Magazines

નામ હતું ગંભીરા, પણ ભગવાનના સોગંદ, એ સહેજ પણ ગંભીર નહોતી

By GS TEAM
23 May 20267 mins read
નામ હતું ગંભીરા, પણ ભગવાનના સોગંદ, એ સહેજ પણ ગંભીર નહોતી

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- અબજોપતિ પિતાની એકની એક દીકરી ગંભીરાએ મહિને ત્રીસ હજાર કમાતા તત્પર સાથે લગ્ન કેમ કર્યા?

એ નું નામ હતું ગંભીરા, પણ ભગવાનના સોગંદ, એ સહેજ પણ ગંભીર નહોતી. એ કોઈના હુકમને માનવામાં નહીં પણ બીજાને હુકમ કરવામાં માનતી હતી. ગંભીરા ઝુકવામાં નહીં ઝુકાવવામાં માનતી હતી. શું એનો ઠસ્સો, જોનાર દંગ રહી જાય. અપટુડેટ ગાડીમાંથી ઊતરી એ કોલેજમાં પ્રવેશે ત્યારે દરવાજા પાસે ઊભેલા યુવકોનું ટોળું વગર કહે દૂર હટી જાય. એ ચાલતી નહોતી, જાણે હજુ ચાલવાનું શીખતી હતી. સ્ટાઇલથી એક પછી એક ડગલું ભરે, આસમાનમાંથી ઊતરીને ધરતી પર ધીમેધીમે પગલે કોઈ પરી સરકતી હોય તેમ લાગે...

અબજોપતિ પિતા આર્યકુમારની એકની એક પુત્રી ગંભીરા... પિતાની લાડકી. અતિશય લાડમાં ઉછરેલી ગંભીરા બહુ જીદ્દી અને ઘમંડી બની ગઈ હતી. આત્મકેન્દ્રી ગંભીરા કોલેજમાં પણ બધાંથી દૂર જ રહેતી હતી. એના ક્લાસમાં અભ્યાસ કરતી બીજી છોકરીઓ એની મિત્રતા કેળવવા પ્રયાસ કરતી... પણ ગંભીરા કોઈ સામે નજર સુધ્ધાં કરતી નહોતી. પોતાને બધાંથી અલગ માનતી ગંભીરાની દ્રષ્ટિએ તેની સાથે અભ્યાસ કરતી અન્ય છોકરીઓ નિમ્નવર્ગની હતી. ગંભીરા અભિમાની છે એવી છાપ તો તેની કોલેજમાં પડી જ ગઈ હતી. પણ ફેશનેબલ વસ્ત્રોમાં એટીકેટમાં રહેતી ગંભીરાને તેના સ્વભાવને કારણે કોઈ ભાવ આપતું નહોતું.

ગંભીરામાં સ્નેહ, સંસ્કાર, નમ્રતા અને વિવેકનો અભાવ તેના પપ્પા આર્યકુમારને પસંદ નહોતો પણ તેમનું મન કહેતું હતું કે લગ્ન પછી ગંભીરા સાચા અર્થમાં ગંભીર થઈ જશે. મા વગરની લાડમાં ઉછરેલી ગંભીરાનો કોઈ દોષ નથી, પણ ધીરે ધીરે એ નોર્મલ થઈ જશે, એવું આર્યકુમાર માનતા હતા.

હવે તમે જ કહો એક સીધા સાદા, ત્રીસ હજાર રૂપિયા કમાતા ક્લાર્ક તત્પર સાથે ગંભીરા લગ્ન કરે, એવું માન્યામાં આવે ખરું? કોઈને કહેવા જઈએે તો ચોપડાવી દે કે 'કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના' પણ એ હકીકત હતી કે, ગંભીરાએ માત્ર ત્રીસ હજાર રૂપિયા કમાતા તત્પર જોડે લગ્ન કરી લીધાં હતાં - ધોળે દહાડે, અગ્નિની સાક્ષીએ, ગોર મહારાજને વિધિ કરાવ્યાનો ચેક આપવાને બદલે રોકડા રૂપિયા પચાસ હજાર આપીને!

આ વાત સાંભળતાં જ ગંભીરાના પપ્પા આર્યકુમારને તેર દિવસ સુધી એક્સો ત્રણ ડિગ્રી તાવ રહ્યો હતો. કન્યાદાન દેવાનાં તેમના અરમાનોનું અવસાન થવાને કારણે. ત્રીસ હજાર પોકેટમની તરીકે વાપરતી ગંભીરા હવે શું કરશે તેની ચિંતામાં આર્યકુમાર દુ:ખી થઈ ગયા હતા પણ નિ:સહાય હતા કારણ કે ગંભીરાને પણ પૂછવા માટે પોતાના હડહડતા અપમાનની તૈયારી રાખવી પડે, એવું આર્યકુમાર સારી રીતે જાણતા હતા.

આર્યકુમાર ને જ્યારે તત્પર વિષે જાણકારી મળી ત્યારે તેઓએ હાશકારો અનુભવ્યો. તેઓ પોતાની દીકરી ગંભીરાને સારી રીતે જાણતા હતા. ગંભીરા જેવી ઉધ્ધત, ઘમંડી અને જિદ્દી સ્વચ્છંદી છોકરી માટે તો તત્પર જેવો જ યુવક જોઈએ. તત્પર શાંત પ્રકૃતિનો, સ્વાભિમાની નમ્ર વિવેકી અને સંસ્કારી યુવાન હતો. તેનો મધ્યમવર્ગીય પરિવાર હતો. તેના માતા-પિતા પણ ગંભીરાના નખરા મૂંગા મોઢે સહેતા હતા. તત્પરના મમ્મીનું માનવું હતું કે મા વિના ઉછરેલી ગંભીરા હજુ નાદાન છે. ધીરે ધીરે તેનામાં બદલાવ આવી જશે.

પણ તત્પરના મમ્મીનો ઉપદેશ ગંભીરાને નમ્ર બનવાને બદલે રણે ચઢવાનું નિમિત્ત બનતો હતો અને તત્પરને 'મીઠડો', સ્વમાન વગરનો, વાયડો, સ્ટફલેસ જેવા શબ્દોથી તે નવાજતી હતી. 'તત્પરની નજર મારા પિતાની દોલત પર છે' એવા વ્યંગબાણો પણ એ છોડે જતી હતી.

ગંભીરા કોઇની પણ સાથે હળતી - મળતી નહોતી એટલે પોતાના મનની વાત એક ડાયરીમાં લખતી હતી.

'તત્પર સાથે લગ્ન કર્યા પછી તેણે ડાયરીમાં લખ્યું હતું : 'હું સમૃધ્ધિની છોળોથી કંટાળી ગઈ છું. હવે મારે સાદું જીવન જીવવું છે. એટલે જ મેં નમ્ર, નિખાલસ અને નિર્દોષ વ્યકિતત્વવાળા યુવક તત્પર સાથે લગ્ન કર્યા. અને મારી જિંદગી ધન્ય બની ગઈ. અને હું મિસ. ગંભીરામાંથી 'મિસિસ ગંભીરા તત્પર' બની ગઈ. જયાં સાચો પ્રેમ હોય ત્યાં ઝૂંપડી પણ મહેલ જેવી લાગે. અલબત્ત તત્પર સાથે મારે કોઇ પ્રેમ કે આકર્ષણ નથી. પણ મેં સાદગીથી જીવવાનો નિર્ણય કર્યો એ માટે તત્પર ફીટ બેસતો હતો. ૧૪ ટ ૧૦નો રૂમ પણ ચૌદભવન જેટલો મને વિશાળ લાગે છે. તત્પરના માતા-પિતા ગરીબ જેવા સાવ સડી ગયેલા વસ્ત્રો પહેરે છે, એ મને પસંદ નથી પણ હું ચલાવી લઇશ. કારણ કે મેં જ આવું સાદું જીવન પસંદ કર્યું છે. અને તત્પર જેવો કહ્યાગરો પતિ શોધી કાઢ્યો છે..'

પણ આવા ગંભીરાના લાગણીભર્યા ડાયલોગ ધીરે ધીરે ટાઢા પડવા માંડયા. ગંભીરાએ હસતા મોઢે એક મહિના જેવો લાંબો અને કપરો સમય ધૈર્યપૂર્વક વીતાવ્યો. પણ એકત્રીસમા દિવસે સાંજે તત્પરે લોનના હપ્તો કપાયા બાદ પગરમાંથી બચેલા પંદર હજાર રૂપિયા ગંભીરાના હાથમાં મૂકયા ત્યારે ગંભીરાનું એક મહિનાનું તપ ઓગળી ગયું. તત્પરે ગંભીરાને પ્રોમીસ આપ્યું કે એ પ્રેમની પાછળ ફોગટ સમય આપવાને બદલે ઓફિસમાં ઓવરટાઇમ કરશે અને વધુ આવક થાય તેવા પ્રયત્નો કરશે. પણ ગંભીરાનો આત્મા મુકિત માટે તડપવા લાગ્યો. સાદગીનું ભૂત તેના મનમાંથી ઉતરી ગયું હતું અને તત્પરનું ઘર તેને નરક જેવું લાગવા માંડયું અને પોતાના પપ્પાનો સ્વર્ગસમો બંગલો યાદ આવવા માંડયો.

ગંભીરા તત્પરના મમ્મીનું તત્પરની ગેરહાજરીમાં વારંવાર અપમાન કરવા લાગી. ગંભીરાને ઝઘડા માટે કોઈ બહાનાની જરૂર લાગતી નહોતી. વાસ્તવમાં એ જિદ્દી હતી અને મનનું ધાર્યું કરનારી બસ. બાકી એના મનમાં તત્પરના માતા-પિતા માટે કોઈ દ્વેષ નહોતો. કોઇપણ બહાને પોતાના પપ્પાને ત્યાં જવા માટે એ દેખાવ ખાતર તત્પરના મમ્મી સાથે ઝઘડો કરીને પિયર દોડી જતી. એ જ્યારે પિયર આવતી ત્યારે આર્યકુમાર તેને પ્રોત્સાહન નહોતા આપતા પણ ઊલટું તેને ઠપકો આપતા કહેતાં : 'જો બેટા ગંભીરા, તેં તારી જાતે પસંદગીથી લગ્ન કર્યા છે અને તત્પર પણ એક સજ્જન, ખાનદાની સ્વાભિમાની યુવક છે. તારેસંસાર ચલાવવાનું માર્ગદર્શન 

મારી પાસેથી લેવાનું ના હોય. પચ્ચીસી પૂરી કરનાર તારામાં તારા પ્રશ્નો સમજવાનું અને નિરાકરણ શોધવાનું સામર્થ્ય હોવું જોઈએ.'

પણ ગંભીરા તો નમ્ર બનવાને બદલે રણ ચઢતી : 'પપ્પાજી, લગ્ન માય ફૂટ. મારે તો ચેઇન્જ ખાતર સાદગીભર્યા જીવનનો આનંદ લેવો હતો એટલે મેં મધ્યમવર્ગના તત્પર સાથે લગ્ન કર્યાં. પણ બસ હવે મારો સાદગીનો અનુભવ સમાપ્ત થઇ ગયો છે. ડેડી, હું અહીં હંમેશ માટે આપની સાથે રહેવા આવી ગઈ છું. નો ડાઉટ, તત્પર પતિ તરીકે ઉત્તમ છે. એના માતા-પિતા પણ બહુ લાગણીશીલ અને ઉમદા - સ્વભાવના છે. પણ ડેડી, પૈસા વગર જીવવું બહુ મુશ્કેલ છે. મારે મહિને પોકેટમની ત્રીસ હજાર જોઈએ અને તત્પરની લોનનો હપ્તો કપાયા પછી પંદર હજાર હાથમાં આવે છે. ગોડ નોઝ, તેઓ કેવી રીતે પૈસાના અભાવમાં જીવતા હશે  ડેડી, હું બધાંને કહીને આવી છું કે હું પાછી આવવાની નથી અને છૂટાછેડા લેવા માગું છું. તત્પરના મમ્મી તો મારા પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા 'ના બેટા, ના એવું ના બોલ. ધીરે ધીરે બધું સારું થઇ જશે. તું તો ઘરની લક્ષ્મી છે. તને જવા ન દેવાય. તત્પર, તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. થોડી ધીરજ રાખ બેટા.'

.. ડેડી, તત્પરે પણ બહુ વિનંતી કરી, તત્પર અને તેના મમ્મી-પપ્પાને રડતાં જોઈને મને પણ રડવું આવી ગયું, એટલે પાછું જોયા વિના હું દોડતી ગાડીમાં બેસી ગઈ અને આપણા બંગલે આવી ગઈ.'

ગંભીરા પિયરમાં રહેવા આવી ગઇ પણ આર્યકુમારના તત્પર સાથેના સંબંધમાં કશી જ ઓટ નહોતી આવી. વાર-તહેવારે આર્યકુમાર તત્પરને ભોજન માટે નિમંત્રણતાં, જમાઈ કરતાં ય વધુ આદર આપતાં અને ક્યારેક ગદ્ગદ્ બની કહેતા : 'તત્પર, હું મારું હૃદય કોઈને ભાડે નથી આપતો. જેણે એકવાર એમાં પ્રવેશ લીધો, તે મારા સ્નેહનો કાયમી અધિકારી બની જાય છે. કાયદાએ જોડી આપેલા તારા અને ગંભીરાના સંબંધો ભલે તૂટે કે ટકે એની સાથે તારા પ્રત્યેની મારી લાગણીને કશો જ સંબંધ નથી. ગંભીરા લાડમાં ઉછરેલી છે, એ જીવનના કેન્દ્રમાં નથી પણ એનું હૃદય નાના બાળક જેવું નિર્દોષ અને ભોળું છો, એટલું તો હું એની ફેવરમાં કહી શકું, હા એનો અર્થ એ નથી કે એ કોઈની પત્ની બનવાને લાયક છે. તત્પર તું નિશ્ચિંત રહેજે, ગંભીરા માટેહું તારી પર કોઈ જાતનું દબાણ નહીં કરું.'

એકવાર ગંભીરાને તાવ આવ્યો સાંજ સુધીમાં તો તાવ ૧૦૪ ડિગ્રી થઈ ગયો. આર્યકુમાર ઓફિસના કામે બહારગામ ગયા હતા.નોકરે તેમને ફોન કર્યો પણ ફોન આઉટ ઓફ રીચ આવતો હતો. તાવ ૧૦૫ ડિગ્રી થયો અને ગંભીરા લગભગ બેહોશ જેવી થઈ ગઈ હતી... બીજા દિવસે સવારે ગંભીરાનો તાવ ઊતર્યો, ત્યારે નોકરે કહ્યું કે : 'ગંભીરામેમ, ના છૂટકે તમારા પતિ તત્પરકુમારને મારા બોલાવવા પડયા હતા. તેઓ ડૉક્ટરને સાથે લઈને આવ્યા હતા. આખી રાત જાગીને તમને બરફના પોતાં મૂકતાં રહ્યાં અને તમને સારું થયા પછી પોતાને ઘેર ગયા. નાહી ધોઈને ફ્રેશ થઈને થોડીવારમાં તમારી ખબર જોવા હમણાં આવશે.'

તત્પર આવ્યો, ત્યારે ગંભીરા બેગ લઇનેતેની સાથે પોતાને ઘેર (સાસરે) પાછી જવા તૈયાર ઊભી હતી. તત્પરની પાછળ આર્યકુમાર પણ ઊભા હતા. 'બેટા તત્પર, જોયું ને મારી દીકરીનું હૃદય કેટલું ભોળું અને સ્વભાવ બાળક જેવો છે. હવે મને શાંતિ થઈ ગઈ. ગંભીરા માટે તારાથી વધુ યોગ્ય કોઈ યુવક હોઈ ન શકે.'

ગંભીરા પોતાના પપ્પાની વાત સાંભળવા માટે પણ થોભવા તૈયાર નહોતી. નાના બાળકની જેમ તત્પરનો હાથ ખેંચીને કહેતી હતી, 'ચાલોને, તત્પર આપણે ઘેર જઈએ. પ્લીઝ, જલ્દી કરોને.'