Magazines

જાત દાવ પર લગાવીને જાત પામવાની કળા

By GS TEAM
23 May 20263 mins read
જાત દાવ પર લગાવીને જાત પામવાની કળા

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

વર્નર હરઝોગ એટલે વિશ્વવિખ્યાત જર્મન અભિનેતા, નિર્દેશક, લેખક, ઓપેરા ડિરેકટર વગેરે. એક અર્થમાં જર્મનીની આધૂનિક સિનેમાનો આરંભ તેનાથી જ થયો

ખરા અર્થમાં બધા જ મહાન વિચારો ચાલતા- ચાલતા સૂઝે છે.

- નીત્ઝે

અજાણ્યા કેડા પર, રખડપટ્ટી કે રઝળપાટના પ્રારંભમાં તો જાત દાવ પર લગાવવાની હોય છે અને અંતે જાત પામવાની હોય છે. તેની પૂર્વશરત એટલી જ છે કે પદયાત્રી ચાલતી વખતે સ્વસ્થ, સજાગ અને સમગ્રત: સંકલ્પવાન હોવો જોઈએ. ક્રમશ: તે પદયાત્રા જ પાવક જાત્રા બની જતી હોય છે. લાઓત્ઝે તો કહે છે કે હજારો માઈલની યાત્રાનો પ્રારંભ પ્રથમ પગલાંથી થાય છે કે લાખો શબ્દોનું મહાકાવ્ય એક સ્વર કે સુરથી થાય છે. પણ હા જો અન્યની પણ આગળ નીકળીને અનન્ય બની જવું હોય તો એક એકસ્ટ્રા માઈલ ચાલવાનું હોય છે. આ જગતમાં સૌ-દરેક ચાલે છે પણ જીવનને ઉદાહરણીય બનાવવા માટે એન એક્સ્ટ્રા માઈલ ઈઝ નીડેડ.

વર્નર હરઝોગ એટલે વિશ્વવિખ્યાત જર્મન અભિનેતા, નિર્દેશક, લેખક, ઓપેરા ડિરેકટર વગેરે. એક અર્થમાં જર્મનીની આધૂનિક સિનેમાનો આરંભ તેનાથી જ થયો. તેના નાયકો પણ મહત્વકાંક્ષી, અશક્ય સ્વપ્નો જોનાર, પ્રતિભાવાન અને પ્રકૃતિ સામે પણ બાથ ભિડનારા. તેમનો ફિલ્મોગ્રાફ ગ્રાન્ડ છે. તેમને 'ગોલ્ડન લાયન એવોર્ડ ફોર લાઇફ-ટાઈમ એચિવમેન્ટ' પણ મળ્યો છે. તેમનો પરિચય અને મૈત્રી લોત્તે આઈસનર સાથે થઈ. તેણી ફ્રેન્ચ-જર્મન વિવેચક અને ફિલ્મ ઈતિહાસકાર. અલબત્ત, ઊમરમાં વર્નર હરઝોગથી ઘણા મોટા. તે બન્નેની ચૌદ વર્ષની મૈત્રી બાદ ઈ. સ. ૧૯૭૪માં લોત્તે આઈસનર ગંભીર માંદા પડયા. માત્ર બત્રીસ વરસના વર્નર હરઝોગને થયું કે લોત્તે આઈસનર વિના તો જર્મન ફિલ્મો અધૂરી છે. તે વિચારે છે અને પછી લખે છે. 'જો હું સંપૂર્ણ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે મ્યુનિકથી પેરીસ પગે ચાલીને જઈશ તો તેઓ જીવી જશે'. આ તેને જાણે કે પરમનો ઇશારો હતો. અને અને તેણે ૨૩ નવે.થી ૧૪ ડિસે. ૧૯૭૪માં ૨૨ દિવસમાં આસ્થા અને અહોભાવયાત્રા પવન, વરસાદ, ધુમ્મસ, હિમવર્ષા વચ્ચે પણ સંપન્ન કરી અને જાણે કે માનતા પૂરી કરી. આ પાંચસો માઈલની યાત્રા બાદ લોત્તે આઈસનર દસેક વર્ષ વધારે જીવ્યા. ઈ.સ. ૧૯૭૮માં વર્નર હરઝોગની પદયાત્રાની નોંધપોથી 'ઓફ વોકિંગ ઇન આઈસ' નામે પ્રગટ થઈ. કદાચ. આ જીવન- મૃત્યુ પરની કાવ્યાત્મક ધ્યાનપોથી છે. આમાં ચાલવાનું, ચિંતન, મનન અને દર્શન પણ છે.

વર્નર હરઝોગની આ પદયાત્રામાં તેની આસ્થા અને અહોભાવ-તેના દરેક ચરણને માળાનો મણકો અને મંત્ર બનાવે છે. અને આપણા જેવા વાચક માટે માટે તેનું દરેક ચરણ એક સાદ, આમંત્રણ અને ઉઘાડ બની જાય છે. તે લખે છે 'જે પદયાત્રા કરે છે તેની સામે વિશ્વ સ્વયં પ્રગટે છે.' આપણે જ્યારે આપણા મિત્રના લથડતા શ્વાસ અને તૂટતી મૈત્રીની નિયતિને સ્વીકારતા નથી ત્યારે આવી પગવાટ ખૂલતી હોય છે. કદાચ, બિનશરતી પ્રેમ અને બેસુમાર કલ્યાણમૈત્રીમાંથી આવી જાતરા આરંભાતી હોય છે, જેમાં કોઈનો શ્વાસ અતૂટ ચાલે તે માટે આપણે અથાગ ચાલ્યા કરવાનું હોય છે.

પછી તો, પદયાત્રાનો દશકો થઈ ગયો છે બંને મિત્રો બેઠા છે. હવે લોત્તેને ૯૦ વર્ષ થયા છે, અંધ થયા છે. તે વર્નરને કહે છે. 'તારો જાદુ હજુ ચાલે છે તું મને મરવા દેતો નથી. પણ હવે હું જીવનથી થાકી છું, મને જવા દે.' અને વર્નર કહે છે, 'ઓકે લોત્તે. હું મારો જાદુ પાછો લઉં છું, બસ!' અને માત્ર ત્રણ અઠવાડિયા બાદ લોત્તે નિર્વાણ પામે છે.