કોરોનાની રસીનું ઘુંટાતુ રહસ્ય
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- દુનિયાભરમાં રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા ૮૦૦૦ જમ્બો જેટની જરૂર પડશે.
વિશ્વના અગણિત વિજ્ઞાાનીઓ, તબીબોની દિવસ-રાતની જહેમત પછી કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોના વાયરસનું મારણ એવી રસી તો શોધી કઢાઈ છે. એક નહીં પણ ડઝનબંધ વેક્સિન આજે ઉપલબ્ધ છે. ભારત સહિત અનેક દેશોમાં આ વેક્સિન મૂકાવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ રાજીખુશીથી રસી મૂકાવાની વાત તો બાજુએ રહી, અસંખ્ય લોકો એક યા બીજા કારણસર વેક્સિનની વાતથી જ દૂર ભાગે છે. કેટલાંક એવું માને છે કે પ્રારંભે જ રસી મૂકાવીએ અને કંઈ આડું વેતરાય તો....?
સોશિયલ મિડિયામાં પણ કોરોના વેક્સિન બાબત તરેહ તરેહની વાતો વહેતી થાય છે. કેટલાંક દેશોમાં તો નિષ્ણાત તબીબોએ પણ સઘન ટ્રાયલ લીધા વિના ઉતાવળે (ઈમરજન્સી) રસી મૂકવાનો જે રઘવાટ થયો છે તે બાબતે ચિંતા વ્યક્ત કરી છે. આ લેખ લખવાનો મારો આશય કોઈ શંકા-કુશંકા ખડી કરવાનો નથી. પરંતુ મોજુદા હાલાતમાં જે ચાલી રહ્યું છે તેની તરફ વાંચકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ છે. સૌપ્રથમ આપણે વિજ્ઞાાનીઓના દ્રષ્ટિકોણથી જોઈએ.
એક સંશોધન પ્રમાણે કોવિડ-૧૯ના ચેપનો સામનો કરી રહેલા દર્દીઓના શરીરમાં જે એન્ટીબોડીઝ વિકસિત થાય છે તેની સંખ્યા ૨-૩ મહિનામાં ઘટવા લાગે છે. એન્ટીબોડીઝ આપણી રોગ પ્રતિકારક ક્ષમતાનો ભાગ છે અને કોઇપણ રોગચાળા સામે લડવાનું કામ કરે છે. વાઇરસ માનવ શરીરના કોષનો ઉપયોગ કરીને પોતાની વસ્તી વધારવાનું કામ કરે છે ત્યારે એન્ટીબોડીઝ વાઇરસના બાહ્ય પડને ઢાંકીને તેને નિષ્ક્રિય કરી દે છે. કોરોના વાઇરસ માનવ કોષની અંદર પ્રવેશવા માટે સ્પાઇસ્ક પ્રોટીનનો ઉપયોગ કરે છે.
ચીનની વાનઝોઉ પીપલ્સ હોસ્પિટલના વિજ્ઞાનીઓએ સામાન્યથી લઇને ગંભીર લક્ષણો સુધીના દર્દીઓનું પરીક્ષણ કર્યું. તેમાં જાણવા મળ્યું કે કોવિડ-૧૯ના ચેપને કારણે જે એન્ટીબોડીઝ વિકસિત થાય છે તે ૨-૩ મહિના પછી લુપ્ત થવા લાગે છે આથી એ વ્યક્તિને ફરીથી કોરોના થવાનો ખતરો એટલો ને એટલો રહે છે વળી જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ ઓછા હોય તેમના શરીરમાં એન્ટીબોડીઝ પણ ઓછા બને છે.
લંડનના વિજ્ઞાાનીઓએ પ્રયોગ દરમિયાન જોયું કે ચેપગ્રસ્ત દર્દીઓના શરીરમાં ફકત ૯૪ દિવસ માટે જ એન્ટીબોડીઝ રહે છે. ત્યારબાદ તેની સંખ્યા ઝડપથી ઘટવા માંડે છે. આ બંને અભ્યાસોના પગલે કોવિડ-૧૯ની રસીની ક્ષમતા સામે સવાલ ઊભા થાય છે. ૩ મહિના બાદ એન્ટીબોડીઝ નષ્ટ થઇ જતાં હોય એવા કેસમાં કોરોનાની રસી લોકોને ક્યાં સુધી બચાવી શકશે? શું દર ચાર મહિને રસી ફરીથી લેવાની? કોરોના ફેમિલીના વાઇરસ મર્સકોવને કારણે બનતા એન્ટીબોડીઝ ૨થી ૩ વર્ષ સુધી ટકી રહે છે. પોલિયો વાઇરસની વેક્સિનને કારણે બનતા એન્ટીબોડીઝ આખી જિંદગી માનવ શરીરની રક્ષા કરે છે. કોરોનાની રસીથી બનતા એન્ટીબોડીઝ ૩-૪ મહિના સુધી જ ટકી રહે તે ચિંતાજનક છે. તેનો અર્થ એ થયો કે કોરોનાની રસી બની જાય પછી પણ જેટલા મોટા ચમત્કારની અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ એટલો મોટો ચમત્કાર જોવા મળશે નહીં.
આ પ્રયોગોએ વિજ્ઞાાનીઓની ચિંતાની સાથોસાથ જવાબદારી પણ વધારી દીધી છે. તેમણે એવી રસી બનાવવી પડશે જે એન્ટીબોડીઝને જન્મ આપે જે ૩-૪ મહિના નહીં આખી જિંદગી અથવા વર્ષો સુધી ટકી રહે. દર ૨-૩ મહિને કે ૪ મહિને આઠ અબજ લોકોને રસી મૂકાવતા રહેવું પડે તે અસંભવ છે. તેનાથી જે આર્થિક પાયમાલી સર્જાય તેની તો કલ્પના પણ ન થઇ શકે.
આ લખાય છે ત્યારે નોર્વેમાં ફાઈઝરની કોરોના રસી મુકાવ્યા પછી ૨૩ વ્યક્તિના મોત નિપજ્યા હોવાના સમાચાર આવ્યા છે. જ્યારે ૨૯ જણને આડઅસર થઈ છે. તેથી યુરોપિયન લોકો પણ આ રસી બાબત ચિંતાતુર બન્યા છે. વેક્સિનની અસરકારકતા અંગે લોકો જાતજાતના તર્કવિતર્ક કરતાં થયા છે.
આપણે બધાં જાણીએ છીએ કે કોઇ દવા કે કોઇ રસી સો ટકા સલામત હોતા નથી. તેની આડઅસરો હોય જ છે. તેમાં કોરોનાની રસી પણ અપવાદ નથી. જ્યારે રસીનું ક્લિનિકલ ટ્રાયલમાં પરીક્ષણ કરવામાં આવે ત્યારે હજારો લોકો પર તેનો ટેસ્ટ કરવામાં આવે છે પણ ઘણીવાર લાખ માણસમાં એક જણને ભાગ્યે જ થાય તેવી આડઅસર થાય છે જે આવી મોટી ટ્રાયલમાં પકડાતી નથી. આમ રસી વાપરવા માટે આપણે તેની સલામતિ પર સતત દેખરેખ રાખવી પડે.
બીજી તરફ જેની પર વિકસતાં દેશો મોટો મદાર રાખીને બેઠાં છે તે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડની કોરોના રસીની સરેરાશ ૭૦ ટકા અસરકારતા બાબતે તથા તેની બે અલગ ડોઝની વ્યવસ્થા બાબતે ઘણા નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે. આ બાબતના મૂળમાં રસીની ટ્રાયલમાં આપવામાં આવેલાં બે ડોઝ છે. વોલન્ટિયર્સના પ્રથમ જૂથને બે એકસમાન ડોઝ આપવામાં આવ્યા હતા જેમાં રસી ૬૨ ટકા અસરકારક જણાઈ હતી. બરાબર એક મહિના પછી બીજા જૂથને પહેલાં અડધો ડોઝ અને પછી આખો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં રસીની અસરકારકતા વધીને ૯૦ ટકા થઈ હતી. આ રસીના પરિણામોની ટીકા કરનારા કહે છે કે બીજા જૂથના રસીની અસરકારકતાના પરિણામો વધારી-ચડાવીને જારી કરવામાં આવ્યા છે કેમ કે આ જૂથના વોલન્ટિયર્સ પણ ૫૫ કરતાં ઓછી વયના હતા. રસી બનાવનાર કંપનીએ પરિણામો જાહેર કર્યા ત્યારે વયજૂથ જાહેર કર્યા નહોતા. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રસીની અસરકારતાના પરિણામો ચોકસાઈપૂર્ણ છે કે કેમ તે કહેવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ નથી.
થોડા સમય પૂર્વે ઓક્સફર્ડ કોવિડ-૧૯ પ્રાયોગિક રસીના ચેન્નાઈ ખાતેના ૪૦ વર્ષના વોલન્ટિયરે આક્ષેપ મૂક્યો હતો કે, રસીનો ડોઝ લીધા બાદ તેને ગંભીર આડઅસરો થઈ હતી અને તેના કારણે તેને પાંચ કરોડનું વળતર આપવામાં આવે. આ દાવાની ચકાસણી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને પ્રયોગના સ્થળની ઈન્સ્ટીટયૂશનલ એથિક્સ કમિટિ કરી રહી છે. દરમિયાનમાં ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના સભ્યએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કોવિડશિલ્ડ વેક્સિન અને વોલન્ટિયરના આક્ષેપોની વચ્ચે પ્રાસંગિક જોડાણના પુરાવા મળ્યા નથી.
જો કે રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણના ૪૦ વર્ષીય વોલન્ટિયર અને બિઝનેસ કન્સલ્ટન્ટે આક્ષેપ મૂક્યો કે, આ રસી સલામત નથી. તેનાથી મને ન્યૂરોલોજીકલ બ્રેકડાઉનની સાથે સાથે કોગ્નીટિવ ફંક્શન્સ (મગજથી થતી જ્ઞાાન પ્રક્રિયા)માં નુકસાન જેવી આડઅસરો થઈ હતી. જે અંગે તેણે પાંચ કરોડ રૂપિયાનો દાવો પણ માંડયો છે.
વોલન્ટિયરે આક્ષેપ મૂક્યો છે કે, રસીનો ડોઝ લીધા બાદ તેમને ગંભીર એન્કેફ્લોપથી (મસ્તિષ્ક વિકૃતિ)ની સમસ્યા થઈ હતી. આ એવી સમસ્યા છે કે, જેનાથી મગજને નુકસાન થયું હતુ. તમામ પરિક્ષણો અને ટેસ્ટ દર્શાવે છે કે, તેમને આ સમસ્યા રસીનો ડોઝ આપ્યા પછી જ થઈ છે. હાલમાં તેઓ જે પ્રકારનો આઘાત-સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે, જે રસીને જે પ્રકારે દર્શાવવામાં આવે છે, તેટલી સલામત તે નથી અને તમામ સ્ટેકહોલ્ડરો તેની આડઅસરને છુપાવવાની કોશીશ કરી રહ્યા છે.
આ વોલન્ટિયરનો ઈસીજી ટેસ્ટ દર્શાવે છેે કે, મગજ પર તેની આંશિક અસર થઈ છે. જ્યારે સાયકાટ્રિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, વર્બલ અને વિઝ્યુઅલ મેમરી ફંક્શનમાં તેમજ કોગ્નીટિવ ફંક્શન્સ (મગજથી થતી જ્ઞાનપ્રક્રિયા)ને પણ અસર થઈ છે.
કોરોના મહામારી માટે સૌથી મોટો વિલન ગણાતા ચીનની ચાલ તો સાવ ન્યારી છે. ચીનના કેન્ડિડેટ્સ (જેમના પર કોરોના વાઈરસની રસીની અજમાઈશ કરવામાં આવી રહી હોય એવી વ્યક્તિઓ)ને આપવામાં આવતી રસી ઔપચારિક રીતે સફળ કે અસરકારક પુરવાર ન થઈ હોવા છતાં અધિકારીઓ સમગ્ર ચીનના હજારો લોકોને કટોકટી હેઠળની નીતિના નામે આ રસી મૂકી રહ્યાં છે.
પ્રત્યેક ડોઝ ૩૦ ડોલરમાં વેંચતુ ચીન પોતાની રસી સલામત અને અસરકારક છે એવું જાહેરમાં દર્શાવવા માટે તેના હજારો નાગરિકોને અનપ્રુવન (સલામતી કે અસરકારકતા પુરવાર ન થઈ હોય એવી) રસી આપી રહી છે અન ેસરકારી અધિકારીઓ તેમજ ફાર્માસ્યુટિકલ એક્ઝિકયુટિવ્ઝ ગર્વભેર આ બાબતે વાત પણ કરે છે. મહત્ત્વની વાત એ છે કે અનપ્રુવન રસી મૂકાવવાના આવા અભિયાનોને ખાસ્સી સફળતા મળી રહી છે. હકીકત એ છે કે ચીનના લોકો આ રીતે મોટું જોખમ વહોરી રહ્યાં છે. જે લોકોએ આવી બીનઅસરકારક રસી મૂકાવી હોય તેઓ નચિંત બનીને સલામતીના પગલાં લેવાનું બંધ કરી દે. વળી તેમણે અનુપ્રુવન રસી લઈ લીધી હોવાથી પછીથી તેમને વધારી સારી રસીથી વંચિત રાખવામાં આવે એવું પણ બને અને અનપ્રુવન રસી તેમના સ્વાસ્થ્ય માટે પણ જોખમી પુરવાર થઈ શકે.વાસ્તવમાં સંભવિત સમસ્યાઓ સામે મોટાભાગે આંખ આડા કાન કરવામાં આવે છે. આવી રસી મૂકાવતી વખતે ભરવામાં આવતાં મંજૂરી માટેના ફોર્મ જોતાં જણાયું હતું કે એક કેન્ડિડેટના ફોર્મમાં આ રસી હજી પરીક્ષણના તબક્કામાં હોવાનો ઉલ્લેખ જ કરવામાં નહોતો આવ્યો અને આવા કેટલાં લોકોને અનુપ્રુવન રસી આપવામાં આવી છે તે પણ સ્પષ્ટ નથી થયું.
હવે તો એ બધા જાણે છે કે રસીને સાચવવા માટે અત્યંત નીચા તાપમાનની જરૂર પડે, જે સામાન્ય રીતે ફ્રીઝરમાં જ હોય. લાખો , કરોડની સંખ્યામાં રસીના આ બધા ડોઝ સાચવવા પડશેે અને એ માટે કરોડોની સંખ્યામાં ફ્રીઝર કે ફ્રીજની પણ જરૂર પડશે. શ્રીમંત અને વિકસીત દેશો તો કોલ્ડ સ્ટોરેજને લગતી તમામ સુવિધા ધરાવતી હોય છે. પરંતુ અસંખ્ય ગરીબ, આફ્રિકન અને એશિયન દેશો રસીને યોગ્ય તાપમાને સાચવી નહીં શકે તો મોટી આપત્તિ ઊભી થશે.
આ સિવાય રસીનું પરિવહન પણ એક મોટી સમસ્યા છે. નિષ્ણાતો કહે છે કે દુનિયાભરમાં રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા ૮૦૦૦ જમ્બો જેટની જરૂર પડશે.
આમ તો કાર્ગોમાં ઘણી બધી ચીજવસ્તુઓ આસાનીથી આવી જાય છે, પરંતુ દવાની ડિલિવરી કરવાનું કામ અન્ય ચીજવસ્તુઓની સરખામણીએ વધારે મુશ્કેલ અને પડકારજનક હોય છે. વેક્સિનની ડિલિવરી થાય ત્યારે તાપમાન ૨.૮ ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. અમુક વેક્સિનમાં તો ઝીરો ડિગ્રી તાપમાન પણ મેઈનટેઈન રાખવું પડતું હોય છે. તેના કારણે કેટલાય વિમાનો વેક્સિનની ડિલિવરી કરી શકતા નથી. જે વિમાનોમાં તાપમાન માઈનસમાં લઈ જવાની ક્ષમતા ન હોય તે રસીની ડિલિવરીમાં કામ લાગતા નથી.
એક સામાજિક સંગઠન દ્વારા અમેરિકામાં હાથ ધરવામાં આવેલાં સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૩૧ ટકા લોકોને ખાતરી નથી કે તેમને રસી આપવામાં આવશે કે કેમ. બીજા દર પાંચમાંથી એક અમેરિકને રસી લેવાની જ ના પાડી દીધી છે.
દસમાંથી સાત જણાં રસી મુકાવવા તૈયાર છે તેમણે જણાવ્યું હતું કે રસી લીધા વિના જીવન ફરી નોર્મલ થવાનું નથી. આ સર્વે અનુસાર ૫૬ ટકા શ્વેત લોકોની સરખામણીમાં ૨૫ ટકા આફ્રિકન અમેરિકન અને માત્ર ૩૭ ટકા હિસ્પેનીક્સને જ આ રસી મળી શકશે.
જેમને રસી નથી મુકાવવી તેવા દસમાથી ચાર જણાએ એમ કહ્યું હતું કે તેમને ડર છે કે જો તેઓ રસી મુકાવશે તો તેમને કોરોનાનો ચેપ લાગશે. બીજા ત્રણ એમ માને છે કે તેમને કોરોનાનો ચેપ લાગવાનો નથી. રાજકીય વિચારધારા પણ રસી લેવાની બાબતને અસર કરે છે. ૬૨ ટકા ડેમોક્રેટોએ જણાવ્યું હતું કે તેઓ રસી મુકાવશે જ્યારે માત્ર ૪૩ ટકા રિપબ્લિકનોએ રસી મુકાવવાની તૈયારી દાખવી હતી.
૨૫ ટકા ભારતીયો કાં તો કોવિદ-૧૯ની રસી લેવા બાબતમાં હજુ અવઢવમાં છે અથવા તો એમણે વેક્સિન નહિ લેવાનું નક્કી કરી લીધું છે. કોવિદ મહામારીને કારણે લોકોના ખરાબે ચડેલા જીવનમાં ફરી રાબેતો સ્થાપવા વેક્સિન એક રામબાણ ઉપાય મનાય છે. એક વિશ્વવ્યાપી સર્વેમાં આવુ જાણવા મળ્યું છે. એમઆઈટીએ જુલાઈ અને ઓગસ્ટમાં જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટી અને ફેસબુકના સહકારમાં ૬૮ દેશોમાં હાથ ધરેલા સર્વેમાં એમ જાણવા મળ્યું હતું કે દુનિયાભરના ૩ૈ૨ ટકા પ્રતિસાદીઓ કોવિદ-૧૯ની વેક્સિન લેવા બાબતમાં કાં તો અચોક્કસ છે અથવા એમણે કોવિદ-૧૯થી બચવા વેક્સિન નહિ લેવાનું નક્કી કરી લીધું છે. જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો વેક્સિનનો સ્વીકાર કરવામાં દાખવાતા વિલંબ અથવા રસી લેવાના ઇન્કારને વેક્સિન હેસિટેન્સી ગણાવે છે. સર્વે દરમ્યાન વેક્સિન હેસિટેન્સી રેન્જ અઝર બૈજાનમાં ૭૪ ટકાથી લઈને વિયેટનામમાં ૧૫ ટકા સુધીની નોંધાઈ હતી.
ભારતની વાત કરીએ તો ૧૦ ટકા લોકોએ કહી દીધું હતું કે અમે કોવિદ સામે રસીકરણ નહિ કરાવીએ અને ૧૫ ટકાએ પોતે આ બાબતમાં અચોક્કસ હોવાનું કહ્યું હતું. સર્વેના બીજા તારણો પણ રસપ્રદ છે. ભારતમાં ૫૧ થી ૬૦ વર્ષની વય વચ્ચેના લોકોએ વેક્સિનનો સૌથી ઓછો (૨૨ ટકા) વિરોધ કર્યો હતો. જ્યારે ૭૦ વર્ષથી વધુના વડીલોને રસી સામે સૌથી વધુ (૩૫ ટકા) વાંધો હતો. જોવાની વાત એ છે કે સ્ત્રીઓ (૨૫ ટકા) કરતા પુરુષોમાં વધુ ખચકાટ (૨૭ ટકા) જોવા મળ્યો હતો.
કોરોનાની રસીના વિવાદમાં હવે ધર્મનો રંગ ભળ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં લેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે રસી લેવી હરામ છે. અને રસીનું સમર્થન કરી રહેલા અન્ય મુસ્લિમ સંગઠનો પર સવાલ ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ઈમામે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ ફાસિઝ્મનો વિરોધ કરે અને રસી ન લગાવે. અનેક ધાર્મિક નેતાઓએ પણ ઓક્સફર્ડની રસીનો વિરોધ કર્યો છે, કારણ કે તે એક અબોર્ટેડ બેબીના (હત્યા કરાયેલા ભૂ્રણના) સેલમાંથી તૈયાર કરાઈ છે. એવું તેઓ માને છે. અખાતી દેશોમાં કેટલાક મૌલવીઓએ એવી અફવા ફેલાવી છે કે કોરોનાની રસીમાં ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે. માટે આવી રસીનો વપરાશ ઈસ્લામના નિયમોની વિરુદ્ધ છે.
ઈમામે કહ્યું કે કેથોલિક ખ્રિસ્તી રસીની વિરુદ્ધ ઊભા થયા છે, કારણ કે તે હરામ છે, ગેરકાયદે છે. અગાઉ ઓસ્ટ્રેલિયાના એક ખ્રિસ્તી ધર્મગુરુએ પણ ઓક્સફર્ડની કોરોના રસીનો વિરોધ કર્યો હતો. જોકે, અન્ય ધાર્મિક નેતાઓએ રસીના ઉપયોગનું સમર્થન કર્યું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ ઈમામ કાઉન્સિલના પ્રવક્તા બિલાલ રઉફે કહ્યું કે ઈસ્લામનો સિદ્ધાંત જોઈએ તો સૌથી ઊંચો સિદ્ધાંત જીવન બચાવવાનો છે.
એક તરફ આખી દુનિયા કોવિડ-૧૯ના બેફામ ફેલાવાને રોકે તેવી અસરકારક રસીની મૂકાવી રહી છે ત્યારે બીજી તરફ વૈશ્વિક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વ્યાપક પણ ે ચાલતી રસી (વેક્સીન) વિરોધી ઓનલાઇન ઝુંબેશ ધીમેધીમે ભારતમાં પણ જોર પકડતી જાય છે. એવી ચેતવણી વિવિધ ઇન્ટરનેટ મૌનિટરિંગ સાઇટસે આપી છે.
આ ઘટનાથી મેડિકલ નિષ્ણાતો ચોંકી ઉઠયા છે. અને કોવિડ-૧૯ના ઉપચાર માટેની સંભવિત વેક્સીન્સ વિશેની ખોટી માહિતીને ફેલાતી રોકવા સરકાર પગલાં લઈ રહી છે.
'એન્ટી-વેક્સર્સ' (વેક્સીન વિરોધીઓ) તરીકે ઓળખાવાયેલા આ ગુ્રપો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તથા યુટયુ જેવા પ્લેટફોર્મ્સના વધતી જતી સંખ્યામાંના ફોલોઅર્સને પ્રભાવિત કરે છે. આ તમામ સાઇટસ કોવિડ-૧૯ સંબંધી ગેરમાહિતી ફેલાવાય નહી તે પર ચાંપતી નજર રાખતી હોવા છતાં આવા ગુ્રપો તેમની ઝુંબેશ માટે આ સાઇટોનો ઉપયોગ કરે છે. વેક્સીન વિરોધી મેસેજના ફેલાવા માટે વોટસએપ અને ટેલિગ્રામ જેવા ઇનક્રિટટેડ (સંકેતોમાં પરિવર્તિત કરાયેલા) મેસેજિંગ પ્લેટફોર્મ્સનો પણ ઉપયોગ કરી હોવાનું ઇન્ટરનેટ મોનિટરોએ જણાવ્યું હતું.
એક તબીબી નિષ્ણાતે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા પર વેક્સીન વિરોધી ગેરમાહિતીની ઝુંબેશ જોખમી છે અને તેને અટકાવવા સરકારે તેનાથી બનતી તમામ પ્રયાસ કરવા જોઇએ. પોતે સમાજને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે તેનો ખ્યાલ આ એન્ટિ-વેક્સરોને નથી. લોકો સમક્ષ સતત અચોક્કસ માહિતી રજૂ કરાતી રહેશે તો આગ લાગી હશે તો જ ધૂમાડો નીકળે છે અર્થાત આ રજૂઆતોમાં કંઇક તથ્ય હશે તેમ તેઓ માનવા લાગશે. તેમના મનમાં નકામી શંકા પેદા થશે
જો કે, ફેસબુક અને ટ્વિટરના પ્રતિનિધિઓએ વેક્સીન્સ વિશેની ખોટી માહિતી વિરુદ્ધના તેમની કંપનીનાના વલણને દોહરાવ્યું હતું. તેઓ કોઈપણ ભોગે આવી અફવાઓ ફેલાતી રોકશે.
આમ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરીએ તો કોરોનાની રસીની આસપાસ ગુંચવાયેલું રહસ્યનું જાળુ અકબંધ છે. આવનારા દિવસોમાં લોકો એકબીજાને પૂછશે તે રસી મૂકાવી? તો હું પણ મુકાવીશ!