Magazines

સર્જનાત્મકતા તો શરમાળ પ્રેમિકા જેવી હોય છે...

By GS TEAM
24 Jan 20262 mins read
સર્જનાત્મકતા તો શરમાળ પ્રેમિકા જેવી હોય છે...

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

- કલાકારે કે સર્જકે પોતાનાં સ્વપ્નો, ઈચ્છાઓ, અભિપ્સાઓ સાથે વાતો કરવાની છે. જગતને, જીવનને માત્ર બુદ્ધિથી જાણવાનું નથી, પણ હૃદયથી પામવાનું છે  

સત્યની અભિવ્યક્તિની પળે અનિવાર્ય રીતે બે વ્યક્તિની જરૂરિયાત હોય છે, એક તો ઉચ્ચારનારની અને બીજી તેને સાંભળનારની.

- હેન્રી ડેવિડ થોરો

સાવ સાચ્ચું ! પણ એમ લાગે છે કે ત્યાં એક ત્રીજાની પણ જરૂર છે, તે સત્યને જીવનારની. આપણી જીવન કે સર્જન કથાને આપણે અવરોધવાની નથી પણ આવકારવાની અને સમગ્રતાથી જીવવાની છે. સર્જનાત્મકતા તો શરમાળ પ્રેમિકા જેવી હોય છે, આપણે સાવ એકલા હોઈએ ત્યારે આવી ચડે છે. પણ હા, આવી પળે જે ઉતરે છે તે શબ્દ-વિચાર કોશ પારનું હોય છે. ત્યારે  પેટી પારના રંગો ઉછળે છે અને સ્વરપેટીમાંથી અપરંપારના સ્વરો અવતરે છે. જો તે સર્જનાત્મક પળ સાથે મૈત્રી થાય છે તો સૂર, સ્વર, રંગની ઉપર, નીચે અને આરપાર સાંભળી, સ્પર્શી અને નીરખી શકાય છે. આપણી રહસ્યવાદી ધારા તેને 'બાવન બારા'ની અવસ્થા કહે છે. આવો, આપણે એક એવી સર્જનાત્મક પળના સાક્ષી બનીએ...

ટોમ વેઇટ્સ નામનો એક અમેરિકન ગાયક, ગીતકાર અને અભિનેતા છે. અત્યારે તે ૭૫ વર્ષનો થયો. એકાંત સાધના ચાલે છે. તેણે રોક, જાઝ ડેલ્ટા, બ્લુય્ઝ, ઓપેરા, કેબરેટ, ફન્ક વગેરે આપ્યા છે. એક વખત તે હાઇ-વે પર ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. સર્જનમાં તેનો આ કાળ તનાવ, ચિંતા અને સંદેહનો ચાલતો હતો. ત્યાં-ત્યારે તેના ચિત્તમાં વિજળીના ઝબકાર જેમ એક પંક્તિ ઉતરી આવી સાવ ઓચિંતા અને અનાયાસ !

પણ તે પંક્તિ નોંધી શકે તેમ ન હતો. અલબત્ત તે અસામાન્ય રીતે વર્ત્યો. તે ડ્રાઇવિંગ કરતાં કરતાં જ ભૂરા આકાશ સામે જોઈને આમ બોલે છે, 'મને માફ કર. તું જોતો નથી કે અત્યારે હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું. તને લાગે છે કે આ ગીત હું અત્યારે લખી શકું ? જો આ ગીત તારે બચાવવું હોય તો વધુ યોગ્ય સમયે તે દેવા માટે ફરી આવજે, જ્યારે હું તને સાંભળી અને અને સંભાળી શકું. અથવા તો તું કોઈ અન્ય પાસે ચાલ્યું જા. તું લિઓનાર્ડ કોહન પાસે ચાલ્યું જા...'

જ્યારે પણ આપણે આપણાં સંદેહો, હતાશા, પડકારો અને અસલામતી સાથે મૈત્રીપૂર્ણ સંવાદ રચીએ છીએ ત્યારે જ આસ્થાનો જન્મ થાય છે. 

કલાકારે કે સર્જકે પોતાનાં સ્વપ્નો, ઈચ્છાઓ, અભિપ્સાઓ સાથે વાતો કરવાની છે. તેણે જગતને, જીવનને માત્ર બુદ્ધિથી જાણવાનું નથી, પણ હૃદયથી પામવાનું છે. સર્જક તો જ્ઞાત અને અજ્ઞાતની પાંખે અજ્ઞોયના આકાશ તરફ ઉડતો હોય છે.  એમરસન કહેતા કે અસ્તિત્વની ચાલ સાથે આપણે કદમ મિલાવવાના છે. તેના રહસ્ય પામવા માટે અપાર ધૈર્ય અનિવાર્ય છે...