ચળકતી ચાંદીના ભાવ રૂપિયા 1,25,000ની સપાટીને આંબી જશે

- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ભારતમાં ચાંદીના ભાવો સતત વધતા રહ્યા હોય તો તેનું એક કારણ એ છે કે આપણા દેશમાં ચાંદીનું ઉત્પાદન ઓછું છે જ્યારે ચાંદીની વાર્ષિક માગ 8000 ટનથી વધુ છે.
આ ખા વિશ્વમાં યુદ્ધનો માહોલ સર્જાયો છે તેને કારણે બજારોમાં પણ ભારે અફરાતફરી જોવા મળે છે. સોનું અને ચાંદી એક સાથે નવા વિક્રમ સર્જી રહ્યાં છે. પરંતુ ચાંદીની તેજી વિસ્મયકારક લાગે છે. ગૂડી પડવાના એક દિવસ પછી સોનામાં ગ્રામદીઠ ૨૯૦ રૂપિયા ભાવ વધ્યો હતો તો ચાંદીમાં કિલોદીઠ ૯૦૦૦ રૂપિયાનો જબ્બર ભાવ વધારો નોંધાયો હતો. એક પછી એક તહેવારો અને ત્યારબાદ લગ્નની મોસમ શરૂ થવામાં છે ત્યારે સોના-ચાંદીના ભાવ વધારાથી લોકો ચિંતિત બન્યા છે.
સદીઓથી ભારતમાં ચાંદી અને સોનું વ્યક્તિ તેમ જ કુટુંબની આર્થિક મહત્તાના માપદંડ સમાન ગણાય છે. સામાન્ય રીતે ચોમાસુ સારું ગયું હોય તો તેની ખબર વેધશાળાના અહેવાલ પરથી પડે છે. કેટલા ઈંચ વરસાદ પડયો તેનો વર્તારો મળે એટલે આપણે કહીએ છીએ કે વરસાદે પાણીની ખાદ્ય પૂરી કરી નાંખી, પરંતુ મુંબઈ, રાજકોટ, દિલ્હી અને ઈંદોરના કેટલાંક વેપારીઓ ચાંદીબજારની રૂખ પરથી વરસાદ સારો પડયો કે નહીં તે કહી આપે છે.
આ વાતનો રહસ્યસ્ફોટ કરતાં મુંબઈ ચાંદીબજારના એક અગ્રણીએ જણાવ્યું કે ખેતી સારી ન હોય કે વરસાદ સારો ન પડયો હોય ત્યારે ઘર ચલાવવા ખેડૂતો ચાંદીના ઘરેણાં ગીરવે મૂકી વ્યાજે પૈસા લઈ જતાં હોય છે. ગામડાંઓમાં આ રીતે પુષ્કળ ચાંદી શાહુકાર પાસે જમા થાય તેના પરથી કહી શકાય કે મોસમ સારી નથી. ઓણસાલ પાક સારો નહીં ઊતરે!
જો કે દેશમાં આ વર્ષે મોનસુનનું આગમન વહેલું થયું છે અને તેના પગલે ગ્રામિણ તથા કૃષી વિસ્તારોમાં રાહત તથા આનંદની લાગણી જોવા મળી હતી. હવે આગળ ઉપર વરસાદની પ્રગતી કેવી થાય છે તેના પર બજારની નજર રહી છે. જો દેશમાં એકંદરે વરસાદ સારો થશે તો ચોમાસા પછી આવનારી તહેવારોની મોસમમાં દેશના ઝવેરી બજારોમાં ખાસ કરીને કૃષી ક્ષેત્રે સંકળાયેલા વર્ગની તથા ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત વર્ગની માગ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા છે.
એક અંદાજ પ્રમાણે ભારતીય ચાંદી બજાર ૨૦૨૭ સુધીમાં ૨૧૦ મિલિયન ડોલરનું થશે. ભારત ચાંદીની સીધી નિકાસ નથી કરતું, પરંતુ ચાંદીના ઝવેરાતની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ।. ૫૨૫ કરોડની જ્વેલરીની નિકાસ થઈ . પણ ચાંદીની આયાત ઘણી વધારે... લગભગ ૪૫,૧૬૫ કરોડ રૂપિયા હતી.
આનો અર્થ એ કે, ભારત સરકારી ડેટા પ્રમાણે ચાંદી-ઉત્પાદનો વધારે આયાત કરી રહ્યું છે, જ્યારે નિકાસ ઓછી છે. આયાત મુખ્યત્વે ચાંદીની પાટ, પાવડર અથવા દાણાના રૂપમાં થાય છે જે પછી દેશભરમાં વપરાય છે.
તેનો અર્થ એવો થયો કે ભારતમાં ચાંદીની ખપત ઝડપથી વધતી જાય છે. એટલે ચાંદીના વેપારીઓને પણ ચાંદી જ ચાંદી હશે. પરંતુ એવું નથી. તાજેતરમાં વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉછળી ઔંશના ૩૭ ડોલર ઉપર જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નોંધપાત્ર વધી ગઈ છે. વૈશ્વિક ચાંદીના ભાવ આ વર્ષે ૬ મહિનામાં આશરે ૩૦ ટકા વધ્યા છે તથા ભાવ વધી ૧૩ વર્ષની ટોચે પહોંચ્યા છે.
સાત દાયકા પૂર્વે મુંબઈના બજારમાં ચાંદીનો ભાવ ૪૦-૪૫ રૂપિયે કિલો હતો. બહારગામથી બીજો માલ મોકલનારા વેપારીઓ ચાંદી પણ રેલવે પાર્સલમાં મોકલતા હતા. આ ચાંદીની પાટો ઘોડાગાડી દ્વારા બજારો સુધી પહોંચતી! ત્યારબાદ ત્રણ દાયકા પૂર્વે ચાંદીનો ભાવ ૧૫૦૦ રૂપિયાની આસપાસ હતો તે જાન્યુઆરી ૧૯૯૨ સુધીમાં ૯૧૦૦ રૂપિયે કિલોના ભાવ સુધી પહોંચી ગયો. હાલ ચાંદીની કિંમત કિલો દીઠ રૂપિયા ૧,૦૯,૦૦૦ છે. સલામતીની દ્રષ્ટિએ તેમ જ કિંમતની દ્રષ્ટિએ સોના કરતાં ચાંદી વધુ પરવડે તેમ હોવાથી દિનપ્રતિદિન ચાંદીનો વપરાશ વધવા લાગ્યો છે. ચાંદીની ઘડામણ પણ સસ્તી પડે છે. વળી યુવતીઓ કમ્મરે લટકાવવા માટે ચાંદીના જ બનેલાં કંદોરા કે ઝૂડો વધુ પસંદ કરે છે. ચણિયાચોળી પહેરતી ફેશનેબલ યુવતીઓ ચાંદીના કમરપટ્ટા પહેરતી થઈ છે.
ચાંદી ગમે તેવી ગરમી-ઠંડીમાં તેના મૂળ-સ્વરૂપમાં ટકી રહેવાનો ગુણ ધરાવે છે. તેથી ઘણાં દેશો ચલણી સિક્કા બનાવવા ચાંદીનો ઉપયોગ કરે છે. આપણે ત્યાં ૨૦ રૂપિયાના સિક્કામાં આજેય ચાંદી વપરાય છે.
વિશ્વમાં ચાંદીનું વાર્ષિક ઉત્પાદન ૪૫ કરોડ ઔંસ જેટલું છે. જેમાંથી અડધોઅડધ ચાંદીનું ઉત્પાદન અમેરિકા, રશિયા, મેક્સિકો અને કેનેડામાં થાય છે. કાંસુ અને સીસાની ખાણોમાંથી નીકળતા ખનિજની પ્રક્રિયા દરમ્યાન આડપેદાશ તરીકે ચાંદી નીકળે છે.
ગોલ્ડફિલ્ડ મિનરલ સર્વિસિસનો સિલ્વર સર્વે એવું કહે છે કે આ વર્ષે વરસાદ સારો પડયો તો પણ ચાંદીની માગ વધી ગઈ. કારણ કે ઘણા શ્રીમંત ખેડૂતો હવે નવેસરથી ચાંદીમાં મૂડી રોકાણ કરતાં થયા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં ખેડૂતો અને આદિવાસીઓ ચાંદીના ઘરેણાં, વાસણો વગેરેમાં સારા એવાં પૈસા રોકે છે. ચાંદીબજારના નિષ્ણાતો એમ કહે છે કે લાંબે ગાળે સોના કરતાં ચાંદીમાં મૂડીરોકાણ કરવું સારું છે. કેમ કે ચાંદીના બજારમાં સપ્લાય (પુરવઠા) કરતાં માગ હંમેશા વધુ હોય છે. ગયા વર્ષે એકલા ગુજરાત રાજ્યમાં ચાંદીની ૧૪૧૮ ટન આયાત થઈ હતી. જ્યારે સમગ્ર ભારતની આ વર્ષે ૪૦૦૦ ટન જેટલી ચાંદીની આયાત થશે.
ભારતમાં ચાંદીના ભાવો સતત વધતા રહ્યા હોય તો તેનું એક કારણ એ છે કે આપણા દેશમાં ચાંદીનું ઉત્પાદન સામે ચાંદીની વાર્ષિક માગ ૮૦૦૦ ટન થી વધુ છે. ઘરેણાં અને સિક્કા ઉપરાંત ચાંદીમાંથી દેવી-દેવતાની મૂર્તિ, સિલ્વર વાસણો, મેડલો, હસ્તકારીગરીની વસ્તુઓ તથા ધાતુ પર ઢોળ ચઢાવવામાં ૬૦ ટકા ચાંદી ચાઉ થઈ જાય છે. ગયા વર્ષે કુલ ૧૨૦૦ ટન ચાંદી વિવિધ ઉદ્યોગોમાં વપરાઈ ગઈ હતી.
ઈલેક્ટ્રોપ્લેટીંગ ઉદ્યોગ ૧૨૦ ટન તેમ જ ટ્રાન્ઝિસ્ટર, આઈપેડ, ટેલિવિઝન અને બીજી ઈલેક્ટ્રોનિક સાધનોમાં ૧૩૦ ટન ચાંદી વપરાય છે. અમુક ધાતુ પર 'પ્રોટેક્ટીવ કવર' ચઢાવવા માટે કરાતી પ્રક્રિયામાં વર્ષે ૮૦ ટન ચાંદી જોઈએ. સાડી, ફૂલહાર, તોરણ અને શોભા કારીગરીની કેટલીય વસ્તુઓ બનાવવા વપરાતા ચાંદીના તાર માટે બીજી ૩૬૦ ટન ચાંદી જોઈએ. તમને કદાચ માન્યામાં ન આવે, પરંતુ ગયા વર્ષે સાડીમાં ચાંદીના જરીભરત કામમાં જ ૨૨૦ ટન સિલ્વર વપરાયું હતું. દેશના ઝરી ઉદ્યોગનો ચાંદીનો વપરાશ દર વર્ષે ૧૦ ટકાના હિસાબે વધતો રહે છે. ફાર્માસ્યુટિકલ અને કેમિકલ ઉદ્યોગ પણ વર્ષે ૧૦૦ ટન ચાંદી ઓગાળી જાય છે.
જો કે કોઈ એક ક્ષેત્રમાં ચાંદીનો વપરાશ એકદમ વધ્યો હોય તો તે છે ચાંદીના વરખ અને સિલ્વર ફોઈલ ઉદ્યોગમાં - દેશના ખૂણે ખૂણે હજારો કારીગરો વર્ષે ૨૭૫ ટન ચાંદી ટીપી ટીપીને તેમાંથી ચાંદીનો વરખ બનાવે છે. જેમાંથી સૌથી વધુ વરખનો વપરાશ જાફરાની પત્તી, કિમામ, વગેરેના ઉત્પાદકો કરે છે. આ સિવાય મિઠાઈ, ચ્યવનપ્રાશ અને બીજા કેટલાંક ખાદ્ય પદાર્થોમાં ચાંદીનો વરખ વપરાય છે
વાસણો વેલ્ડિંગ કરવા, રેણ કરવા માટે ચાંદી અને કાંસાનું મિશ્રણ વપરાય છે. ઈનામો માટે અપાતા ચંદ્રકો સોેનાના હોય તો પણ તેમાં બેઝ મેટલ તરીકે ચાંદીનો જ ઉપયોગ થાય છે. ઘણાંને ખ્યાલ હશે કે પ્યૉર સોનામાં હીરાના દાગીના બનતા નથી કારણ કે સોનું હીરા પર બરાબર પકડ જાળવી શકતું નથી. તેથી હીરાના ઘરેણામાં પ્લેટીનમ અથવા ચાંદી વપરાય છે. પ્લેટીનમ મોંઘુ હોવાથી આમ તો ચાંદીનો ઉપયોગ જ વધુ થાય છે.
પાણી શુદ્ધ કરવાના આધુનિક ફિલ્ટર પ્લાન્ટમાં પણ ચાંદી વપરાય છે. આ સિવાય કૉમ્પ્યુટરની માઈક્રોચીપ્સ બનાવવા ટચુકડી બૅટરીસેલ (બટન બેટરી) બનાવવા તેમ જ હિયરીંગ એઈડમાં ચાંદીવાળી બેટરી વપરાય છે.
છેલ્લાં દાયકામાં દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેમ કે સોલાર પેનલો બનાવવામાં ચાંદી ફોટોવોલ્ટેઈક સેલ્સ (સોલાર પેનલ) માટે ખૂબ જરૂરી છે. ઈલેક્ટ્રિક વાહનો, ચિપ્સ,અને ફાઈવ-જી સાધનોમાં પણ ચાંદી વપરાય છે.
એટલું જ નહીં, સોનાની સાથે સાથે હવે લોકો ચાંદીમાં ઈટીએફ, બાર્સ, સિલ્વર રાઉન્ડ્સમાં પણ રોકાણ કરી રહ્યાં છે.
અવકાશ કાર્યક્રમ આગળ વધ્યો તેમ અમેરિકા ઉપરાંત જર્મની, બ્રિટન, જાપાન, ચીન અને ભારત દ્વારા ચાંદીનો વપરાશ વધ્યો છે. અવકાશયાનની બાહ્ય સપાટીના કેટલાંક નાજુક ભાગો પર ચાંદીમિશ્રિત ધાતુનું આવરણ હોય છે. અવકાશયાત્રીના પોશાકમાં પણ ભારોભાર ચાંદી વપરાય છે.
આમ ચાંદીની ખપત ચારે બાજુ વધી છે. પરંતુ વિશ્વ ઉત્પાદન એ ઝડપથી વધ્યું નથી. ભારત સરકારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીન બે દાયકા પૂર્વે ર્ ચાંદીની આયાત કરવાના પરવાના આપવાની શરૂઆત કરી હતી. ત્યારથી અધિકૃત રીતે આયાત થતી ચાંદીનું પ્રમાણ વધ્યું છે. ૧૯૯૨ સુધી વર્ષે લગભગ ૧૫૦૦ ટન ચાંદી દાણચોરીથી ભારતમાં આવતી હતી. તે ઘટીને હવે પ્રમાણ ૩૦-૪૦ ટન થઈ ગયું છે.
૨૦૦૨માં ભારત સરકાર પાસે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધુ માત્રામાં ચાંદીનો અનામત જથ્થો (આશરે ૮૭ મિલિયન ઔંશ) હતો. પરંતુ ૨૦૦૫માં રિઝર્વ બેન્કે ૩૯ મિલિયન ઔંશ ચાંદી વેચી મારી. આજની તારીખે રિઝર્વ બેન્ક પાસે અનામત જથ્થામાં ૨૯,૯૮૨ ટન ચાંદી છે. ભારતમાં હવે વર્ષે ૬૭૦ ટનચાંદી ઉત્પન્ન થાય છે. (જેમાં મુખ્યત્વે જુનાં ઘરેણાં, તૂટેલા ચાંદીના વાસણો ફરી બજારમાં આવે છે તેનો સમાવેશ થાય છે.)
ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની છે હિન્દુસ્તાન ઝિન્ક. ઉત્તરાખંડના પંતનગરના આવેલી આ કંપનીને લંડનના બુલિયન માર્કેટ એસોસિએશન દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે.
આ કંપની હાલમાં વર્ષે આશરે ૬૫૦ ટન ચાંદી બનાવે છે. પરંતુ થોડાં વર્ષમાં આ પ્રોડક્શન વધારીને ૧૫૦૦ ટન સુધી લઈ જવાનું લક્ષ કંપની ધરાવે છે. વિશ્વના ૧૨ મોટા ઉત્પાદકોમાં હિન્દુસ્તાન ઝિન્કનું નામ નવમા સ્થાને છે. પરંતુ પાંચેક વર્ષમાં તે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લેશે તેવી ધારણા છે. બાય ધ વે, ગુગલ રિપોર્ટ પ્રમાણે ભારતમાં સિલ્વર કિંગ તરીકે શેઠ કસ્તુરચંદ બુચરા ના નામનો ઉલ્લેખ છે.
ચાંદીના વેપારીઓ, બુલિયન ડિલરો એવું જણાવે છે કે ચાંદીની માગ અને પુરવઠા વચ્ચે વારંવાર અસમતુલા સર્જાતી હોવાથી કમિશનનો ગાળો બહુ ઓછો રહે છે. બીજી તરફ ચાંદીની આઈટમોની એક નાની જ્વેલરી શોપ ખોલવી હોય તો પણ આશરે ૩૦૦ કિલોની ચીજવસ્તુ રાખવી પડે. તેથી આ આઈટેમોમાં કરેલું મૂડીરોકાણ કરોડ ઉપર પહોંચી જાય.
આવી સ્થિતિમાં વેપારીઓ નફો કઈ રીતે કમાતા હશે? એવો પ્રશ્ન કોઈને પણ થાય. તેનો જવાબ આપતાં એક અગ્રણી બુલિયન ડિલર કહે છે : નફાનું પ્રમાણ જાળવી રાખવા ઘણાં વેપારીઓ ચાંદીમાં ભેળસેળ કરે છે. ચાંદીના બે એકદમ સરખા દેખાતા વાસણમાંથી એકમાં ૯૮ ટકા ચાંદી વાપરી હોય અને બીજામાં માત્ર ૩૦ ટકા ચાંદી હોય તો પણ સામાન્ય ઘરાકને આ તફાવત કે ભેળસેળની ખબર નથી પડતી. ઘરાકો પણ કદી તેમણે ખરીદેલી ચાંદીની ચીજ કેટલી અસલી કે ભેળસેળયુક્ત છે તેની તપાસ કરાવતાં નથી. જ્યારે હવે તો એવી રિફાઈનરી મોજૂદ છે જે દરેક ચીજ દીઠ ૧૦૦ થી ૨૫૦ રૂપિયામાં ચાંદીની શુદ્ધતાનું સર્ટિફિકેટ આપે છે.
ગરીબ જનતાનું સોનું ગણાતાં ચાંદીના ઘરેણાં કે વાસણમાં પણ ભેળસેળનું પ્રમાણ આ રીતે વધતું જશે તો રાંક પ્રજા બિચારી ક્યાં જશે? ચાંદીના ઘરેણાં પહેરીને મન મનાવતા ગ્રામ્યપ્રજા માટે જો આ રૂપેરી ધાતું પણ પહોંચ બહારની જણસ બનશે તો તેઓ કરશે શું?








