- ડૉ. મકરન્દ મહેતા
''હું ચૂસ્ત સનાતની હિંદુ છું, પણ પછાતોનું શું? જે દિવસે હિંદુ શાસ્ત્રો કે હિંદુ ધર્મ એમ પૂરવાર કરશે કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનો ભાગ છે, તે દિવસે હું શાસ્ત્રોનો ત્યાગ કરીશ, પણ પછાતોને પડખે રાખીને એમનો ઉધ્ધાર કરીશ.''
''મારો હેતુ અહિંસા દ્વારા માનવ સંબંધોને બદલવાનો છે. મારા મોત પછી પણ હું તમારી વચ્ચે જ જીવતો હોઈશ. તમારે ફક્ત મને શોધી નાંખવાનો છે.''
- મહાત્મા ગાંધી
''અહિંસાનો પૂજારી આખરે હિંસાનો ભોગ બન્યો... 'મારું આજે સાંભળે
છે જ કોણ?' - એ ઉદ્ગારોમાં મહાત્મા ગાંધીની ઊંડી વ્યથા હતી.
હતભાગી રાષ્ટ્ર પર વજ્રાઘાત... બાપુએ દેશને એક કરવામાં પ્રાણ ખોયા
- ગુજરાત સમાચાર ૩૧-૧-૧૯૪૮
ગાંધીજી યુગપરિવર્તક હતા
ગાંધીજી મહાત્મા હતા. યુગપુરૂષ હતા. રાષ્ટ્રપિતા હતા. પણ આ તો ભારેખમ વિશેષણો થયા. આ પ્રકારનાં સુવાક્યો વારતહેવારો લખવા-બોલવા માટે છે, અને તે તદ્દન 'રૂટીન' થઈ ગયા છે. ખરૂં કામ આજનાં જમાનામાં પણ જો ગાંધી ઉપયોગી જણાય તો 'ગાંધીગીરી' કરવાનું છે. ગાંધીએ કહ્યું હતું ઃ ''મોત પછી પણ હું તમારી વચ્ચે જ જીવતો હોઈશ. તમારે મને શોધી નાંખવાનો છે.'' ગાંધીએ જીવનભર કરેલા 'સત્યનાં પ્રયોગો'માંથી નાંના-નાંના જે પ્રસંગો પસંદ પડે તે પોતપોતાની ઈચ્છા મુજબ અજમાવી જોવા જેવા છે. ગાંધીજી વીસમા સૈકાનાં ભારત અને વિશ્વનાં સૌથી મોટા અને પ્રભાવક 'ચેન્જ એજન્ટ' હતા. બુધ્ધ, મહાવીર અને સોક્રેટીસની જેમ ગાંધીએ અહિંસા, પ્રેમ અને સદાચાર દ્વારા આધુનિક ભારત અને વિશ્વને જીવન જીવવાનો નવો અનેરો રાહ દેખાડયો હતો.
મોહનદાસ કાંઈ ઓચિંતા કે ઝડપથી 'મહાત્મા' બન્યા નહોતા. તેઓ ધીમે ધીમે 'ગાંધીગીરી' બચપણથી શીખ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં ગોરા સરકારની રંગભેદની નીતિ સામે પ્રેમ, સદ્ભાવ અને અહિંસાને કેન્દ્રમાં રાખીને માસ પોલીટીકલ મુવમેન્ટ્સ ઉપાડી હતી. લોખંડ તપે તેમ અનુભવની એરણ ઉપર દક્ષિણ આફ્રિકામાં તપાયા અને ઘડાયા બાદ એમણે 'ગાંધીગીરી' હિંદમાં અજમાવી હતી.
ગાંધીને 'મહાત્મા' બનાવવામાં માત્ર એમનાં નૈતિક અને આધ્યાત્મિક આદર્શો નહોતા. ગાંધી મહા પ્રેક્ટિકલ કાઠીયાવાડી હતા. કાઠીયાવાડના રજવાડી રાજકારણનો પાકો અનુભવ હોવાથી તેઓ ઝીણી નજરે ઝડપથી પલટાતા જતા સમય અને સંજોગોનો તાગ મેળવીને કામ પાર પાડતા હતા. વિવિધ ભાષામાં, ધર્મો અને વિચારસરણીઓ ધરાવતા માણસોને એક મંચ પર લાવવાની તેમની શક્તિ ગજબની હતી. વાટાઘાટો અને બાંધછોડ કરીને સારગ્રાહી વલણો અપનાવવામાં તેઓ કૂશળ કસબી હતા.
ગાંધીગીરી આજેય પ્રસ્તૃત
આ રીતે એમણે હજારોની સંખ્યામાં ગ્રાસરૂટ્સ વર્કસ તૈયાર કર્યા હતા અને તેમને પ્રેરણા આપીને 'નાંના નાનાં ગાંધી'ની કતારની કતારો તૈયાર કરી હતી.
૨૦૦૬માં રીલીઝ થયેલી ફિલ્મ 'લગે રહો મુન્ના ભાઈ' જેણે જોઈ હશે તેને સમજાશે કે 'ગાંધીગીરી' એટલે શું? તેમાં મુંબઈનાં ગુંડા મુન્નાભાઈને (સંજય દત્ત) ગાંધી કેવી રીતે જડી જાય છે અને જડયા પછી ગાંધીનો આત્મા તેને કેવી દોરવણી આપે છે તેની અતી હૃદયંગમ વાત છે. ઘણી હાસ્યપ્રધાન ફિલ્મ છે.
ગાંધીની લીડરશીપ ક્વૉલિટીનું બીજું નોંધપાત્ર લક્ષણ એ હતું કે એમણે એમની પહેલાંના 'મધ્યમવર્ગી સોશ્યલ રીફોર્મનાં એથિક્સ'નું રૂપાંતર સર્વહારાઓનાં ઉત્થાન માટે ''સોશ્યલ વર્ક'' અને ''સોશ્યલ સર્વીસ''માં કર્યું હતું. સામાન્ય પ્રજાજનો સુધી પહોંચવા માટે તેમણે તદ્દન સાદી ગુજરાતી અને હિંદી ભાષા અપનાવી હતી. આપણે ગુજરાતની વાત કરીએ તો બેરીસ્ટર વલ્લભભાઈ પટેલ, ઠક્કર બાપા, અનસૂયાબહેન સારાભાઈ, પુષ્પાબહેન મહેતા, શારદાબહેન મહેતા, ઈન્દુલાલ યાજ્ઞિાક, રવિશંકર મહારાજ, જુગતરામ દવે, કાકાસાહેબ કાલેલકર, દાદાસાહેબ માવલંકર, કિશોરલાલ મશરૂવાળા, મૂળદાસ વૈશ્ય, નરહરી પરીખ અને મામાસાહેબ ફાડકે જેવા સેંકડો મધ્યમવર્ગી બૌધ્ધિકો ગાંધીનાં આચારવિચારથી એવા તો પ્રભાવીત થયા હતા કે એમણે કોલોનીયલ સરકાર સામેનાં રાજકીય આંદોલનો તથા દેશોન્નતી માટે રચનાત્મક કામો ઉપાડી લીધા.
આવા નેતાઓ તથા ગ્રાસરૂટ્સ વર્કર્સોએ તેમની ભૂમિકા નર્મદ-દલપતની જેમ 'સમાજ સુધારક' તરીકે નહીં પણ સામાજિક કાર્યકર અને સમાજ સેવક તરીકે જોઈ હતી. આ રીતે ગાંધીવાદી કર્મયોગીઓ (એક્ટિવીસ્ટ) ગુજરાતનાં અંતરીયાળ ગામડાંઓ સુધી પહોંચી ગયા હતા. ગુજરાતમાં 'ગાંધીગીરી' આ રીતે પાંગરી હતી. રાષ્ટ્રિય સ્તર પર ગાંધીજીએ તીવ્ર વિરોધાભાસી વલણો ધરાવતા મહંમદઅલી ઝીણા, સરદાર વલ્લભભાઈ પટેલ, સાવરકર, નહેરૂ, મૌલાના આઝાદ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરને એક મંચ પર ભેગા કરીને સંવાદો રચ્યા હતા.
ઝીણવટપૂર્વક જોઈએ તો તે સમયે હિંદમાં ઢંગધડા વિનાનો શંભુમેળો વકર્યો હતો. તેનું સુકાન કેવળ ગાંધીએ સંભાળ્યું હતું. તેથી જ કહેવાયું કે ''ગાંધી હેડ ધી માઇટ ઓફ એન ઓટોક્રેટ, બટ ધી માઈન્ડ ઑફ એ ડેમોક્રેટ.'' ગાંધીને 'મહાત્મા' તરીકે જોવાને બદલે જો આપણે એમને તદ્દન વાસ્તવિક અને પ્રેક્ટિકલ માણસ તરીકે જોઈએ તો જ તેનાથી આપણને આજે કાંઈક શીખવાનું મળે તેમ છે. વળી 'લગે રહો'ની નૈતિક મૂલ્યોને વરેલી ગાંધીની જીનીયસ પણ એટલી જ મહત્વની વિવિધ ધર્મો અને વિચારસરણીઓ ધરાવતા લોકો સાથે વાર્તાલાપો યોજીને તેમને દેશોધ્ધારના કામમાં વાળવાની ગાંધીની કલા અને આવડત વિશીષ્ટ હતી. વિશ્વ પ્રસિધ્ધ બ્રિટીશ ફિલોસોફર બટ્રાંડ રસેલે ૧૯૩૦માં પ્રસિધ્ધ કરેલ ગ્રંથ ''ધી કોન્કવેસ્ટ ઓફ હેપીનેસ''માં તથા વિશ્વપ્રસિધ્ધ અમેરીકન લેખક ડેલ કાર્નેગીએ ૧૯૩૬માં પ્રસિધ્ધ કરેલ ગ્રંથ ''હાઉ ટુ વીન ફ્રેન્ડસ એન્ડ ઈન્ફ્લુઅન્સ પીપલ''માં સુખી થવાનાં અને બીજાને સુખી કરવાનાં જે ગુણધર્મો વર્ણવ્યા છે તે ગાંધીજીમાં ભરપટ્ટે હતા. પોતાને થતા જતા અનુભવોમાંથી શીખતાં શીખતાં એમણે આ ગુણો કેળવ્યા હતા. પોતે કેળવેલા આચાર વિચારોની બાબતમાં તેઓ જબરો આત્મવિશ્વાસ ધરાવતા હતા અને પોતાનાં વાણી અને વર્તન દ્વારા બીજાઓને તેમાં સામેલ કરતા હતા.
ગાંધીજી, મજૂરો અને ઉદ્યોગપતિઓ
એમનાં કેટલાક ઉદ્ગારો પરથી સમજાશે કે ગાંધી કેવી રીતે વિવિધ વર્ગો, ધર્મો અને જૂથોનાં માણસોને દેશનાં એકસમાન કામમાં સામેલ કરતા હશે ઃ ''હું મૂડીવાદીઓનો મિત્ર છું અને મજૂરો અને શ્રમજીવીઓનો પણ મિત્ર છું. હું ફંડફાળા ધનિકો પાસેથી ઉઘરાવું છું, પણ તેનો ઉપયોગ ગરીબો માટે કરૂં છું.'' વળી ગાંધીએ હિંદુ સનાતનીઓનો સાથસહકાર મેળવવા કહ્યું હતું ઃ ''હું ચૂસ્ત સનાતની હિંદુ છું, પણ પછાતોનું શું? જે દિવસે હિંદુ શાસ્ત્રો કે હિંદુ ધર્મ એમ પૂરવાર કરશે કે અસ્પૃશ્યતા હિંદુ ધર્મનો ભાગ છે, તે દિવસે હું શાસ્ત્રોનો ત્યાગ કરીશ, પણ પછાતોને પડખે રાખીને એમનો ઉધ્ધાર કરીશ.'' તેનાં જ્વલંત ઉદાહરણો ૧૯૧૮ની અમદાવાદનાં મીલ મજૂરોની હડતાલ તથા મજૂરોને આશ્રમમાં દાખલ કર્યા ત્યારનાં પ્રસંગો છે. આ રીતે ગાંધીજીએ ધર્મ, અધ્યાત્મ, અર્થકારણ, રાજકારણ અને સમાજકારણનાં પરિબળો વચ્ચે સંકલન કરીને સર્વધર્મસમભાવની ભાવનાને ધોરણે સિવિલ સોસાયટીનાં મૂલ્યો સ્થાપ્યા હતા.
(ક્રમશઃ)


