Magazines

કૃષિજીવનની પાઠશાળા .

By GS TEAM
23 May 20267 mins read
કૃષિજીવનની પાઠશાળા                                        .

- આજકાલ-પ્રીતિ શાહ

- કિરબુ શંકરનો ફાર્મ કેમ્પ પાછળનો આશય એટલો જ છે કે બાળકો ભવિષ્યમાં માતા-પિતા બનવાના છે, ત્યારે તેઓ આ અનુભવથી પ્રકૃતિ અને ભોજન વિશે જવાબદારીપૂર્વક વિચારશે

ત મિલનાડુમાં રહેતા કિરુબા શંકરની પુત્રીને કોઈકે પૂછયું કે, 'દૂધ ક્યાંથી આવે છે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે 'ટેટ્રાપૅકમાંથી'. ખેડૂત પરિવારમાં મોટા થયેલા કિરુબાને પુત્રીના ઉત્તરે વિચારતા કરી મૂક્યા. શહેરમાં રહેતા મોટાભાગના પરિવારોને દૂધ, અનાજ અને શાકભાજી ક્યાંથી આવે છે તેની ખબર નથી. અનાજ કે દૂધ ક્યાંથી આવે છે તે વાત બાળકોની સમજમાંથી ભૂંસાતી જાય છે. એ ચિંતા કરાવનારી બાબત છે. આ મનોમંથનમાંથી ઉદ્ભવ થયો વકસાના ફાર્મનો!

તમિલનાડુના રેટ્ટનાઈ ગામમાં તેમની ચૌદ એકરની જમીન હતી. કિરુબાના માતા-પિતાના પક્ષે ખેતીવાડીનો માહોલ હતો, પરંતુ શિક્ષણ અને રોજગારીની શોધમાં યુવા પેઢી ગામડાંમાંથી નીકળીને શહેરમાં વસવાટ કરે છે, તે રીતે તેઓ પણ ગામ છોડીને શહેરમાં રહેવા લાગ્યા હતા. ૨૦૧૧માં તેઓ જ્યારે પોતાના ગામ રેટ્ટનાઈ ગયા, ત્યારે ત્રણ દાયકાથી એ જમીન એમ જ પડી હતી. સૌથી પહેલાં તો એમણે છ એકર જમીનને સ્વચ્છ કરી અને વકસાના ફાર્મની શરૂઆત કરી. વકસાનાનો અર્થ છે 'લીલીછમ ફળદ્રુપ જમીન'. આ ફાર્મમાં તેમણે વૃક્ષો, અનાજ અને શાકભાજી ઊગાડવા, પ્રાણીઓને પાળવાં, પાણીની વ્યવસ્થા કરવી - આ બધું એકઠું કરીને ઈકોસિસ્ટમ ઊભી કરી છે. આવું કરવા પાછળ તેમનો હેતુ વ્યવસાય કરવાનો નથી, પરંતુ લોકો અહીં આવીને ખેતીની પ્રક્રિયાનો અનુભવ મેળવે તેવો છે.

૨૦૨૧ના સપ્ટેમ્બર માસથી 'ફાર્મ કેમ્પ'ની શરૂઆત કરી અને ૨૦૨૨ના મે મહિનાથી બાળકો અને તેમના માતા-પિતા ફાર્મમાં ચોવીસ કલાક રહીને તે જીવનનો અનુભવ મેળવે તેવી શરૂઆત કરી. અહીં રહેવા માટે શનિવારે સવારે દસ વાગ્યે પહોંચવાનું હોય છે અને રવિવારે દસ વાગ્યે પાછા ફરવાનું હોય છે. તેઓ શરૂઆતથી જ ચોવીસ કલાકની ગાઈડલાઈન આપી દે છે. આની પાછળનો તેમનો હેતુ બહુ સ્પષ્ટ છે તેથી તેઓ સમજાવે છે કે આ કોઈ 'ટૂર નથી, પરંતુ અહીં એક દિવસ માટે ખેડૂત જેવું જીવન જીવવાનું છે. બાળકોને ખેતરમાં લઈ જઈને માટી તૈયાર કરવી, જમીન ખેડવી અને વાવેતર કરવા માટે જમીનને તૈયાર કરવાનું શીખવવામાં આવે છે. તેમને ટ્રેક્ટર રાઈડ કરાવવામાં આવે છે, જેમાં બાળકોને ખૂબ મજા આવે છે, પરંતુ પહેલાં જમીન ખેડવા માટે બળદનો ઉપયોગ થતો હતો, તે પણ બતાવે છે. જેથી તેમને ખ્યાલ આવે કે પહેલાં કેટલી મહેનત કરવી પડતી હતી. એ પછી બીજ વાવવા, નીંદણ કાપવું અને પાક તૈયાર થવો - આ સમગ્ર પ્રક્રિયાનો અનુભવ કરાવે છે.

ભોજન બાદ ત્યાં બાંધેલા શેડમાં જ થોડો આરામ કરાવવામાં આવે છે, જેથી તેમણે જે અનુભવ લીધો છે તેની અનુભૂતિ થોડો સમય તેમનામાં રહે. ત્યાર પછી ગાય, બકરી, ઘેટાં, ઘોડા, ઊંટ, બતક, હંસ જેવાં પ્રાણીઓ અને પક્ષીઓ જેમાંના મોટા ભાગનાને બચાવ્યા હોય, તેમની મુલાકાતે લઈ જાય છે. તેઓ અલગ નથી, પણ આ સિસ્ટમનો જ ભાગ છે તે રીતે સમજાવવામાં આવે છે. બાળકો તેમને ખવડાવે છે, તેમની વર્તણૂકનું નિરીક્ષણ કરે છે અને વહાલથી ભેટે છે. તે પછી તેમને વાંસ અને વૃક્ષો ઊગાડયા છે તે જગ્યાએ લઈ જઈને ગિલ્લી દંડા, મટકાફોડ તેમજ અન્ય સ્થાનિક રમતો રમાડવામાં આવે છે. ચારથી સાત વર્ષનાં બાળકો અને મોટી ઉંમરનાં બાળકો માટે જુદી રમતો ડિઝાઈન કરવામાં આવી છે.

સાંજે તેમને સ્વિમિંગ કરાવવામાં આવે છે. જેમને સ્વિમિંગ ન કરવું હોય તો પમ્પ સેટની નીચે ન્હાવાની સગવડ પણ છે. અહીં બાળકો સાથે માતા-પિતા પણ સંકોચ છોડીને આનંદ માણે છે. સાંજ ઢળતા બાળકો ખેતરમાં ચાલતાં ચાલતાં જઈને શાકભાજી તોડી લાવે છે અને નક્કી કરે છે કે સાંજના ભોજનમાં શું ખાઈશું. સાંજનું ભોજન માતા-પિતા અને ખેતર પર રહેનારા સહુ સાથે મળીને બનાવે છે. ખુલ્લા આકાશની નીચે ઠંડી હોય તો તાપણા સાથે વાર્તા કહેતાં કહેતાં સાથે ભોજન લે છે. આ સમયે એક પછી એક સહુ હળીમળીને ખુલ્લા દિલે વાતો કરે છે. રાત્રે દસ વાગ્યે સૂઈ જઈને સવારે સાડા ચાર વાગ્યે બીજો દિવસ શરૂ થાય છે. જે કૃષિજીવનનો સાહજિક ક્રમ હોય છે. સવારે ઊઠીને પશુઓની સંભાળ લેવી, પાણીની દેખરેખ રાખવી, ખેતીનું હળવું કામ કરવું - આવા જીવનનો બાળકોને અનુભવ કરાવવામાં આવે છે. ત્યારબાદ સવારે નાસ્તો કરાવીને દસ વાગ્યે વિદાય આપે છે. મોટા ભાગના લોકો થોડા થાક સાથે, પણ જુદો અનુભવ લઈને ઘરે આવે છે. તેમને સમજાય છે કે ભોજન માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે. દરેક કેમ્પમાં માત્ર દસ બાળકોને જ પ્રવેશ અપાય છે. તેને માટે અગિયાર વ્યક્તિનો સ્ટાફ હોય છે જેથી તેમની પૂરી સંભાળ રાખી શકાય. કિરબુ શંકરનો ફાર્મ કેમ્પ પાછળનો આશય એટલો જ છે કે બાળકો ભવિષ્યમાં માતા-પિતા બનવાના છે, ત્યારે તેઓ આ અનુભવથી પ્રકૃતિ અને ભોજન વિશે જવાબદારીપૂર્વક વિચારશે.

અનાયાની ફિનવિન વર્કશોપ

મહિલાઓને આર્થિક સ્વતંત્રતા મળે અને યોગ્ય આર્થિક આયોજનથી જીવનધોરણ સુધરી શકે છે એમાં એને પૂરી શ્રદ્ધા છે અને એટલે આવું કામ કરવામાં એને આનંદ આવે છે

બઁ ગલુરુના સુખી સંપન્ન પરિવારમાં અનાયા જેઠાનંદાનીનો જન્મ થયો હતો. બૅંગલુરુની ઇન્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે એક દિવસ તેના ઘરે રસોઈ કરવા આવનાર અનિતાની આંખમાં આંસુ હતાં. સ્વાભાવિક રીતે જ અનાયાએ એને પૂછયું કે તે આટલી બધી અસ્વસ્થ અને નારાજ કેમ છે? અનિતાએ જણાવ્યું કે તેને બે દીકરા છે તે સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના પરિવારનું ભરણપોષણ કરનાર તે એકલી જ છે. તેનો પતિ કમાતો નથી અને તે દિવસે તેણે બચાવેલા બધા પૈસા લઈને દારૂમાં વાપરી નાખ્યા. અનાયા જેઠનંદાની એવા કુટુંબમાં ઉછરી હતી કે આવી કલ્પના પણ થઈ શકે નહીં. તેથી તેને ત્યાં રસોઈ કરવા આવનાર અનિતાની વાત સાંભળીને તેને આશ્ચર્ય સાથે ખૂબ દુ:ખ થયું. તેણે સંશોધન કર્યું તો ખ્યાલ આવ્યો કે ભારતમાં ૬૭ ટકા પુરુષો સ્ત્રીઓની કમાણીનો વહીવટ કરે છે.

અનાયાએ વિચાર્યું કે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગમાં આ લૈંગિક આર્થિક અસમાનતા વધુ છે. અનિતાની વાતે એને આ ક્ષેત્રે કામ કરવા પ્રેરી અને આ વિશે સંશોધન કરવા લાગી. તેણે ફાયનાન્સિયલ લિટરસી વિશે કોર્સ કર્યો.  તેને કેવી રીતે કામ કરવું તેનો કોર્સ બનાવતા અને મોડયુલ બનાવતા પાંચ મહિના થયા. જોકે અનાયા કહે છે કે તેના માતા-પિતા અને તેમના ઘણા મિત્રો આ ક્ષેત્રે કામ કરતા હતા, તેથી તેમનું માર્ગદર્શન મળી રહ્યું. ૨૦૨૧ના જુલાઈમાં તેણે ફિનવિનની સ્થાપના કરી. એ જાણતી હતી કે હજી તેણે ઘણું કામ કરવાનું છે, પરંતુ સૌપ્રથમ તો તેની સોસાયટીમાં ઘરેલું કામ કરવા આવતી પંદર મહિલાઓને એકઠી કરી. બધાની વાત સાંભળી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે કોઈની વાત અનિતાની વાત કરતા જુદી નહોતી. અનાયાનો હેતુ એવો હતો કે સ્ત્રીઓની સખત મહેનતની કમાણીને સાચવવા માટે બેંક એકાઉન્ટ છે કે નહીં? અને તેમના પૈસાનો વહીવટ પતિ કે પિતા કરે છે કે પોતે કરે છે? પૂછપરછને અંતે તેને તેનો જવાબ મળ્યો કે આ સમસ્યા વ્યાપકરૂપે ફેલાયેલી છે. 

મહિલાઓની સમસ્યાને સમજ્યા પછી તેણે ફિનવિન દ્વારા વર્કશોપનું આયોજન કર્યું. તેમાં બે મહત્ત્વના મુદ્દા હતા - એક ફાયનાન્સિયલ લિટરસી અર્થાત્ આર્થિક બાબત અંગે શિક્ષિત કરવી અને બીજું આર્થિક આયોજન શીખવવું. આર્થિક કૌભાંડો અને છેતરપિંડીથી કેવી રીતે બચવું તથા તેના વિશે કેવી જાગૃતિ રાખવી. બજેટ બનાવવામાં પચાસ ટકા, ત્રીસ ટકા અને વીસ ટકાની પદ્ધતિથી શીખવે છે અને ખર્ચમાં કાપ મૂકવામાં કઈ બાબતને પ્રાથમિકતા આપવી તે પણ સમજાવે છે. એની સાથે સાથે સરકાર તેમનું જીવનધોરણ સુધરે તે માટે કેવી કેવી યોજના બનાવે છે, તેની જાણકારી આપે છે. સરકારી યોજનામાં અરજી કરવાનું અને પાત્રતા હોય તો લોન મેળવવાનું શીખવે છે. અનાયાએ પ્રધાનમંત્રી જન ધન યોજનામાં અનેક મહિલાઓના ખાતા ખોલાવી આપ્યા.

અનાયાની સોસાયટીમાં ઘરકામ કરતી માલતી ફિનવિનની વર્કશોપમાં જોડાઈ. તેણે જ્યારે જ્યારે ખાતું ખોલાવવા પ્રયત્ન કર્યો ત્યારે હંમેશા અનેક ડૉક્યુમેન્ટઆપ્યા ને ઘણા ધક્કા ખાધા. કોઈને કોઈ જવાબ આપીને પછીના મહિને આવવાનું કહેતા, પરંતુ અનાયાના કેમ્પમાં આધારકાર્ડ અને અન્ય માહિતીથી બઁક એકાઉન્ટ ખૂલ્યું અને થોડા જ સમયમાં અનાયાએ ગુગલ પેની સર્વિસ પણ ચાલુ કરી આપી. હવે જેટલા ઘરે તે કામ કરે છે તેનો પગાર સીધો તેના ખાતામાં જાય છે. તે ખુશ છે કારણ કે તે તેના બાળકો માટે બચત કરશે અને મોટા પુત્રને અંગ્રેજી માધ્યમમાં હોસ્ટેલમાં રાખીને અભ્યાસ કરાવશે. બાળકોની આયા તરીકે કામ કરતી એક મહિલા અનાયાએ શીખવ્યા પ્રમાણે બજેટ બનાવે છે અને ક્યાં પૈસા ખર્ચવા અને ક્યાં કાપ મૂકવો તે સમજીને પૈસાની બચત કરે છે.

અનાયા વિમેન ઑફ વર્ક નામની એન.જી.ઓ. સાથે કામ કરે છે અને તેના દ્વારા મહિલાઓએ પીરિયડ વખતે શું ધ્યાન રાખવું, તેના માટે કેટલા પૈસા વાપરવા તે સમજાવે છે. ઝૂંપડપટ્ટીમાં જઈને ીઓને પણ પૈસાની બચત કરતાં શીખવે છે. બઁગાલુરુના સરજાપુર અને જયનગરના વિસ્તારમાં કામ કરીને આશરે આઠસોથી હજાર સ્ત્રીઓને આ ફાયનાન્સિયલ લિટરસીની તાલીમ આપી છે. ઝૂંપડપટ્ટીમાં પંદર જેટલા વર્કશોપ કર્યા છે. તેની સ્કૂલમાં ફિનવિન ક્લબ સ્થાપીને વિદ્યાર્થીઓને પણ સમજાવે છે. તે મહિલાઓને યોગ્ય વેતન મળે તે માટે તેના અધિકાર અંગે જાગૃત કરે છે. આધારકાર્ડ સાથે પિતા કે પતિનો ફોન નંબર લિંક હોવાથી સૌથી મોટો અવરોધ ડોક્યુમેન્ટ પ્રમાણિત કરવામાં આવ્યો. આમ છતાં અનાયાએ ચારસોથી વધુ મહિલાઓના બઁક એકાઉન્ટ ખોલાવ્યા છે. અનાયાને એના કામ માટે ઇન્ટરનેશનલ બૅકલોરિએટ તરફથી મિડલ યર પ્રોગ્રામ ઈનોવેટર્સ ગ્રાન્ટ મળી છે, પરંતુ તે બાબતને ગૌણ ગણાવતા તે કહે છે કે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા મળે અને યોગ્ય આર્થિક આયોજનથી જીવનધોરણ સુધરી શકે છે એમાં એને પૂરી શ્રદ્ધા છે અને એટલે આવું કામ કરવામાં એને આનંદ આવે છે.