Magazines

હે જી તારાં આંગણિયાં પૂછીને કોઈ આવે તો...

By GS TEAM
23 May 20264 mins read
હે જી તારાં આંગણિયાં પૂછીને કોઈ આવે તો...

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- આંગણું પુરાણ છે, પૂર્વજ છે. આંગણું જ વેદ અને ઉપનિષદ છે. આંગણાના અસલ ઉપનિષદમાંથી જ ઘરના સંસારમાં આપણે પ્રવેશીએ છીએ, પછી ઘરસંસારમાં જ ખોવાઈ જઈએ છીએ....

એ ક વખત હતો. આંગણાં પાંચમાં પૂછાતાં. આંગણું જોઈને જ અભ્યાગતો આવતા, આંગણું જોઈને મહેમાનો આવતા, આંગણું જોઈને માંગણ આવે, આંગણું જોઈને ઢોર આવે. આંગણું જોઈને પંખી-પારેવાં ને બાળકો આવે. આંગણાનું મૂલ્ય હતું. આંગણાં પૂછાતાંય ખરાં અને પૂજાતાંય ખરાં, આંગણું જ ઘરની ઓળખાણ હતું. આંગણું જ ખજાનો ને ખાણ હતું.

આજે આંગણાં વગરનાં ઘર થઈ ગયાં છે. ફલેટ અને ટેનામેન્ટ નામના શબ્દો 'ઘર' સામે વામણા લાગે છે. 'ઘર' હોય ત્યાં આંગણ હોય જ. આંગણ પોતે જ અર્ધુ ઘર ગણાય. આંગણે દોડીને પ્હોંચી ગયેલું ઘરનું છોકરું કેવી શાંતિ અનુભવે છે! આંગણે આવીને ઊભી રહેતી ગાય કેવી નિરાંતે થોભેલી દેખાય છે! આંગણું એ આંખો છે. આંગણાને તમે દીવાલ વગરનું ઘર પણ કહી શકો. ઘરમાં મળે એટલી હૂંફ, હળવાશ આંગણું પણ આપે છે. આશાભર્યા આવેલા માગણની આંખો આંગણાની આંખો સાથે મૈત્રક રચે છે. આંગણું ઓળખાણ રાખે છે. આંગણામાં પરિચયનાં પુષ્પો સૌથી વધારે ખિલતાં હોય છે. લીંપ્યાગૂપ્યા આંગણે ઊભેલાં છાસ લેનારાં અને દાતણ દેનારાં કેવી અતૂટ આશા લઈને ઊભાં હોય છે! એવી જ રીતે અબોલ શ્વાન સમૂહ અને ઢોર પણ આંગણાં ઓળખે છે.

આંગણે જ દાદા-દાદીની વાતોની પરબ્યું મંડાય, ભાવિપેઢીની ખુલ્લી નિશાળ એ આંગણું, આંગણે તુલસીનો છોડ હોય, વળી ઓટલો નજીકમાં હોય - માટીનો, લીંપણ હોય, લીંપણમાં આંખને ગમી જાય એવી ઓકળિયો હોય. ઓકળિયોમાં મા કે મોટીબેનની છબી હોય! આંગણું એટલે કેવળ ભોગવવાની ખાલી જગ્યા જ નહિ. બહેન, ભાઈને પરણાવવા ટાણે માંડવો રોપાય તે પણ આંગણું અને દાદા-દાદી, બાપા ગામતરે જાય ત્યારે તેમનો ચોકો થાય એ પણ આંગણું. તુલસીના કુંડના દીવાનો પ્રકાશ છેક વૈકુંઠ સુધી લઈ જાય છે.

આંગણું લંબાઈ પહોળાઈ કે મીટર ફૂટમાં માપવાની જગ્યા જ નથી કે ભૌતિક ભૂમિનો ટુકડો નથી. ઘરની આબરૂની પ્રસ્તાવના છે. એ કુળનું આમુખ છે એ. મંદિરના ગણેશ છે એ. ગામનું મંદિર છે એ. આંગણાને અતિથિઓની જાણ હોય છે, આંગણું જ આતિથ્યની ખાણ હોય છે. આંગણે આવીને સગાં ઊભાં રહે એમની સાથે કેવી તેને ઘરેરું ઓળખાણ હોય છે! આંગણે ગાય ભેંસની ગમાણ હોય, ખીલો હોય કપડાં સુકવવાની દોરી હોય, ઊભા કરેલા ખાટલા હોય, નવરાં પડેલાં તગારાં ને બોચિયાં હોય. આંગણામાં સંકડાશ ના જ હોય. દરિયા જેવાં દિલવાળાં આંગણાં આજે તો ખોવાઈ ગયાં છે - એટલે જ નગરનાં માણસોમાં સંવેદનાની ન્યૂનતાનાં દર્શન થતાં હશે! જેના આંગણે ઝાઝાં બાળકો રમતાં હોય તે આંગણું ભાગ્યશાળી ગણાતું'આંગણું પાવન કરવું' ને 'આંગણું તોડી પાડવું' જેવી લોકોક્તિઓ પણ છે.

આંગણે માંડવા રોપાયા છે. ચંદરવા છે. ચોરીઓ ઊભી થઈ છે. કન્યાદાન અપાયાં છે. સામસામાં ફટાણાં ગવાયાં છે. લગ્ન ગીતોની રમઝટો જામી છે. ઘરમાં કથા ચાલતી હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે આંગણે પ્રસાદિયા ભક્તોની ઠઠ પણ હોય... ખાટલામાં બેઠા બેઠા પ્રસાદની રાહ જોતા ભક્તોને પણ આંગણું ઓળખે છે. આંગણે પંચાતો કુટાણી છે. આંગણે સમસ્યાઓનો ઉકેલ લાવવા પંચ બેઠાં છે. રાવણાં થયાં છે. ગોળ વ્હેંચાણા છે. ઢોલનગારાં વાગ્યાં છે. ભજનિકોનાં ભજનોને હજીય આંગણું વાગોળે છે. આંગણું સીમાબદ્ધ હોવા છતાં કેટલું બધું અસીમ છે!

આંગણું પરબ, અતિથિગૃહ અને સંસ્કારની તાલીમ શાળા પણ છે. આંગણે મધ લઈને શકરો આવ્યો છે અને મધ જેટલી મીઠાશથી આંગણે બેઠો છે. લેણિયાતો પણ ખાટલો ઢાળી ઉઘરાણી કરી રહ્યાં છે. ચા પીને, વાયદો લઈને જતા રહે છે. ફરી આવે છે - આંગણું ક્યારેય વંધ્ય નથી રહ્યું. વંધ્ય ઘર ભલે હોય પણ આંગણું તો સદા સૌભાગ્યશાળી રહ્યું છે. આંગણે સાધુ, મંદિરના પૂજારી ચપટી લેવા આવ્યા છે ત્યારે ચપટી તો નિમિત્ત હોય છે એ આંગણાનો આદર જ એમને મન મોટો હોય છે. 'આવ નહિ, આદર નહિ, નહિ નયનોમાં તેહ' એ પંક્તિ વ્યક્તિ માટે જેટલી સાચી છે તેટલી આંગણા માટે પણ સાચી છે. સંસ્કૃતમાં 'પ્રાંગણ' કહેવાતું આંગણું પરિવારની પાઠશાળા પણ રહ્યું છે. જીવનની ઘણીખરી તાલીમ આંગણામાંથી બાળકોને પ્રાપ્ત થાય છે.

ઓસરી કે ઓરડાની તુલનામાં આંગણે જ વધારે ભીડ રહી છે. વધારે ચોકખાં ને ખુલ્લાં રહ્યાં છે આંગણાં. આંગણાને ભલે ભીંતો નથી પણ ભીંત વગરનાં ભાવ ભરેલાં ઘર કહીએ તો કંઈ ઓછું નથી. આખા ગામનો વિરોધી ભલે કોઈ હોય ગામે તેને મારવા લીધો હોય પણ મુખીના આંગણાને આશરે જતો રહે પછી સુરક્ષિત... આંગણાં મુક્તિ છે, જેલ નહિ. શિયાળાની સવારે આંગણું તાપણું થઈ જાય છે અને ઉનાળાની બપોરે એ.સી. થઈ જાય છે વરસતા વરસાદમાં આંગણામાંથી જ જળયાત્રા નીકળે છે. એ આંગણે ક્યારેક કજિયા-કંકાસને કારણે તમાશા પણ થયા છે. તમાશાને તેડું ના હોય એ ન્યાયે માનવમેંરામણ એ બહાને પણ આંગણે ભેગો થયો છે. આંગણું તમાશાને અને અવસરને સરખો આવકાર આવે છે.

આંગણું આદિવાસી જેવું જૂનું છે - આંગણું પુરાણ છે, પૂર્વજ છે. આંગણું જ વેદ અને ઉપનિષદ છે. આંગણાના અસલ ઉપનિષદમાંથી જ ઘરના સંસારમાં આપણે પ્રવેશીએ છીએ, પછી ઘરસંસારમાં જ ખોવાઈ જઈએ છીએ, પણ જેઓ આંગણાનું ઉપનિષદ ઘરમાં લઈ જઈ શકે છે તેમનું ઘર અને જીવતર સ્વર્ગ બની જાય છે.