Magazines

આનંદમયી માની અલૌકિક યોગસિદ્ધિઓ

By GS TEAM
23 May 20265 mins read
આનંદમયી માની અલૌકિક યોગસિદ્ધિઓ

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- 'કુંડલિની જાગરણનો અર્થ માત્ર ઊર્જાનું ઉપર ઉઠવું તેટલો જ નથી. તેનો વાસ્તવિક અર્થ છે ચેતનાનો વિસ્તાર. જ્યારે અંદરની શક્તિ જાગે છે ત્યારે મનુષ્ય જગતને અલગ દ્રષ્ટિથી જોવા લાગે છે....'

'યો ગનો અર્થ કેવળ શરીરને જુદી જુદી રીતે વાળીને આસન કરવા એ નથી. સાચો યોગ તે છે જેમાં જીવ પોતાના સ્ત્રોતથી ફરી જોડાઈ જાય છે. જ્યારે મનની ચંચળતા શાંત થઇ જાય છે અને અંદરનો પ્રકાશ પ્રજ્વલિત થઇ જાય છે, ત્યારે સાધક અનુભવ કરે છે કે તે મર્યાદિત શરીર નથી પણ અનંત ચેતના છે.'

'તમારી અંદર જે શક્તિ સુષુપ્ત પડેલી છે, તે જ દિવ્ય શક્તિ છે. સાધનાનો હેતુ બહાર કશું પ્રાપ્ત કરવાનો નથી પણ એ અંદર છુપાયેલી ચેતનાને જાગૃત કરવાનો છે. જ્યારે તે શક્તિ જાગે છે ત્યારે જીવનની પ્રત્યેક્ષ ક્ષણ ઇશ્વરની અનુભૂતિ બની જાય છે.'

'કુંડલિની જાગરણનો અર્થ માત્ર ઊર્જાનું ઉપર ઉઠવું તેટલો જ નથી. તેનો વાસ્તવિક અર્થ છે ચેતનાનો વિસ્તાર. જ્યારે અંદરની શક્તિ જાગે છે ત્યારે મનુષ્ય જગતને અલગ દ્રષ્ટિથી જોવા લાગે છે. દરેક વસ્તુમાં તે જ એક પરમ સત્તાના દર્શન થવા લાગે છે.'

'શરીર, પ્રાણ, મન અને આત્મા - આ બધાનું સંતુલન જ યોગ છે. જો માત્ર શરીરનો અભ્યાસ હોય અને હૃદયમાં પ્રેમ ન હોય તો યોગ અધૂરો છે. પ્રેમ, કરુણા અને શુદ્ધતા વગર યોગશક્તિ પૂર્ણ રૂપે પ્રકટ નથી થતી.'

- યોગિની આનંદમયી મા

આનંદમયી મા મહાયોગિની, ગૂઢવાદી, રહસ્યવાદી, ગુરુ અને સંત હતાં. દિવ્ય જીવન સંઘના શિવાનંદ સરસ્વતીએ એમનું વર્ણન 'ભારતની ધરતી પર ઉત્પન્ન થયેલું સર્વોત્તમ પુષ્પ' રૂપે કર્યું હતું. તેમણે વધુમાં લખ્યું હતું - 'મા આનંદમયી એક પૂર્ણ સિદ્ધ મહાત્મા છે. એમની સમીપ બેસવું એ જ ધ્યાન છે.' પરમહંસ યોગાનંદે એમના પુસ્તક 'ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગી'માં મા આનંદમયી વિશે લખ્યું છે - 'મેં એમનામાં નિરંતર ઇશ્વરાનંદની અવસ્થા જોઈ. એમનું સ્મિત અને ઉપસ્થિતિ એવી હતી કે જાણે દિવ્ય ચેતના સ્વયં માનવરૂપે પ્રકટ થઇ ગઇ છે.' તત્ત્વચિંતક જિદુ કૃષ્ણમૂર્તિ (જે.કૃષ્ણમૂર્તિ) ગુરુ પરંપરાથી અલગ દ્રષ્ટિકોણ ધરાવતા હતા તેમ છતાંય તેમણે મા આનંદમયીની ઉપસ્થિતિને અસાધારણ માની. તેમની નિકટ રહેનારા લોકોએ ઉલ્લેખ કર્યો કે તે માની શાંતિ અને મૌનથી પ્રભાવિત થયા હતા. રમણ મહર્ષિ એમના વિશે કહેતા - 'તે હંમેશાં આત્મસ્થિતિમાં સ્થિત છે.' રમણ મહર્ષિના ભક્તો મા આનંદમયી માટે કહેતા - 'મા આનંદમયી શાંતિનો હિમાલય અને આનંદની ગંગા છે.' મહર્ષિ અરવિંદે એમના વિશે કહ્યું હતું - મા આનંદમયીમાં દિવ્ય ચેતનાનો સહજ અને સ્વાભાવિક પ્રવાહ દ્રશ્યમાન થાય છે.' ભારતના ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇંદિરા ગાંધી એમને વારંવાર મળતા હતા અને એમને પોતાના માર્ગદર્શક માનતા હતા. તે કહેતા હતા - 'મા આનંદમયીની ઉપસ્થિતિ મને શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કરાવતી હતી.'

આનંદમયી માનો જન્મ ૩૦ એપ્રિલ ૧૮૯૬ના રોજ બંગાલ પ્રેસિડેન્સી, ભારતના તિપ્પરાહ જિલ્લા (પાછળથી બ્રાહ્મણબારિયા જિલ્લા)ના ખેઓરા ગામમાં બંગાલી હિંદુ બ્રાહ્મણ દંપતી બિપિનબિહારી ભટ્ટાચાર્ય અને મોક્ષદા સુંદરીના ઘેર થયો હતો. બાળપણમાં તેમનું નામ નિર્મલા સુંદરી દેવી રાખવામાં આવ્યું હતું. ૧૯૦૮માં બાર વર્ષની ઉંમરે તેમના લગ્ન રમણીમોહન ચક્રવર્તી સાથે થઇ ગયા હતા. ૧૭ વર્ષની ઉંમરે તે પતિના ઘેર રહેવા ગયા હતા. તેમના પતિ તે વખતે અષ્ટગ્રામ કસ્બામાં કામ કરતા હતા. નિર્મલા સુંદરી (આનંદમયી)એકવાર કીર્તનનું શ્રવણ કરતાં ભાવાવેશમાં સરી પડયા અને દેહાનુસંધાન છૂટી ગયું, કલાકો સુધી મૂર્ચ્છાવસ્થામાં રહ્યા. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે ચેતનાની પરિવર્તિત સ્થિતિ (Altered state of consciousness)ની અનુભૂતિ કરવા લાગ્યા. એ પછી એમનામાં દિવ્ય, અલૌકિક શક્તિઓ પ્રકટ થવા લાગી. તે ભાવાવેશની સ્થિતિ અનુભવવા લાગે ત્યારે તેમના શરીરમાં આશ્ચર્યકારક ક્રિયાઓ થવા લાગતી. એમના શરીરમાંથી દેવ-દેવીઓ બહાર પ્રગટ થતા. એ વખતે એમના અંગોપાંગો દ્વારા એ દેવ-દેવીઓની પૂજા અને આરતી થતી. મુખ દ્વારા શંખ વગર શંખનાદ થતો. દેવ-દેવીઓના બિલકુલ અજ્ઞાત મંત્રો તેમના મુખેથી અસ્ખલિત ધારામાં પ્રગટ થતા. કેટલીક વાર જ્ઞાની, વિદ્વાન પંડિતોને પણ ન સમજાય એવા પ્રાચીન દેવભાષાના ગૂઢ સૂત્રો ઉચ્ચારિત થતાં.

નિર્મલા સુંદરી દેવીએ શ્રાવણ સુદ પૂનમ તા.૩-૮-૧૯૨૨ના રોજ પોતે પોતાને દીક્ષા આપી હતી. એમણે કોઈ બાહ્ય ગુરુને પોતાના ગુરુ કર્યા નહોતા. દીક્ષા પછી સ્વયં સાધના શરૂ કરી. વ્રત, ઉપવાસ, એકાંત સેવન અને મૌન ગ્રહણ કર્યું. જમીન પર એક દિવ્ય યંત્ર દોર્યું. એના અધિષ્ઠાતા દેવ-દેવીઓ પ્રકટ થઇ સ્વ-સ્થાને બિરાજમાન થયા. એ પછી ેક પછી એક યૌગિક ક્રિયાઓ આપમેળે થવા લાગી. હાથનો ઉપયોગ કર્યા વિના પદ્માસન કે બીજા આસન, શારિરીક મુદ્રામાં આવી જતા. પ્રણવ મંત્ર 'ઓમ્' અને 'સોહમ્'નું પ્રાકટય થયું. ૩ વર્ષ સુધી કઠોર મૌનવ્રત ધારણ કર્યું અને આકરા ઉપવાસ પણ કર્યા. તે કેટલાય દિવસો સુધી રોજના માત્ર ભાતના ત્રણ દાણા જ ખાતાં અને આખી રાત એક આસને બેસી ધ્યાન અને સમાધિમાં મગ્ન થઇ જતાં. આ દરમિયાન તેમને ઉત્તરોત્તર વધુને વધુ ઉત્કૃષ્ટ યોગ સિધ્ધિઓ પ્રાપ્ત થવા લાગી હતી. નિર્મલા સુંદરી દેવીના શરૂઆતના અને નિકટના શિષ્યોમાંના એક એવા જ્યોતિષચંદ્ર રાય 'ભાઈજી'એ એવું સૂચન કર્યું હતું કે તેમને નિર્મલા સુંદરી નામથી નહીં, પણ 'આનંદમયી મા' નામથી બોલાવવા જોઇએ. બધાને તે સૂચન ગમી ગયું અને તે પછી તેમનું તે નામ પડી ગયું હતું.

આનંદમયી મા પ્રત્યક્ષ રીતે યોગસિદ્ધિનું પ્રદર્શન કરવામાં માનતા નહોતા, છતાં એમની આસપાસ પરોક્ષ રીતે અનેકવાર એ યોગસિદ્ધિઓના ચમત્કારો સહજ રીતે સર્જાતા. તે બીજાના રોગો પોતાના શરીર પર લઇ લેતાં અને એ રોગીને રોગરહિત કરી દેતાં. તેમણે દૈવી શક્તિથી અકસ્માતો થતાં અટકાવ્યા હતાં. એક જ સમયે બે જુદા જુદા સ્થળોએ હાજર હોવાના પ્રસંગો પણ સર્જ્યા હતા. સરકારી નોકરી કરતા જ્યોતિષચંદ્ર રાય એકવાર કાશીમાં ગંગાસ્નાન કરવા જતાં લપસી પડયા અને પાણીમાં તણાવા લાગ્યા ત્યારે એકાએક કોઇએ એમનો હાથ પકડી એમને ખેંચીને બહાર કાઢ્યા. એ કોણ છે જેણે તેમને બચાવ્યા એ જોયું તો તેમના વિસ્મયનો પાર ના રહ્યો. તે એમના ગુરુ આનંદમયી મા હતાં. વિસ્મય એટલા માટે થયો કેમ કે હકીકતમાં એ વખતે આનંદમયી મા છત્તિસગઢના રામપુરમાં હતાં અને એ ઘટના બની ત્યારે એક શિવમંદિરમાં સૂતાં હતાં. તે જાગીને બહાર આવ્યા ત્યારે તેમના બધાં વસ્ત્રો એકદમ ભીનાં હતાં. આ વિશે કોઇએ પૂછ્યું તો તેમણે કહ્યું હતું - 'જ્યોતિષચંદ્ર કાશીમાં ગંગાના પાણીમાં તણાતો હતો એટલે ત્યાં જઇને એને બચાવી આવી. આ કારણે મારા બધા વસ્ત્રો ભીના થઇ ગયા છે. પાછળથી જ્યોતિષચંદ્રે તથા તેમના સાથીદારોએ કહ્યું કે વાસ્તવમાં તેવી ઘટના તે દિવસે અને તે સમયે બની હતી. આનંદમયી માએ જ તેમનો હાથ પકડી તેમને ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘાટ પરના બધા લોકોએ તેમને નિહાળ્યા હતા. આનંદમયી મા આવી અનેક યોગસિધ્ધિઓ ધરાવતાં હતાં.'