપવા માંડયા. ચેલેન્જ સ્વીકારે તેણે એક સપ્તાહથી માંડીને એક મહિનો કે જેટલો સમય શક્ય બને એટલો સમય બિનજરૂરી શોપિંગ કરવાની ન હતી, જે ચીજવસ્તુઓ અનિવાર્ય હોય એ જ લેવાની હતી. ઓફર્સના લોભે કે ઈ-કોમર્સ કંપનીઓના શોપિંગ ફેસ્ટની લાલચમાં આવીને કંઈ જ શોપિંગ કરવાની નહીં. બને એટલો સમય શોપિંગમાં કંટ્રોલ કરવાનો હતો અને બિનજરૂરી શોપિંગ ન કરીને જે રકમ વધે તેને બચતમાં નાખવાની હતી.

પ્રતિષ્ઠિત બિઝનેસ મીડિયા પ્લેટફોર્મ ફોર્બ્સે જાન્યુઆરીમાં આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આર્ટિકલ લખ્યો. એમાં શોપિંગ ઘટાડીને ખર્ચ ઓછો કરવાની સલાહ તો હતી જ, સાથે સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘટાડીને દેવું ઓછું કરવાની ભલામણ પણ કરી હતી. અમેરિકા-યુરોપમાં આ આર્ટિકલને ટાંકીને ઘણાં યુઝર્સે ચેલેન્જ સ્વીકારી અને બચત કરી હોવાની પોસ્ટ મૂકવાનું શરૂ કર્યું. આ ટ્રેન્ડ પછી તો ઓર્ગેનાઈઝ્ડ થયો. હેશટેગ 'નો બાય' અને હેશટેગ 'નો બાય ચેલેન્જ'થી હજારો પોસ્ટ થવા માંડી. અમુક રિપોર્ટ્સ તો વળી ફેબુ્રઆરીમાં આ ટ્રેન્ડ નિષ્ફળ રહ્યો છે એવુંય કહેવા માંડયા.

પણ ટ્રેન્ડ ૨૦૨૫માં આગળ વધતો રહ્યો. રેડિટના ૭૦ હજારથી વધુ સભ્યોએ તો 'નો બાય ૨૦૨૫' નામથી ગુ્રપ બનાવ્યું. એમાં લોકો જોડાતા રહ્યાં. એક્સ વગેરે પ્લેટફોર્મ્સમાં પણ 'નો બાય'નો ટ્રેન્ડ ચાલ્યો. ૨૦૨૫નું વર્ષ અડધે પહોંચ્યું ત્યાં સુધીમાં આ ટ્રેન્ડ ગ્લોબલ બની ગયો. બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં તો આમેય મંદીનો માહોલ છે. અમેરિકા જેવા ઘણાં દેશોમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિના કારણેય લોકો બચત તરફ વળ્યા. યુદ્ધો અને તંગદિલીનો માહોલ છે એની અસર પણ આ ટ્રેન્ડ પર પડી. આ વર્ષના સાત મહિના ગયા અને પાંચ મહિના બાકી છે. વર્ષના અંત સુધી આ ટ્રેન્ડ ચલાવવાની સમર્થકો અપીલ કરી રહ્યા છે. 

***

આ ટ્રેન્ડથી ઘણાં નાના દેશોમાં ફેશન ઈ-કોમર્સના ઓર્ડર્સમાં થોડોક ઘટાડો થયો છે. જોકે, ગ્લોબલ ફેશન ઈ-કોમર્સ માર્કેટમાં એની એવડી મોટી અસર થઈ નથી. બિનજરૂરી શોપિંગનું એક મહત્ત્વનું કારણ ઈ-કોમર્સ છે. ગ્લોબલી ઈ-કોમર્સના ૨૮૦ કરોડ ગ્રાહકો છે. એમાંથી અમુક લાખ 'નો બાય'ના ટ્રેન્ડમાં જોડાય તો એટલો મોટો ફરક પડે નહીં.

પણ હા, આ ટ્રેન્ડ પાછળ જેન-ઝીમાં બિનજરૂરી શોપિંગ સામે અવેરનેસ લાવવાનો મુખ્ય ઈરાદો છે. જો એમ થશે તો એ 'નો બાય ટ્રેન્ડ'ની સક્સેસ ગણાશે. ગ્રાહકોએ વહેલાં મોડું એ સમજવું પડશે કે અનપ્લાન્ડ શોપિંગથી ગ્રાહકને નહીં કંપનીઓને ફાયદો થાય છે. ઉત્તમ ગ્રાહક એ છે જેને બરાબર ખબર હોય - શું જોઈએ છે અને શું નથી જોઈતું! 

હવે 7 જોડીએ વર્ષ પૂરું થાય છે, 3 દશકા પહેલાં 3 જોડીમાં વર્ષ નીકળી જતું

આજે દુનિયામાં વર્ષે ૧૦,૦૦૦ કરોડ નંગ કપડાંનું ઉત્પાદન થાય છે. એમાં ગ્લોબલી ડોમેસ્ટિક માર્કેટમાં ટેઈલર્સ જે કપડાં તૈયાર કરે છે એની ગણતરી કરીએ તો આંકડો ૧૨,૦૦૦ કરોડ સુધી પહોંચે છે. દુનિયાની વસતિ ૮૦૦ કરોડે પહોંચી છે. એ હિસાબે ગણતરી માંડીએ તો એક વ્યક્તિના ભાગમાં ૧૫ નંગ કપડાં આવે, એવરેજ એક વ્યક્તિને વર્ષે સાત જોડી કપડાં મળે છે. આ ગ્લોબલ એવરેજ છે. ધનવાન દેશોના લોકો વર્ષે વધુ કપડાં ખરીદતા હશે અને મધ્યમ આવક ધરાવતા દેશોના લોકો ઓછા ખરીદતા હશે કે પછી ગરીબ દેશોના લોકોની એવરેજ સાત જોડીની નહીં હોય, તેમ છતાં એ વાસ્તવિકતા છે કે ત્રણ દશકામાં એવરેજ વધી છે. ૧૯૯૦-૨૦૦૦ના દશકામાં ૫૦૦૦ કરોડ નંગ કપડાં બનતા હતા. તે વખતે દુનિયાની વસતિ ૬૫૦ કરોડ હતી. સરેરાશ સાત નંગ કપડાં દરેક વ્યક્તિના ભાગમાં આવતા હતા. એનો અર્થ એ કે ત્રણથી ચાર જોડી કપડાંમાં વર્ષ નીકળી જતું હતું.

ફેશન ઈ-કોમર્સની માર્કેટ સાઈઝ પાંચ વર્ષમાં બમણી થશે

૨૧મી સદીમાં દુનિયાભરના લોકોની ખરીદશક્તિમાં વધારો થયો છે. સરેરાશ આવક વધી છે એ એક કારણ તો ખરું જ, પરંતુ એ સિવાયનું મહત્ત્વનું ફેક્ટર છે ઈ-કોમર્સ. ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ આવ્યો ત્યારથી ઘરબેઠા ગમતી પ્રોડક્ટ્સની ખરીદી કરવાની મોકળાશ મળે છે. ઓફલાઈન માર્કેટનું ટાઈમટેબલ નક્કી હોય છે. એ સમયગાળામાં જ માર્કેટમાં શોપિંગ કરવા જવું પડે. તેના બદલે ઈ-કોમર્સમાં સમયનું કોઈ બંધન નથી. મધરાતે સમય મળે તો કે ભરબપોરે ટાઈમ મળે ત્યારેય ઓર્ડર પ્લેસ કરી શકાય છે. ઘરબેઠા સામાન આવી જવાની સગવડ મળી એની સીધી અસર ફેશન ઈ-કોમર્સ પર પડી. ઈ-કોમર્સમાં ફેશન ઈ-કોમર્સ જુદો અને સૌથી વિકસતો વિભાગ છે. ફેશન-લાઈફસ્ટાઈલને લગતી ચીજવસ્તુઓ - કપડાં, ફૂટવેર, જ્વેલરી, કોસ્મેટિક્સ, બેગ્સ-પર્સ વગેરેની શોપિંગ ઈ-કોમર્સના કારણે વધી ગઈ છે. અત્યારે પણ આ સેક્ટરની માર્કેટ સાઈઝ ૮૯૭ અબજ ડોલર છે. ૨૦૩૦ સુધીમાં એ વધીને ૧.૬ ટ્રિલિયન ડોલર અને ૨૦૩૫ સુધીમાં ૨.૨ ટ્રિલિયન ડોલરને પાર થાય એવો અંદાજ છે.

નવું ખરીદતા રહેવા પાછળનું સાયન્સ

૨૦૦૬માં નિકો હુઝેક અને ઈમરાહ ડયુઝેલ નામના બે સંશોધકોએ દિમાગનું 'નોવેસ્ટી સેન્ટર' શોધી કાઢ્યું હતું. દિમાગમાં સબસ્ટન્ટિયા નિગ્રા નામનો એક વિસ્તાર છે. તેની એકદમ નજીક વેન્ટ્રલ સેગમેન્ટલ એરિયા આવેલો છે. આ બંને પાડોશી પ્રદેશોનું સાયન્ટિફિક ટૂકું નામ એસએન/વીટીએ રાખવામાં આવ્યું છે. એનો સંપર્ક મસ્તિષ્કમાં આવેલા હિપ્પોકેમ્પસ અને અમિગ્ડલા નામના ચેતાપ્રદેશો સાથે થાય છે. આ બંનેનો સંબંધ વળી પાછો યાદશક્તિ અને નવી નવી બાબતો શીખવા સાથે પણ ખરો. જેવું આપણે કંઈક નવું જોઈએ છીએ કે તરત જ એસએન/વીટીએ નામના વિસ્તારો પેલા બંને પ્રદેશોને સંકેત આપે છે. એ પછી પેલા  વિસ્તારોમાં ફેરફારો થવા માંડે છે. જેની અસર આપણાં આખા અસ્તિત્વ પર થાય છે. મગજના એ વિસ્તારમાં જે રસાયણ પેદા થાય છે તે આખા શરીરને સુખની અનુભૂતિ કરાવે છે. આ જ ફેક્ટર નવું ખરીદવા પ્રેરે છે અને એ જ કારણ છે કે લોકો ઈમ્પલ્સ બાયર બનીને બિનજરૂરી ખર્ચ કરે છે.