ફ્રિવલસ પાર્ટી : રાજકારણીઓ-મતદારોની આંખ ઉઘાડવાનો કટાક્ષપૂર્ણ, લોકતાંત્રિક પ્રયોગ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- ભારતમાં બેરોજગાર યુવાનોએ વ્યંગમાં કોકરોચ જનતા પાર્ટી બનાવીને ચર્ચા જગાવી છે. દુનિયામાં વ્યંગ રાજકીય પાર્ટીનો ઈતિહાસ પાંચેક દાયકા જૂનો છે...
'અ મારી સરકાર આવશે તો અમે આખી દુનિયામાં એસી લગાવીને ગ્લોબલ વૉર્મિંગ ઘટાડી દઈશું.'
'અમારી સરકાર આવશે તો ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે બધા કામ કરવાનો ભાવ સરકારી ઓફિસમાં જ લગાવી દઈશું.'
'પક્ષ પલટો થતો રોકવા માટે અમે સાંસદો-ધારાસભ્યોના ખરીદ-વેચાણની સત્તાવાર યોજના બહાર પાડીશું.'
'પેટ્રોલિયમના વધતા ભાવ જોઈને અમારી સરકાર ગુરુત્વાકર્ષણનો નિયમ રદ્ કરી દેશે. તેનાથી તમારા વાહનોની ઝડપ વધશે અને એવરેજ પણ વધશે.'
'અમારી પાર્ટી દરેક મતદારને અમરત્વની દવા ડિસ્કાઉન્ટ કિંમતે મળે એવી યોજના લાવશે.'
'બ્યૂટી પ્રોડક્ટ્સનું બિલ પુરુષના બનશે તો ૨૦૦ ટકા ટેક્સ, મહિલાઓના નામે બિલ બનશે તો ટેક્સમાંથી રાહત.'
'અમે તમામ ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે 'ગરીબી રેખા'નો માપદંડ બદલી નાખીશું.'
***
દુનિયાભરમાં લોકશાહીની સ્થાપના થઈ પછી ઈલેક્શન કલ્ચર આવ્યું ને તેના પગલે પગલે આવ્યો વાયદાનો વેપાર. જગત આખામાં રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે છૂટથી ચૂંટણીવચનોની લહાણી કરે છે. રોજગારી, ગરીબી, મોંઘવારી એ દુનિયાભરના નેતાઓને ગમતા વિષયો છે. અમેરિકા જેવા જગત જમાદાર ગણાતા દેશમાં ચૂંટણી હોય તોય રોજગારી, મોંઘવારી અને બેરોજગારી ભથ્થા જેવાં મુદ્દા લોકપ્રિય થાય છે અને એવા વચનો આપતા નેતાઓ જીતી જાય છે.
ઉપરના ઈલેક્શન વાયદા વાંચીને આજના રાજકીય પક્ષોના મેનિફેસ્ટો યાદ આવી જશે! એમાં આ લેવલની નહીં તોય આ પ્રકારની ઘણી ફેંકમફેંક હોય છે. જમીન પર શક્ય ન હોય એવી યોજનાઓની વાતો મેનિફેસ્ટોમાં હોય છે. મેનિફેસ્ટો તો ઠીક કે લેખિત દસ્તાવેજ સ્વરૂપે બહાર પડે છે એટલે થોડીક ગંભીરતા હશે, ભાષણોમાં તો નેતાઓ વાયદા આપવામાં કોઈ માપ રાખતા નથી.
લોકશાહીના ઉદય પછી ગ્લોબલી આવા ચિત્ર-વિચિત્ર રાજકીય વાયદાઓ અને સત્તામાં રહેવાની જાત-ભાતની તરકીબોનો એકધારો ટ્રેન્ડ ચાલ્યો ને એમાંથી જ જન્મ થયો 'ફ્રિવલસ પાર્ટીઝ'નો. રાજકીય પાર્ટીની પેરોડીમાં બને તેને ફ્રિવલસ પાર્ટી અથવા તો જોક પાર્ટી કહેવાય છે. પછી તો એને રાજકીય વ્યંગ પાર્ટી, વ્યર્થ પાર્ટી જેવા નામોય મળ્યા. મનોરંજક રીતે, રાજકીય સ્થિતિ પર કટાક્ષ કરીને લોકોમાં પૉલિટિકલ અવેરનેસ આવે તે વ્યંગ પૉલિટિકલ પાર્ટીનો મુખ્ય હેતુ હોય છે. રાજકીય વ્યંગ માટે પેરોડી પાર્ટી બનાવવાનો ઈતિહાસ પાંચ-સાડા પાંચ દશકા જૂનો છે. ભારતમાં કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે ત્યારે આવી ચિત્ર-વિચિત્ર સટાયર પૉલિટિકલ પાર્ટીની થોડી વાતો કરી લઈએ...
***
ચેકોસ્લાવિયાના હાસ્યલેખક જેરોસ્વાલ હેસેકે એક લેખમાં છેક ૧૯૧૧માં પહેલી વખત આવી પેરોડી પાર્ટી બનાવીને વિચિત્ર ચૂંટણી-વચનો આપ્યા હતા. તેણે ફ્રિવલસ પાર્ટી શબ્દ બનાવ્યો હતો. ફ્રિવલસ શબ્દ લેટિનમાંથી અંગ્રેજીમાં આવ્યો છે અને તેનો અર્થ થાય છે - નકામું, મુર્ખતાપૂર્ણ કે વ્યંગપૂર્ણ. એના પરથી પ્રેરાઈથી ૧૯૬૩માં કેનેડામાં 'ધ રાઈનોસેરસ પાર્ટી' બની હતી. તેને દુનિયાની પહેલી પેરોડી પૉલિટિકલ પાર્ટી કે વ્યંગ રાજકીય પાર્ટી ગણવામાં આવે છે. તેણે અજીબ ચૂંટણી વચનો આપ્યા હતા અને એ જમાનાના અખબારોમાં સ્થાન મેળવ્યું હતું. આજેય આ પાર્ટી ચાલી રહી છે અને કેનેડામાં આ પ્રકારની સૌથી વધુ પાર્ટી એક્ટિવ છે.
લગભગ એ જ ગાળામાં બ્રિટનમાં 'ધ ઓફિશિયલ મોન્સ્ટર રેવિંગ લૂની પાર્ટી' બની હતી. બૌદ્ધિકોના ગુ્રપે બનાવેલી આ પાર્ટીએ એક તબક્કે લોકોમાં અવેરનેસ લાવવા માટે શક્ય એટલી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સોમવાર પછી વીકએન્ડ (એક જ દિવસ કામ) જાહેર થશે - એવા પ્રકારના તેના ચૂંટણી વચનોએ ધ્યાન ખેંચ્યું હતું. ન્યૂઝીલેન્ડમાં ૯૦ના દશકામાં આવી એક-બે પાર્ટી બની હતી. તેણે દેશમાં સંપૂર્ણ રીતે બેરોજગારી લાવવાનું વચન આપ્યું હતું ને વળી ૨૦૦૦ના દાયકાને રિવર્સ લઈ જવાની યોજના લાવવાની વાતો કરીને ચર્ચા જગાવી હતી.
ડેનમાર્કમાં જેકબ હોગાર્ડ નામના જાણીતા કોમેડિયને રાજકીય વ્યંગના ભાગરૂપે પેરોડી પાર્ટી બનાવી હતી. તેણે રાજકારણીઓ પર કટાક્ષમાં રમૂજી ચૂંટણી વચનો આપ્યા. અવેરનેસના ભાગરૂપે પાર્લામેન્ટની એક બેઠકમાં ઉમેદવારી નોંધાવી. મતદારોને તેમના રમૂજી વચનો એટલા પસંદ પડયા કે જેકબ સાંસદ બની ગયા!
***
રશિયામાં બીયર લવ પાર્ટી, પાર્ટી ઓફ ડેડ વગેરે ચાલી રહી છે. બીયર ફ્રી આપવામાં આવશે એ બીયર લવ પાર્ટીની ટેગલાઈન છે. અમેરિકામાં ઘુવડ પાર્ટી, અનડિસાઈડેડ કાઉ પાર્ટી વગેરે ચાલી રહી છે અને તેના માધ્યમથી લોકો સુધી રાજકીય વ્યંગ પહોંચે છે. ઈરાનમાં એક ડોન્કી પાર્ટી બની હતી, પરંતુ નેચરલી એના પર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. જર્મનીથી જાપાન, ફ્રાન્સથી અમેરિકા, નેધર્લેન્ડથી તાઈવાન સુધી આ પ્રકારની રાજકીય પાર્ટીઓ બની છે અને તે કટાક્ષથી પૉલિટિકલ અવેરનેસ માટે કામ કરે છે.
વેલ, દુનિયાભરની આ સટાયર રાજકીય પાર્ટીના લિસ્ટમાં હવે ભારતની કોકરોચ જનતા પાર્ટી પણ ખરી. આ પાર્ટીની દુનિયાભરમાં ચર્ચા એટલે થઈ કે તેના જેટલા સોશિયલ મીડિયા ફોલોઅર્સ દુનિયાની એકેય મેઈનસ્ટ્રીમ પાર્ટીના નથી.
યે હૈ નયા ઈન્ડિયા!
રાતોરાત બનેલી અને લોકપ્રિય થયેલી કોકરોચ પાર્ટીની ગ્લોબલી ચર્ચા
થોડા દિવસ પહેલાં મુખ્ય ન્યાયધીશે એક કેસની સુનાવણી વખતે ટીપ્પણી કરી: અમુક યુવાનો કોકરોચ જેવા છે. અમુક મીડિયામાં જાય છે અને અમુક સોશિયલ મીડિયા ને આરટીઆઈ કાર્યકર બનીને પછી બધા પર હુમલા કરે છે. સીજેઆઈની આ ટીપ્પણી સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બની. નોકરી શોધતા જેન-ઝી આનાથી અકળાયા. પછી તો સીજેઆઈએ આ મુદ્દે ખોટું અર્થઘટન થયું હોવાની સ્પષ્ટતા પણ કરેલી, પરંતુ ત્યાં સુધીમાં અભિજીત દીપકે નામના ૩૦ વર્ષના યુવાને વ્યંગમાં કોકરોચ જનતા પાર્ટી નામથી સટાયર રાજકીય પાર્ટી બનાવી દીધી હતી. એનું સત્તાવાર રજિસ્ટ્રેશન થયું નથી, પરંતુ વેબસાઈટ બનાવીને પહેલાં બેરોજગાર યુવાનોનું એમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ને પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓપન થયા. એમાં તો એટલા ફોલોઅર્સ વધ્યા કે રીતસર ઓનલાઈન એક કેમ્પેઈન શરૂ થઈ ગયું. ભાજપ-કોંગ્રેસ સહિતની રાષ્ટ્રીય પાર્ટીઓથી પણ વધારે ફોલોઅર્સ કોકરોચ પાર્ટીએ ગણતરીના દિવસોમાં મેળવી લીધા. અભિજીત દીપકે નામનો યુવાન બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીઆરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને ભારતમાં નોકરી શોધતો હતો. તેણે પાર્ટી બનાવી પછી તો કોકરોચના પોશાકમાં સજ્જ યુવાનોએ યમુના નદી સ્વચ્છ કરવા જેવી એક્ટિવિટી કરીને ધ્યાન ખેંચ્યું. પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દેવાયા તે મુદ્દેય વિવાદ શરૂ થયો. કોકરોચ પાર્ટીની જેમ જ એક બીજી વ્યંગ પાર્ટી પણ બની છે, જેનું નામ છે - નેશનલ પેરાસિટિક ફ્રન્ટ. આ સટાયર પૉલિટિકલ પાર્ટીઝથી પહેલી વખત દેશમાં કટાક્ષપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સટાયર પાર્ટીને સોશિયલ મીડિયામાં મળેલી લોકપ્રિયતા ભારતના જેન-ઝીના આક્રોશનું પ્રતીક છે.
ડાઈ પાર્ટેલ : દુનિયાની સૌથી સફળ વ્યંગ પાર્ટી
રમૂજ કે પેરોડીમાં બનેલા રાજકીય પક્ષને ચૂંટણીમાં સ્વીકારવાની મતદારોની માનસિકતા હોતી નથી, પરંતુ જર્મનીની વ્યંગ પાર્ટીએ મેઈનસ્ટ્રીમમાં થોડી સફળતા મેળવીને ઉદાહરણ પૂરું પાડયું છે. ૨૦૦૪માં જર્મનીમાં 'ડાઈ પાર્ટેલ' નામે એક વ્યંગ પાર્ટી બની હતી. જર્મનીના રાજકીય વ્યંગ મેગેઝિન ટાઈટાનિકના પત્રકારોએ એડિટર માર્ટિન શોન્નબોર્નના નેતૃત્વમાં આ પાર્ટી બનાવી હતી. પાર્ટીના નામના બે અર્થ થતાં હતાં: ડાઈનો ઈંગ્લિશમાં અર્થ થાય છે - મૃત્યુ પામવું કે લુપ્ત થઈ જવું. પાર્ટેલ એટલે પાર્ટી. જર્મનીમાં ડાઈનો અર્થ થાય છે ધ. એટલે કે એકમેવ. ડાઈ પાર્ટેલ એટલે એકમાત્ર પાર્ટી. એ વ્યંગ જર્મનોને ગમી ગયો.
તે વખતે ગેરાલ્ડ શૂડરની સરકાર હતી. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની પૉલિસી સામે જર્મનીમાં આક્રોશ હતો. એન્જેલા મર્કેલ વિપક્ષના નેતા હતા અને ચૂંટણીની તૈયારીઓ થઈ રહી હતી તે ગાળામાં બનેલી આ પાર્ટીને ખૂબ સારો ફીડબેક મળ્યો હતો. પછી તો એન્જેલા મર્કેલ જર્મનીના નવા ચાન્સલર બન્યાં. તેમની લોકપ્રિયતા ખૂબ હોવા છતાં અમુક બાબતોમાં ટીકા થતી હતી. આ રાજકીય વ્યંગ પાર્ટી એ પ્રકારની શાર્પ ટીકા કરીને ચર્ચામાં રહેતી હતી. 'બર્લિનની દીવાલ ફરીથી બાંધી આપવામાં આવશે, મોંઘવારી વધારવામાં આવશે, દુનિયા આખી સામે ઘર્ષણ કરીને ઉદ્યોગોનો કચ્ચરઘાણ કાઢવામાં આવશે' - એવા વિચિત્ર છતાં ચોંટદાર વ્યંગ-વાયદા કર્યા. પછી તો થયું એવું કે આ પાર્ટીના સંચાલકો પોતાને સીરિયસ લેવા માંડયા ને વળી લોકો પણ એને સીરિયસ લેતા થયા. પરિણામ એ આવ્યું કે પાર્ટીએ ૨૦૧૦ની સ્થાનિક ચૂંટણીમાં ઝંપલાવ્યું. ચિત્ર-વિચિત્ર પેરોડી વાયદા કરતાં કરતાં આ પાર્ટીએ લોકલ કાઉન્સિલમાં એક બેઠક પણ મેળવી. ૨૦૧૪ના યુરોપિયન સંઘના ઈલેક્શનમાં એક બેઠક જીતી. ૨૦૧૯માં યુરોપિયન સંઘની ચૂંટણીમાં વધુ એક બેઠક જીતીને આંકડો બે બેઠકોએ પહોંચાડયો. ૨૦૨૪ના ઈલેક્શનમાં પણ યુરોપિયન સંઘમાં બે બેઠકો જાળવી રાખી. ૨૦૨૧માં જર્મનીના ઈલેક્શનમાં આ પાર્ટીએ દોઢ ટકા મતો મેળવ્યા. સ્થાનિક ઈલેક્શનમાં પાર્ટીના અમુક ઉમેદવારોને સાતથી ૧૦ ટકા સુધી મતો મળવા લાગ્યા છે. ડાઈ પાર્ટેલની આ સફળતાના કારણે જ તેને દુનિયાની સૌથી સફળ વ્યંગ પોલિટિકલ પાર્ટી કહેવાય છે.









