Magazines

સાપ જેવો લાંબો, શિંગડાવાળો ચીની ડ્રેગન તાઈવાનને ગળી જશે?

By GS TEAM
23 May 20268 mins read
સાપ જેવો લાંબો, શિંગડાવાળો ચીની ડ્રેગન તાઈવાનને ગળી જશે?

- પારિજાતનોપરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- 1967માં મકાઉમાં ચીનપ્રેરિત સામ્યવાદ તરફી આંદોલન થયાં અને એને પરિણામે ધીરે ધીરે આ ટાપુ પર ચીનનું વર્ચસ્વ પ્રસરવા લાગ્યું....

ઇ તિહાસ એ માત્ર ભૂતકાળની વાત નથી, પરંતુ આવતીકાલની એંધાણી છે અને આજે જ્યારે 'વન ચાઈના'નાં સિદ્ધાંત હેઠળ દુનિયામાં એક માત્ર ચીન છે અને તાઈવાન એનો અવિભાજ્ય ભાગ છે, એમ માનીને તાઈવાનની આસપાસ રાજદ્વારી અને લશ્કરી દબાણ લાવવાનો પ્રયત્ન કરતો ચીની ડ્રેગન ક્યારે તાઈવાનને ગળી જશે તે કહેવાય નહીં?  અમેરિકાના આગવો મિજાજ ધરાવતા અને પોતાની વાતથી વંટોળ સર્જનારા અતિથિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ચીની પ્રમુખે તાઈવાનની સ્વતંત્રતાની બાબતમાં ચૂપ રહેવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી. આજે તાઈવાનમાં કટ્ટર ચીની વિરોધી પાર્ટી સત્તા પર છે, પરંતુ ચીનનો ડ્રેગન એને ક્યારે ગળી જશે તે કહેવાય નહીં.

એનું કારણ એ છે કે ભૂતકાળમાં આ ડ્રેગને હોંગકોંગ અને મકાઉ બંને દેશોને 'વન ચાઈના'ના સૂત્ર હેઠળ ગળી ગયો છે. ૧૯૯૭ની ૩૦મી જૂનની મધરાતે હોંગકોંગમાંથી બ્રિટિશ સામ્રાજ્યએ વિદાય લીધી અને ચીની સામ્રાજ્યનો એ ભાગ બન્યું, તે દિવસોમાં હું હોંગકોંગના પ્રવાસે હતો અને ત્યારે ચીનના વિશાળ સામ્રાજ્યનો ડ્રેગન હોંગકોંગને ગળી જશે એવો ભય સેવાતો હતો અને આજે હોંગકોંગની આઝાદીને કચડીને ચીની સરમુખત્યારશાહી બેરોકટોક પોતાનું શાસન ચલાવે છે અને ક્યાંક વિરોધી સૂર ઊઠે તો એને માત્ર ગૂંગળાવી નાખતો નથી, પરંતુ એનું ગળું ટૂંપી દે છે. એ સમયે હોંગકોંગ પછી ૧૯૯૭ની ૨૦મી ડિસેમ્બરે પોર્ટુગીઝો પાસેથી મકાઉ દેશને આઝાદી મળવાની હતી અને તે એ પણ ચિંતા સેવતું હતું કે ચીન મકાઉની આબાદીને ચૂસી તો નહીં લે ને? 

મજાની વાત એ છે કે ચીની ડ્રેગન એ પાણી અને ઋતુ પર અંકુશ ધરાવતી શુભશક્તિ છે અને યુરોપીય ડ્રેગન એ આક્રમક સ્વભાવવાળો આગ ઓકતો ડ્રેગન છે. આમ સદ્નસીબ અને સમૃદ્ધિ દર્શાવતો ચીની ડ્રેગન એ એના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતીક તરીકે ઓળખાય છે. જોકે પછી સમય જતાં ચીનની વિસ્તારવાદી નીતિ સાથે ડ્રેગનનો ઉલ્લેખ સંકળાઈ ગયો. આ ચીની ડ્રેગનના મકાઉ ટાપુ પરના પ્રવેશ વિશે ઘણી વાતો થઈ. 

એક દેશ અને બે સંસ્કૃતિ એટલે મકાઉ દેશ. અહીં એક બાજુ પોર્ટુગીઝ પરંપરા જોવા મળે અને બીજી બાજુ ચીની જીવનશૈલી નજરે પડે. એક તરફ પોર્ટુગીઝની યાદ આપે તેવાં મધ્યયુગીન ચળકતાં, રંગબેરંગી, કતારબંધ મકાનો હોય અને બીજી બાજુ ચીનની કુદરતી ઔષધિઓની દુકાન હોય. ક્યાંક ટેરેસ ધરાવતાં ભભકદાર રંગોવાળાં પોર્ટુગીઝ શૈલીનાં મકાનો કતારબંધ ઊભાં હોય અને નીચે ચીનમાં નજરે પડે તેવા જીવતા સાપ, ઉંદર, બિલાડી રાખતા, માંસાહારી વાનગીઓ વેચતા રેંકડીવાળા બેઠા હોય. 

આવો વિલક્ષણ દેશ મકાઉ ૧૯૯૭ની ઓગણીસમી ડિસેમ્બરે ચીનના આધિપત્ય હેઠળ આવશે, ત્યારે એનું શું થશે, એવી કલ્પના કરતો હતો. હોગકોગ અને મકાઉ જેવા દેશો પર પોતાનું પ્રભુત્વ ફેલાવનારા મેઇનલેન્ડ ચીનને અહીં પોતાનું સામ્રાજ્ય સ્થાપવું હતું. એની વિસ્તારવાદી લાલસાને થોડી તૃપ્ત કરવી હતી. આજે ભારત એની સરહદો પર ચીનની વિસ્તારવાદી છટપટાહટનો રોજ અનુભવ કરે છે. નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો વ્યાપાર હાથ ધરીને એને પોતાના તાબે કરી રહ્યા છે. ચીન તિબેટને તો આખેઆખું ગળી ગયું છે અને હવે આજે તો એની નજર ઉત્તરાખંડ અને સિક્કીમ પર મંડાયેલી છે. 

આજથી ચારસો વર્ષ પહેલાં પોર્ટુગીઝ સાગરસફ૨ીઓ આ મકાઉમાં વ્યાપાર માટે આવ્યા. ઈ. સ. ૧૫૫૭માં તો મકાઉ પોર્ટુગીઝોનું થાણું બની ગયું અને ચીનના વિસ્તાર પરની પહેલી પોર્ટુગીઝ વસાહત મકાઉ બન્યું. યુરોપિયનોની રીત મુજબ એક બાજુ પાદરીઓ મકાઉમાં પ્રવેશ્યા અને બીજી બાજુ યુરોપની વેપારી પ્રવૃત્તિઓનો પગપેસારો વધવા લાગ્યો. ધીરે ધીરે પોર્ટુગલે મકાઉ પર પગદંડો જમાવવા માંડયો. 

એમ કહેવાય છે કે યુરોપિયનોએ એમનું એશિયામાં પહેલું થાણું મકાઉમાં સ્થાપ્યું. ૧૯૮૦માં પોર્ટુગલે આ દેશ પર શાસન કરવા ગવર્નરોની નિમણૂક કરી. એક બાજુ એ ચીનને મકાઉ ટાપુમાં રહેવાનું ભાડું ચૂકવતું હતું અને બીજી બાજુ જેમ ભાડુઆત મકાન પડાવી લે, તેમ પોર્ટુગલે મકાઉ પડાવી લીધું! ૧૮૪૯ સુધી આ રીતે પોર્ટુગલ ચીનને ભાડું ચૂકવતું રહ્યું. એ દરમિયાનમાં બે વાર ડચ લોકો અને બે વાર બ્રિટિશરોએ આ ટાપુ પર હુમલો કરીને કબજો મેળવવાની કોશિશ કરી, પરંતુ એમાં એમને સફળતા મળી નહોતી. આખોય દેશ લગભગ શહેરી વિસ્તારથી બનેલો ગણાય. અહીં ગામડાનું નામ-નિશાન જોવા ન મળે. માત્ર દસ ટકા જમીન પર ખેતી થાય છે. 

મકાઉની વસ્તી સાડાચાર લાખની છે. એમાં ૯૭ ટકા લોકો ચીનના વતનીઓ છે. ૩ ટકા લોકો એ ચીની - પોર્ટુગીઝનું સંયુક્ત લોહી ધરાવતા હતા. મકાઉની મજાની વાત એ છે કે આ ૯૭ ટકા ચીનાઓ પર ત્રણ ટકા ચીની-પોર્ટુગીઝો અને પોર્ટુગીઝો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે ચીની ભાષા વ્યાપકપણે બોલાતી હોવા છતાં રાષ્ટ્રની સત્તાવાર ભાષા તો પોર્ટુગીઝ હતી. મોટા ભાગના લોકો બૌદ્ધ અને તાઓ ધર્મી હતા, પણ પ્રભુત્વ સત્તર હજાર જેટલા રોમન કેથલિક લોકોનું રહ્યું. 'મકાઉ' શબ્દ એ ચીનમાં વહાણ ખેડૂઓની દેવી પરથી પડયો છે અને પોર્ટુગીઝોએ વહાણ દ્વારા આવીને આ દેશ લઈ લીધો! એક સમયે આ દેશ વૃક્ષોથી આચ્છાદિત હતો, પરંતુ માનવીની કાષ્ઠભૂખને કારણે આજે એનાં વન રણ બની ગયાં છે. 

મકાઉનું સ્થાન આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્ત્વનું ગણાય. એ એવી જગ્યાએ આવેલું છે કે જે માર્ગેથી યુરોપીય વેપારીઓ દક્ષિણ ચીનમાં પ્રવેશ મેળવતા હતા. અઢારમી સદીમાં તો ચીન અને યુરોપ વચ્ચેનું આ મહત્ત્વનું વેપારી બંદર હતું, પરંતુ ઓગણીસમી સદીમાં દરિયો દૂર જતાં અને ચાલીસ માઈલ દૂર આવેલા હોંગકોંગનું કેન્ટોન બંદર વિકસતાં મકાઉ ઉપેક્ષિત બન્યું. પરિણામે તે એક સમયે દાણચોરોના સ્વર્ગ તરીકે કુખ્યાત હતું. એમાંય ખાસ કરીને અફીણ લાવવા-લઈ જવા માટે મકાઉનો ઉપયોગ થતો હતો, જોકે યુનોના પ્રયત્નોથી અફીણનો આ રસ્તો બંધ થઈ ગયો. ૧૯૩૮માં હોંગકોંગના કેન્ટોન પર જાપાનીઓએ જીત મેળવી, ત્યારે થોડો સમય મકાઉ ટાપુ માટે જાહોજલાલીનો આવ્યો હતો. મકાઉના બંદરેથી દક્ષિણ ચીન સાથે સંપર્ક સ્થપાયો. શહેરનો બનેલો મકાઉ દેશ સૌથી મોટી સમસ્યા શુદ્ધ પાણીની ધરાવે છે. આખા દેશમાં ક્યાંય શુદ્ધ પાણી મળતું નથી, આથી વીસ વર્ષ પૂર્વે તો મકાઉ ચીનમાંથી શુદ્ધ પાણી અને અનાજ આયાત કરતું હતું અને તે માછલી ઉપરાંત ફટાકડા, દીવાસળી અને કાપડનો ઉદ્યોગ કરીને આવક મેળવતું હતું. મકાઉના ફટાકડાઓ દુનિયામાં ઠેર ઠેર નિકાસ થતા હતા. કમાણી કરવા માટે એ સમયે પોર્ટુગીઝોએ કેસિનો શરૂ કર્યા છે. આ કેસિનોમાં જુગાર ખેલવા માટે લોકો આવે અને આવક ઊભી થાય એવો ઇરાદો રાખવામાં આવ્યો. હકીકતમાં હોંગકોંગમાં કાયદેસર રીતે જુગાર પર પ્રતિબંધ હોવાથી ઘણા હોંગકોંગવાસીઓ શનિ-રવિમાં મકાઉની સફર લગાવતા હતા. 

૧૯૬૭માં મકાઉમાં ચીનપ્રેરિત સામ્યવાદ તરફી આંદોલન થયાં અને એને પરિણામે ધીરે ધીરે આ ટાપુ પર ચીનનું વર્ચસ્વ પ્રસરવા લાગ્યું. સાડા ચાર લાખની વસ્તી ધરાવતા મકાઉ પર ચીન છવાઈ ગયું છે. પૂર્વ અને પશ્ચિમ અર્થાત્ ચીન અને પોર્ટુગલની સંસ્કૃતિનો સંયુક્ત પ્રભાવ ધરાવતા આ દેશ પર ચીન નવું મ્યુઝિયમ તૈયાર કરતું હતું. આ મકાઉ હિસ્ટ્રી મ્યુઝિયમમાં પોર્ટુગલ-સામ્રાજ્યનાં ભૂતકાલીન સ્મારકો રાખવામાં આવશે. ચીને હોગકોગમાં પણ બ્રિટનનાં પ્રાચીન સ્થાપત્યોને મ્યુઝિયમ બનાવીને મૂકી દીધાં! એ જ રીત મકાઉમાં અપનાવી છે.

અગાઉ ચીન અને મકાઉની સરહદમાં પ્રવેશ કરવા માટે માત્ર એક જ દરવાજો હતો. હવે ચીને એ સરહદો ખોલી નાખી અને બંને દેશો વચ્ચે ટેક્સીઓ દ્વારા અવરજવર થઈ શકે એવું આયોજન કરતું હતું. અત્યાર સુધી મકાઉ એશિયાનું કેસિનો કેપિટલ ગણાતું હતું અને એને કારણે આ નાનકડા ટાપુનો વિકાસ થયો હતો અને એનું આંત૨૨ાષ્ટ્રીય મહત્ત્વ અંકાતું હતું. એ સમયે મકાઉના મિત્રોએ કહ્યું કે, 'પોર્ટુગીઝ ધ્વજ ઊતરશે એ પછી મકાઉમાં ચીની અને પોર્ટુગીઝ સંસ્કૃતિનું મિશ્રણ જળવાઈ રહે એવી કોઈ શક્યતા નથી. મકાઉ એ ચીનનું કોઈ શહેર બની જશે.'

અને આજે એનો વિચાર કરતાં એમ લાગે છે કે હકીકતમાં મકાઉ એ ચીનનું એક રાજ્ય બનીને અટકી ગયું છે. માત્ર ચીન 'એક દેશ અને બે સિસ્ટમ'ના ન્યાયે એનું અલાયદું અસ્તિત્વ જાળવવાનો પ્રયાસ કરે છે. અમેરિકાના લાસ વેગાસ કરતાં પણ અહીં સાત ગણો 'જુગારનો ઉદ્યોગ' ચાલે છે અને તેથી દરિયાને દૂર કરીને જમીન પર એનાં બે તૃતીયાંશ મકાનો બાંધવામાં આવ્યા છે. એની ખીચોખીચ વસ્તી એ સમયે પણ સમસ્યારૂપ હતી અને આજે પણ સમસ્યારૂપ છે. બીજું બધું તો ઠીક, પણ જેમ હોગકોગમાંથી બ્રિટિશ સામ્રાજ્યની અસર ઓગળી ગઈ, એ જ રીતે આજે મકાઉમાં પણ પોર્ટુગીઝ પ્રભાવના અંશો માત્ર પ્રાચીન સ્થાપત્યોમાં સીમિત થઈ ગયા છે. ઝઝૂમી રહેલું તાઈવાન આ ચીની ડ્રેગનનો કેટલો મુકાબલો કરી શકે છે તે જોવાનું રહ્યું.

મનઝરૂખો 

અમેરિકાના એક સમયના આર્થિક બાબતોના નિષ્ણાત એચ. પી. હોવેલનું જીવન એટલે અવિરત પ્રગતિનો ઊંચો ગ્રાફ. સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરવાની તકથી વંચિત રહેલા એચ. પી. હોવેલે કરિયાણાની સામાન્ય દુકાનમાં કારકુની કરીને આજીવિકા મેળવવાનો પ્રારંભ કર્યો. નિષ્ઠા, ચીવટ અને પ્રમાણિકતાથી સતત આગળ વધતા રહ્યા. 

એક સામાન્ય કારકુનમાંથી તેઓ અમેરિકન સ્ટીલ કંપની જેવી વિખ્યાત કંપનીના ક્રેડિટ મેનેજર બની ગયા. અહીં પણ એમની પ્રગતિનું પૂર્ણવિરામ આવ્યું નહીં. એથીય આગળ વધીને તેઓ અમેરિકાની કમર્શિયલ નેશનલ બેક એન્ડ ટ્રસ્ટ કંપનીના ચેરમેન અને બીજી ઘણી કંપનીઓના ડાયરેક્ટર બન્યા અને અમેરિકાના અર્થકારણમાં પોતાની કાબેલિયતથી આગવું સ્થાન ઊભું કર્યું.  સૌને આશ્ચર્ય થતું કે એચ. પી. હોવેલે આવી અવિરત પ્રગતિ કરી કઈ રીતે? એમની પ્રગતિનું રહસ્ય એ હતું કે તેઓ એક નાની એપોઇન્ટમેન્ટ ડાયરી રાખતા હતા અને એમાં દિવસ દરમિયાન કરવાનાં કાર્યોની અગ્રતાક્રમે નોંધ કરતા હતા. આમ રોજેરોજ એ પોતાનાં કાર્યોની અને પરિણામોની નોંધ કરતા જાય અને શનિવાર સાંજે તેઓ નિરાંતે બેસીને ગયા સપ્તાહે કરેલાં કાર્યોનું ચિંતન કરતા હતા.  શનિવાર સાંજે એ કુટુંબ કે વેપારનું કોઈ કામ કરતા નહીં, બલ્કે ડાયરી ખોલીને ગયા અઠવાડિયે કરેલી પ્રવૃત્તિ વિશે ઊંડો વિચાર કરતા. પોતે કરેલાં કાર્યો અને લીધેલી મુલાકાતોને યાદ કરતા અને પછી આમાં ક્યાં પોતે કુશળતા દાખવી અને ક્યાં ભૂલ કરી બેઠા, એનું ચિંતન કરતા. ક્યારેક તો એમને ખ્યાલ આવતો કે તેઓ સાવ મૂર્ખાઈભરી ભૂલ કરી બેઠા છે. આથી હવે પછી આવી મૂર્ખાઈભરી ભૂલો ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરતા અને આમ આત્મચિંતન અને સ્વ-સુધારણા દ્વારા એ એમના જીવનને અને કારકિર્દીને પ્રગતિને પંથે મૂકતા રહ્યા. 

૧૯૭૪ની ૩૧મી જુલાઈએ એચ. પી. હોવેલનું અકાળ મૃત્યુ થયું, ત્યારે અમેરિકાના વોલ સ્ટ્રીટમાં સોપો પડી ગયો હતો, કારણ કે સૌના દિલમાં એ દુ:ખ હતું કે એમણે દેશનો કુશળ અર્થશાસ્ત્રી ગુમાવ્યો છે.