સરનેમઃ નામથી ચડિયાતી ઓળખ
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- ચીનમાં વસતિના પ્રમાણમાં અટકની સંખ્યા ઓછી થઈ ગઈ છે. ચીનમાં હવે માત્ર ૬૦૦૦ સરનેમ અસ્તિત્વમાં છે. ચાલો, ચેક કરીએ ચીન સિવાયની દુનિયામાં શું સ્થિતિ છે?
અટક, સરનેમ, લાસ્ટ નેમ, ફેમિલીનેમનો દસ્તાવેજી ઈતિહાસ કેટલો જૂનો હશે?
ભારતમાં વૈદિકકાળથી જ ગોત્ર અને વંશની પરંપરા હતી. પ્રાચીન ગ્રંથોના આધારે મુખ્ય ત્રણ વંશ હોવાનું કહેવાય છે - સૂર્યવંશ, ચંદ્રવંશ અને ઋષિવંશ. એમાંથી પછી અનેક ગોત્ર બન્યા હતા. અગ્નિવંશ અને ઈશ્વાકુવંશ સૂર્યવંશનો હિસ્સો મનાયા અને યદુવંશ, સોમવંશ અને નાગવંશ ચંદ્રવંશનો હિસ્સો મનાયા. પછી પ્રતાપી રાજા પરથી વંશવેલો આગળ વધતો અને વંશજો તેમના પ્રતાપી પૂર્વજોને જ પોતાની ઓળખ બનાવતા. સૂર્યવંશી પ્રતાપી રાજા રઘુથી રઘુવંશ બન્યો. ચંદ્રવંશી પરાક્રમી રાજા ભરતથી ભારતવંશ બન્યો - એ જ વંશમાં કૌરવો અને પાંડવો જન્મ્યા હતા.
સપ્તર્ષિના નામે પણ ગોત્રની રચના થઈ. પરિવારના પરાક્રમી પુરુષના નામે વંશવેલો આગળ વધતો રહ્યો, પરંતુ એ વંશ કે ગોત્રનું નામ આજની જેમ નામની પાછળ જોડવાની પ્રથા બહુ પછીથી આવી. ઓળખ માટે જરૂર પડયે એ વંશ કે ગોત્રનો ઉલ્લેખ થતો, પણ એ અનિવાર્ય ગણાતું ન હતું. સંશોધકો તો એવોય તર્ક રજૂ કરે છે કે પ્રાચીન કથાઓમાં આવતા દેવ, અસુર, યક્ષ, કિન્નર, વાનર, નિષાદ, રીંછ, દાનવ, ગંધર્વ, નાગ, માનવ જેવા ઉલ્લેખો વાસ્તવમાં જાતિ દર્શાવે છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ ખરેખર તો જાતિ ન હતી અને શ્રમ વિભાજન હતું - એવો ય એક તર્ક આપણે ત્યાં થાય છે. એ ચર્ચામાં ન જઈએ તો પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે ભારતવર્ષમાં વૈદિકકાળથી જ વંશ-ગોત્ર પ્રત્યે માણસ સભાન હતો. તેનું ગૌરવગાન કરતો હતો.
પછીના સેંકડો વર્ષોના કાળખંડમાં વંશ-ગોત્રમાંથી જાતિઓ અસ્તિત્વમાં આવતી ગઈ અને જાતિઓમાંથી આખોય ભારતસમાજ નાની-નાની જ્ઞાાતિઓમાં વિભાજિત થઈ ગયો. એ જ્ઞાાતિઓમાં વતન-વ્યવસાયના આધારે નવી નવી અટકો પડતી ગઈ અને એમ અટકોનું અપાર વૈવિધ્ય સર્જાઈ ગયું.
ભારતમાં રાજવંશોને બાદ કરતાં સામાન્ય લોકોના નામની આગળ કે પાછળ અટક બોલવાની કે લખવાની પ્રથા પ્રચલિત ન હતી. એ પ્રથા બહુ પછી આવી. જનમાનસમાં જાતિના આધારે વિભાજન અને વર્ણભેદ તો હતા જ, પરંતુ નામની સાથે ગોત્ર-વંશનું નામ જોડીને લખવા-બોલવાનો પ્રારંભ સામાન્ય લોકોએ ૧૭મી ૧૮મી સદીમાં કર્યો હતો. વિદેશીઓ- ખાસ તો અંગ્રેજો ભારતીયોના સંપર્કમાં આવ્યા પછી નામની સાથે અટક લખવા-બોલવાનું વધુ પ્રચલિત બન્યું. અંગ્રેજોની બનાવેલી એજ્યુકેશન સિસ્ટમમાં તો નામની સાથે અટક લખવાનું ફરજિયાત થઈ પડયું. તે સાથે જ ભારતીય જનમાનસમાં સદીઓથી અંકિત થઈ ગયેલાં વંશ-ગોત્રના ગૌરવને નવી ઓળખ મળી.
તેના કારણે આજે દેશમાં ૨૫-૩૦ લાખ કરતાં વધુ અટકો અસ્તિત્વ ધરાવતી હોવાનો અંદાજ છે. વંશ-વતન-વ્યવસાય-દેખાવ-પદવીના આધારે અટકોનું સર્જન થતું રહ્યું. અપાર સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા આપણાં દેશમાં અટકોનું વૈવિધ્ય અને તેની ઉત્પત્તિ પણ અભ્યાસનો વિષય છે.
વેલ, મૂળ સવાલ તો હજુ ઊભો જ છે - અટકનો દસ્તાવેજી ઈતિહાસ કેટલો જૂનો હશે?
* * *
દુનિયામાં નામથી સાથે અટક જોડવાનું ૧૦મી, ૧૧મી સદીમાં શરૂ થયાનો રેકોર્ડ મળે છે. શરૂઆતમાં રાજા-મહારાજા અને રાજવી પરિવારો નામથી સાથે અટક અથવા તો ખાસ ઓળખ માટે વંશનું નામ જોડતા હતા. એના પગલે પગલે જમીનદારો-ઉમરાવો એ પદ્ધતિ અપનાવી. આ બધાનું જોઈને સેનાપતિઓ, ધનવાનો અને શિક્ષિત લોકોએ પણ નામની સાથે તેમની ઓળખ દર્શાવતું છોગું ઉમેર્યું.
૧૩મીથી ૧૫મી સદી સુધીમાં અટક જોડવાનું સામાન્ય લોકોમાં પણ પ્રચલિત થઈ ચૂક્યું હતું. ફેમિલીની ઓળખ હોય એવું નામ પહેલી પસંદગી પામતું હતું. અથવા સ્થળ દર્શાવતું નામ પણ અટક તરીકે જોડવામાં આવતું હતું. ઘણાં લોકો તેમના ધંધાને જ અટક બનાવતા હતા. જેમકે બેકરીનો ધંધો કરનારા તેમના નામની પાછળ બેકર લખતા હતા.
ઈ.સ. ૧૫૦૯થી ૧૫૪૭ સુધી ઈગ્લેન્ડના રાજા રહેલા હેનરી આઠમાએ લગ્ન અને જન્મ નોંધણીમાં અટક ફરજિયાત લખવાનો આદેશ આપ્યો તે પછી ઈંગ્લેન્ડમાં નામથી સાથે અટક જોડવાનું શરૂ થયું. લગ્ન પછી મહિલાના નામની પાછળ પતિની સરનેમ લખવાનો ધારો પણ એ જ અરસામાં શરૂ થયો હોવાનું મનાય છે.
ઈંગ્લેન્ડનો સૂરજ એ વખતે આખી પૃથ્વી પર તપતો હતો. ઈંગ્લેન્ડે જેટલા દેશો પર રાજ કર્યું એ બધામાં તેની રીત-ભાતની ગાઢ અસર પડી હતી. ભારત સહિતના દેશોમાં પણ ૧૮મી અને ૧૯મી સદીમાં નામની સાથે અટક લખવાનો પ્રારંભ થયો હતો. છેલ્લાં અભ્યાસ પ્રમાણે આજે બ્રિટનમાં સાડા છ, પોણા સાત કરોડ કરતાં વધુ લોકો ૪૫,૦૦૦ અટક ધરાવે છે.
ઈંગ્લેન્ડની પ્રબળ અસર હેઠળ અમેરિકામાં પણ જન્મ-લગ્ન નોંધણીમાં ૧૮૫૫થી અટક લખવાનું ફરજિયાત બનાવાયું હતું. તે પહેલાં સામાન્ય નાગરિકો નામની સાથે સરનેમ લખતા બોલતા હતા, પરંતુ એ માટે કોઈ નિયમ ન હતો. ૨૦૧૦ના રેકોર્ડનો આધાર લઈએ તો અમેરિકામાં ૬૩ લાખ અટકો છે. અમેરિકામાં વૈવિધ્યસભર અટક હોવાનું એક કારણ એ પણ ખરું કે છેલ્લાં ૬૦-૭૦ વર્ષથી અમેરિકામાં દુનિયાભરમાંથી નાગરિકો આવીને વસ્યા છે. આ અટકમાંથી ૬૨ ટકા અટકો એવી હતી, જે માત્ર એક જ વખત નોંધાઈ હતી. અમેરિકા સરનેમનું સૌથી વધુ વૈવિધ્ય ધરાવતો દેશ છે. આટલી અટકો તો સૌથી વધુ વસતિ ધરાવતા ચીન અને ભારતમાં પણ નથી!
ફ્રાન્સમાં ૧૮૯૧થી ૧૯૯૦ના ગાળામાં ૧૩ લાખ અટકો નોંધાઈ હતી, પણ છેલ્લાં બે-અઢી દશકામાં બે લાખ અટકો લુપ્ત થઈ ગઈ છે! ઓસ્ટ્રેલિયામાં ૪.૪૮ લાખ સરનેમ અસ્તિત્વમાં છે, તો જર્મનીના સાડા આઠ કરોડ લોકો વચ્ચે સાડા આઠ લાખ અટકો છે. સાઉથ આફ્રિકામાં આઠ-નવ લાખ, નાઈજિરિયામાં પંદરેક લાખ અટકો લખાય-બોલાય છે. ઈથોપિયામાં ૧૧ કરોડની વસતિ વચ્ચે ૮૪ લાખ અટક છે, ઈજિપ્તના ૧૦ કરોડ લોકો ૨.૨૪ લાખ અટકો શેર કરે છે. જાપાનમાં ત્રણ લાખ સરનેમ છે.
સરનેમને લાસ્ટનેમ કે ફેમિલીનેમ પણ કહેવાય છે, પરંતુ ભારત-જાપાન જેવાં કેટલાય દેશોમાં અલગ અલગ સરનેમ અપરનેમ ગણાય છે. એટલે કે અટક નામની પહેલા લખવામાં આવે છે. ભારતમાં દક્ષિણના રાજ્યોની પરંપરા પ્રમાણે ગોત્ર અને પરિવારના નામ પછી વ્યક્તિનું નામ લખાતું હોય છે.
વ્યક્તિની ઓળખ વધુ સ્પષ્ટ કરવા નામની સાથે અટક લખવાનું યુરોપ-અમેરિકામાં શરૂ થયું તે પહેલાં એશિયન કલ્ચરમાં એ પરંપરા અસ્તિત્વ ધરાવતી હોવાના પુરાવા ભારત-ચીન-જાપાનમાંથી મળી આવે છે. ભલે એ સામાન્ય નાગરિકોમાં બહુ પ્રચલિત બની ન હતી, પરંતુ સમાજના એક વર્ગમાં નામથી સાથે કુળનું નામ જોડવાની પરંપરા જોવા મળતી હતી.
* * *
ચીનના પૌરાણિક રાજા ફુ શીએ ઈ.સ. પૂર્વે ૨૮૫૨માં નામની સાથે વંશનું નામ જોડવાનો ધારો પાડયો હતો - એવું ચીનના ઈતિહાસકારો માને છે. ચીનના સંપર્કમાં આવ્યા પછી વેસ્ટર્નવર્લ્ડમાં નામ સાથે અટક જોડવાની પદ્ધતિ પ્રચલિત બન્યાની થીયરી ચીન રજૂ કરે છે. સાંસ્કૃતિક વૈવિધ્યના કારણે ચીનમાં લાખો અટકો હોવાનો અંદાજ પણ રજૂ થાય છે, પરંતુ એ જ ચીનમાં હવે માત્ર ૬૦૦૦ અટકો જ અસ્તિત્વ ધરાવે છે.
૧૪૪ અબજની વસતિ ધરાવતા ચીનમાં થોડાંક વર્ષોથી અટકોનું વૈૈવિધ્ય લુપ્ત થઈ ગયું છે. ચીનના ૧૨૦ કરોડ લોકો માત્ર ૧૦૦ જ અટક શેર કરે છે. બે-ત્રણ દશકા પહેલાં ૨૩ હજાર અટકો નોંધાતી હતી, જે હવે ઘટીને છ હજાર થઈ ચૂકી છે. એ પાછળ એવું કારણ રજૂ કરાય છે કે ચીનની સરકારી ગેજેટ ઓફિસે વહીવટી સરળતા માટે અમુક હજાર શબ્દો જ માન્ય રાખ્યા છે. અલગ સરનેમ ધરાવતા નાગરિકોની નોંધણી થતી નથી એટલે નછૂટકે લોકોએ સિસ્ટમમાં માન્ય હોય એવી કોઈ અટક પસંદ કરવી પડે છે.
ક્યૂઆર કોડ જનરેટ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી નવી સિસ્ટમ અમલી બનાવાઈ છે - એવા બહાના હેઠળ ચીને નાગરિકોના વંશનું અથવા કહો ઓળખનું વૈવિધ્ય લગભગ ખતમ કરી નાખ્યું છે. મોટાભાગના નાગરિકો સરકાર માન્ય રાખે એ જ સરનેમ રાખવા મજબૂર બની ગયા છે.
અચ્છા, ધારો કે સિસ્ટમની સરળતાના બહાને બીજા દેશો ચીનના પગલે ચાલવા માંડે તો શું શું થાય?
...તો સરકારોની વિચારધારા પ્રમાણેના શબ્દો પસંદ કરીને લોકોએ સરનેમ રાખવી પડે! સરકારો બદલાય ત્યારે અટકો પણ બદલવી પડે! ફ્રૂટ, શહેરો-મહોલ્લાઓના નામો મન પડે ત્યારે બદલી શકાતા હોય તો લોકોની અટક બદલવી શક્તિશાળી સરકારો માટે કંઈ બહુ મોટી વાત તો નથી જ! હૈ કી નઈ?
દુનિયાની સૌથી પોપ્યુલર સરનેમ
આજની તારીખે પૃથ્વીના ગોળા ઉપર વાંગ અટક ધરાવતા લોકોની સંખ્યા સૌથી વધુ છે. ચીનમાં જે પાંચ અટક કોમન છે, એમાં વાંગ પહેલા ક્રમે છે. તે પછી લી, ઝાંગ, લીયૂ અને ચેનનો નંબર આવે છે. વાંગનો અર્થ થાય છે કિંગ-રાજા. દુનિયામાં વાંગ અટક ધરાવતા માથાની સંખ્યા ૯.૨ કરોડ છે.
દુનિયામાં પોપ્યુલર અટકની વાત થતી હોય તો એમાં જોન્સ કે જોન્સનને બીજો ક્રમ આપવો પડે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ અટક કોમન છે. અંગ્રેજીભાષી દેશોમાં એવી જ લોકપ્રિય અટક છે - સ્મિથ. અમેરિકામાં ૧૨૧માંથી એક અટક સ્મિથ હોય છે. એકલા અમેરિકામાં જ આ સરનેમ ધરાવતા ૨૩ લાખ લોકો રહે છે.
બ્રિટનમાં પટેલ અટક કોમનની કેટેગરીમાં મૂકાઈ છે. ૨૦૧૧ના આંકડા પ્રમાણે યુકેમાં એક લાખ લોકો પટેલ સરનેમથી નોંધાયા હતા. ન્યુઝીલેન્ડમાં પટેલ, સિંહ અને કુમાર ટોપ-૧૦ કોમન અટકમાં સામેલ થાય છે. મોહમ્મદ પણ દુનિયાભરમાં પોપ્યુલર સરનેમ છે. બ્રાઉન, ગાર્સિયા, મુલર, ગોન્ઝેલ્સ - જેવી અટકો દુનિયાની સૌથી પોપ્યુલર સરનેમના લિસ્ટમાં સામેલ થાય છે.
ભારતમાં સિંહ, રમેશ, રાવ, કુમાર, મેનન, પટેલ, ત્રિવેદી, ચતુર્વેદી, ઉપાધ્યાય, દેવ જેવી સરનેમ ધરાવતા લોકોની સંખ્યા બહુ મોટી છે. ભારતમાં તો એક અનોખી બાબત પણ જોવા મળતી હોય છે. ધર્મ અલગ અલગ હોય એવા અસંખ્ય લોકોની અટક એકસરખી હોય છે.