વલ્લભભાઈ ઈચ્છતા હતા કે પોતાના બાળકો અંગ્રેજી અને અંગ્રેજીયત કેળવણી મેળવે

- સરદાર @150-હસિત મહેતા
- નાનકડાં મણિબેન અને ડાહ્યાભાઈ માટે હવે વલ્લભભાઈ બાપ પણ હતા અને મા પણ હતા. તેમને માટે રાત-દિવસ ચિંતિત વલ્લભભાઈને આખરે એક ઉપાય સૂઝ્યો, જેણે તેમની ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાની મહત્વકાંક્ષા માટેનો માર્ગ મોકળો કર્યો
બો રસદ નિવાસ વખતે ગણત્રીના વર્ષોમાં વલ્લભભાઈના જીવનમાં ઘણું બધું અણધાર્યું બની ગયું હતું. હવે તેમના માથે માત વિહોણા બે બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડી હતી. નાનકડાં મણિબેન અને ડાહ્યાભાઈ માટે હવે વલ્લભભાઈ બાપ પણ હતા અને મા પણ હતા. તેમને માટે રાત-દિવસ ચિંતિત વલ્લભભાઈને આખરે એક ઉપાય સૂઝ્યો, જેણે તેમની ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાની મહત્વકાંક્ષા માટેનો માર્ગ મોકળો કર્યો.
તેથી ઈ.સ.૧૯૦૧થી બોરસદમાં શરુ કરેલી વકીલ તરીકેની સફળ કારકીર્દિને વલ્લભભાઈએ વિદાય આપી. એ વર્ષ હતું ઈ.સ.૧૯૧૦નું. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે ઈંગ્લેન્ડ જવાના વિચારે બોરસદની વકીલાત ધીમે-ધીમે સમેટવા જ માંડી હતી. છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રના ઉછેર તથા ભણતર માટે એ સમયની જરુરિયાત મુજબ સારામાં સારી વ્યવસ્થા કરવાના મનસૂબા ઘડવા માંડયા હતા. તેમની માતા ઝવેરબાને જ્યારથી મુંબઈ સારવાર માટે લઈ ગયા હતાં ત્યારથી બંને બાળકો મુંબઈમાં કાકા વિઠ્ઠલભાઈને ત્યાં જ રહેતાં હતા. એટલે વલ્લભભાઈએ વિચાર કર્યો કે બાળકોને મુંબઈમાં જ ઉત્તમ અંગ્રેજી શિક્ષણ આપવું અને પછી તેમને થોડા મોટા થયે ઈંગ્લેન્ડ મોકલીને ભણાવવા.
હવે મુંબઈમાં અંગ્રેજી ભણવાની અને સારી રીતે રહેવાની ઉત્તમ સગવડ વિચારી મૂકી હતી. વળી સ્વભાવગત ચીવટથી છોકરાઓના ખર્ચની પાકી વ્યવસ્થા કરી દીધી. એક જ સંતાનની ફી સો રુપિયા હતી, એટલે બેની બસો થાય. જે એ જમાને ઘણી મોટી રકમ કહેવાય. પરંતુ બોરસદની વકીલાતમાં પ્રેક્ટિસ સારી ચાલી હોવાથી તેઓ આ ખર્ચને પહોંચી વળ્યા. બે બાળકોની આવી મોંઘી ફી ઉપરાંત પોતાને ઈંગ્લેન્ડ જવા માટેનો મોટો ખર્ચ, વિઠ્ઠલભાઈનો ઈંગ્લેન્ડ ભણતરનો દસ હજાર રુપિયાનો ખર્ચ અને બે છોકરાંઓના રહેવા-જમવાનો ખર્ચ, આ બધી જ રકમની વ્યવસ્થા તેઓ ગોઠવી શક્યાં, કારણ કે બોરસદની વકીલાતમાં તેઓ ઊંચું કમાયા હતા અને કરકસરીયા જીવનધોરણ થકી ઘણું બચાવ્યું હતું.
આ રીતે વલ્લભભાઈના જીવનમાં અંગ્રેજો, અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજિયત બૅરિસ્ટરી માટેના સપનાઓને પાર પાડવાનો આખો તખ્તો બોરસદમાં ગોઠવાઈ ગયો હતો. સાચા અર્થમાં દાંપત્યનો સુખાનુભવ વલ્લભભાઈએ જ્યાં કર્યો હતો, બે સંતાનપ્રાપ્તિ જ્યાંથી થઈ હતી, વકીલાત જ્યાં જામી હતી. જ્યાં બે પાંદડે થયાં હતા, એ જ બોરસદે વલ્લભભાઈને પોતાની વિધૂરતા, મોટાભાઈનો સંસારભંગ અને બૅરિસ્ટરી માટેના અવરોધો પણ આપ્યા હતા. આ બધી સુખદુ:ખની હકીકતોને હૃદયમાં ધરબીને આખરે વલ્લભભાઈએ બોરસદથી મુંબઈ ભણીના પોટલાં બાંધી દીધાં.
આમ તો તેમના બંને બાળકો મુંબઈમાં વિઠ્ઠલભાઈના ઘરે જ હતાં. પરંતુ હવે તો વિઠ્ઠલભાઈના પત્ની દિવાળીબા પણ રહ્યાં નહોતા. વળી છોકરાંઓ જો કોઈ અંગ્રેજ ઘરના વાતાવરણમાં રહે તો વ્યવહારું વાતચીતથી જ તેઓ અંગ્રેજી શીખી જાય. પછી તેમને કૉલેજ કરાવવા માટે ઈંગ્લેન્ડ મોકલવા સુધીના વિચારનિર્ણયો કરીને વલ્લભભાઈએ બોરસદ છોડયું અને મુંબઈ ગયા.
મણિબેને, વલ્લભભાઈની જન્મશતાબ્દી વખતે, પોતાના બાળપણના અને પિતાજીના સ્મરણો વાગોળતાં. ઈ.સ.૧૯૭૫ના ડિસેમ્બરમાં 'ગુર્જરભારતી' માસિક સામયિકનાં વિશેષાંકમાં લખ્યું છે કે 'સરદાર બૅરિસ્ટર થવા માટે વિલાયત ગયા તે પહેલાં અમારી માતાનું અવસાન થયેલું, એટલે અમને આજની મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના (૧૯૭૫ વખતના મુંબઈના કોંગ્રેસભવનના) મકાનની પાછળ, ગ્રાંટ રોડ ઉપરની મિશનની (ખ્રિસ્તી સંપ્રદાયની) ક્વીન મેરી હાઈસ્કૂલમાં મૂકેલાં. અમે ભાઈ-બહેન ત્યાં પહેલાં છાત્રવાસી હતાં. એ જમાનામાં તેઓ રુ.૧૦૦-૧૦૦ અમારી પાછળ ખર્ચ કરતાં. જેમાં જમવાનું, રહેવાનું, અભ્યાસ - બધું જ આવી જાય.' વલ્લભભાઈએ પોતાના બંને નાના સંતાનોને કોઈ સગાને ત્યાં નહીં, પરંતુ ક્વીન મેરી હાઈસ્કૂલની હોસ્ટેલમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. આ માટે એ સ્કૂલના કુ.વિલ્સન મેડમ બંને છોકરાંઓની દેખભાળ રાખવા માટે રાજી હતા. તેથી વલ્લભભાઈને ઈંગ્લેન્ડ જતાં પહેલાં બાળકોની ચિંતામાં ઘણી હળવાશ મળી. તેમને એ પણ નિરાંત થઈ કે કુ.વિલ્સનની નિશ્રામાં બાળકો ઝડપથી અંગ્રેજી બોલતાં-લખતાં શીખી જાય તો તેમને પણ ઈંગ્લેન્ડ ભણવા મોકલવાનો માર્ગ મોકળો થઈ જાય. બન્યું પણ એવું જ. મણિબેને વલ્લભભાઈની શતાબ્દી અવસરે લખેલાં પેલા સ્મરણલેખમાં જણાવ્યું છે કે ''(એ સમયે) અમ ભાઈ બહેને વચ્ચે અંગ્રેજીમાં જ પત્રવ્યવહાર ચાલતો. Direct Methodથી ભણેલાં, એટલે ગુજરાતી સરખું લખતાં-વાંચતા પણ ન આવડે.''
હાડોહાડ ખેડૂત, નખશીખ ગુજરાતી, નડિયાદ-કરમસદમાં ઉછરેલાં વલ્લભભાઈ પટેલના બંને સંતાનો તો શાળાજીવન વખતે ગુજરાતી ભાષાથી ઘણાં દૂર રહ્યાં હતા. એટલું જ નહીં પણ તેમને ગુજરાતી સંસ્કૃતિ, સમાજ અને વ્યવહારનો પણ ઝાઝો ખ્યાલ નહોતો. જો કે ખુદ વલ્લભભાઈની પણ તે વખતે તો એવી જ ઈચ્છા હતી કે બાળકો પૂરેપૂરી અંગ્રેજી કેળવણી મેળવે, અંગ્રેજોના દેશમાં જઈને ભણે, અને અંગ્રેજી સભ્યતા મુજબનું જીવન જીવે. વિધાતાએ કેવા લેખ લખ્યાં હશે કે ભારોભાર ભારતીય અને ગુજ્જુ લોકનેતાના બાળકો પૂર્વજીવને અંગ્રેજ અને અંગ્રેજીયત પાછળ મોહાંધ થશે, અને પછીના ઉત્તરજીવને વળી પાછા પોતાની માટીના મૂળિયામાં ઓતપ્રોત થઈ જશે.









