Magazines

'જાત્રા ક્યાં અઘરી છે, થકવી નાંખે છે થેલો'

By GS TEAM
27 Jul 20257 mins read
'જાત્રા ક્યાં અઘરી છે, થકવી નાંખે છે થેલો'

- અત્ર, તત્ર, સર્વત્ર માણસ દેખાય છે ત્રસ્ત : દેહના વજનની જ નહીં મન પરના બોજની સમતુલા પણ કેળવવી પડશે

- હોરાઈઝન-ભવેન કચ્છી

- હેન્ડસ લગેજ લઈને જ જીવીએ અને પછી તો તે પણ છોડી જ દેવો પડશે ને

ભા રતથી અમેરિકા વિમાનમાં મુસાફરી કરો તો પ્રવાસી એક બેગમાં વધુમાં વધુ ૨૩ કિલો સમાન લઈ જઈ શકે. એક પ્રવાસી આવી બે બેગ લઈ જવાનો હકદાર છે. દરેક એરલાઈનના પ્રવાસી કેટલો સામાન લઈ જઈ શકે તેની અલગ અલગ મર્યાદા હોય છે.

 અમેરિકાનો પ્રવાસી  કુલ ૪૬ કિલો વજન લઈ જઈ શકે તે કંઇ તેને ઊંચકવો પડતો નથી. તે તો ચેક ઇન વખતે કાઉન્ટરને આપી દેવાનો હોય છે અને વિમાનના સામાન વિસ્તારના ભાગમાં તે મૂકી દેવાય છે. પ્રવાસીને ઉંચકીને ફરવાનું હોય તો તે આટલો સામાન રાખે ખરો? આથી જ હેન્ડ લગેજની પણ વ્યવસ્થા એર લાઇન્સે કરેલી છે. અમેરિકા જનાર પ્રવાસી તેની સાથે વિમાનમાં છ કિલો વજનના સામાન ધરાવતો હેન્ડ લગેજ લઈ જઈ શકે છે પ્રવાસી એરપોર્ટ પર કે બોર્ડિંગ વખતે  છ કિલોની જ હેન્ડ લગેજ બેગ સાથે ફરતો હોઈ હળવાશ અને મસ્તી સાથે વિદેશી એરપોર્ટ પર પણ ફરતો જોઈ શકાય છે.

પ્રવાસી માટેની અમુક વજન સુધીની બેગ લઈ જવાની જે મર્યાદા છે તે આમ જુઓ તો વિમાન તેના તમામ પ્રવાસીઓની બેગ્સનું કેટલું વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે તેના પર આધારિત રખાયું હોય છે.અમુક હદથી વધુ વજન વિમાન પણ સહન ન કરી શકે.

આપણા જીવનમાં જરા જુદુ હોય છે. વિમાનમાં ૪૬ કિલો જેટલો સામાન મૂકીને નિશ્ચિત બની જઈએ છીએ પણ વાસ્તવિક જીવનમાં હેન્ડ લગેજ જેટલો જ બોજ રાખીને  હળવા ફુલ થઈને જિંદગી જીવવાની જગ્યાએ  વજનદાર બેગ્સ જાતે જ ઊંચકીને ફરીએ છીએ. પરિણામે જીવનનો પ્રવાસ માણી નથી શકતા. આટલું ભારેખમ વજન ઉંચકતા  હાંફી જઈએ છીએ, પરસેવે રેબઝેબ થઈને ફસડાઈ પણ પડીએ છીએ. આવે વખતે આપણે વિચારીએ છીએ કે બેગમાં આ વસ્તુઓ ન લીધી હોત તો સારું રહેત અર્થાત્ જીવનની યાત્રામાં શું લેવું શું ન લેવું તેનો વિવેક રાખ્યો હોત તો આ હદે બોજ અને તનાવ હેઠળ ફસડાઈ ન ગયો હોત. ગજા બહારના વજનની બેગ્સ ઉંચકતા પ્રવાસમાં જે સ્વર્ગીય અનુભૂતિ કરાવતા પ્રકૃતિના દ્રશ્યો આવતા હતા તે જોઈ ન શકવાનો અફસોસ પણ થાય છે. પ્રવાસમાં મિત્રો સાથે હંસી ખુશી, વિવિધ ખાણી પીણી બધાથી બોજ ઊંચકવાનો હોઈ વંચિત રહ્યા.

વિચારવા જેવી વાત એ છે કે આપણે જન્મ લીધો ત્યારે અને પૃથ્વી પરથી વિદાય લેતી વખતે તો હેન્ડ લગેજ સુદ્ધા નથી હોતો. આપણું આગમન અને આપણી વિદાય ભગવાને 'હેન્ડસ ફ્રી' રાખી છે.

આપણી બધી શોધખોળ હાથનો ઉપયોગ નહીવત રહે તે માટે થઈ છે. હાથથી પૂંઠા કે વીંઝણાથી પંખા નાંખતા હતા તેની જગ્યાએ ઇલેક્ટ્રિક પંખા આવ્યા. હાથશાળ ની જગ્યાએ ઇલેક્ટ્રિકથી ચાલે તેવા મિકેનિકલ મશીનો આવ્યા. અનાજ દળવાની બે પથ્થરની  ઘંટીની જગ્યાએ ગ્રાઇન્ડીંગ મશીન આવ્યા.ખેતી પણ હાથનો ઉપયોગ જરૂર ન પડે તેવી થતી ગઈ. ટ્રોલી,  ક્રેન ,રોલર અને વ્હીલથી સજ્જ ઉપકરણો આપણને 'હેન્ડસ ફ્રી' રાખવા માટે છે.

પણ આપણે સૂક્ષ્મ કે સ્થૂળ રીતે બધું જ આપણા હાથમાં કે હસ્તક રહે તે રીતે જીવન જીવીએ છીએ. આપણા બંને હાથ હળવા ફુલ હોય તેવી નિશ્ચિંત માનસિકતા નથી ધરાવતા.

'હેન્ડસ ફ્રી' તો દૂરની વાત રહી આપણે જેના વજન હેઠળ કચડાઈ જઈએ તેટલો બોજ લઈને જીવન વીતાવીએ છીએ. તે પણ આપણને ખબર છે કે આમાંથી કંઇ ઉપર લઈ જવાના નથી તો પણ.

સંપત્તિની લાલસાના બોજની જ વાત નથી પણ જીવનમાં આવેલી વ્યક્તિઓ, વ્યક્તિ સમૂહ, સાવ અંગત કહેવાય તેવા પરિવારજનો અને સમાજ માટેની ઈર્ષા, દ્વેષ, ધિક્કાર અને માફી આપ્યા વગર મન પર ભારે બોજ લઈને અંતિમ શ્વાસ સાથે વિદાય લેતા હોઈએ છીએ.

એક ભાઈ એક સંત સ્વામી  પાસે આવીને તેની હતાશા અને બળાપો કાઢી રહ્યા હતા કે 'સ્વામીજી,મારી બળતરા ઓછી કરો. હું ઊંઘી નથી શકતો.'

સ્વામીએ કહ્યું કે 'ભાઈ તારી વ્યથા તો જણાવ ' પેલી દુ:ખી વ્યક્તિએ કહ્યું કે 'મેં મારા પિતા માટે બધું જ કર્યું,  કહોને કે  મારી અંગત ઇચ્છાઓનું બલિદાન પરિવાર માટે  આપ્યું. છતાં તેઓ મને ધુત્કારતા જ રહ્યા. તેમના બીજા સંતાનો કે જેઓનું ખાસ કંઇ પ્રદાન નહોતું તો પણ તેમને તે પ્રેમ કરે અને જાણે મારાથી નારાજ હોય તેવું તેમનું વર્તન રહ્યું.હવે હું આ દુનિયા પરથી વિદાઈ પણ બોજ અને  ભગ્ન હૃદયે લઈશ.' 

સ્વામીએ તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું કે  'ચાલ તારે ઘેર ,તારા પિતાને મળીને જાણું તો ખરો કે તેઓ શા માટે આવું વર્તન કરી રહ્યા છે.'

ત્યારે પેલા ભાઈએ કહ્યું કે 'હવે શું.. તેઓ તો ગુજરી ગયા છે. 'સ્વામીએ નવાઈ પામતા પૂછયું કે  'ક્યારે' તો પેલા ભાઈએ કહ્યું કે, 'સ્વામીજી મારા પિતાના મૃત્યુ થયાને પંદર વર્ષ થઈ ગયા. પણ તે અન્યાય અને અપમાન હજુ ભૂલી નથી શક્યો. પિતાએ કેમ મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત ન કર્યો તે પીડા અને બોજથી હું તડપી રહ્યો છું.'

સ્વામીએ પેલા ભાઈને  આટલા વર્ષો અગાઉની કોઈ સાચી ખોટી ગાંઠ મનમાં વાળીને જીવવું યોગ્ય નથી તેમ જણાવી જીવન જીવવાની પદ્ધતિ અને સોચની દિશા બતાવી. જો સ્વામીએ આ ભાઈના જૂના ઘાની સત્સંગ દ્વારા  મલમપટ્ટી ન કરી હોત તો બાકીનું જીવન અને મૃત્યુ તેના અજ્ઞાનને લીધે કેટલું અતૃપ્ત અને બોજમય પસાર થાત.

આપણે પણ આવા મનોવિકારના બોજ સાથે જીવીએ છીએ અને વગર અગ્નિએ દાઝનો અનુભવ કરીએ છીએ.શારીરિક બોજ કરતા પણ મનનો બોજ અસહ્ય હોય છે. 

(૧) જો આપણે કોઈ ભૂતકાળની  કડવી પળો ભૂલી શકતા ન હોઈએ, (૨) સામી વ્યક્તિને ક્ષમા ન આપી શકતા હોઈએ (૩) અન્યની સફળતા કે સારી બાબતોને બિરદાવી ન શકીએ (૪) તેની પાસેથી શીખવાની જગ્યાએ તેની ઇર્ષા કરીએ(૫) વાતવાતમાં મિથ્યાભિમાન કે અહંકારને લીધે રીસાઈ જતા હોઈએ, (૬)આપણામાં આભારની લાગણી ન હોય અને (૭) આપણા કરતાં બીજા પણ ચઢિયાતા, સફળ કે પ્રેરણા લેવા લાયક તેમજ સંસ્કારી છે તેવો સ્વીકાર ભાવ ન હોય તો નજર સામે સ્વર્ગ જેવી દુનિયા હશે તો પણ આપણે તેનો એહસાસ નહીં કરી શકીએ.એહસાસ તો દૂર પણ બેચેન અને ડીપ્રેસ રહીશું. મુક્તપણે હાસ્ય પણ નહીં કરી શકીએ.

જૂતા ગમે તેટલા મોંઘા હોય પણ પગમાં તે ડંખતા હશે તો  આપણને સુખ અને ખુશી નહીં આપી શકે.તેવું જ સ્વભાવ અને મન પરની તેની અસરનું છે.

તમને કોઈ બિરદાવે તો તમે પણ સામે તેને બિરદાવો. તમે કેટલું સહન કરો છો, ત્યાગ આપો છો તેમ પરિવારનો, મિત્ર વર્તુળનો કે એક સભ્ય તમને કહે ત્યારે સામે તમારે પણ સંસ્કાર બતાવવાનો અવસર આવ્યો હોય છે તમારે એમ કહેવાનું કે 'આ જ તો મજા છે. જે પ્રાપ્તિ થાય છે તેની ખુશી સામે તો આ કંઈ નથી. અને હા..તમે પણ અમારા માટે સ્વાર્પણ આપો જ છો ને..'

બસ, આવી પરસ્પર ભાવનાથી પ્રેમનો ગુણાકાર થાય છે અને બંને પક્ષે હળવાશ અનુભવાય છે. સ્વર્ગના વાતાવરણની શરૂઆત આવા સંવાદ અને ભાવનાથી જ થાય છે.

જો વ્યવહાર, સાલસતા  અને સંસ્કાર એક પક્ષ તરફથી  જ વ્યક્ત થતા રહે તો સંબંધમાં ચાર્મ નથી રહેતો. વર્તનમાં ખુલ્લાપણું રહેવું જોઈએ તેની જગ્યાએ ગૂંગળામણ શરૂ થાય છે કેમ કે પ્રત્યેક વ્યક્તિ આખરે તો તેની નિષ્ઠા, વફાદારી, પ્રેમ, પ્રદાન અને શ્રમની નોંધ લેવાય તેમ ઈચ્છે છે.આ એક સામાન્ય માનવીય પ્રકૃતિ છે. બધા સંત નથી હોતા કે કાન પાસે ગમે તેટલા નગારા વગાડો તો પણ શાંત રહે.

અત્યારે યુવા પેઢીમાં જે તનાવ, ડીપ્રેશન, છૂટાછેડાની સમસ્યા વધી રહી છે તેનું એક કારણ એકબીજાને પ્રોત્સાહન આપતા સંવાદનો અભાવ છે.અગાઉ પ્રેમ ઓછો વધતો હોય તો પણ વ્યક્ત કરાતો અત્યારે પ્રેમ સાચો હોય પણ તે મુક્તપણે શબ્દોથી અભિવ્યક્ત નથી થતો તેની પણ સમસ્યા છે.

બે પાત્ર એકબીજાના સુખની પરવા ન હોય તેમ રહે અને એકબીજાનો આભાર માનવા જેવું કંઇ કરે જ નહીં તો પ્રેમ ક્યાંથી થાય.બધા જ સંબંધોના પ્રેમના પાયામાં એકબીજાનું ઋણ કઈ રીતે ચૂકવીએ તેવી ભાવના રહેલી હોય છે.પણ ઋણ ચૂકવવા જેવું કંઈક કરવું તો જોઈએને.

આવી તમામ સ્થિતિમાં આપણે બોજ લઈને જ જીવીએ છીએ. જિંદગીમાં આ કારણે મજા નથી આવતી. બધા પોતપોતાનું જીવે છે.

આ થઈ માનસિક બોજ લઈને જીવવાની વાત.ભૌતિક અને સ્થુળ બોજ પણ જીવન દુષ્કર બનાવે છે.વધુને વધુ પ્રાપ્તિનો મોહ અને લોભ તેમજ તેને કારણે સર્જાતું પ્રપંચી મનોજગત પીડા અર્પતું હોય છે. ભૌતિક રીતે વધુને વધુ પ્રાપ્ત કરવામાં કોઈ ઉમદા હેતુ જોડવો જોઈએ. સમાજને પરત આપવાની ભાવના પણ જોડવી જરૂરી છે.ત્યાગી પણ ન શકીએ અને ભોગવી પણ ન શકીએ તો જે પ્રાપ્ત કર્યું છે તે સુખ નહીં આપી શકે.

મહત્વકાંક્ષા, હરીફાઈ અને આહાર વિહારની સમતુલા વગરનું જીવન પણ થકવી દેનારું છે.

જે રીતે યુવા વયે હૃદય રોગના હુમલાના કેસ જોવા મળે છે ત્યારે માત્ર દેહનું જ નહીં જીવનનું વજન પણ સમતોલ રહે તે જરૂરી છે. ક્યારે શું છોડવું તે પણ પરમ જ્ઞાન છે.

શીર્ષક પંક્તિ : દલપત પઢિયાર

જ્ઞાન પોસ્ટ 

તકતી પર  જન્મ તારીખ અને મૃત્યુ તારીખ લખેલી હોય છે. તેનું ખાસ મહત્વ નથી. પણ બે તારીખ વચ્ચે જે  'ડેશ' હોય છે તે વર્ષોમાં કેવું જીવ્યા તે જ વ્યક્તિના જીવન સાફલ્યનો માપદંડ છે.