પેન્ટાગોનની ફાઈલો : ઉડતી રકાબીનું ગુપ્ત રહસ્ય ઉકેલશે?

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
રા તના અંધકારમાં ક્યારેય તમે, ઉડતી રકાબી જોઈને થંભી ગયા છો? કોઈ એવી ઝાંખી, તરતી, અજાણી રોશની જોઈને શ્વાસ રોકી લીધો છે? જો હા, તો દુનિયામાં આવી ઘટના જોનાર તમે એકલાં નથી. છેલ્લાં આઠ દાયકાથી માનવીએ આકાશમાં એવી વસ્તુઓ જોઈ છે. જેના માટે આપણી પાસે નામ નહોતું, જવાબ નહોતો, અને સત્ય કદાચ ખૂબ ઊંડે દટાયેલું હતું. 'ઉડતી રકાબી' જેને પહેલા લોકો 'યુએફઓ' એટલે કે અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ તરીકે ઓળખતા હતા. અમેરિકા અને નાસાએ હવે તેની વ્યાખ્યા બદલીને આવી ઘટનાને 'યુએપી' (અનઆઇડેન્ટીફાઇડ એનોમલસ ફિનોમિના) નામ આપ્યું છે. અત્યાર સુધી આ માહિતી અને દસ્તાવેજો, અમેરિકાની ગુપ્ત ફાઇલમાં છુપાયેલા રહ્યા હતા. છેલ્લા આઠ દાયકા બાદ એટલે કે લગભગ ૮૦ વર્ષ પછી, અમેરિકાએ આ દસ્તાવેજોને જાહેર જનતા સામે મૂકીને ડી-ક્લાસીફાઇડ કર્યા છે. ત્યારે સવાલ એ થાય કે અમેરિકન સરકાર, અનઆઇડેન્ટીફાઇડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ કે અનઆઇડેન્ટીફાઇડ એનોમલસ ફિનોમિના વિશે ખરેખર શું જાણે છે?
રોઝવેલથી PURSUE સુધી
૨૦૨૬ના મે મહિનાની ૮મી તારીખે અમેરિકાએ ઉડતી રકાબીને લગતી કેટલીક ફાઈલો જાહેર જનતા સમક્ષ મૂકી દીધી છે. પેન્ટાગોને 'સામાન્ય માણસે પહેલાં ક્યારેય ન જોયેલા દસ્તાવેજો' ધરાવતી ફાઈલોનો પહેલો હપ્તો સાર્વજનિક (ડી-ક્લાસીફાઇડ) કર્યો છે. જેમાં ૧૬૦થી વધુ દસ્તાવેજો, તસવીરો અને અનેક વીડિયોનો સમાવેશ થાય છે. આ ફાઈલોમાં ૧૯૪૭ના 'રોઝવેલ' રહસ્યથી માંડીને ૨૦૨૫ના અમેરિકન સૈન્યએ નોંધેલી કેટલીક રહસ્યમય ઘટનાઓનો સમાવેશ થાય છે. જેના ઉપર એક નજર નાખીએ તો..
વર્ષ ૧૯૪૭. અમેરિકાના પાયલટ કેનેથ આર્નોલ્ડે માઉન્ટ રેઈનિયર પાસે નવ અર્ધચંદ્રાકાર પદાર્થો જોયા અને એક શબ્દનો જન્મ થયો : 'ફ્લાઈંગ સોસર' (ઉડતી રકાબી). એ જ વર્ષે ન્યૂમેક્સિકોના રોઝવેલ શહેરમાં એક ઘટના બની. જેણે આખી દુનિયાની કલ્પનાને કબજે કરી લીધી. હવે નવી રિલીઝ થયેલી FBI ફાઈલોમાં એક મેમો છે. જે એજન્સીના ડલ્લાસ કાર્યાલયથી સીધો જે.એડગર હૂવરને મોકલવામાં આવ્યો હતો. તેમાં લખ્યું છે, 'એક ઉડતી ડિસ્ક જેવો પદાર્થ રોઝવેલ, ન્યૂમેક્સિકો નજીક મળી આવ્યો હતો. તે આકારમાં ષટ્કોણ હતો. જેને દોરડા વડે બલૂન સાથે લટકાવેલો હતો.' આ ૧૯૪૭ની સત્તાવાર નોંધ સંશોધકોને દાયકાઓથી જોઈતી હતી.
આ માત્ર શરૂઆત હતી. ૧૯૫૨માં, સાઉથ કેરોલિનાના ડીપોન્ટ રાસાયણિક પ્લાન્ટના બે કર્મચારીઓએ 'નારંગી ધાર સાથેનો વાદળી પ્રકાશ' જોયો, જે રકાબી આકારનો હતો. સૌથી વધુ ચોંકાવનારી વાત ત્યારે થાય છે, જ્યારે અવકાશયાત્રીઓ પોતે આ ઘટનાનો ભાગ બને છે. ૧૯૬૫માં, જેમિની-૭ મિશન દરમિયાન, અવકાશયાત્રી ફ્રેન્ક બોરમેને રેડિયો પર કહ્યું : 'અહીં એક ભય ઉત્પન્ન કરે તેવી વસ્તુ જોવા મળી રહી છે. સેંકડો નાના કણો આગળ વધી રહ્યા છે.' હ્યુસ્ટન કંટ્રોલ રૂમનો અનિશ્ચિત જવાબ પણ ફાઈલોમાં સચવાયેલો છે. તે જ રીતે અપોલો ૧૨ અને અપોલો ૧૭ના ફોટોગ્રાફોમાં ચંદ્રની સપાટી ઉપર ત્રિકોણ આકારમાં ગોઠવાયેલા ત્રણ ટપકાં જોવા મળે છે.
1652 અહેવાલો, 465 રહસ્યો
આ બધા કિસ્સાઓને સમજવા માટે આપણે જાણવું જરૂરી છે કે 'સૈન્ય અને ગુપ્તચર તપાસકર્તા UAP રિપોર્ટનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે. આ પ્રક્રિયા રહસ્યમય છે. ૨૦૨૨માં અમેરિકન કોંગ્રેસે એએઆરઓ (ઓલ-ડોમેન એનોમલી રિઝોલ્યુશન ઓફિસ)ની સ્થાપના કરી હતી. માર્ચ ૨૦૨૪માં, AAROએ ૬૩-પાનાંનો એક ખુલ્લો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે ૧૯૪૫થી ઓક્ટોબર ૨૦૨૫ના તમામ દાવાઓને આવરી લે છે. તેનો સૌથી મહત્વનો તારણ : 'AAROને કોઈ પુરાવો નથી મળ્યો કે કોઈ UAP સાક્ષાત્કાર,પૃથ્વી બહારની ટેકનોલોજી દર્શાવે છે. અહીં કોઈ વિપરીત ઇજનેરીના (રિવર્સ એન્જીન્યરીંગ) દાવા સત્ય ઠરતા નથી.' ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં, AAROને કુલ 1652 UAP અહેવાલો મળ્યા હતાં. તેમાંથી ૭૫૭ની વિગતવાર ચકાસણી થઈ હતી. ૨૯૨ કેસો બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે તેઓ બલૂન, પક્ષીઓ, ઉપગ્રહો કે ડ્રોન જેવા સામાન્ય કારણોસર બન્યા હતા. બાકીના ૪૬૫ કેસો, બે શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે : (૧) અપૂરતો ડેટા, (૨) ખરેખર 'અસામાન્ય' ઘટના.
તપાસકર્તાઓ માટે સૌથી મહત્વનું પરિબળ છે. બહુ-સાક્ષી પુષ્ટિકરણ.જ્યારે એક જ ઘટનાને અલગ અલગ સાધનોથી જોવામાં આવે છે, ત્યારે 'ભ્રમણા'ની શક્યતા ઘટી જાય છે. આથી જ ઉપર જણાવેલ નારંગી ગોળાવાળો બનાવ કે તાજિકિસ્તાનનો પાયલટ કેસ વૈજ્ઞાનિકો માટે ખુબ જ મૂલ્યવાન છે. ઐતિહાસિક રીતે આ પ્રકારની ઘટનાઓને જે સરકારી કામગીરી ઉપર કલંક' લાગતું હતું, તેને AARO તેને દૂર કરવા માંગે છે. AAROનાં અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું કે '૨૧ કેસો એવા છે, જેમાં 'સંભવિત અસામાન્ય અથવા સંબંધિત લાક્ષણિકતાઓ' છે. એટલે કે ત્યાં સામાન્ય સમજૂતીઓ નિષ્ફળ જાય છે. આ ૨૧ કેસો જ, આજના વિજ્ઞાનને પડકાર ફેંકે છે. અહીં કોસ્લોસ્કીના શબ્દો યાદ કરો : '૨૧ કેસોમાં અસામાન્યતાઓ છે.' શું તેનો અર્થ એ કરી શકાય કે ગ્રહવાસી અસ્તિત્વ ધરાવે છે. તેઓ ઉડતી રકાબી જેવા અંતરીક્ષ યાનો લઈને પૃથ્વીની મુલાકાતે આવે છે?
પેન્ટાગોનની અધૂરી કથા
મે ૨૦૨૬નો આ ખુલાસો એકાએક થયો નથી. જેના પાયા વર્ષો પહેલાં રોપાઈ ચૂક્યા હતા. ૨૦૧૬માં અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ઊભા રહેલા હિલેરી ક્લીન્ટને ચૂંટણી વખતે માહિતી આપી હતી કે 'જો તેઓ ચૂંટણી જીતી જશે તો, ઉડતી રકાબીઓને લગતી ફાઈલોને લોકો સમક્ષ મૂકવામાં આવશે'. જોકે ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા હતાં. દસ વર્ષ પછી ફેબુ્રઆરી ૨૦૨૬માં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિભાગ અને ગુપ્તચર એજન્સીઓને આદેશ આપ્યો કે UFO, UAP અને બહારના જીવન સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો ઓળખીને રિલીઝ કરવામાં આવે. આ આદેશથી એક વિશેષ પ્રોજેક્ટનો જન્મ થયો છે : પ્રેેસિડેન્શિયલ અનસીલિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ ફોર યુએપી એન્કાઉન્ટર્સ, જેનું ટૂંકું નામ પર્સ્યૂ (પીછો) રાખવામાં આવ્યું છે.
આ દસ્તાવેજોની ભૌગોલિક વિવિધતા આઘાતજનક છે. પાપુઆ ન્યુ ગિનીથી માંડી કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, જ્યોર્ર્જિયા, મેક્સિકો અને તાજિકિસ્તાનના રાજદ્વારીઓએ, ૧૯૮૫થી ૨૦૨૫ સુધીના UAP કિસ્સાઓ વર્ણવ્યો છે. ૧૯૯૪ના તાજિકિસ્તાન કેબલમાં એક વાણિજ્યિક પાયલટે ૪૧, ૦૦૦ ફૂટની ઊંચાઈએ એક વિચિત્ર પદાર્થ જોયાની નોંધ છે. આ એટલી ઊંચાઈ છે કે ત્યાં સામાન્ય વિમાન કે પક્ષી ત્યાં હોઈ શકે નહીં. ઇરાક (૨૦૨૨) અને સીરિયા ૨૦૨૪)માં પણ UAPનો અહેવાલ છે. સૌથી વિસ્તૃત માહિતી ઇન્ડો-પેસિફિક કમાન્ડ તરફથી આવી છે : જાપાન નજીક, ઇન્ફ્રારેડ સેન્સરમાં ફૂટબોલ આકારનો પદાર્થ નોંધાયો. તેના ત્રણ ફિન જેવા ભાગો હતા. એક ઊભો, અને બે નીચે તરફ ૪૫ અંશના ખૂણે. આ પદાર્થ માત્ર ૯ સેકન્ડ દેખાયો અને ગાયબ થઈ ગયો હતો. હમણાંનો સૌથી રહસ્યમય દસ્તાવેજ ૨૦૧૩નો ઇન્ફ્રારેડ વીડિયો (૧ મિનિટ ૪૬ સેકન્ડ) છે. જેમાં એક આઠ-ટોચનાં તારા જેવો પદાર્થ નૌકાદળના એક જેટની સામે ઝડપથી દાવપેચ કરતો હોય તેમ દેખાય છે. બીજું એક ચોંકાવનારું ૨૦૨૩નું ફૂટેજ છે. જેમાં સમુદ્રની સપાટી નજીક ઈન્ફ્રારેડ ટ્રેકિંગમાં UAP લગભગ ૮૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ત્રણ ૯૦-અંશના તીવ્ર વળાંકો લે છે. કોઈ જાણીતું માનવસજત વિમાન આ ઊંચાઈ અને ઝડપે આવા ખૂણામાં વળી શકતું નથી.
શું આપણે બ્રહ્માંડમાં એકલા નથી?
PURSUE ફાઈલો જે સૌથી મોટો સંદેશ આપે છે તે છે : UAP કે UFO કોઈ એક દેશ કે એક યુગની બાબત નથી. પેસિફિક મહાસાગરથી લઈને મધ્ય પૂર્વીય અટલાન્ટિક, ચંદ્રની સપાટીથી લઈને ૪૧,૦૦૦ ફૂટની ઉડ્ડયન ઊંચાઈ, આ ઘટનાઓ અવર્ણનીય છે. અહેવાલોમાં જોવા મળતું સાતત્ય આશ્ચર્યજનક છે. ૧૯૪૭ના પાયલટે જે ચાલાકીઓ વર્ણવી, અને ૨૦૨૩ના ડ્રોન ઓપરેટરે ઇન્ફ્રારેડમાં જે ચાલાકીઓ નોંધી,તે બંને ચોંકાવનારી રીતે સમાન છે : જેમ કે તીવ્ર કોણીય પ્રવેગ, હોવરિંગ, અને અચાનક અદ્રશ્યતા. આ ઘટનાનું એટલું મહત્વનું છે કે 'વૈજ્ઞાનિકો તેને 'માત્ર યોગાનુયોગ' કહી શકે તેમ નથી. ૧૯૪૭નું રોઝવેલ, ૧૯૬૫નું જેમિની મિશન, ૨૦૧૩નો 'આઠ-ટોચનો તારો', ૨૦૨૩નાં તીક્ષ્ણ ૯૦-અંશ વળાંકો, આ બધું હવે એક ખુલ્લી ફાઈલનો ભાગ છે. પેન્ટાગોને તેમાં એક મહત્વની નોંધ પણ ઉમેરી છે : 'તમામ ફાઈલો સુરક્ષા દ્રષ્ટિએ તપાસી લેવામાં આવી છે, પરંતુ ઘણા દસ્તાવેજોનું હજુ વિશ્લેષણ થયું નથી.' એટલે કે, આ કાચો ડેટા છે, જે સરકારી અર્થઘટન વિના, જેમ તે નોંધાયો હતો તેમ રજુ થયો છે.અને આના થોડા અઠવાડિયે પછી વધુ તેનાં હપ્તા આવવાના છે.
વિજ્ઞાન આજે ભારપૂર્વક કહે છે : 'અમને કોઈ બહારની સંસ્કૃતિના પુરાવા મળ્યા નથી. પરંતુ અમે ૨૧ એવા બનાવો ઓળખ્યા છે, જેનો આપણાં વર્તમાન ભૌતિકશાસ્ત્ર પાસે જવાબ નથી.' આ ખુલાસો કોઈ જવાબ નથી. આ એક પ્રામાણિક શરૂઆત છે. પેન્ટાગોને વચન આપ્યું છે કે આવતા અઠવાડિયે, મહિને અને વર્ષોમાં વધુ ફાઈલો આવશે. નાસા પોતે 'ડેટાને ફોલો' કરવાનો સંકલ્પ કરી રહ્યું છે. તો યાદ રાખજો : આ પેન્ટાગોનની ગુપ્ત ફાઈલોમાં એવા સેંકડો લોકોના અહેવાલો છે, જેમણે પોતાની નોકરી દાવ ઉપર લગાવી હતી, પોતાની આંખ ઉપર વિશ્વાસ કરીને, સત્ય કહેવાની હિંમત કરી હતી. હવે તે સત્ય આપણી સામે આવી ગયું છે. આકાશ હજુ પણ ઘણું રહસ્યમય છુપાવી રહ્યું છે. કદાચ આપણે જે જાણીએ છીએ, તેના કરતાં રહસ્ય અનેકગણું વધારે છે!








